T20 WC Final : ભારતે વર્લ્ડકપમાં ન્યૂઝીલૅન્ડ સામે ઇતિહાસ રચવો હોય તો છ બાબતો પર ધ્યાન આપવું પડશે

ઇમેજ સ્રોત, Prakash Singh/Getty Images
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપમાં ઇતિહાસ રચવાથી માત્ર એક જીત દૂર છે. પરંતુ ગઈ મૅચોમાં કરેલી કેટલીક ભૂલો ટાળવામાં આવે તો ભારત મૅચ જીતી શકે છે.
આવું કરીને તે સતત બીજી વખત ખિતાબ જીતનારી બીજી ટીમ બની શકે છે.
ભારતે ન્યૂઝીલૅન્ડને થોડા સમય પહેલાં જ ટી20 સિરીઝમાં 4-1થી આસાનીથી હરાવ્યું હતું, પરંતુ ન્યૂઝીલૅન્ડ સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને જે રીતે ફાઇનલમાં આવ્યું છે, તેના પરથી એટલું સ્પષ્ટ છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ આસાન નહીં હોય.
ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન સેંટનરે મૅચની પૂર્વસંધ્યાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, "ભીડને શાંત કરવી એ જ અમારું સૌથી મોટું લક્ષ્ય છે. ટી20 એક અનિશ્ચિત ફૉર્મેટ છે અને અહીં અમૂક પળોમાં જ રમતની દિશા બદલાઈ જાય છે. ભારત પર ઘરઆંગણે વર્લ્ડકપ જીતવાનું દબાણ છે અને અમે તેનો ફાયદો લેવાની યોજના ધરાવીએ છીએ."
બીજી તરફ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મૅચના આગલા દિવસે પત્રકારોને જણાવ્યું કે ટીમનું એકમાત્ર લક્ષ્ય ફાઇનલ જીતીને દેશને ઉજવણીની તક આપવાનું છે.
જોકે, ફાઇનલ જીતવા માટે ભારતે આટલું ચોક્કસ કરવું પડશે.
1. ઓપનિંગની સમસ્યા ઉકેલવી જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્લ્ડકપમાં ભારતને સૌથી વધુ ભરોસો પોતાની ઓપનિંગ જોડી પર હતો. પરંતુ તે બહુ સફળ નથી રહી જે ભારતની સૌથી મોટી તકલીફ છે. ખાસ કરીને અભિષેક શર્મા સફળ નથી રહ્યા.
તેઓ આ વર્લ્ડકપમાં આ ફૉર્મેટના નંબર વન બૅટ્સમૅન તરીકે ઉતર્યા હતા. પરંતુ પ્રથમ ત્રણ મૅચમાં ખાતું ન ખોલી શકવાથી તેમના મનોબળને અસર થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલા જ બૉલ પર મોટો શૉટ રમવાનો પ્રયાસ કરવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે.
ભારત ઈશાન કિશન અને સંજુ સૅમસન પાસે ઇનિંગની શરૂઆત કરીને આ સમસ્યામાંથી નીકળી શકે છે. પરંતુ હવે ટીમના મૅનેજમેન્ટ પર આધારિત છે કે તેઓ અભિષેકને વધુ એક તક આપે છે કે નહીં. શક્ય છે કે ટીમનું મૅનેજમેન્ટ કોઈ ફેરફારની તરફેણમાં ન હોય.
અભિષેક અત્યાર સુધીની સાત મૅચમાં 12.71 રનની ઍવરેજથી માત્ર 89 રન બનાવી શક્યા છે, જેમાં ઝિમ્બાબ્વે સામે 55 રનની ઇનિંગ સામેલ છે. તે અર્ધસદીને દૂર કરીએ તો તેમનું કંગાળ પ્રદર્શન દેખાઈ આવે છે.
ઓપનિંગ એ ભારતની કમજોર કડી છે. સંજુ સૅમસનના કારણે છેલ્લી બે મૅચમાં ભારત જીતી શક્યું, બાકી શરૂઆતની મૅચોમાં તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી.
અભિષેક આમ તો પોતાના બૅટ સાથે બૉલને સારી રીતે કનેક્ટ કરે છે. પરંતુ વિકેટનો મિજાજ સમજ્યા પછી તેઓ આવું કરે તો સમસ્યા દૂર થઈ શકે છે.
2. ન્યૂઝીલૅન્ડની ઓપનિંગ જોડીનો શાનદાર દેખાવ

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડની ઓપનિંગ જોડી ફિન ઍલન અને ટિમ સાઇફર્ટે વર્લ્ડકપમાં જે અંદાજથી વિસ્ફોટક બેટિંગ કરી છે, તેના કારણે તેમની ટીમ ફાઇનલ સુધી પહોંચી શકી છે.
ફિન ઍલન પાવરપ્લેમાં જ બૉલરોની ધોલાઈ કરવા માટે જાણીતા છે. તેઓ સામે કયો બૉલર છે તે ક્યારેય નથી જોતા. તેઓ બૉલને બાઉન્ડ્રીની બહાર જ મોકલી દેવામાં માને છે. આ વર્લ્ડકપમાં તેમણે 200થી વધારેની સ્ટ્રાઇક રેટ સાથે નવ મૅચમાં 369 રન બનાવ્યા છે.
બીજી તરફ સાઇફર્ટે 10 મૅચમાં 341 રન બનાવ્યા છે. તેમનું આ પ્રદર્શન દેખાડે છે કે તેઓ ભારતીય બૉલરો માટે માથાનો દુ:ખાવો બની શકે છે.
મિડલ ઑર્ડરમાં રચિન રવીન્દ્ર અને ગ્લેન ફિલિપ્સ ઝડપથી રન બનાવવા માટે જાણીતા છે.
3. વરુણના નબળા પ્રદર્શનની ચિંતા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય વિકેટ પર વિદેશી બૉલરો સારો દેખાવ કરતા હોય અને ભારતના સ્પિનરનો કોઈ પ્રભાવ ન હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. વરુણ ચક્રવર્તી સાથે હાલની ટુર્નામેન્ટમાં આવી સમસ્યા છે.
ઇંગ્લૅન્ડ સામે તેમણે સેમિફાઇનલમાં ચાર ઓવરમાં 64 રન આપીને એક વિકેટ લીધી હતી. આવું પ્રદર્શન બીજી વાર ન થાય તે ભારત અને વરુણ માટે જરૂરી છે.
આ મૅચથી સાબિત થયું કે પ્રેશરમાં ઘણી વખત બૉલરો પોતાની રિધમ ગુમાવી દે છે. બેથલે તેમને પ્રથમ ત્રણ બૉલમાં જે રીતે સિક્સર ફટકારી, ત્યાર પછી તેઓ ક્યારેય યોગ્ય લાઇન અને લેન્થની બૉલિંગ કરી ન શક્યા.
વરુણ સુપર-8ની મૅચોમાં જ પોતાના ફૉર્મમાં ન હતા. ઘણી વખત દબાણ વધે ત્યારે તેઓ વધારે ઝડપથી બૉલિંગ કરે છે. જેનાથી દડો સ્પિન થવાની શક્યતા ઘટી જાય છે અને સામેના બૅટ્સમૅન તેનો ફાયદો ઉઠાવે છે.
વરુણના પ્રદર્શનને બે ભાગમાં વહેંચી શકાય. પ્રથમ ચાર મૅચમાં તેમણે પોતાની પ્રતિભા અનુસાર બૉલિંગ કરી અને નવ વિકેટ લીધી. પરંતુ સુપર-8 શરૂ થતા તેઓ રંગત ગુમાવી બેઠા. તેઓ યોગ્ય લેન્થ પકડી શકતા ન હતા. આ દરમિયાન ચાર મૅચમાં તેમણે માત્ર ચાર વિકેટ મેળવી.
અક્ષર પટેલ પણ બૉલિંગમાં બહુ પ્રભાવ દેખાડી શક્યા નથી. તેઓ પોતાની ફિલ્ડિંગ અને બેટિંગથી પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. સેમિફાઇનલમાં બે શાનદાર કૅચ પકડીને તેઓ આ વાત સાબિત કરી ચુક્યા છે.
વરુણની જગ્યાએ ફાઇનલમાં કુલદીપ યાદવને રમાડી શકાય છે. પરંતુ સમસ્યા એ છે કે તેઓ હજુ સુધી એક જ મૅચ રમ્યા છે. તેથી ટીમનું મૅનેજમેન્ટ આ જોખમ લેવાનો નિર્ણય ભાગ્યે જ કરશે. તેથી વરુણ થોડી વધુ સજાગતા સાથે બોલિંગ કરે તે યોગ્ય રહેશે.
4. હૅનરી અને મૅક્કોનીથી બચવું જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
હૅનરીની કારકિર્દીની આ છેલ્લી મૅચ હશે અને તેઓ તેને યાદગાર બનાવવા માંગશે. તેઓ પાવર પ્લેમાં વિકેટ ખેરવવા માટે જાણીતા છે. તેઓ આઠ મૅચમાં 10 વિકેટ લઈને સારો દેખાવ કરી રહ્યા છે. પાવરપ્લેમાં એક-બે વિકેટ લઈને તેઓ ભારત પર દબાણ વધારી શકે છે.
લૉકી ફર્ગ્યુસને ભલે છ વિકેટ મેળવી હોય મેળવી હોય, પરંતુ તેઓ પોતાની ગતિના આધારે ટીમને મહત્ત્વની સફળતા અપાવવામાં કુશળતા ધરાવે છે.
ન્યૂઝીલૅન્ડની સ્પિન બૉલિંગ પણ અસરકારક છે. કૅપ્ટન સેંટનરને બહુ સફળતા નથી મળી, પરંતુ તેઓ વચ્ચેની ઓવરોમાં બૅટ્સમૅનોને બાંધી રાખવામાં સફળ રહે છે. મૅક્કોની ડાબોડી બૅટ્સમૅનોને પરેશાન કરી શકે છે. તેથી તેમનાથી બચવું પડશે.
5. ભારતે સ્પિન સામે રમત સુધારવી પડશે

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્લ્ડકપમાં ભારતીય બૅટ્સમૅનો સ્પિનરો સામે રમવામાં બહુ નબળા સાબિત થયા છે. આ વર્લ્ડકપમાં ભારતનો સ્પિન સામે સ્ટ્રાઇક રેટ માત્ર 6.23 છે.
ભારતીય બેટિંગમાં ટોચના ક્રમે ડાબોડી બૅટ્સમૅનોની ભરમારના કારણે આ સમસ્યા વધી છે. ટોચમાં અભિષેક શર્મા, ઈશાન કિશન અને તિલક વર્મા ડાબોડી બૅટ્સમૅનો છે.
છેલ્લી કેટલીક મૅચથી જોવા મળ્યું છે કે આ બૅટ્સમૅનો સ્પિનર સામે ચોગ્ગા-છગ્ગા લગાવી શકતા નથી કે સ્ટ્રાઇક રોટેટ કરી શકતા નથી. આ સ્થિતિનો ફાયદો લેવા માટે ટીમો ભારતની સામે શરૂઆતથી જ સ્પિનરોનો ઉપયોગ કરે છે.
ભારતને ન્યૂઝીલૅન્ડ સામેની ફાઇનલમાં પણ આ સમસ્યા નડી શકે છે. તેમના ઑફ સ્પિનર કૉલ મૅક્કોનીએ આ ટુર્નામેન્ટમાં બહુ સારો દેખાવ કર્યો છે. ખાસ કરીને ડાબોડી બૅટ્સમૅનો સામે તેઓ સફળ થયા છે. સાથે સાથે કૅપ્ટન મિચેલ સેંટનર પણ બહુ અનુભવી બૉલર છે.
6. ડેથ ઓવરો માટે યોગ્ય રણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડના યુવા બૅટ્સમૅન જૅકબ બેથલે સ્પિનરો સામે વિસ્ફોટક બેટિંગ કરતા જસપ્રીત બુમરાહને બૉલિંગમાં લાવવા પડ્યા હતા. તેમણે બે ઓવરમાં 14 રન આપીને પોતાનું કામ કરી દીધું. પરંતુ ભારતની સમસ્યા એ છે કે બુમરાહ અને અર્શદીપ સિવાય ડેથ ઓવરો માટે બીજો કોઈ સારો બૉલર નથી.
શિવમ દુબેને આના માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ વાઇડ યૉર્કર નાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેના માટે બૉલિંગમાં બહુ સારું નિયંત્રણ હોવું જરૂરી છે. આ ખામીના કારણે તેમની બૉલિંગમાં ઘણી વખત છગ્ગા લાગી જાય છે.
સેમિફાઇનલમાં તેઓ આવ્યા ત્યાં સુધીમાં મૅચ ઇંગ્લેન્ડના હાથમાંથી નીકળી ગઈ હતી. લક્ષ્ય નજીક હોત તો ત્રણ છગ્ગાથી મામલો બગડી શકે તેમ હતો. અગાઉ પણ બે ઓવરમાં તેઓ 46 રન આપી ચુક્યા હતા.
ભારતની બૉલિંગ એવી રીતે ગોઠવવી જોઈએ જેથી છેલ્લી ચાર ઓવર બુમરાહની સાથે અર્શદીપ અને હાર્દિક જ ફેંકે.
ભારતે સેમિફાઇનલમાં અગાઉની મૅચોની તુલનામાં બહુ સારી ફિલ્ડિંગ અને કૅચનું પ્રદર્શન કર્યું તે વાત સાચી છે. અક્ષર પટેલે પકડેલા બે કૅચના કારણે મૅચની દિશા ભારત તરફ વાળી દીધી. પરંતુ સમસ્યા આખી ટુર્નામેન્ટની છે. ન્યૂઝીલૅન્ડે આ મોરચે સારો દેખાવ કર્યો છે.
ભારતે આ વર્લ્ડકપમાં કુલ 13 કૅચ છોડ્યા છે અને કૅચ છોડવાની બાબતમાં અગ્રેસર છે. અભિષેક શર્મા અને તિલક વર્મા જેવા ઉત્તમ ફિલ્ડરોએ પણ કૅચ છોડ્યા છે.
વેસ્ટ ઇન્ડિઝ સામે સુપર 8 મુકાબલામાં અભિષેક શર્માએ કૅચ છોડ્યો તે ભારત માટે ખતરો બની શકે તેમ હતો. તેથી આ દિશામાં ટીમે સારું પ્રદર્શન કરવું પડશે.
ફાઇનલ જ્યાં રમાવાની છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની લાઇટો સાથે તાલમેલ બેસાડવામાં ફિલ્ડરોને પહેલેથી તકલીફ થાય છે. તેથી ભારતે આ દિશામાં ખાસ પ્રયાસ કરીને ઉતરવું પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












