'મેલડી માતા આવ્યાં છે બધાને મારી નાખશે, એવું કહીને મારી પત્નીને મારી નાખી', ગુજરાતના દેવભૂમિ દ્વારકાનો કિસ્સો
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતના દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકામાં એક મહિલાને ‘અંધશ્રદ્ધા’ને પગલે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
દ્વારકા પોલીસસ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ અનુસાર નવરાત્રી દરમિયાન એક 25 વર્ષીય મહિલાને પાંચ વ્યક્તિઓએ ક્રૂરતાપૂર્વક શારીરિક ઈજાઓ પહોંચાડતાં તેમનું મોત થઈ ગયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં FIR દાખલ કરાઈ છે અને પાંચેય આરોપીને પોલીસે પકડી લીધા છે.
ગુજરાતમાં ‘અંધશ્રદ્ધા’ને પગલે ભૂતકાળમાં પણ આ પ્રકારની કેટલીક ગંભીર ઘટનાઓ બની ચૂકી છે.

શું છે મામલો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પોલીસ ફરિયાદ મુજબ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામમાં રહેતા વાલાભાઈ સોલંકીનાં પત્નીને ‘મસાણી મેલડી માતા આવે છે અને તેથી તે બધાને મારી નાખશે’ એવું કહીને પાંચ વ્યક્તિઓએ ક્રૂરતાપૂર્વક ઈજા પહોંચાડી હતી.
વાલાભાઈએ દાખલ કરાવેલી ફરિયાદ અનુસાર, “વાલાભાઈ અને તેમનાં પત્ની તથા અન્ય સંબંધીઓ કુળદેવીના મંદિરે નવરાત્રી દરમિયાન પૂજા-પ્રાર્થના માટે ગયાં હતાં, પરંતુ સવારે વાલાભાઈનાં પત્ની ધૂણવા લાગ્યાં હતાં."
"જેથી ત્યાં હાજર પાંચ વ્યક્તિઓએ તેમને ગરમ સાંકળ અને સળગતા લાકડાથી ડામ દીધો હતો, જેને પગલે આખરે તેમનું મૃત્યું થયું હતું.”
અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના બની ત્યારે વાલાભાઈએ તેમનાં પત્નીને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. વાલાભાઈ અને તેમનાં પત્નીને ત્રણ સંતાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાલાભાઈ સોલંકીએ પત્નીને બચાવવા ત્યાં હાજર વ્યક્તિઓ પાસે મદદ માગી હતી પણ તેમને મદદ નહીં મળી હોવાનું તેમણે ફરિયાદમાં કહ્યું છે.
બાદમાં વાલાભાઈએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ દાખલ કરાવી હતી. 13 ઑક્ટોબરની વહેલી સવારે આ ઘટના બની હતી.
પીડિતાના પરિવારનો આરોપ છે કે પાંચ વ્યક્તિઓએ રીતસરની હત્યા કરી છે.

પોલીસ શું કહે છે?

આરોપીઓ પૈકી ત્રણ ભૂવા હોવાનું જ્યારે અન્ય બે વ્યક્તિએ તેમને મદદ કરી હોવાનું કહેવાય છે.
આ મામલે બીબીસીએ દ્વારકા પોલીસ સાથે વાતચીત કરી હતી.
બનાવની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી પ્રવીણદાન ગઢવીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “અમે આ ઘટનાની FIR દાખલ કરી છે, અંધશ્રદ્ધાને પગલે આ ઘટના બની છે અને આ અંગે તપાસ ચાલુ છે."
"પાંચેય આરોપીને પકડી લીધા છે, મૃતકનું ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ પણ કરાવ્યું છે.”
ભારતમાં ઘણી વખત અંધશ્રદ્ધાના લીધે મહિલાઓ-બાળકીઓ પર અત્યાચાર અને તેમની હત્યાના કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે.
બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતનાં કેટલાંક રાજ્યોમાં કાળાજાદુ, અંધશ્રદ્ધાના વિરુદ્ધ કાયદા પણ લાગુ કરાયા છે.
કેમ કે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ કુરિવાજો સામે લડવા માટે કડક કાયદા પણ જરૂરી છે.

'કુરિવાજો સામે કાયદાની સાથે જાગૃતિ જરૂરી'
આ મામલે બીબીસીએ સુરતના સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝના પ્રોફેસર ડૉ. કિરણ દેસાઈ સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું, “માત્ર કાયદાથી કુરિવાજો-પ્રથાઓ કે આવી સમસ્યાઓનો ઉકેલ ન આવે. બાળમજૂરી માટે કાયદો છે, છતાં આપણે જોઈએ છીએ કે બાળકો પાસે કામ કરાવવામાં આવે છે.”
“ખરેખર જ્યાં સુધી સમાજમાં આ વિશે જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે.”
સામાજિક સમસ્યા મામલે કિરણ દેસાઈ કહે છે કે, “ગ્રામ્ય વિસ્તારમાં આવા કિસ્સા વધુ જોવા મળે છે. આ એક સામાજિક સમસ્યા છે અને પિતૃસત્તાક સમાજ પણ તેના માટે જવાબદાર છે.”
“સમાજમાંથી મૂલ્યોનું પતન થતાં સમસ્યા વધુ જટિલ થવા લાગે છે અને પછી બાળકો-મહિલાઓએ વધારે ભોગવવું પડે છે."
તેઓ કહે છે કે “કેટલાક સમય પહેલાં અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે સ્વયંસેવી સંસ્થાઓ સક્રિયપણે કામ કરતી હતી, પરંતુ હવે તેમની સક્રિયતા ઘટી હોય એવું લાગે છે."
"બીજી તરફ સરકાર અને તંત્રની પ્રાથમિકતા અલગ હોય છે, એટલે અંધશ્રદ્ધા મામલેની ગંભીર ઘટનાઓ રોકવા નક્કર પગલાં લેવાય એ જરૂરી છે.”

ભૂતકાળમાં બનેલા કિસ્સા

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ એવાં દૂષણો જોવા મળે છે, જેમાં વિધવા કે નિઃસંતાન મહિલાને ડાકણ-ચુડેલ કહીને તેના પર અત્યાચાર કરવામાં આવે છે.
ડાકણ ગણાવીને મહિલાઓને ઢોર માર મારવાના બનાવો અખબારોમાં સમયાંતરે જોવા મળે છે.
ગત વર્ષે જૂન મહિનામાં દેવગઢ બારિયા તાલુકાના ડભવા ગામે બાટલીબહેન બારિયા નામનાં વિધવા પર તેમના જ કુટુંબીજનો એવું કહીને તૂટી પડ્યા હતા કે 'તું ડાકણ છે, તારા લીધે અમારાં પશુ અને માણસો બીમાર પડે છે.'
2019-જુલાઈ મહિનામાં દાહોદના મોઢવા ગામે વીસેક લોકોનું ટોળું 58 વર્ષીય વિધવા ગંગાબહેન પટેલના ઘરે ધસી આવ્યું હતું. તેમના પર ડાકણ હોવાનો વહેમ રાખીને ઘરમાં તોડફોડ કરીને ધીંગાણું મચાવ્યું હતું.
ગયા વર્ષે છોટાઉદેપુરના એક ગામડામાં પતિના મૃત્યુ બાદ વિધવાને ડાકણ છે કે નહીં તે પુરવાર કરવા મહારાષ્ટ્રના ભૂવા પાસે લઈ જવામાં આવ્યાં હતાં અને પછી ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત ગયા વર્ષે તાપી જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં વિધવા મહિલાને ડાકણ જાહેર કરીને તેને એટલો માર મારવામાં આવ્યો કે બેહોશ થઈને ઢળી પડ્યાં. તેમને વીજળીના થાંભલે બાંધી દેવામાં આવ્યાં હતાં.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













