મ્યાનમાર : ભારતનો એ પાડોશી દેશ જ્યાં લોકો પોતાની જાતને પૂછે છે, 'કોરોનાથી મરીશું કે રાજકીય સંકટથી?'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગ્રેસ ત્સોઈ અને મોઈ મ્યિન્ટ
- પદ, બીબીસી ન્યૂઝ
મ્યાનમારના નાગરિકોનો શ્વાસ તેમના પર પડી રહેલા બેવડા મારને કારણે રુંધાઈ રહ્યો છે. દેશમાં તખતાપલટ અને કોરોના મહામારીને કારણે હજારો લોકોનો ભોગ લેવાયો છે.
એક ફેબ્રુઆરીએ મ્યાનમારની સેનાએ નાગરિક સરકારને હઠાવીને સત્તા પર કબજો કર્યો હતો અને ત્યાર બાદ શ્રેણીબદ્ધ વિરોધપ્રદર્શન શરૂ થયાં જે રોકાવાનું નામ નથી લઈ રહ્યાં.
સેનાના શાસન સામે પ્રદર્શનમાં હજારો લોકો જોડાઈ રહ્યાં છે જેમાં આરોગ્યકર્મીઓ પણ છે, જેને કારણે મહામારીના સમયમાં આરોગ્ય સેવાઓને અસર પહોંચી છે અને રસીકરણ તથા ટેસ્ટિંગ વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે.
હવે ઝડપથી સંક્રમણ ફેલાવનાર ડેલ્ટા વૅરિયન્ટને કારણે મ્યાનમારમાં કોરોનાના કેસના સતત વધતા કેસથી દેશને વધુ એક ઝટકો લાગ્યો છે.
ઓક્સિજન ફેક્ટરીઓની બહાર લોકો લાઇનો લગાવીને ઓક્સિજન સિલિંન્ડર ખરીદવા કે ભરાવા માટે રાહ જોતા દેખાય છે, એ પણ ત્યારે જ્યારે સરકારે લોકોને ઓક્સિજનના સીધા વેચાણ પર પ્રતિબંધ મૂકેલો છે.
કોરોનાના વધતા કેસને કારણે મ્યાનમારમાં સ્મશાનગૃહોમાં પણ મૃતદેહોનો ભરાવો થયો છે.
મ્યાનમારમાં લોકો એવી ઉદાસીનતાનો અનુભવ કરી રહ્યા છે જેનો કોઈ અંત તેમને નથી દેખાતો.
સ્થાનિક પત્રકાર આયે મ્યા (સુરક્ષા કારણોથી નામ બદલવામાં આવ્યું છે) કહે છે, "અમે અમારી જાતને પૂછીએ છીએ કે અમે કોરોનાથી મરીશું કે પછી રાજકીય સંકટની અસરથી?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "એવું લાગે છે કે અમારે બસ પસંદ કરવાનું છે કે અમારા માટે મરવાની કઈ રીતે સારી રહેશે."

જેલમાં કોરોના થયો

ઇમેજ સ્રોત, Anadolu Agency/Getty
મ્યાનમારમાં અત્યાર સુધી કોરોનાના 280,000 કેસ સામે આવ્યા છે અને 8,200 મૃત્યુ થયાં છે પરંતુ એવું કહેવામાં આવે છે કે કોરોનાના કેસોની સંખ્યા વાસ્તવમાં ઘણી વધારે છે અને ઓછા પ્રમાણમાં ટેસ્ટિંગ કરીને તેમાં ઘટાડો દર્શાવામાં આવે છે.
જુલાઈ મહિનામાં 5.4 કરોડ વસતી ધરાવતા દેશ મ્યાનમારમાં દરરોજ માત્ર 9 હજારથી 17 હજારની આસપાસ ટેસ્ટ કરવામાં આવે છે.
કોરોનાને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા પણ ઘટાડીને બતાવવામાં આવી હોય એવું અનુમાન છે. જે લોકોનું મૃત્યુ હૉસ્પિટલમાં થાય છે માત્ર તેમની ગણતરી જ અધિકૃત આંકડામાં થાય છે.
આયે મ્યા કહે છે કે તેમનાં માતાનું મૃત્યુ સરકારી આંકડામાં નથી નોંધાયું કારણ કે લક્ષણ દેખાવા છતાં તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં જ નહોતો આવ્યો.
તેઓ માને છે કે તેમનાં માતાને તેમનાંથી જ કોરોનાનો ચેપ લાગ્યો હશે. જોકે તેમનાં માતાનાં મૃત્યુ પછી તેમનો ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો.
સેનાના શાસન સામે યોજાયેલા વિરોધપ્રદર્શન અંગે રિપોર્ટિંગ કરવા બદલ તેમને ચાર મહિના સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યાં હતાં. તેઓ માને છે કે જ્યારે તેઓ મહિનાઓ સુધી જેલમાં રહ્યાં ત્યારે જ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હશે.
આયે મ્યેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં ત્યાર પછી તેમને લક્ષણ દેખાવા લાગ્યા હતા.
તેઓ કહે છે, "જેલમાં હતા ત્યારે એક ઓરડામાં અમે 50 કેદીઓ રહેતાં અને ઓરડો ખીચોખીચ ભરેલો રહેતો. ત્યાં કેટલાય લોકો ગંભીર રીતે બીમાર પડી ગયા હતા."
"હું જ્યારે જેલમાંથી બહાર આવી ત્યારે મારાં માતાનું સ્વાસ્થ્ય સારું હતું, તેઓ મારું માથું ધોઈ આપતાં અને અમે સાથે જમતાં. પરંતુ હું માંદી પડી તેના થોડા દિવસો બાદ તેઓ પણ બીમાર પડી ગયાં. હું થોડા દિવસો બાદ સાજી થઈ ગઈ પરંતુ તેમની હાલત બગડતી ગઈ. તેઓ કંઈ ખાઈ નહોતા શકતાં અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પોતાનાં માતાને ગુમાવનાર દુ;ખી આયે કહે છે, "ક્યારેક તો એમ લાગે છે કે કોઈ જૈવિક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હશે"
"જ્યારે અમે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાં ઓક્સિજનની કમી હતી. અમે ઓક્સિજન સિલિન્ડર માટે કેટલાય લોકોનો સંપર્ક કર્યો. ભાડા પર ઓક્સિજનનો સિલિન્ડર મેળવવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ ન મળ્યું. અમે હૉસ્પિટલની આજુબાજુ ઓક્સિજન શોધી રહ્યા હતા ત્યારે મારાં માતાએ હૉસ્પિટલમાં જ આખરી શ્વાસ લીધો."
આજકાલ મ્યાનમારમાં ઓક્સિજન એક મોંઘી અને સૌથી વિવાદિત જરૂરિયાત બની ગયું છે. સૈન્ય સરકારના નેતા મિન આંગ હ્લિયાંગે દેશમાં ઓક્સિજનની કમીના સમાચારને ફગાવતાં કહ્યું કે લોકો ગભરાઈને ઓક્સિજનનો સંગ્રહ કરવા લાગ્યા છે.
સૈન્ય સરકારે સંગ્રહખોરી પર લગામ લગાવવા દેશમાં ખાનગી વિક્રેતાઓને ઓક્સિજનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
પરંતુ કેટલાક લોકોનો કથિત આરોપ છે કે સરકાર માત્ર સેનાની હૉસ્પિટલોમાં જ ઓક્સિજન પહોંચાડી રહી છે.
એક બિનસરકારી સંસ્થા સાથે જોડાયેલા ડૉક્ટરે (નામ ન આપવાની શરતે) કહ્યું, "સરકારી હૉસ્પિટલોમાં કામ કરતાં અમારા કેટલાક મિત્રોએ જણાવ્યું કે સુરક્ષાદળો આવીને સરકારી હૉસ્પિટલોમાંથી ઓક્સિજન સિલિન્ડર ઉપાડી જાય છે. "

મ્યાનમારનું આરોગ્યતંત્ર પડી ભાગ્યું

ઇમેજ સ્રોત, NurPhoto/Getty
મ્યાનમારનું આરોગ્યતંત્ર પહેલેથી નબળું જ હતું, સીમિત સંસાધનો હોવા છતાં વર્ષ 2020 માં કોરોના મહામારી સામેની લડતમાં વધારે મુશ્કેલી નહોતી પડી.
યૅંગૉનના એક થિંકટૅન્ક ટૅમપાડિપા ઇન્સ્ટિટ્યૂટના નિદેશક ખિન ઝાઉ વિન કહે છે, "અમે મહામારી માટે તૈયાર ન હતા. તેની ઉપર સેનાએ તખતાપલટા માટે આ ખાસ સમય પસંદ કર્યો. પોતાના દેશના લોકોની સેના કેટલી હદે ઉપેક્ષા કરી શકે છે એ આશ્ચર્યજનક છે."
યુનિવર્સિટી ઑફ હૉંગકૉંગના પબ્લિક હૅલ્થના નિષ્ણાત ડૉ ફ્યૂ ફ્યૂ થિન ઝાઉ કહે છે," બીજા દેશોએ આરોગ્ય તંત્ર પડી ન ભાંગે તે માટે કોરોનાના કર્વને ફ્લૅટ કરવા તરફ કામ કર્યું છે. પરંતુ મ્યાનમારમાં તખતાપલટાને કારણે કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલાં જ આરોગ્ય તંત્ર ભાંગી પડ્યું છે."
સેનાના તખતાપલટા બાદ આરોગ્યકર્મીઓ જ સૌથી પહેલાં હડતાલ પર જતા રહ્યા હતા. રસીકરણ કાર્યક્રમના પ્રમુખ સહિત કમસે કમ 72 આરોગ્યકર્મીઓની અટકાયત કરવામાં આવી હતી. અને આસિસ્ટન્સ ઍસોસિએશન ઑફ પૉલિટિકલ પ્રિઝનર્સ નામની સંસ્થા મુજબ 600 જેટલા આરોગ્યકર્મીઓની વિરુદ્ધ વૉરન્ટ જારી કરવામાં આવ્યા છે.
નાગરિક અવજ્ઞામાં ભાગ લેતા ડૉક્ટરો અને નર્સો દ્વારા આપવામાં આવતી મફત આરોગ્યસંબંધી સેવા પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. સેના પર એવા પણ આરોપ લાગી રહ્યા છે કે કેટલાક ડૉક્ટરોની એમ કહીને ધરપકડ કરાઈ છે કે તેમને કોઈ કોવિડ-19 દર્દીને તેમના ઘરે જોવા લઈ જવાના છે.

ઇમેજ સ્રોત, AFP
જોકે સેનાએ આ આરોપોને ફગાવી દીધા છે.
મ્યાનમારની સૈન્ય સરકારનું કહેવું છે કે 60 ટકા જેટલા આરોગ્યકર્મીઓ હજુ કામ કરી રહ્યા છે- જોકે આ આંકડો સાચો ન હોવાનું કેટલાક માને છે.
મ્યાનમારમાં તખતાપલટો થયો તેના પાંચ દિવસ પહેલાં જ પૂર્વ સરકારે કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો પંરતુ દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમને પણ સેનાના તખતાપલટાને કારણે ઝટકો લાગ્યો છે.
સેનાનો દાવો છે કે ટૂંક સમયમાં 60 લાખ જેટલી ચીની વૅક્સિન અને રશિયન વૅક્સિનના 20 લાખ ડોઝ મ્યાનમારને મળશે.
ખિન ઝાઉ વિનનું કહેવું છે કે ત્યાર સુધી ખૂબ મોડું થઈ ગયું હશે. તેઓ રસી લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં સફળ રહેવા અંગે પણ સૈન્ય સરકારની આવડત પર પ્રશ્ન ઊભો કરે છે.
આ બધી પરિસ્થિતિનું પ્રતિબિંબ સીધું યૅંગૉનના સ્મશાનગૃહોમાં જોવા મળે છે જ્યાં શબવાહિનીઓ, સંખ્યાબંધ ઍમ્બ્યુલન્સની લાઇનો લાગી છે. લોકો પોતાની ગાડીઓમાં પણ મૃતદેહો લઈને શ્મશાનમાં અંત્યેષ્ટિ માટે રાહ જોતા જોઈ શકાય છે.

શ્મશાનગૃહોમાં અંત્યેષ્ટિ માટે

ઇમેજ સ્રોત, Getty Images
યૅંગોનમાં બો સીન ફ્યુનરલ સર્વિસના કર્મચારી સીન વિન થાઈ કહે છે કે સ્મશાન પર ભાર વધ્યો છે.
તેઓ કહે છે, " મારા પિતાનું મૃત્યુ ત્રણ દિવસ પહેલાં થયું હતું. સવારે નવ વાગ્યે તેમનું અવસાન થયું. હું પોતે ફ્યુનરલ સર્વિસ ચલાવું છું તો પણ મને તરત મૃતેદહને શ્મશાન લઈ જવા માટે શબવાહિની ન મળી."
"અને અમે યે વે સેમેટ્રીમાં પહોંચ્યા તો મારે કલાકો સુધી રાહ જોવી પડી કારણ કે ત્યાં કેટલાય લોકો સ્વજનોની અંત્યેષ્ટિ માટે રાહ જોઈ રહ્યા હતા. આ બધા મૃતકો કોરોનાના દર્દી હતા."
યૅંગૉન રિજન એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલ ચીફ હ્લા સો કહે છે કે 19 જુલાઈના 1,500 મૃતકોની નોંધણી થઈ હતી જ્યારે આખા દેશમાં કોરોનાને કારણે થયેલાં મૃત્યુનો આધિકારિક આંકડો 281 હતો.
યૅંગૉનમાં શ્મશાનો એક દિવસમાં માત્ર 300 મૃતદેહોની અંત્યેષ્ટિની ક્ષમતા ધરાવે છે.
આયે મ્યાના પરિવારે બહુ ફાંફા માર્યા પછી એક નાનકડા ઑક્સિજન સિલિંડરની વ્યવસ્થા કરી પરંતુ ત્યાર સુધી બહુ મોડું થઈ ગયું હતું. તેમનાં માતાનું અવસાન થઈ ગયું હતું અને હવે તેમના પરિવારમાં ત્રણ અન્ય સભ્યો કોરોના પૉઝિટિવ છે.
તેઓ કહે છે, " જ્યારે-જ્યારે મારા પિતા ઓક્સિજન સિલિન્ડરને જોઈને રડી પડે છે, તેમને લાગે છે કે તેઓ પોતાનાં પત્નીને બચાવી ન શક્યા કારણ કે સમય રહેતા ઑક્સિજનની વ્યવસ્થા ન થઈ શકી."
"હવે અમારે એકબીજાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખવાનું છે કારણ કે હવે અમે પરિવારમાં કોઈને ગુમાવવા નથી માગતા."
(બીબીસી બર્મીઝ સેવા તરફથી રિપોર્ટિંગ ઇનપુટ્સ મળ્યા છે)



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













