ક્લાઇમેટ ચેન્જ શું છે અને આપણા માટે ખતરો કેમ? સમજો સરળ રીતે
વિશ્વમાં કૃત્રિમ રીતે (મનુષ્યો દ્વારા થતી ગતિવિધિઓ-પ્રવૃત્તિઓને કારણે) તાપમાન વધી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ છે.

માનવજાત અને પ્રકૃતિ એક વિનાશકારી ગરમીનો અનુભવ કરવાનાં છે, જેમાં દુકાળ, દરિયાની વધેલી સપાટી અને પ્રજાતિઓનાં સામૂહિક મોત પણ જોવાં મળશે.
આપણી સામે ગંભીર સંકટ છે પણ તેના માટે કેટલાક સક્ષમ ઉકેલો પણ છે.

ક્લાઇમેટ ચેન્જ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાંક વર્ષો દરમિયાન એક સ્થળના સરેરાશ હવામાનને ક્લાઇમેટ કહેવામાં આવે છે. આ સરેરાશ હવામાનોમાં બદલાવને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે.
પણ હવે જે ઝડપે ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે તેની પાછળ માનવજાત દ્વારા ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે.
જ્યારે આ અશ્મિગત બળતણો બળે છે ત્યારે તે કેટલાક ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે. તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ (CO2) છે. આ બધા ગૅસ સૂર્યની ગરમીને ઘેરી લે છે, જેથી ગ્રહનું તાપમાન વધે છે.
19મી સદી કરતાં હાલ વિશ્વ 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. એટલે કે તેનું તામપાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. વળી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 50 ટકા વધ્યું છે.
વૈજ્ઞાનિકો કહે છે કે જો આપણે ક્લાઇમેટ ચેન્જનાં દૂરગામી ગંભીર પરિણામોથી બચવું હોય તો તાપમાનમાં થતા વધારાને ફરજિયાત ધીમો પાડવો પડશે. તેઓ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગ (જળવાયુ પરિવર્તન) 2100 સુધી 1.5 સેલ્સિયસ જ રાખવું પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ભાવિ પગલાં નહીં લેવામાં આવે તો પૃથ્વીનું તાપમાન આ સદીના અંત સુધીમાં વધુ 2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
જો કંઈ જ નહીં કરવામાં આવે તો વૈજ્ઞાનિકો માને છે કે જળવાયુ પરિવર્તન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે.

ક્લાઇમેટ ચેન્જની શું અસર થશે?

ગરમ વાતાવરણની (વધુ તીવ્ર બનનારી ઋતુઓ) ઘટનાઓ પહેલાંથી જ વધી ગઈ છે. જેથી માનવજાતના અસ્તિત્વ અને રોજીરોટી પર તેની અસર પડી છે.
હજુ વધુ ગરમી વધવાથી કેટલાક વિસ્તારો રહેવાલાયક નહીં રહે. જેમ કે ખેતરો રણ જેવાં સૂકાં બની જશે.
અન્ય વિસ્તારોમાં એનાથી વિપરીત સ્થિતિ સર્જાશે અને અતિવૃષ્ટિથી ઐતિહાસિક પૂર આવવા લાગશે. આપણે ચીન, જર્મની, બેલ્જિયમ અને નેધરલૅન્ડમાં આ સ્થિતિ જોઈ ચૂક્યા છીએ.
ગરીબ દેશોમાં રહેતી પ્રજાએ સૌથી વધુ વેઠવાનું આવશે, કેમ કે તેમની પાસે ક્લાઇમેટ ચેન્જ સામે ટકી રહેવા માટે જરૂરી આર્થિક ક્ષમતા નથી.
વિકાસશીલ દેશોનાં ઘણાં ખેતરો પહેલાંથી જ ક્લાઇમેટ ચેન્જની અસરના સાક્ષી બની રહ્યાં છે. ત્યાં ઘણી ગરમી છે અને તે હજુ વધી શકે છે.
આપણાં સમુદ્રો અને રહેણાકો પણ ખતરામાં છે. ઑસ્ટ્રેલિયાની ‘ધ ગ્રેટ બેરિયર રિફ’ વર્ષ 1995થી અત્યાર સુધી લગભગ તેની અડધાથી વધુ કોરલ્સ ગુમાવી ચૂકી છે, જેનું કારણ ક્લાઇમેટ ચેન્જને કારણે ગરમ થયેલો સમુદ્ર છે.
દાવાનળ પણ વારંવાર ફાટી રહ્યા છે, કેમ કે ક્લાઇમેટ ચેન્જને કારણે વાતાવરણ ગરમ અને શુષ્ક બની રહ્યું છે.
સાઇબીરિયા જેવાં સ્થળોમાં જામેલો બરફ પીગળી રહ્યો છે. વર્ષોથી ઘેરાયેલા (બર્ફીલા ખડકોમાં રહેલા) ગ્રીનહાઉસ ગૅસ હવામાંથી વાતાવરણમાં ભળશે તો ક્લાઇમેટ ચેન્જ વધારે તીવ્ર બનશે.
વધુ ગરમ વિશ્વમાં પશુઓ માટે ખોરાક-પાણીની સમસ્યા સર્જાશે અને તેમનું અસ્તિત્વ પણ જોખમમાં આવી જશે.
જેમ કે ઉદાહરણ તરીકે ધ્રુવ પ્રદેશના સફેદ રીંછ બરફ પીગળી જવાથી મૃત્યુ પામી શકે છે. હાથીઓને દરરોજ 150-300 લિટર પાણી જોઈએ, આથી તેમની મુશ્કેલી વધી જશે.
વૈજ્ઞાનિકો માને છે કે જો યોગ્ય પગલાં ન લેવાયાં તો આ સદીના અંત સુધીમાં 550 પ્રજાતિઓનો નાશ થઈ શકે છે.

વિશ્વના વિવિધ ભાગોમાં કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના વિવિધ ભાગોમાં ક્લાઇમેટ ચેન્જની જુદીજુદી અસર થશે. કેટલીક જગ્યાઓ અન્ય કરતાં વધુ ગરમ બનશે, કેટલીક જગ્યાએ અતિશય વરસાદ પડશે અને કેટલીક જગ્યાએ દુકાળ પડશે.
જો તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ જાળવવામાં નહીં આવે તો...
- યુકે અને યુરોપ અતિશય વરસાદને લીધે પૂરનો શિકાર બનશે
- મધ્ય પૂર્વના દેશો હિટવેવનો શિકાર બનશે અને ખેતરો રણમાં ફેરવાઈ જશે
- પેસિફિકના આઇસલૅન્ડના દેશો દરિયાની સપાટી વધતા ડૂબી જશે
- ઘણા આફ્રિકી દેશો દુકાળ અને ખાદ્યાન્નની અછતનો શિકાર બનશે
- પશ્ચિમી અમેરિકામાં દુકાળની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે તોફાનો, ચક્રવાત સર્જાઈ શકે છે
- ઑસ્ટ્રેલિયામાં અત્યંત ગરમી અને દુકાળની શક્યતા છે

સરકારો શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના દેશોએ એ વાત સ્વીકારી લીધી છે કે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ એકસાથે જ લડી શકાય છે. પેરિસમાં 2015માં ઐતિહાસિક કરાર થયો હતો, જેમાં વિશ્વનું વધેલું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસના સ્તરે જાળવી રાખવા પ્રતિજ્ઞા લેવાઈ હતી.
યુકે વિશ્વના નેતાઓ માટે સમિટ યોજી રહ્યું છે, જેને COP26 તરીકે ઓળખવામાં આવે છે.
નવેમ્બરમાં આ સમિટ યોજાશે, જેમાં તમામ દેશો 2030 સુધીના તેમના કાર્બન ઉત્સર્જનના ઘટાડવાના પ્લાન નક્કી કરશે.
ઘણા દેશોએ વર્ષ 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એનો અર્થ કે શક્ય હોય એટલા ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં ઘટાડો કરવો અને બાકીના વાતાવરણમાંથી બાકીની માત્રાના ગૅસ શોષી લઈને એક સંતુલન સ્થાપવું.
નિષ્ણાતો એ વાત પર સંમત છે કે આ શક્ય છે, પરંતુ તેમાં સરકારો, ઉદ્યોગો અને પ્રજાએ મોટા બદલાવ લાવવા પડશે.

વ્યક્તિગત રીતે શું ભૂમિકા નિભાવી શકાય?

ઇમેજ સ્રોત, Reuters
મોટા પાયે જરૂરી હોય એવાં પરિવર્તનો સરકારો અને ઉદ્યોગો તરફથી લાવવા પડશે. પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે કેટલાક નાના બદલાવ આપણે આપણા જીવનમાં લાવીએ તો ક્લાઇમેટ પર તેની હકારાત્મક અસર થઈ શકે છે. જે આ મુજબ છેઃ
- વિમાની મુસાફરી ઓછી કરીએ
- કાર ન રાખીએ અને ઇલેક્ટ્રિક કાર વાપરીએ
- ઊર્જા બચાવતી વસ્તુઓ ખરીદીએ, જેમ કે વૉશિંગ મશીન જેવી વસ્તુઓ જરૂર હોય ત્યારે જ બદલીએ
- ગૅસથી ચાલતી સિસ્ટમની જગ્યાએ ઇલેક્ટ્રિકથી ચાલતી સિસ્ટમ વાપરવાનું શરૂ કરીએ
- ઘરને વિદ્યુતરોધક બનાવીએ
ગ્લાસગોમાં નવેમ્બરમાં યોજાનારી ગ્લોબલ ક્લાઇમેટ સમિટ COP26ને અત્યંત મહત્ત્વ ગણવામાં આવી રહી છે.
જો ક્લાઇમેટ ચેન્જને અંકુશમાં લાવવું હોય તો એના માટે આ ખૂબ જ અગત્યનો મંચ છે. તેમાં 200થી વધુ દેશોને તેમના ઉત્સર્જન ઘટાડવાના પ્લાન નક્કી કરવા કહેવાયું છે.
આપણા રોજિંદા જીવન માટે પણ તે મોટો બદલાવ લઈને આવશે એવી શક્યતા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













