તુવેરદાળ ગુજરાતી ભોજનનો મહત્ત્વનો ભાગ કઈ રીતે બની ગઈ?

તુવેરદાળ 3000 વર્ષ પહેલાં ભારતમાં ત્રણ સ્થળોએ મળી આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન
  • તુવેરદાળનાં મૂળ વિશે વિભિન્ન માન્યતાઓ છે, એક માન્યતા પ્રમાણે ભારતીય પાક છે અને 3000 વર્ષેથી લોકો તેને એક અથવા બીજી રીતે ઉપયોગ કરી રહયા છે.
  • એક માન્યતા પ્રમાણે તે આફ્રિકાથી આવેલી છે.
  • ભારત સમગ્ર વિશ્વમાં તુવરેદાળ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે
  • ગુજરાત દર મહિને 200 ટન તુવેરદાળ વેચાય છે, જેમાં તેલવાળી તુવેરદાળ વધુ વેચાય છે.
લાઇન

ગુજરાતી થાળીનો મહત્ત્વનો ભાગ ખાટી-મીઠી દાળ, વઘારેલી ખીચડી, દાળ ઢોકળી અથવા દાલ બાટી ચુરમા. આ બધી વાનગીઓમાં જો કોઈ એક બાબત સામાન્ય છે તો એ છે તુવેરદાળ. ગુજરાતી વાનગીઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દાળ એ તુવેરદાળ છે અને તેના વગર ગુજરાતી ભાણું લગભગ અધૂરું છે.

ગુજરાતી ભોજનમાં તો તુવેરદાળ એક મુખ્ય ઘટક છે જ પરંતુ સમગ્ર ભારતમાં પણ તે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં જ્યાં સંભારથી લઈને બીજી વાનગીઓ તુવેરદાળથી બને છે.

ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી તુવેરદાળનો ઇતિહાસ બહુ જૂનો છે. પોતાના સ્વાદ અને સોડમના કારણે દાયકાઓથી તે રાજા-રજવાડાથી લઈને સામાન્ય લોકોની પ્રથમ પસંદ રહી છે અને આજે પણ છે.

line

શું છે તુવેરદાળનો ઇતિહાસ?

પ્રાચીન માહિતી અને દસ્તાવેજી પુરાવા પણ સૂચવે છે કે તે મૂળ ભારતીય છે.

ઇમેજ સ્રોત, Getty Images

તુવેરદાળના ઇતિહાસ વિશે ઇતિહાસકારો, ફૂડ બ્લૉગરો અને સંશોધકો અલગઅલગ મત ધરાવે છે. એક થિયરી પ્રમાણે આફ્રિકન દેશ ઝંઝીબારમાં તુવેરદાળ, જેને અંગ્રેજીમાં 'પિજ્યનપી' કહેવામાં આવે છે, સૌપ્રથમ વખત મળી આવી હતી. ઇજિપ્તમાં જ્યારે 2200-2400 ઈ. પૂર્વ સમયની કબરો મળી આવી હતી, ત્યારે તેની અંદરથી સંશોધકોને તુવેરદાળ વિશેની માહિતી મળી હતી.

ઘણા લોકો એવું માને છે કે આફ્રિકાથી વેપારીઓ તુવેરદાળનાં બીજ ભારત અને મ્યાનમાર લઈ આવ્યાં હતાં, જ્યાંથી તે એશિયા અને દક્ષિણપૂર્વ એશિયામાં પહોંચી. અંગ્રેજ લેખક સર જૉન હુકર પોતાના પુસ્તક 'ફ્લોરા ઑફ બ્રિટિશ ઇન્ડિયા' માં નોંધ્યું છે કે હિમાલયમાં 2000 ફીટની ઊંચાઈએ પણ તુવેરદાળની ખેતી કરવામાં આવતી હતી.

તુવેરદાળના ઇતિહાસ વિશે ભારતના વૈજ્ઞાનિકો એમ. જી. મુલા અને કે. બી. સક્સેનાએ સંશોધન કર્યું છે જે મુજબ તુવેરદાળ મૂળ ભારતીય છે અને અહીંથી તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. ઇતિહાસકારોને ટાંકીને બંને વૈજ્ઞાનિકોએ પોતાના પુસ્તક 'લિફ્ટિંગ ધ લેવલ ઑફ અવરનેસ ઑન પિજ્યનપી' માં લખ્યું છે કે તુવેરદાળની ઉત્પત્તિ ભારતના ઇસ્ટર્ન ઘાટમાં થઈ છે.

મહારષ્ટ્રમાં એક પુરાતત્ત્વ ખોજ દરિમયાન એવા પુરાવા મળ્યા છે કે બીજીથી ત્રીજી ઈ. પૂર્વ પણ લોકો દૈનિક ભોજનામાં તુવેરદાળનો ઉપયોગ કરતા હતા.

પુસ્તક પ્રમાણે તુવેરદાળની સૌથી વધુ 16 જાતના પુરાવા મળવા એ વાતની સાબિતી છે કે તે મૂળ ભારતીય છે. ભારતીય વાનગીમાં તુવેરદાળની વિવિધ રીતે ઉપયોગ અંગેની પ્રાચીન માહિતી અને દસ્તાવેજી પુરાવા પણ સૂચવે છે કે તે મૂળ ભારતીય છે.

બંને વૈજ્ઞાનિકો પ્રમાણે ભારત અને મ્યાંમારમાં તુવેરદાળ સંબંધિત 16 જંગલી જાતના અવશેષો મળ્યા છે, જેમાંથી કૅજાનુસ કૅજાનિફૉલીસને (Cajanus Cajanifolius) તુવેરદાળનો પૂર્વજ હોવાનું મનાય છે. આ પ્રજાતિ 3000 વર્ષ પહેલાં ભારતમાં ત્રણ સ્થળોએ મળી આવી હતી.

કુદરતી રીતે તુવેરદાળ ઉપઉષ્ણકટિબંધીય પ્રજાતિ છે અને ખાસ કરીને અર્ધ-શુષ્ક વિસ્તારોમાં વરસાદ આધારિત ખેતી માટે અનુકૂળ છે. તે શૂન્ય ડિગ્રી તાપમાન અને ભારે વરસાદ સામે પણ ટકી શકે છે, જેના કારણે તે ભારતના ખૂણે-ખૂણે પહોંચી ગઈ અને આપણી દૈનિક ભોજનનો એક ભાગ બની ગઈ છે.

line

તુવેર નામ કઈ રીતે પડ્યું

કોરોના બાદ તુવેરદાળની માગ વધી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના બાદ તુવેરદાળની માગ વધી છે

તુવેર શબ્દ એ સંસ્કૃત શબ્દ 'તુવરા' અથવા 'તુબારા' માંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'લીલો બીજ'. વૈજ્ઞાનિકો એમ. જી. મુલા અને કે. બી. સક્સેના અનુસાર ગુજરાતમાં તુવેરનું આગમન ઘણાં વર્ષો પહેલાં થયું હતું. તુવેરદાળને ભારતના કેટલાક વિસ્તારોમાં તુર પણ કહેવાય છે જે તુવરાનું અપભ્રંશ હોવાનું મનાય છે.

હિન્દીમાં તુવેરને અરહર કહેવામાં આવે છે, જે મૂળ સંસ્કૃત શબ્દ 'અધકી'નું અપભ્રંશ છે. ચરક અને સુશ્રુતએ પણ અધકીનો ઉલ્લેખ કર્યો છે. એવું માનવામાં આવે છે કે અધકી શબ્દ એ અર્ધથી આવ્યો છે, જેનો સરળ શબ્દોમાં અર્થ થાય છે - બે ભાગમાં વહેંચાયલી.

એ નોંધવું રસપ્રદ છે કે અરહર શબ્દ ઉત્તર ભારતમાં સામાન્ય છે અને તુવારા દક્ષિણ ભારતમાં. તમિલ લોકોનું સંગમ સાહિત્યમાં તુવરાનો ઉલ્લેખ નથી જે સૂચવે છે કે તુવેરદાળને અમુક દાયકાઓ સુધી તામિલ રસોડામાં સ્થાન મળ્યું નહોતી.

line

મુઘલોએ તુવેરદાળને ગુજરાતમાં લોકપ્રિય બનાવી

તુવેરદાળની વાનગીઓ ખૂબ સરળ, પરંતુ એટલી જ વૈવિધ્યસભર છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તુવેર એટલે કે અરહરમાં ભરપૂર માત્રામાં આયર્ન, આયોડિન અને આવશ્યક એમિનો એસિડ જેમ કે લાયસીન, થ્રેઓનાઇન, સિસ્ટીન અને આર્જીનાઇન વગેરે હોય છે.

તુવેરદાળ એ ગુજરાતીઓની પ્રિય દાળ છે અને તેના પ્રત્યેનો પ્રેમ સદીઓથી જળવાઈ રહ્યો છે. ગુજરાતી ભોજનમાં ઘણી વાનગીઓ તુવેરદાળમાંથી બને છે.

ફૂડ બ્લૉગર અને લેખક પૂજા સાંગાણી કહે છે, '14મી સદીથી લઈને મુઘલો સુધી તુવેરદાળ શાહી ઇતિહાસ ધરાવે છે. પ્રાચીન સમયમાં તુવેરદાળ તેના અદ્ભુત સ્વાદને કારણે અનાજની રાણી તરીકે જાણીતી હતી. અકબરનાં પત્ની અને જહાંગીરનાં માતા જોધાબાઈ તુવેરદાળના પ્રખર પ્રશંસક હતાં.'

તો શું મુઘલોએ ગુજરાતમાં તુવેરદાળને લોકપ્રિય બનાવી? તેના જવાબમાં તેઓ કહે છે કે, 'જોધાબાઈને પંચમેળદાળ બહુ પંસદ હતી, જે પાંચ પ્રકારના દાળમાંથી બનતી હતી. પંચમેળમાં તુવેરદાળનું પ્રમાણમાં સૌથી વધુ રહેતું હતું. પંચમેળદાળ ગુજરાતમાં પણ પ્રસિદ્ધ થઈ અને તેની સાથે તુવેરદાળ પણ લોકપ્રિય બની ગઈ.'

'ગુજરાતની આબોહવા પણ તુવેરદાળ માટે માફક છે. ગુજરાતમાં એક મોટો વિસ્તાર છે જ્યાં ઓછો વરસાદ પડે છે. આ વિસ્તારોમાં તુવેરદાળ સહેલાઈથી ઊગી જાય છે તેમાં પણ ખાસ કરીને કાંઠા વિસ્તારોમાં. તેના કારણે પણ તુવેરદાળ ગુજરાતમાં વધુ લોકપ્રિય બની ગઈ.'

પ્રાકૃતિક કારણો તો છે જ પરંતુ તે સાથે કુપોષણ એ ગુજરાતમાં જાહેર આરોગ્યની એક મોટી ચિંતા છે અને તેથી આ મુદ્દાને ધ્યાનમાં લઈને તુવેરની દાળને દૈનિક આહારમાં ઉમેરવાની પહેલ ગુજરાતમાં વ્યાપક છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ફૂડ બ્લૉગર નિકુંજ સોની કહે છે કે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોવાની સાથેસાથે તુવેરદાળમાં પ્રોટીન અને જરૂરી અન્ય ઘણાં પોષક તત્ત્વો છે જેના લીધે તે ગુજરાતીઓની મનપંસદ દાળ છે. કોરોના બાદ તે પ્રોટીન માટે સૌથી સારો વિક્લપ બની ગયો છે અને તેના કારણે વધુને વધુ ઘરોમાં બનતી થઈ ગઈ છે.

પૂજા સાંગાણી કહે છે, 'ગુજરાતમાં તુવેરદાળની લોકપ્રિયતા પાછળનું સૌથી પ્રચલિત કારણ એ છે કે તેની વાનગીઓ ખૂબ સરળ, પરંતુ એટલી જ વૈવિધ્યસભર છે. તુવેરદાળ અનેક રીતે તૈયાર કરી શકાય છે, જેમાં સૌથી લોકપ્રિય ગોળ સાથેની બનનારી 'તુવેરની દાળ' છે.

line

ભારતીય ભોજન તુવેરદાળ વગર અપૂર્ણ

સારા એવાં પ્રમાણમાં પોષક તત્વો હોવાના કારણે પણ તુવેરદાળ સૌથી વધુ ખવાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં 48.24 લાખ હેક્ટર જમીનમાં તુવેરદાળનું વાવેતર કરવામાં આવ્યું હતું.

તુવેર એ ભારતનો મહત્ત્વનો કઠોળ પાક છે અને દરેક રાજ્યના દૈનિક ભોજનમાં એક અથવા બીજી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

મહારાષ્ટ્રની 'વરણ-ભાટ', બિહાર અને ઉત્તરપ્રદેશની 'અમચૂર અરહર', પંજાબની 'અરહર દાળ ફ્રાય', દક્ષિણ ભારતની પ્રખ્યાત 'સાંભર' અને ગુજરાતની ગોળ-ભેળવેલ 'તુવેરની દાળ' કેટલીક પ્રખ્યાત વાનગીઓ છે, જે તુવેરદાળ વગર કલ્પી પણ ન શકાય.

બીબીસી સાથેની વાતચીતમાં ફૂડ હિસ્ટૉરિયન સદફ હુસૈન કહે છે, "'વિવિધ પુરાવાઓ પ્રમાણે મહારાષ્ટ્ર, કર્નાટક અને ઓડિશાથી તુવેરદાળ ઉત્તરભારતમાં આવી અને ત્યારબાદ રાજસ્થાન, ગુજરાત અને બીજાં રાજ્યોમાં પહોંચી. રાજસ્થાનમાં દાલ ચુરમા બાટી અને પંચમેળદાળના સ્વરૂપમાં તુવેરદાળ વખાણાઈ અને ઝડપથી લોકપ્રિય બની ગઈ."

"તુવેરની દાળનું અંગ્રેજીમાં 'Pigeon Pea' નામ પડવા પાછળની કહાણી પણ રોચક છે. ભારતના ઘણા વિસ્તારોમાં લોકો કબૂતરોને ચણ તરીકે તુવેરદાળ નાખતા હતા, જેના કારણે અંગ્રેજો તેનું નામ 'Pigeon Pea' એટલે કે કબૂતરોવાળી દાળ પાડી દીધું. માનવામાં આવે છે કે તે વખતે અંગ્રેજોને તુવેરદાળમાં રહેતા પોષ્ટિક તત્ત્વો વિશે જરાય ખ્યાલ નહોતો."

તુવેર એટલે કે અરહરમાં ભરપૂર માત્રામાં આયર્ન, આયોડિન અને આવશ્યક એમિનો એસિડ જેમ કે લાયસીન, થ્રેઓનાઇન, સિસ્ટીન અને આર્જીનાઇન વગેરે સારા એવાં પ્રમાણમાં પોષક તત્ત્વો હોવાના કારણે પણ તુવેરદાળ સૌથી વધુ ખવાય છે.

સદફ કહે છે કે "તુવેરદાળ એવી દાળ છે જે સમગ્ર એશિયન ખંડમાં ઉપયોગમાં લેવાય છે અને આ રીતે તે સમગ્ર ખંડને એક સૂત્રમાં બાંધે છે."

line

વિશ્વમાં સૌથી વધુ તુવેરદાળ ભારતમાં થાય છે

ભારતમાં જે દાળની સૌથી વધુ ખેતી થાય છે તે તુવેરદાળ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં દર મહિને 200 ટન તુવેરદાળ વેચાય છે, જેમાં તેલવાળી તુવેરદાળ વધુ વેચાય છે.

તુવેરદાળ ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. 2021માં વિશ્વમાં તુવેરદાળનું કુલ ઉત્પાદન 56.16 લાખ ટન હતી, જેમાંથી 38.8 લાખ ટન માત્ર ભારતમાં થયું હતું, જે 70 ટકા જેટલું થાય છે. ભારતમાં 48.24 લાખ હેક્ટર જમીનમાં તુવેરદાળનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના કૃષિ મંત્રાલય અનુસાર ભારતમાં જે દાળની સૌથી વધુ ખેતી થાય છે તે તુવેરદાળ છે. 2022ના ખરીફ સિઝનમાં ભારતમાં 302295 ક્વિન્ટલ તુવેરદાળનું ઉત્પાદન થયું છે અને 2023માં ઉત્પાદન 4.55 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.

એશિયાની વાત કરીએ તો સ્વાભાવિકપણે ભારતમાં સૌથી આગળ છે. ભારત ઉપરાંત મ્યાનમાર, ચીન અને નેપાળમાં પણ સારા એવાં પ્રમાણમાં તુવેરદાળની ખેતી થાય છે. આફ્રિકા, કૅરેબિયન ટાપુઓ અને કેટલાક દક્ષિણ અમેરિકન દેશોમાં પણ તેની ખેતી થાય છે.

આંકડાઓ પ્રમાણે ભારતમાં તુવેરદાળની સૌથી વધુ ખેતી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થાય છે. ગુજરાતમાં પણ તુવેરદાળનું વાવેતર વધી રહયું છે. 2016-17માં મધ્યપ્રદેશ તુવેરદાળના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે હતો પરંતુ 2021માં ગુજરાત ત્રીજા ક્રમે આવી ગયો છે. ગુજરાતમાં ત્રણ લાખ કરતાં વધુ હેક્ટર જમીનમાં તુવેરદાળની વાવણી કરવામાં આવે છે અને પ્રતિ હેક્ટર ઉત્પાદન 1209 કિલાગ્રામ છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઝારખંડમાં પણ તુવેરદાળની ખેતી થાય છે. સમગ્ર ભારતમાં તુવેરદાળની 90થી પણ વધુ જાતની વાવણી થાય છે. જમીનની ફળદ્રુપતા, આબોહવા અને પાણીની ગુણવત્તાના પ્રમાણે રાજ્યોમાં અલગઅલગ જાતની વાવણી કરવામાં આવે છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ જીટી-100, જીટી-101, બનાસ, બીડીએન -2, બીએસએમઆર - 853 અને એજીટી-2ની વાવણી થાય છે.

line

ગુજરાતમાં તુવેરદાળનું વેચાણ

કોરોના બાદ તુવેરદાળની માગ વધી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઝારખંડમાં પણ તુવેરદાળની ખેતી થાય છે.

ગુજરાતમાં તુવેરદાળનું સૌથી વધુ ઉત્પાદન આણંદ જિલ્લાના વાસદમાં થાય છે અને અહીંથી તુવેરદાળ સમગ્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ જાય છે.

રાજકોટમાં અનાજના વ્યાપારી નીરવ ઠકરારે બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારીયા સાથે વાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં દર મહિને 200 ટન તુવેરદાળ વેચાય છે, જેમાં તેલવાળી તુવેરદાળ વધુ વેચાય છે.

'વાસદ બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર સ્થિત નવાપુરમાં પણ તુવેરદાળનું ઉત્પાદન થાય છે. વાસદ અને નવાપુરની દાળ એ દેશી વેરાયટીની છે અને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં લોકપ્રિય છે. વિદેશોમાં રહેતા લોકોમાં ખાસ કરીને ગુજરાતીઓમાં વાસદ અને નવાપુરની તુવેરદાળ એના સ્વાદ અને સોડમના કારણે બહુ લોકપ્રિય છે. અહીંથી સારા એવા પ્રમાણમાં તુવેરદાળ વિદેશ મોકલવામાં આવે છે.'

નીરવ કહે છે કે આફ્રિકાથી પણ તુવેરદાળ ભારતમાં આવે છે, જે પ્રમાણે સસ્તી હોય છે પરંતુ સ્વાદમાં દેશી તુવેરદાળ જેવી ન હોવાના કારણે તેની ભારતમાં એટલી માગ નથી.

તેઓ પણ સ્વીકારે છે કે કોરોના બાદ તુવેરદાળની માગ વધી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન