ચોમાસું ભારતમાં સામાન્ય રહેવાની આગાહી, ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન કેવો પડશે વરસાદ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, એટલે કે દેશભરમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સારો વરસાદ થવાની સંભવાના છે.

હવામાન વિભાગે વર્ષ 2023ના ચોમાસા અંગેનું પૂર્વાનુમાન જારી કરતાં કહ્યું કે ચોમાસા દરમિયાન અલ નીનોની સંભાવના વધારે છે.

સમગ્ર દેશમાં આ વર્ષે લાંબાગાળાની સરેરાશના 96 ટકા વરસાદ થાય કેવી સંભાવના છે, જેમાં ચાર ટકા મૉડલ ત્રુટીની સંભાવના રહેલી છે. એટલે કે વરસાદ 92 ટકા પણ થાય અને 100 ટકા પણ થઈ શકે છે.

દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની પણ સંભવાના છે એટલે કે ચોમાસું નબળું રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે. કેરળમાં લગભગ ચોમાસું 4 જૂનની આસપાસ જ શરૂ થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે પૂર્વાનુમાનમાં જે નક્શો જાહેર કર્યો છે તેને જોતાં ગુજરાતમાં સરેરાશ ચાર મહિના દરમિયાન વરસાદની સ્થિતિ ચિંતા ઉપજાવે તેવી બની શકે છે.

બીબીસી ગુજરાતી

ક્યાં વધારે અને ક્યાં ઓછો વરસાદ પડશે?

ગુજરાતમાં વરસાદ

મધ્ય ભારત, પૂર્વોત્તર ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સરેરાશ સારો વરસાદ થવાની સંભવાના છે. એટલે કે આ વિસ્તારોમાં લાંબાગાળાની સરેરાશના 96થી 100 ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે અનાજના ભંડાર ગણાતાં રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ સામાન્ય કરતા ઓછો થવાની સંભવાના છે. એટલે કે અહીં લાંબાગાળાની સરેરાશના 92 ટકા આસપાસ વરસાદ પડે તેવી સંભાવના છે.

આ ઉપરાંત હવામાન વિભાગે કહ્યું કે છે કે ઉત્તર પશ્ચિમ ભારત, પશ્ચિમ મધ્યભારત તથા હિમાલયની તળેટીમાં આવેલા વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે.

આમ સમગ્ર દેશની વાત કરીએ તો દેશમાં ઉત્તર અને પશ્ચિમ ભારતને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ સામાન્ય ચોમાસું રહેવાની ધારણા છે.

છેલ્લાં ચાર વર્ષથી ભારતમાં ચોમાસું સારું રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં પણ સારો વરસાદ પડ્યો છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગનું અનુમાન છે કે ભારતના પશ્ચિમ તરફના વિસ્તારોમાં ચોમાસું નબળું રહે તેવી સંભાવના છે. એટલે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે ચોમાસામાં ક્યાં કેટલો વરસાદ પડશે તેની શક્યતાઓ વ્યક્ત કરતો નક્શો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થતું હોય છે અને 15 દિવસની અંદર સમગ્ર રાજ્યને આવરી લે છે.

લાંબાગાળાની સરેરાશ પ્રમાણે ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના રહેલી છે. જોકે, જિલ્લા પ્રમાણે માહિતી આપવામાં આવી નથી.

છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાતાં લૉ-પ્રેશર મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ પરથી થઈને ગુજરાત કે રાજસ્થાન તરફ આવી રહ્યાં હોવાથી સારો વરસાદ થઈ રહ્યો છે.

બીબીસી ગુજરાતી

ભારતના ચોમાસા પર અલ નીનોનો ખતરો?

અલનીનો

હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ મજબૂત થશે. હવામાન વિભાગ પણ ચોમાસા પર અલ નીનોની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

પ્રશાંત મહાસાગરમાં ચોમાસાની શરૂઆત બાદ અલ નીનોની સ્થિતિ મજબૂત થશે અને તેની અસર ભારતના ચોમાસા પર થઈ શકે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે બીજી તરફ ઇન્ડિયન ઓશન ડાઇપોલ પોઝિટીવ થવાની સંભાવના છે જેથી અલ નીનો અસર કદાચ ઓછી થાય તેવી સંભાવના છે.

કેટલાક અપવાદોને બાદ કરતાં જ્યારે પણ અલ નીનો સર્જાય છે ત્યારે ભારતના ચોમાસા પર તેની નકારાત્મક અસર થાય છે અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં ઓછો વરસાદ પડે છે.

અલ નીનોની અસર વિશ્વભરના હવામાન ઉપર થાય છે અને ભારત સહિતના અનેક દેશો પર તેની અસર થાય છે.

બીબીસી ગુજરાતી

દેશમાં નબળા અને સારા ચોમાસાની શક્યતા કેટલી?

હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વાનુમાન જારી કર્યું તેમાં સરેરાશ ચાર મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના વધારે છે. જેમાં વિવિધ શક્યતાઓ પણ આપેલી છે.

પૂર્વાનુમાન પ્રમાણે ચોમાસું નબળું રહે તેવી શક્યતા 20 ટકા છે. જ્યારે દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતા 25 ટકા છે.

જ્યારે ચોમાસું સામાન્ય રહે એટલે કે સારો વરસાદ થાય તેવી શક્યતા 43 ટકા છે. સામાન્ય કરતાં પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા 11 ટકા છે અને ખૂબ જ વધારે વરસાદ પડે તેવી શક્યતા 1 ટકા છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના 50 ટકા છે. સામાન્ય વરસાદ થવાની સંભાવના 30 ટકા છે. જ્યારે વધારે વરસાદ થવાની સંભાવના 20 ટકા છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી