ટી20 વર્લ્ડકપ : ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ફાઇનલ મૅચમાં અમદાવાદની પીચ કોને મદદ કરશે?

ભારત અને ન્યૂઝીલૅન્ડ ફાઇનલ મૅચ, ટી20 વર્લ્ડકપ 2026, અમદાવાદની પીચ, સૂર્યકુમાર યાદવ, મિચેલ સૅન્ટનર, અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું નથી. બંને વચ્ચે થયેલી ત્રણ મૅચમાં તમામ ન્યૂઝીલૅન્ડ જીત્યું છે.
વાંચવાનો સમય: 6 મિનિટ

"અમે વાનખેડે સ્ટેડિયમ ખાતે પહેલી મૅચ રમી, ત્યારથી અત્યાર સુધી અમે અલગ-અલગ પ્રકારની વિકેટો ઉપર રમ્યા છીએ. અમે પીચ મુજબ રમવા માટે ટેવાઈ ગયા છીએ."

"વિકેટ ચૅલેન્જિંગ નહીં, પરંતુ ટ્રિકી હોય છે. પાવરપ્લે પછી કેવી રીતે બેટિંગ કરવી અને પછી તેને આગળ ધપાવીને અંત સુધી કેવી રીતે રમવું, એ અમે સમજીએ છીએ."

સુપર-8 રાઉન્ડમાં અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની મૅચ રમાઈ, એ પહેલાં ભારતની ટી20 ક્રિકેટ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પત્રકારપરિષદ દરમિયાન આ વાત કરી હતી.

કદાચ એ સતત વર્લ્ડકપની મૅચો જીતી રહેલી ટીમના કપ્તાનનો આત્મવિશ્વાસ હતો. ટુર્નામેન્ટની શરૂઆતથી જ ભારતની ટીમને ટ્રૉફી જીતવા માટે હૉટ ફેવરિટ માનવામાં આવતી હતી.

પરંતુ એ મૅચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમનો 72 રને પરાજય થયો. એટલું જ નહીં, ભારતની ટીમ સેમિફાઇનલમાં પહોંચશે કે નહીં, એ બાબત પણ એક તબક્કે 'જો' અને 'તો'ની વચ્ચે અટવાઈ ગઈ હતી.

એ પછી સ્ટેડિયમની પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ઘણું પાણી વહી ગયું છે. ફરી એક વખત ભારતની ટીમ સુપર-8નો મુકાબલો પાર કરીને અને ત્યાર પછી સેમિફાઇનલની મૅચ જીતીને ફાઇનલમાં પહોંચી છે.

રવિવારની મૅચમાં ભારત ટ્રૉફી જીતે તો સતત બે વખત ટી20 વર્લ્ડ ચૅમ્પિયન બનવાનો રેકૉર્ડ બનશે. જોકે, એ પહેલાં પણ એક કીર્તિમાન બની ગયો જ છે. ક્યારેય કોઈ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ ફાઇનલ સુધી પહોંચી નથી.

ભારતની ટીમ ફેવરિટ છે તો ન્યૂઝીલૅન્ડની ટીમ પણ ટક્કર આપવા માટે આતુર છે.

'1.3 લાખ લોકોને ચૂપ કરવાનો સંતોષ'

ભારત અને ન્યૂઝીલૅન્ડ ફાઇનલ મૅચ, ટી20 વર્લ્ડકપ 2026, અમદાવાદની પીચ, સૂર્યકુમાર યાદવ, મિચેલ સૅન્ટનર, અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડની ક્રિકેટ ટીમના કૅપ્ટન મિચેલ સૅંટનર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શનિવારે ન્યૂઝીલૅન્ડની ટીમના કૅપ્ટન મિચેલ સૅંટનરે મીડિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું, "ક્રાઉડને શાંત કરી દેવાનું તેમનું ધ્યેય છે. ટી20 વર્લ્ડકપને અનેક પરિબળો અસર કરતાં હોય છે અને તે વારંવાર બદલાતાં રહે છે."

"જો અમે (અગાઉની જેમ જ) બધું બરાબર રમીએ તો સામેવાળી મોટી ટીમ માટે અપસેટ સર્જી શકીએ છીએ. તેમના (ભારતની ટીમ) ઉપર ઘર આંગણે વર્લ્ડકપ જીતવાનું ચોક્કસથી ઘણું મોટું દબાણ છે."

સૅંટનરના નિવેદને વર્ષ 2023ના ક્રિકેટ વર્લ્ડકપની યાદ અપાવી દીધી હતી. જેની ફાઇનલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આ સ્ટેડિયમ ઉપર રમાઈ હતી.

ફાઇનલ મૅચ પહેલાંની પત્રકાર પરિષદ દરમિયાન ટીમના કૅપ્ટન પૅટ કમિન્સે કહ્યું હતું, 'દર્શકો ચોક્કસથી એકતરફી રહેવાના, પરંતુ રમતમાં તેમને પણ શાંત કરી દેવા કરતાં વધુ સંતોષજનક બીજી કોઈ બાબત ન હોય શકે. આવતીકાલની મૅચમાં અમે એમ જ કરવા ચાહીશું.'

અને એવું જ થયું હતું. ભારતીય ટીમ 250 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં દાવ લેવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમે મૅચમાં 42 બૉલ ફેંકાવાના બાકી હતા કે છ વિકેટે ટ્રૉફી જીતી હતી. ભારતીય ટીમને ચિયર કરવા પહોંચેલા ભારતીય પ્રેક્ષકો હતાશ થઈને બહાર નીકળ્યા હતા.

જ્યારે સૅંટનરના નિવેદન વિશે સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "બધા એક જ લાઇન બોલી રહ્યા છે. કંઈક તો નવું બોલો."

યાદવે ઉમેર્યું, "આ ખૂબ જ વિશેષ ફિલિંગ છે અને બધા ખૂબ જ ઉત્સાહિત છે. ટીમમાં ખૂબ જ સારો માહોલ છે. અમે ફાઇનલ મૅચ માટે સજ્જ છીએ."

જોકે, વર્ષ 2023ની વર્લ્ડકપ ફાઇનલમાં ભારતીય ટીમના પરાજય માટે પીચને પણ દોષ આપવામાં આવ્યો હતો. જે કાળી અને ચીપકી જાય એવી હતી. ત્યારે રવિવારની મૅચ દરમિયાન પીચ કેવી રહેશે તેના ઉપર પણ દર્શકોની નજર રહેશે.

ખેલાડીઓની સાથે પીચનું પ્રદર્શન

ભારત અને ન્યૂઝીલૅન્ડ ફાઇનલ મૅચ, ટી20 વર્લ્ડકપ 2026, અમદાવાદની પીચ, સૂર્યકુમાર યાદવ, મિચેલ સૅન્ટનર, અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચનું નિરીક્ષણ કરતા ભારતીય ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ.

તેનો મતલબ પીચ વિશેની વર્તણૂક વિશેની સમજ અને માહિતીથી પણ છે. જેનો લાભ સામાન્યતઃ યજમાન ટીમને મળતો હોય છે. રવિવારની મૅચ માટે આ લાભ ભારતને મળી શકે છે.

ક્રિકેટ સંદર્ભે માહિતી આપતી વેબસાઇટ ક્રિકઇન્ફોના જણાવ્યા પ્રમાણે, રવિવારે જે પીચ ઉપર મૅચ રમાવાની છે. તે લાલ અને કાળી માટીની મિક્સ બનેલી છે.

જેથી કરીને પીચ ઓછી ટર્ન થશે અને તે ફાસ્ટ ગેંદબાજોને બૉલને બાઉન્સ કરાવવામાં મદદ કરી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી ભારતના બૅટ્સમૅનોનું સ્પીનરો સામેનું પ્રદર્શન ચિંતાજનક રહ્યું છે. એવામાં પીચની આવી ખાસિયત ભારતીય બલ્લેબાજો માટે રાહતજનક હશે.

આ પીચ ઉપર 200થી વધુ સ્કૉર સહેલાઈથી ખડકી શકાશે એવું માનવામાં આવે છે. આથી, જો પહેલાં બૅટિંગ કરનારી ટીમ એના કરતાં ઓછા રન બનાવશે, તો મૅચને બચાવવી તેના માટે મુશ્કેલ બની જશે. જે ટીમ ટૉસ જીતે તે પહેલાં બૉલિંગ પસંદ કરશે તેવું મનાય રહ્યું છે.

આમ તો આ 'હાઇબ્રીડ' પીચને 'નવા જેવી' જ કહી શકાય, કારણ કે ટુર્નામેન્ટની શરૂઆતમાં આની ઉપર એક જ મૅચ (કૅનેડા વિ. દક્ષિણ આફ્રિકા) રમાઈ છે.

ભારતની અન્ય પીચોથી વિપરીત રવિવારની મૅચમાં ક્રિકેટરસિકોને 'રનોની આતશબાજી' જોવા મળે તેવી શક્યતા દેખાય રહી છે.

જસપ્રીત બુમરાહ માટે અમદાવાદનું સ્ટેડિયમ 'હૉમ પીચ' છે, તો મૅટ હૅનરી પણ શરૂઆતની ઓવરોમાં ઘાતક બની શકે છે. જોકે, અર્શદીપસિંહ અને વરુણ ચક્રવર્તી જે રીતે રન આપે છે, તે બાબત કૅપ્ટન યાદવ માટે ચિંતાજનક હશે.

વારંવાર તેમણે છઠ્ઠા બૉલર તરીકે શિવમ દુબે તરફ નજર દોડાવી પડે છે, જેમણે ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલ મૅચમાં છેલ્લી ઓવર કરી હતી. સાત રને ભારતનો એ મૅચમાં વિજય થયો હતો પરંતુ તેમણે છેલ્લી ઓવરમાં ખાસ્સા એવા રન આપ્યા હતા.

ભારત વિરુદ્ધ ન્યૂઝીલૅન્ડ

ભારત અને ન્યૂઝીલૅન્ડ ફાઇનલ મૅચ, ટી20 વર્લ્ડકપ 2026, અમદાવાદની પીચ, સૂર્યકુમાર યાદવ, મિચેલ સૅન્ટનર, અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટી20 મૅચના ઇતિહાસમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે કુલ 30 મૅચ થઈ છે. ભારતે 16 જીતી છે અને 11 મૅચ ન્યૂઝીલૅન્ડ જીતવામાં સફળ રહ્યું છે.

આ સમગ્ર ટુર્નામેન્ટમાં આ મેદાન ઉપર ન્યૂઝીલૅન્ડે એક જ્યારે ભારતે બે મૅચ રમી છે. આ મેદાન ઉપર દક્ષિણ આફ્રિકાની ટીમે સાત વિકેટે વિજય મેળવ્યો હતો.

ભારતની ગ્રૂપ રાઉન્ડની છેલ્લી મૅચ આ સ્ટેડિયમમાં નૅધરલૅન્ડ્સ સામે થઈ હતી. જેમાં ભારતનો 17 રને વિજય થયો હતો.

જોકે, દક્ષિણ આફ્રિકા સામેની સુપર-8 રાઉન્ડની મૅચ પણ આ મેદાન ઉપર જ રમાઈ હતી. જેમાં ભારતનો 76 રને પરાજય થયો હતો.

દુબઈ ખાતે ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ મૅચમાં (માર્ચ-2025) ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. પાકિસ્તાનમાં મૅચ રમવાના ભારતના ઇન્કારને કારણે દુબઈને સહ-આયોજક બનાવવામાં આવ્યું હતું.

આથી, ભારતની બધી મૅચો દુબઈમાં જ રમાઈ હતી. ત્યારે પણ ભારતને પીચનો લાભ મળ્યો હોવાની ચર્ચા થઈ હતી.

ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું નથી. બંને વચ્ચે થયેલી ત્રણ મૅચમાં તમામ ન્યૂઝીલૅન્ડ જીત્યું છે.

ટી20 મૅચના ઇતિહાસમાં બંને વચ્ચે કુલ 30 મૅચ થઈ છે. ભારતે 16 જીતી છે અને 11 મૅચ ન્યૂઝીલૅન્ડ જીતવામાં સફળ રહ્યું છે.

આ સિવાય ત્રણ મૅચ ટાઇ રહી છે. આ ત્રણેય ટાઇ મૅચમાં બે ભારતે સુપર ઓવરમાં જીતી છે જ્યારે કે એક ટીઆરએસ એટલે કે ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત ટાઈ રહી છે.

અમદાવાદનું હવામાન

ભારત અને ન્યૂઝીલૅન્ડ ફાઇનલ મૅચ, ટી20 વર્લ્ડકપ 2026, અમદાવાદની પીચ, સૂર્યકુમાર યાદવ, મિચેલ સૅન્ટનર, અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આકસ્મિક સંજોગોને ધ્યાને લેતા સોમવારનો દિવસ રિઝર્વ-ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો હવામાન કે અન્ય કોઈ કારણોસર રવિવારે મૅચ ન થઈ શકે અને પ્રવર્તમાન નિયમો હેઠળ પરિણામ આવી શકે એમ ન હોય, તો સોમવારે બંને ટીમો વચ્ચે ફરીથી ટક્કર થશે.

હવામાન વિશે આગાહી કરતી વેબસાઇટ ઍક્યુવેધરના અનુમાન પ્રમાણે રવિવારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દિવસ દરમિયાન કોઈ વાદળ જોવા નહીં મળે. વરસાદ કે જોરથી પવન ફૂંકાવાની પણ કોઈ શક્યતા નથી.

મૅચ સાંજે શરૂ થશે. એટલે ગરમીની એટલી અસર ખેલાડીઓ ઉપર નહીં થાય. ભેજનું પ્રમાણ 25 ટકા રહેશે અને 19 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

વિઝિબ્લિટી ચોખ્ખી રહેશે, છતાં સાંજના સમયની મૅચ એલઇડી લાઇટો હેઠળ રમાશે. જે ફિલ્ડિંગ અને વિશેષ કરીને કૅચ પકડવા દરમિયાન ખેલાડીની ક્ષમતાને અસર કરી શકે છે.

આમ છતાં આકસ્મિક સંજોગોને ધ્યાને લેતા સોમવારનો દિવસ રિઝર્વ-ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો હવામાન કે અન્ય કોઈ કારણોસર રવિવારે મૅચ ન થઈ શકે અને પ્રવર્તમાન નિયમો હેઠળ પરિણામ આવી શકે એમ ન હોય, તો સોમવારે બંને ટીમો વચ્ચે ફરીથી ટક્કર થશે.

રવિવારે સાંજે સાડા છ વાગ્યે ટૉસ થશે અને સાત વાગ્યાથી મૅચ શરૂ થશે અને મધ્યરાત્રિ સુધીમાં નવું ટી20 ચૅમ્પિયન કોણ છે, તેની સ્પષ્ટતા થઈ જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન