ઈરાનમાં લોકોનો પોકાર 'અમને પાણી આપો', કેમ દુકાળિયો બની રહ્યો છે દેશ?

વિશેષજ્ઞોને બીક છે કે લાંબો દુષ્કાળ ઠીક થઈ રહેલ ઉર્મિયા તળાવ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY

ઇમેજ કૅપ્શન, વિશેષજ્ઞોને બીક છે કે લાંબો દુષ્કાળ ઠીક થઈ રહેલ ઉર્મિયા તળાવ માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે
    • લેેખક, જૅક ગુડમૅન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

ઈરાન હાલ પાણીની ભયંકર તંગી અને વીજકપાતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

સામાન્ય લોકો વીજળી અને પાણી માટે રસ્તા પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનોએ દેશમાં ઘેરાતા જઈ રહેલા જળસંકટ તરફ વધુ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

વિશેષજ્ઞોએ ઘણાં વર્ષોથી બગડતી જતી સ્થિતિ તરફ ધ્યાન દોર્યું હતું અને ચિંતા વ્યક્ત કરી હતી.

ઈરાનના જળસંકટ માટે કોણ જવાબદાર છે?

એપ્રિલમાં ઈરાની હવામાન વિજ્ઞાન સંગઠને ચેતવણી આપી હતી કે એક 'અભૂતપૂર્વ દુષ્કાળ' અને વરસાદની ભારે અછત સર્જાવાની છે.

line

રસ્તા પર લોકો

ઑઇલ ઉત્પાદનવાળા પ્રાંત ખુજેસ્તાનમાં પાણીની અછતના કારણે લોકો રસ્તા પર ઊતરી આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑઇલ ઉત્પાદનવાળા પ્રાંત ખુજેસ્તાનમાં પાણીની અછતના કારણે લોકો રસ્તા પર ઊતરી આવ્યા (પ્રતીકાત્મક તસવીર)

ઑઇલ ઉત્પાદનવાળા પ્રાંત ખુજેસ્તાનમાં પાણીની અછતના કારણે લોકો રસ્તા પર ઊતરી આવ્યા અને બીજાં શહેરોમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક વીજળીની અછતના કારણે પ્રદર્શન થયાં હતાં.

સરકારે વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં આપાતકાલીન સહાયતા પૂરી પાડી હતી.

ઈરાન હાલ પર્યાવરણને લગતા ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં ગરમીમાં વધારો, પ્રદૂષણ, પૂર અને તળાવો સુકાઈ જવાની સમસ્યાઓ સામેલ છે.

line

અનેક દાયકાના સૌથી ખરાબ આંકડા

ઈરાનમાં વરસાદની અછતથી ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ અંગે વિશેષજ્ઞો ચેતવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં વરસાદની અછતથી ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ અંગે વિશેષજ્ઞો ચેતવી રહ્યા છે? (પ્રતીકાત્મક તસવીર)

ઊર્જા મંત્રાલયની વેબસાઇટના આંકડા અનુસાર, ઈરાનના મુખ્ય નદી બેસિનમાં સપ્ટેમ્બર, 2020 અને જુલાઈ 2021 વચ્ચે પડેલ વરસાદ પાછલા વર્ષે આ દરમિયાન પડેલ વરસાદની સરખામણીએ ઘણો ઓછો હતો.

આ અગાઉના સરકારી આંકડા અમને નથી મળ્યા, પરંતુ અમેરિકાના સંશોધકોએ સેટેલાઇટ દ્વારા ડેટા એકઠો કર્યો છે.

આ આંકડામાં માર્ચ માસમાં થયેલ વરસાદની પાછલાં 40 વર્ષની સરેરાશ સાથે સરખામણી કરાઈ હતી. યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા અરવિનના સેન્ટર ફૉર હાઇડ્રોમેટ્રોલૉજી અનુસાર, વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિના આ સરેરાશ કરતાં ઓછા હતા.

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનનું અનુમાન છે કે ઈરાનમાં અનાજની એક-તૃતીયાંશ ખેતીની ભૂમિ માટે સિંચાઈની જરૂર છે. તેથી વરસાદ ન પડવો એ સમસ્યા સાબિત થઈ શકે છે.

line

ખુજેસ્તાનમાં શું થયું?

ઑઇલ ઉત્પાદનવાળાં ક્ષેત્રોમાં સર્જાઈ રહી પાણીની અભૂતપૂર્વ અછત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑઇલ ઉત્પાદનવાળાં ક્ષેત્રોમાં સર્જાઈ રહી પાણીની અભૂતપૂર્વ અછત

આ પ્રાંતમાં ઘણા સમય સુધી દુષ્કાળનો સામનો કર્યા બાદ સ્થાનિકોએ પ્રદર્શન કર્યાં છે. કેટલાક લોકો નારા પોકારી રહ્યા હતા કે, 'અમે તરસ્યા છીએ.'

સ્ટુટગાર્ટ યુનિવર્સિટીના સંશોધકોના ડેટા અનુસાર, એક એવું ક્ષેત્ર જ્યાં મબલક પાણી હતું, ત્યાં મહત્ત્વપૂર્ણ કરુન નદી હવે સૂકી રહે છે.

સેટેલાઇટની તસવીરોથી દેખાય છે કે પાછલાં વર્ષોમાં તેના પાણીનું સ્તર ઝડપથી ઘટ્યું છે.

પરંતુ વર્ષ 2019માં જ્યારે તેમાં પૂર આવ્યું ત્યારે તેમાં વધારો થયો હતો.

line

દાયકાઓથી સર્જાઈ રહી હતી સમસ્યા?

ઘણાં મહત્ત્વપૂર્ણ બંધોમાં હાલ પાણી ઘણું ઓછું છે અને સતત પાણી છોડવાની માગ ઊઠી રહી છે
ઇમેજ કૅપ્શન, ઘણાં મહત્ત્વપૂર્ણ બંધોમાં હાલ પાણી ઘણું ઓછું છે અને સતત પાણી છોડવાની માગ ઊઠી રહી છે

ખુજેસ્તાનની ઑથૉરિટીનાં સૂત્રો દ્વારા મળેલા નકશામાં જુલાઈ, 2021માં ક્ષેત્રના બંધોના પાણીનું સ્તર બતાવવામાં આવ્યું છે. વાદળી રેખા પાણીનું સ્તર દર્શાવી રહી છે.

ઘણાં મહત્ત્વપૂર્ણ બંધોમાં હાલ પાણી ઘણું ઓછું છે અને સતત પાણી છોડવાની માગ ઊઠી રહી છે જેથી અનાજની ખેતી કરતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીનું નિરાકરણ કરી શકાય.

અમુક લોકો આ સંકટનું કારણ ઑઇલઉદ્યોગને ગણાવે છે.

આ વિસ્તારથી પાણીને દેશના કેન્દ્રમાં આવેલા રણપ્રદેશોમાં પણ લઈ જવામાં આવે છે જે તણાવનું એક મોટું કારણ છે.

યેલ વિશ્વવિદ્યાલયમાં તહેનાત અને ઈરાની પર્યાવરણ વિભાગના ભૂતપૂર્વ ઉપપ્રમુખ કાવેહ મદની કહે છે કે, "અહીં ક્લાઇમેટ ચેન્જ અને દુષ્કાળ કારણભૂત છે."

"પરંતુ આ સમસ્યા દાયકાઓથી સર્જાઈ રહી હતી. જેમાં ખરાબ મૅનેજમૅન્ટ, ખરાબ પર્યાવરણ, દૂરદર્શીપણાની કમી અને પહેલાથી આ પરિસ્થિતિ માટે તૈયાર ન હોવા જેવી વાતો સામેલ છે."

line

પાણીને લઈને વધુ ગંભીર બનશે પડકારો?

અમુક લોકો આ સંકટનું કારણ ઑઇલઉદ્યોગને ગણાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમુક લોકો આ સંકટનું કારણ ઑઇલઉદ્યોગને ગણાવે છે

ઈરાન પોતાના સંકોચાતા જઈ રહેલા પાણીના સ્રોતો પર ઘણું વધુ નિર્ભર છે.

તેઓ સતત દુષ્કાળનો સામનો કરી રહ્યા છે અને ક્લાઇમેટ ચેન્જના કારણે તેને વધુ વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ ગરમી અને દુષ્કાળની મોસમ હાઇડ્રોપાવર જનરેશનને પણ વધુ અસર કરશે, જેના કારણે પહેલાંથી ગરમીમાં ઈરાનમાં ગંભીર વીજળીની અછત જોવા મળી છે.

વીજળી ન આવવાના કારણે તેહરાન અને અન્ય શહેરોમાં ભારે વિરોધપ્રદર્શન થઈ ચૂક્યાં છે. વીજળીની અછતના કારણે ટેલિકૉમ્યુનિકેશન અને ટ્રાફિક લાઇટ પર પણ અસર થઈ છે.

ગરમીમાં ઍર-કંડિશનના ઉપયોગના કારણે વીજળીની માગમાં ભારે વધારો થયો છે. જેના કારણે પાવર ગ્રિડ પર ઘણું દબાણ સર્જાયું.

જોકે, દેશમાં વીજળીના પુરવઠા માટે ક્રિપ્ટો-કરન્સીની માઇનિંગને પણ જવાબદાર ઠેરવવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે તેમાં ઘણી વીજળીનો ઉપયોગ થાય છે.

દુષ્કાળ પર્યાવરણ સામે પડકારો પેદા કરી રહ્યો છે ત્યારે ઈરાનમાં જળસંકટ વધુ તીવ્ર બનતું જઈ રહ્યું છે.

વર્ષ 2015માં પર્યાવરણ વિશેષજ્ઞોએ એ વાતને લઈને ચેતવ્યા હતા કે જો ઈરાનમાં જળસંકટનું સમાધાન નહીં શોધવામાં આવે તો લાખો લોકોના સામૂહિક પલાયનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

ઈરાનના પર્યાવરણ વિભાગના પ્રમુખ માસૂમેહ એબ્તેકાર કહે છે કે કૃષિમાં 'ક્રાંતિ'ની જરૂર છે.

ઈરાનમાં પાણીનો મુખ્ય સ્રોત ભૂગર્ભ જળ છે પરંતુ વિશ્વના જે દેશોમાં ઝડપથી ભૂગર્ભજળ ઓછું થઈ રહ્યું છે તેમાં ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા અને ચીનની સાથોસાથ ઈરાન પણ સામેલ છે.

ખાદ્ય મામલામાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ખેડૂતો ભૂગર્ભજળનો છૂટથી ઉપયોગ કરતા રહ્યા છે.

ભૂગર્ભજળ ઝડપથી કાઢવાના કારણે જમીનમાં મીઠાનું પ્રમાણ વધી શકે છે જેના કારણે અન્ન પેદા કરનારાં ક્ષેત્રોમાં જમીનની ફળદ્રુપતા પર પણ અસર પડી શકે છે.

પ્રોસિડિંગ્સ ઑફ ધ નૅશન એકૅડેમી ઑફ સાયન્સિઝના એક સંશોધન અનુસાર, ઘણાં ક્ષેત્રોમાં સિંચાઈના પાણીમાં વધુ મીઠું હોવાનો ખતરો છે.

ભૂગર્ભજળ માટે ઊંડા ખોદકામના કારણે શહેરોના ભૂગર્ભમાં ગરકાવ થવાનો ખતરો પણ રહેલો છે.

line

વિલુપ્ત થઈ રહેલાં તળાવ

ઉર્મિયા તળાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્લાઇમેટ ચેન્જના કારણે એક સમયે વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું તળાવ ઉર્મિયા સંકોચાઈ રહ્યું છે

આ સાથે જ એવા વિસ્તારો અને નદીઓ માટે ચિંતામાં વધારો થયો છે, જ્યાં ઘણું પાણી હતું અને હવે ત્યાં આંધીનો ખતરો સર્જાયો છે.

ઉર્મિયા તળાવ ક્યારેક વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું તળાવ હતું જે હવે પર્યાવરણ વિનાશનું એક પ્રતીક બની ચૂક્યું છે. ક્યારેક 1,930 ચોરસ માઈલમાં ફેલાયેલું આ તળાવ વર્ષ 2015માં પોતાના આકારના દસમા ભાગનું થઈ ગયું હતું.

90ના દાયકામાં ક્ષેત્રમાં ઝડપથી વધી રહેલી કૃષિ પ્રવૃત્તિઓ અને દુષ્કાળ વચ્ચે લોકોએ પોતાના પાક માટે ભૂગર્ભજળનો ઉપયોગ કર્યો અને ઘણા બંધ બાંધ્યા.

જનતાના હંગામા, રાષ્ટ્રપતિના વાયદા અને બહેતર સિંચાઈ બાદ તળાવનું નસીબ પલટાતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

ઇતિહાસના પોતાના આકારની તુલનામાં તળાવ હવે અડધું રહી ગયું છે અને સારા આકારમાં છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ સુધારાના કારણે છે કે પછી ઠીક થયેલા વરસાદના કારણે. લાંબા દુષ્કાળના કારણે તેના સુધારામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો