સેક્સ દરમિયાનનું સ્ટેલ્થિંગ શું છે અને ઘણા દેશો તેને બળાત્કાર કેમ માને છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના કૅલિફોર્નિયા રાજ્યની ઍસેમ્બ્લી એટલે કે ધારાસભાએ સ્ટેલ્થિંગ એટલે કે 'સેક્સ દરમિયાન પોતાના સાથીની જાણકારી કે માહિતી વિના કૉન્ડોમ હઠાવવા પર' પ્રતિબંધ લાદ્યો છે.
ડેમૉક્રેટ પક્ષના ક્રિસ્ટીના ગાર્સિયા છેલ્લાં ચાર વર્ષથી આ કાયદા માટે પ્રયાસ કરી રહ્યાં હતાં.
ઍસેમ્બ્લીમાં આ ખરડો રજૂ કરતાં ગાર્સિયાએ કહ્યું હતું કે "કૅલિફોર્નિયામાં આવું કરવું એ અપરાધ છે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે."

ઇમેજ સ્રોત, Getty Images
ગાર્સિયાએ કહ્યું હતું કે "અમેરિકાનો આવો આ પહેલો કાયદો છે. અન્ય રાજ્યોને પણ કૅલિફોર્નિયાને અનુસરવાની તેમજ એ સ્પષ્ટ કરવાની વિનતી કરું છું કે સ્ટેલ્થિંગ અનૈતિક જ નહીં, પરંતુ ગેરકાયદે કૃત્ય પણ છે."
સ્ટેલ્થિંગ માટે કાયદો બનાવવાનાં પ્રયાસ ગાર્સિયા 2017થી કરી રહ્યાં છે. એ સમયનાં તેમનાં વિદ્યાર્થિની ઍલેક્ઝેન્ડ્રા બ્રૉડસ્કીનો એક રિપોર્ટ 'કોલંબિયા જર્નલ ઑફ જેન્ડર ઍન્ડ લૉ'માં પ્રકાશિત થયો હતો.
આ કાયદા વિશે જાગૃતિ ફેલાવવાનું શ્રેય તે રિપોર્ટને આપવામાં આવે છે. જોકે, સ્ટેલ્થિંગ કોઈ નવી વાત નથી.

ખરેખર શું છે સ્ટેલ્થિંગ?

ઇમેજ સ્રોત, Getty Images
સાદા શબ્દોમાં કહીએ તો સ્ટેલ્થિંગનો અર્થ સેક્સ દરમિયાન સાથીદારને જણાવ્યા વિના કૉન્ડોમ કાઢી નાખવાનો કે તેને જાણીજોઈને નુકસાન કરવાનો છે.
આવું કરવાથી સાથીદારને યૌન સંક્રમિત રોગોનો ચેપ લાગવાનું કે ગર્ભવતી થવાનું જોખમ સર્જાય છે. એ ઉપરાંત આ કૃત્યથી પીડિત કે પીડિતાની ગરિમાનું ઉલ્લંઘન પણ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવું ઘણાં વર્ષોથી થતું હોવાનું અનુમાન છે, પરંતુ ઈન્ટરનેટ લોકપ્રિય થયું એ પછી આ વિષય પર લોકોનું વધારે ધ્યાન ખેંચાયું છે.
વાસ્તવમાં ઇન્ટરનેટ પરના અનેક બ્લૉગ્ઝમાં સેક્સ સંબંધી ગુનેગારો, સ્ટેલ્થિંગનું કામ કેવી રીતે કરવામાં આવે છે એ જણાવતા જોવા મળ્યા હતા.
'નેશનલ લાઈબ્રેરી ઑફ મેડિસિન'માં 2019માં પ્રકાશિત એક લેખમાં 21થી 30 વર્ષની વયની 12 ટકા મહિલાઓએ તેમના પરના સ્ટેલ્થિંગના અનુભવની વાતો જણાવી હતી.
ઑસ્ટ્રેલિયાની મૉનાશ યુનિવર્સિટીના શોધકર્તાઓને 2019માં જ જાણવા મળ્યું હતું કે પુરુષો સાથેના સેક્સ સંબંધ વખતે 33 ટકા મહિલાઓ અને 20 ટકા પુરુષો સાથે સ્ટેલ્થિંગની ઘટના બની હતી.

ઇમેજ સ્રોત, Getty Images
2019માં એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લગભગ 10 ટકા પુરુષોએ સેક્સ દરમિયાન સાથીની સહમતિ વિના કૉન્ડોમ કાઢી નાખ્યાં હતાં.
ઍલેક્ઝેન્ડ્રા બ્રૉડસ્કીએ 2017માં પ્રકાશિત સ્ટેલ્થિંગ વિશે લેખ લખનાર જાણીતાં મહિલા બ્લૉગરનો કિસ્સો ટાંક્યો હતો.
સેક્સ દરમિયાન સાથીને ખબર ન પડે એ રીતે ચૂપચાપ કૉન્ડોમ કઈ રીતે કાઢી નાખવું એ વિશેની સલાહ તે મહિલા બ્લૉગર તેમની, હવે નિષ્ક્રિય થઈ ચૂકેલી સાઈટ પર પુરુષોને આપતાં હતાં.
એ બ્લૉગ પર કૉમેન્ટ કરનારા લોકોએ અનેક પ્રકારની અભદ્ર કૉમેન્ટો કરી હતી, પરંતુ સ્ટેલ્થિંગ વિશે જાગૃતિ વધી ત્યારે કાયદો બનાવવાના પ્રયાસ નબળા પડ્યા હતા.

કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના દેશોએ સ્ટેલ્થિંગની સમસ્યાના નિવારણ માટે અલગ-અલગ રીતો અપનાવી છે.
કૅલિફોર્નિયાનો આ કાયદો અમેરિકાનો આ પ્રકારનો સૌપ્રથમ કાયદો છે, જે સ્ટેલ્થિંગને વાસ્તવમાં ગુનો ગણાવતો નથી. તેને બદલે સ્ટેલ્થિંગ માટે કાયદામાં સામાન્ય દંડની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી પીડિત કે પીડિતાને વળતર માટે કેસ કરવાની પરવાનગી મળે છે.
સમગ્ર વિશ્વમાં આ પ્રકારના જાતીય હુમલાથી માંડીને બળાત્કાર સુધીની ઘટનાઓમાં કેસ નોંધાયા બાદ જૂજ કેસમાં જ સફળતા મળે છે.
જર્મનીના એક પોલીસ અધિકારીને તેમના સાથીની સહમતિ વિના કૉન્ડોમ કાઢી નાખવા બદલ જાતીય સતામણીનો ગુનેગાર ગણવામાં આવ્યો હતો. અદાલતે તેને આઠ મહિનાના કારાવાસની સજા કરી હતી.
એ ઉપરાંત પીડિતના જાતીય આરોગ્યની તપાસ માટે 96 યુરો એટલે કે 8,300 રૂપિયા ચૂકવવાનો તેમજ 3,000 યુરો એટલે કે 2.62 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ન્યૂઝીલૅન્ડમાં આવા ગુના માટે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં એક પુરુષને સેક્સ વર્કર સાથે સ્ટેલ્થિંગ બદલ બળાત્કારનો દોષી માનવામાં આવ્યો હતો અને તેને ત્રણ વર્ષ, નવ મહિનાના કારાવાસની સજા કરવામાં આવી હતી.
આ રીતે બ્રિટનમાં પણ સ્ટેલ્થિંગને બળાત્કાર માનવામાં આવે છે. અલબત, એ માટે કોઈ ખાસ કાયદો નથી. 2019માં એક વ્યક્તિને સેક્સ વર્કર સાથે સ્ટેલ્થિંગ કરવા બદલ બળાત્કારનો ગુનેગાર ગણવામાં આવ્યો હતો.
સેક્સ વર્કરે આરોપીને કૉન્ડોમ પહેરવા વિનંતી કરી હતી. સેક્સ વર્કરની સહમતી વિના કૉન્ડોમ હઠાવીને બાંધેલા સેક્સસંબંધને અદાલતે બળાત્કાર ગણ્યો હતો.
2014માં કૅનેડામાં તો 2017માં સ્વિટ્ઝર્લેન્ડમાં આ સંબંધે જાતીય સતામણીનો સફળ કેસ ચલાવવામાં આવ્યો હતો. તાજેતરના એક કેસમાં ઝ્યુરિકની કૅન્ટોનલ સુપ્રીમ કોર્ટે સ્ટેલ્થિંગને ગેરકાયદે કૃત્ય ગણ્યું ન હતું.
સ્ટેલ્થિંગના સૌથી હાઈ-પ્રોફાઈલ કિસ્સાઓમાં એક કિસ્સો જુલીયન અસાંજનો છે. 2010માં સ્વીડનના પ્રવાસ દરમિયાન બે અલગ-અલગ મહિલાઓ સાથે સેક્સ દરમિયાન કૉન્ડોમ હઠાવવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો હતો.
જોકે, તેમને એકેય કેસમાં દોષી ઠરાવવામાં આવ્યા ન હતા, કારણ કે પોતાને અમેરિકાને સોંપી દેવામાં આવશે એવા ડરથી અસાંજે સ્વીડન બહાર જવાનો ઈનકાર કર્યો હતો.
અમેરિકામાં તેમની સામે જાસૂસીના કેસ નોંધવામાં આવ્યા હતા. પછી સ્વીડને તે કેસો હઠાવી લીધા હતા.

હવે શું થશે?

સ્ટેલ્થિંગની સમસ્યાના નિરાકરણ બાબતે દુનિયાના દેશોની રીતોમાં વ્યાપક અસમાનતા છે.
આ વાત મિશેલ કોએલ નિર્મિત અને અભિનીત બીબીસીની લોકપ્રિય મિની-સિરીઝ 'આઈ મે ડિસ્ટ્રૉય યુ'માં દર્શાવવામાં આવી છે.
તે શ્રેણીના પાંચમા એપિસોડમાં નાયિકા અરાબેલા, સ્ટેલ્થિંગનું કૃત્ય કરનારા એક પુરુષને બ્રિટનના કાયદા અનુસાર બળાત્કારનો ગુનેગાર ગણાવે છે.
પછી તેને અમેરિકા તથા ઑસ્ટ્રેલિયાથી અલગ ગણાવતાં કહે છે, "તમે અમેરિકામાં આવું કરો તો તે 'લગભગ બળાત્કાર જેવું' ગણવામાં આવે, પરંતુ ઑસ્ટ્રેલિયામાં તેને 'થોડોક બળાત્કાર' ગણવામાં આવશે."
આખરે તો સ્ટેલ્થિંગ સહમતિની બાબત છે અને કોઈ પર કેસ ચલાવતી વખતે સંબંધિત દેશના કાયદાઓએ તે વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલને યુરોપના બળાત્કાર સંબંધી કાયદાઓની સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે 31માંથી 12 દેશોમાં જ 'સહમતિ' સંબંધી કાયદા છે.
બાકીના દેશોમાં તેને બળાત્કાર ગણવામાં આવે છે. સેક્સ દરમિયાન હિંસા થઈ હતી કે નહીં તે ચકાસવામાં આવે છે.
નેધરલેન્ડ્ઝ, ફિનલૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ અને સ્લોવેનિયા સહિતના અનેક દેશો પોતાના કાયદામાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે ત્યારે સ્પેને જાતીય હિંસા માટે એક ખરડો લાવવાની જાહેરાત ગયા વર્ષે કરી હતી અને જણાવ્યું હતું કે તેમાં બળાત્કારની કાયદાકીય પરિભાષાને બદલવામાં આવશે.
કૅલિફોર્નિયાની માફક ઑસ્ટ્રેલિયાના રાજધાની ક્ષેત્ર(એસીટી)એ પણ ગત દિવસોમાં સ્ટેલ્થિંગને ગેરકાયદે જાહેર કર્યું હતું. આવું કરનારું તે ઑસ્ટ્રેલિયાનું સૌપ્રથમ રાજ્ય છે.
વર્તમાન કાયદાઓમાં આ ગતિવિધિ અગાઉથી નોંધાયેલી હતી, પરંતુ નવા કાયદા મુજબ તેને હવે જાતીય હુમલો ગણવામાં આવશે.
એ ખરડો વિરોધ પક્ષનાં નેતા ઍલિઝાબેથ લીએ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે "સ્ટેલ્થિંગ કોઈ પણ વ્યક્તિ માટે દર્દનાક બાબત છે. એસીટીએ આ જઘન્ય કૃત્યને ગુનો ગણતો કાયદો બનાવ્યો તેનું મને ગૌરવ છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.












