ટોક્યોમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા હૉકી ટીમની જીત ઐતિહાસિક કેમ છે?

ભારત માટે એક માત્ર ગોલ ગુરજિતકોરે 22મી મિનિટમાં કર્યો હતો. ગુરજિતે પૅનલ્ટી કૉર્નરને શાનદાર ડ્રેગ ફ્લિકથી ગોલમાં પરિવર્તિત કર્યો.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભારત માટે એક માત્ર ગોલ ગુરજિતકોરે 22મી મિનિટમાં કર્યો હતો. ગુરજિતે પૅનલ્ટી કૉર્નરને શાનદાર ડ્રેગ ફ્લિકથી ગોલમાં પરિવર્તિત કર્યો.
    • લેેખક, આદેશકુમાર ગુપ્ત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ટોક્યો ઑલિમ્પિકમાં રવિવારે ભારતીય પુરુષ હૉકી ટીમે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું તો આખા દેશમાં ખુશીનું મોજું ફરી વળ્યું.

આ જીતનો હરખ ત્યારે બમણો થઈ ગયો જ્યારે સોમવારે ભારતીય મહિલા હૉકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ચૅમ્પિયન બનવાની દાવેદાર મનાતી ઑસ્ટ્રેલિયાની ટીમને 1-0થી હરાવી દીધી અને સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું.

ભારતની મહિલા હૉકી ટીમની આ જીત યાદગાર જ નહીં ઐતિહાસિક બની ગઈ છે, કારણ કે કોઈએ વિચાર્યું પણ ન હતું કે આ દિવસ પણ આવશે.

ભારત માટે એક માત્ર ગોલ ગુરજિતકોરે 22મી મિનિટમાં કર્યો હતો. ગુરજિતે પૅનલ્ટી કૉર્નરને શાનદાર ડ્રેગ ફ્લિકથી ગોલમાં પરિવર્તિત કર્યો.

એ સાથે કૅપ્ટન રાની રામપાલની આગેવાનીમાં રમી રહેલી ટીમે એ દેખાડી દીધું કે કોચ શૉર્ડ મૉરિનની તાલીમ એકદમ યોગ્ચ દિશામાં છે.

શૉર્ડ મૉરિન એ જ કોચ છે જેમણે ગ્રૂપ મૅચમાં નૅધરલૅન્ડ સામે 1-5થી હાર પછી આખી ભારતીય ટીમને બરાબર ખખડાવી નાખી હતી.

જોકે, એ પછી પણ ભારતની ટીમ જર્મની સામે 0-2થી અને ફરીથી ગ્રેટ બ્રિટન સામે 1-4થી હારી ગઈ હતી.

એ વખતે લાગી રહ્યું હતું કે ભારતની મહિલા હૉકી ટીમનું ટોક્યો ઑલિમ્પિકમાં મેડલ માટેનું અભિયાન હવે પતી ગયું છે.

જોકે, એ પછી ટીમે આગળની મૅચમાં આયરલૅન્ડને 1-0થી હરાવી દીધું અને લોકોના જીવમાં જીવ આવ્યો. એ પછી બીજી મૅચમાં ટીમે યજમાન જાપાનની ટીમને 4-3થી હરાવી દીધી.

એ રોમાંચક મૅચમાં વંદના કટારિયાએ ત્રણ ગોલની હૅટ્રિક કરી નવો ઇતિહાસ રચ્યો. ઑલિમ્પિકમાં હૅટ્રિક કરનારાં વંદના પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં છે.

line

ઑસ્ટ્રેલિયા સામે કમાલનો દેખાવ

ઑસ્ટ્રેલિયા સામે ભારતની મહિલા હૉકી ટીમ સહેજ પણ દબાણમાં નહોતી દેખાઈ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયા સામે ભારતની મહિલા હૉકી ટીમ સહેજ પણ દબાણમાં નહોતી દેખાઈ

ઑસ્ટ્રેલિયા સામે ભારતની મહિલા હૉકી ટીમ સહેજ પણ દબાણમાં નહોતી દેખાઈ. એનું ડિફેન્સ ખૂબ મજબૂત હતું અને એ જ કારણ છે કે સાત-સાત પૅનલ્ટી કૉર્નર મળવા છતાં ઑસ્ટ્રેલિયા તેને ગોલમાં ન ફેરવી શક્યું. ખૂબ મહેનત છતાં મૅચ પતી ત્યાં સુધી ભારતે ઘેરો તોડવામાં ઑસ્ટ્રેલિયાને મચક ન આપી.

આ પૂર્વે ભારતીય પુરુષ ટીમ 1972 મૅક્સિકો ઑલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચી હતી અને 1980ના મોસ્કો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

ભારતીય મહિલા હૉકી ટીમની જીત બાદ ઑસ્ટ્રેલિયાની ટીમનાં ખેલાડીઓ મેદાન પર ઢળી પડ્યાં અને સમગ્ર વિશ્વએ તેમને રડતાં જોયાં પણ ભારતીય મહિલા ખેલાડી જોશ સાથે એકબીજાને ભેટીને જીતને વધાવી રહ્યાં હતાં.

ટેલિવિઝન પર આ મહામુકાબલાની મૅચને નિહાળી રહેલા ખેલપ્રેમીઓની આંખો પણ અંતિમ પરિણામ બાદ ભીની થઈ ગઈ. ભાગ્યે જ કોઈએ ભારતીય મહિલા હૉકી ટીમ પાસેથી આવા શાનદાર પર્ફૉર્મન્સની આશા રાખી હશે.

ગુરજિતકોર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મૅચ બાદ વિજેતા ગોલ કરનાર ગુરજિતકોર કહ્યું કે આખીય ટીમે જબરજસ્ત પર્ફૉર્મ કર્યું છે

મૅચ બાદ વિજેતા ગોલ કરનાર ગુરજિતકોર કહ્યું કે આખીય ટીમે જબરજસ્ત પર્ફૉર્મ કર્યું છે.

સેમિફાઇનલમાં પહોંચવા મામલે તેમણે કહ્યું કે 1980 પછી પ્રથમ વાર સેમિફાઇનલમાં પહોંચીને ગર્વ અનુભવાઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે લોકોની દુઆ તેમની સાથે છે અને કોચિંગ સ્ટાફની મહેનત પણ રંગ લાવી છે.

ભારતીય મહિલા હૉકી ટીમની શાનદાર જીત બાદ અમે મહિલા હૉકી ટીમના પૂર્વ કૉચ એ.બી. સુબય્યા સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું કે આ આશા કરતાં પણ વધુ સારું પરિણામ છે.

"ટૉપ ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ખેલાડીઓ ન માત્ર જોશથી રમ્યાં પણ તેમને પરાજય પણ આપ્યો. આ જીતને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે, કેમ કે તેમણે બિલકુલ પરફૅક્ટ મૅચ રમી. વળી વાતાવરણની પણ અસર થઈ, કેમ કે ગરમી વધારે હતી અને ઑસ્ટ્રેલિયાનાં ખેલાડી એવી પરિસ્થિતિ માટે ટેવાયેલાં નથી. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમ સંપૂર્ણ ઊર્જા સાથે રમી, ઑસ્ટ્રેલિયાની ટીમમાં ઊર્જાની કમી લાગી. ટીમનું ડિફેન્સ શાનદાર હતું જેણે તેમના સાત પેનલ્ટી કૉર્નર બેકાર કર્યા. આ ભારતીય ટીમની શ્રેષ્ઠ મૅચોમાંથી એક છે."

ભારતીય મહિલા ટીમ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ન્યૂઝીલૅન્ડ, બેલ્જિયમ અને આર્જેન્ટિના સહિતના દેશોમાં રમી છે અને તેનાથી થયેલા ફાયદા વિશે સુબય્યા કહે છે કે તેનું શ્રેય હૉકી ઇન્ડિયાને જાય છે.

"પુરુષ અને મહિલા ટીમને એટલી તક મળી છે કે જેનાથી ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ટીમ વિખેરાઈ જતી હતી તેવું હવે નથી થયું. હવે તો ફિટનેસ લેવલ પર ભારતીય ટીમ યુરોપિયન ટીમોથી પણ સારું રમી રહી છે જે ખૂબ જ સરાહનીય છે. હૉકી ઇન્ડિયાએ ટીમને વિદેશી કોચથી લઈને તમામ સુવિધાઓ આપી છે."

line

ઑસ્ટ્રેલિયાને કઈ રીતે હરાવ્યું?

ભારતીય મહિલા હૉકી ટીમે ઑસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ અલગ જ રમત રમી અને આક્રમક રમત દાખવી હરીફોને પરેશાન કરીને મૅચ જીતી લીધી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા હૉકી ટીમે ઑસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ અલગ જ રમત રમી અને આક્રમક રમત દાખવી હરીફોને પરેશાન કરીને મૅચ જીતી લીધી

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મૅચમાં ટીમની ખાસિયત મામલે સુબય્યાએ કહ્યું કે 'એ ન કહી શકીએ કે કોઈ એક ખેલાડીએ એકદમ જબરજસ્ત પર્ફૉર્મ કર્યું. આ મૅચમાં તો બધાં જ એક થઈને રમ્યાં. તમામે એક એકથી ચઢિયાતી રમત રમી. તેમણે ઑસ્ટ્રેલિયાની ટીમને તક જ ન આપી. ટીમે તક મળી એટલે ગોલ કરી દીધો. ડિફેન્સ પણ કર્યો. ગોલકીપરથી લઈને ફૂલબૅક અને બૅકવર્ડ બંનેએ એકદમ પરફૅક્ટ પર્ફૉર્મ કર્યું. લેફ્ટ આઉટ અને રાઇટ આઉટ પણ એકદમ ચોક્કસ રીતે કર્યાં.'

જોકે ક્વાર્ટર ફાઇનલ મૅચ પહેલાં જાપાન વિરુદ્ધ ભારતીય ટીમના પ્રદર્શન મામલે કોચ શૉર્ડ મૉરિને કહ્યું હતું કે અમે ત્રણ ગોલના રૂપમાં જ વધારે ગોલ આપી દીધા હતા.

"ટીમે દરેક પરિસ્થિતિમાં જીતવાનું જ હતું અને તે જીતી. પીચ પર 35 ડિગ્રીથી વધુ તાપમાન હતું. પ્રદર્શનમાં સાતત્ય જરૂરી છે. ક્વાર્ટર ફાઇનલમાં નવી શરૂઆત થાય છે. પૂલ મૅચોનું પ્રદર્શન એટલું મહત્ત્વનું નથી. ત્યાં અલગ ગેઇમ હોય છે."

ભારતીય મહિલા હૉકી ટીમે ઑસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ અલગ જ રમત રમી અને આક્રમક રમત દાખવી હરીફોને પરેશાન કરીને મૅચ જીતી લીધી.

જોકે આ જીત બાદ પણ ભારતીય ટીમ માટે આગળનો માર્ગ સરળ નથી. હવે તેઓ સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. તેમણે દમદાર પર્ફૉર્મ કરી જર્મનીને 3-0 હરાવ્યું હતું અને સેમિફાઇનલમાં જગ્યા મેળવી છે.

આર્જેન્ટિના આ સમયે વિશ્વની બીજા નંબરની ટીમ છે. તેણે 2000ના સિડની ઑલિમ્પિકમાં કાંસ્ય, વર્ષ 2004ના ઍથેન્સ ઑલિમ્પિકમાં કાંસ્ય, વર્ષ 2008ના બીજિંગ ઑલિમ્પિકમાં કાંસ્ય અને વર્ષ 2012ના લંડન ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો