ગુજરાત : અલ નીનો શું છે અને તેના કારણે ગુજરાતમાં આ વર્ષે ચોમાસા પર ખતરો તોળાઈ રહ્યો છે?

ભારતનું ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનું ગણવામાં આવે છે
લાઇન
  • અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે મોસમ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે.
  • અલ નીનોની ભારતના ચોમાસા પર તેની અવળી અસર થાય છે.
  • અલ નીનો અને લા નીનાની ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે.
લાઇન

ભારતમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર ખતરો તોળાઈ રહ્યો છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન તેની વરસાદ પર અસર પડે તેવી શક્યતા ઘણા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરનું કહેવું કે વર્ષ 2023ના ચોમાસા પર ખતરો વધી રહ્યો છે.

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે દુનિયાએ અલ નીનોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલ નીનો ભારતના ચોમાસા પર અવળી અસર કરે છે. એટલે કે અલ નીનોની સ્થિતિમાં ભારતમાં વરસાદ સામાન્ય કરતા ઓછો થાય છે.

જોકે, અલ નીનોની ભવિષ્યવાણી હાલથી કરવી થોડી વહેલી છે, તેનો ચોક્કસ અંદાજ એપ્રિલ-મે મહિનામાં આવી શકશે. પરંતુ અલ નીનો બને તેવી શક્યતા છે અને તેના માટે તૈયાર રહેવું જરૂરી છે.

નેશનલ ઑશેનિક ઍન્ડ ઍટમોસ્ફેયરિક ઍડમિનિસ્ટ્રેશન (NOAA)એ પૂર્વાનુમાન જારી કર્યું છે. જેમાં અલ નીનો આ વર્ષે બનશે તેવી શક્યતા દેખાઈ રહી છે.

line

અલ નીનો શું છે?

અલ નીનો શું છે
ઇમેજ કૅપ્શન, અલ નીનો કેવી રીતે સર્જાય છે તે ઉપરના ચિત્ર પરથી સમજો

અમેરિકન જિયો સાયન્સ અનુસાર અલ નીનો અને લા નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં સમય-સમય થનારા ફેરફાર સાથે છે. જેની અસર આખી દુનિયાની મોસમ પર પડે છે.

સરળ રીતે સમજીએ તો અલ નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે અને લા નીનાને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.

અલ નીનો અને લા નીનાની આ ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે.

સમુદ્રના તાપમાન અને વાયુમંડલની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ નીનો કહે છે. આ ફેરફારને કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતા ઘણો વધારો થાય છે. 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસર જોવા મળે છે. ખાસ કરીને ભારત, વિયેતનામ અને ઑસ્ટ્રેલિયામાં સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે.

line

અલ નીનોની ભારતના ચોમાસા પર શું અસર થાય છે?

વીડિયો કૅપ્શન, નાસાના કેમેરાની નજરે જુઓ કઈ રીતે વીજળી પડે છે?

અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે મોસમ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. ભારતના ચોમાસા પર તેની અવળી અસર થાય છે.

અલ નીનોની સીધી અસર ભારતના દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પર થાય છે, જેમાં દરિયાનું ગરમ પાણી પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી હઠીને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જતું રહે છે. જેના કારણે ભારતમાં ચોમાસામાં થનારા વરસાદમાં ઘટ પડે છે. એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સરેરાશ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા હોય છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે આંકડા દર્શાવે છે કે જ્યારે અલ નીનોની સ્થિતિ હોય છે ત્યારે ભારતમાં દુકાળ પડવાની 60 ટકા જેટલી સંભાવના હોય છે. જ્યારે 30 ટકા ઓછો વરસાદ તથા 10 ટકા સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે.

સરળ રીતે સમજીએ તો અલ નીનોની સ્થિતિમાં ભારતના ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ઓછો થવાની શક્યતા રહેલી હોય છે. જો ઉનાળામાં જ અલ નીનોની સ્થિતિ શરૂ થઈ જાય તો ભારતમાં ઓછો વરસાદ થવાની સંભાવના વધી જાય છે.

જોકે, અલ નીનોને કારણે જ ભારતમાં વરસાદ ઓછો થઈ જશે તેવું નથી, તેના માટે બીજાં પરિબળો પણ કામ કરે છે. અલ નીનો બને છતાં ભારતમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. ઇન્ડિય ઑશન ડાયપૉલની સ્થિતિ જો અનુકૂળ હોય તો તે અલ નીનોની સ્થિતિને ખાળી શકે છે.

1997માં મજબૂત અલ નીનોની સ્થિતિ હતી પરંતુ ભારતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો હતો. જોકે, આવી ઘટના ભાગ્યેજ જોવા મળતી હોય છે.

લાઇન

જ્યારે અલ નીનોની સ્થિતિ સર્જાઈ ત્યારે ભારતમાં શું થયું?

લાઇન

2009થી 2019 વચ્ચે ભારતના અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ પેદા થઈ હતી. 2002માં વરસાદમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 2009ના ચોમાસા દરમિયાન વરસાદમાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ બંને વર્ષોમાં અનેક વિસ્તારોએ દુષ્કાળનો સામનો કર્યો હતો.

આંકડા પ્રમાણે 2004 અને 2015માં પણ વરસાદમાં 14થી 15 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. આ બંને વર્ષોમાં પણ દુષ્કાળની સ્થિતિ જોવા મળી હતી.

છેલ્લાં 25 વર્ષોની જો વાત કરીએ તો 1997માં અલ નીનો મજબૂત હોવા છતાં ભારતમાં સામાન્ય કરતાં વધારે એટલે કે 102 ટકા વરસાદ જોવા મળ્યો હતો. એ સિવાય મોટા ભાગનાં વર્ષોમાં અલ નીનોની સ્થિતિ પેદા થઈ ત્યારે ભારતનાં ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હતો.

લાઇન

આ વર્ષના ચોમાસા પર કેવી અસર થવાની છે?

લા-નીના શું છે?
ઇમેજ કૅપ્શન, લા નીના કેવી રીતે સર્જાય છે તે ઉપરના ચિત્ર પરથી સમજો

ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં આ વર્ષે ઠંડી વહેલી પૂરી થવા જઈ રહી છે અને ઉનાળો વહેલો આવી રહ્યો છે એટલે કે ગરમી જલદી જ વધી રહી છે.

આ વર્ષે સતત ત્રણ વર્ષ સુધી રહેલા લા નીના બાદ હવે અલ નીનો આવવાની શક્યતા દેખાઈ રહી છે. લા નીનાને કારણે ભારતમાં 2019થી 2022 સુધીનાં ચાર વર્ષો ચોમાસું ખૂબ સારું રહ્યું હતું. લા નીનોની સ્થિતિ જ્યારે હોય ત્યારે ભારતમાં ચોમાસું સારું રહે છે એટલે કે ચોમાસા દરમિયાન સામાન્ય કે સામાન્ય કરતાં વધારે વરસાદ થાય છે.

આ સદીમાં પ્રથમ વખત એવું બન્યું છે કે સતત ત્રણ વર્ષ સુધી લા નીનાની સ્થિતિ રહી હોય. આ પહેલાં 1973થી 1976ની વચ્ચે 37 મહિનાઓ સુધી લા નીનાની સ્થિતિ રહી હતી. જે બાદ 1998-2001ની વચ્ચે લગભગ 24 મહિનાઓ સુધી લા નીનાની સ્થિતિ રહી હતી. એ વાત પણ અહીં જાણવી જરૂરી છે કે લા નીનાની સ્થિતિમાં ભારતમાં ચોમાસું સારું રહે છે.

હાલ ભલે મોટાં ભાગનાં મૉડલ અલ નીનો બનવાની શક્યતા દર્શાવી રહ્યાં હોય પરંતુ તેની સાચી સ્થિતિ તો લગભગ એપ્રિલ કે મે મહિનામાં જ મળી શકશે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરનું કહેવું છે કે વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન વધવાનું શરૂ થઈ ગયું છે. લા નીનાની સ્થિતિ થોડા જ સમયમાં પૂર્ણ થઈ જશે અને ન્યૂટ્ર્લ સ્થિતિ પેદા થઈ જશે. એટલે કે લા નીના અને અલ નીનો વચ્ચેની સ્થિતિ. જે બાદ ન્યૂટ્રલ સ્થિતિમાંથી અલ નીનો બનવાની શક્યતા છે.

જોકે, તમામ આધાર અલ નીનો ક્યારે સર્જાય છે અને કેટલું મજબૂત સર્જાય છે તેના પર છે. એટલે અત્યારથી એ માની લેવાની જરૂર નથી કે ચોમાસામાં વરસાદ ઓછો જ થશે.

વીડિયો કૅપ્શન, જળ સંકટ: એક એવું ગામ જ્યાં અનેક યુવકો કુંવારા છે, કેમ કે પીવાનું પાણી નથી
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન