સાપનું ઝેર અને નશાની કિક મેળવનારાઓનું 'વિષ'ચક્ર કેવું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં લાખો કરોડોનું ડ્રગ્સ પકડાયાના સમાચાર ઘણી વખત આવ્યા છે પરંતુ ડ્રગ્સની જેમ સાપના ઝેરના નશાનો મામલો હાલમાં જ પ્રકાશમાં આવ્યો હતો.
વિખ્યાત યૂટ્યૂબર ઍલ્વિસ યાદવ સહિત છ લોકોની સામે ઉત્તર પ્રદેશ પોલીસે કેસ દાખલ કર્યો હતો. તેમની ઉપર આરોપ છે કે તેઓ વિદેશી યુવતીઓને બોલાવીને રેવ પાર્ટી કરતા અને તેમાં સાપના ઝેરનો નશો કરવામાં આવતો અને તેના વીડિયો પણ બનાવતા.
યાદવે પોતાની ઉપર લાગેલા આરોપોને નકાર્યા હતા અને તપાસમાં પૂરો સહયોગ આપવાની વાત કરી હતી. સાથે જ તેમની પાસેથી નશાકારક પદાર્થ મળ્યા હોવાની વાતનો પણ ઇન્કાર કર્યો હતો.
કિક મેળવવા માટે સાપનો ડંખ લેવાનું ચલણ છેલ્લાં ઘણાં વર્ષોથી ચીન, રશિયા અને પશ્ચિમી દેશોમાં છે. ભારતમાં પણ પાર્ટી દરમિયાન સાપનું ઝેર લેવાનું ચલણ વધી રહ્યું છે.
બીજી બાજુ, સાપના ઝેરને કારણે થતાં મોતોની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ટોચ ઉપર છે. છતાં તેને 'ગામડાં અને ગરીબો'ની સમસ્યા તરીકે જોવામાં આવે છે.
ઝેર: રેવ પાર્ટીઓમાં ડ્રગ અને સર્પદંશનો નશો

ઇમેજ સ્રોત, @ELVISHYADAV
ભારતના ઝેરી સાપોની ચીન, રશિયા અને ફ્રાન્સ સહિત પશ્ચિમી દેશોમાં માગ રહે છે. વિદેશમાં કેટલાક લોકો ચોક્કસ પ્રકારના ઝેરી સાપ પાળવાનો શોખ પણ ધરાવે છે.
હવાઈમાર્ગે તેની હેરફેર ન થઈ શકે તે માટે કસ્ટમ્સ વિભાગ દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવતી હોય છે, છતાં નેપાળ અને બાંગ્લાદેશ જેવા માર્ગે તેને વિદેશમાં મોકલવાના રૅકેટનો પર્દાફાશ થયો છે.
ભારતમાં રેવપાર્ટી કે ન્યૂ યરની પાર્ટી દરમિયાન કિક લેવા માટે સાપના ડંખ લેવાનું ચલણ વધી રહ્યું છે. ભૂતકાળમાં મુંબઈ જેવા શહેરોની પાર્ટી માટે ગુજરાતના જંગલવિસ્તારોમાંથી ઝેરી સાપ મોકલવાના રૅકેટનો ભૂતકાળમાં પર્દાફાશ થયેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારોના કહેવા પ્રમાણે, નશાખોરો મૉર્ફિન કે અફીણ જેવા કેફીપદાર્થોથી નશો કરે છે, પરંતુ વારંવારના સેવનને કારણે તેનાથી મળતી કિક ઓછી થઈ જાય છે.
આથી,તેઓ વધુ નશો મેળવવા માટે ખતરનાક નશા તરફ વળે છે, જેનો એક વિકલ્પ ઝેરી સાપનું ઝેર પણ છે. કેટલાક લોકો પાર્ટીમાં સાપનું બચ્ચું રાખે છે અને તેને છંછેડીને તેનો ડંખ લઈને કિક મેળવે છે.
ઝેરનું મારણ ઝેર કેમ કહેવાય છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અલગ-અલગ પ્રજાતિના સાપ અલગ-અલગ માત્રામાં ઝેરીદ્રવ્યોનો ઉપયોગ કરીને ડંખ મારે છે. એટલે સુધી કે એક જ પ્રજાતિના અલગ-અલગ સાપમાં ઝેરનું આ પ્રમાણ અલગ-અલગ હોય છે. એટલે સુધી કે સાપની ઉંમર, લિંગ અને આસપાસનું વાતાવરણ પણ તેના ઝેરની ઘાતકતા ઉપર અસર કરે છે. એટલે જ ડંખની અસરના લક્ષણ પણ અલગ-અલગ હોય છે, અને તેની સારવાર જટિલ બની જાય છે. છતાં 'ઝેરનું મારણ ઝેર'એ કહેવત સાપના ડંખની બાબતમાં ચોક્કસપણે ખરી સાબિત થાય છે.
સાપના ઝેરમાંથી મળતાં ઘણાં રસાયણો કેટલીક બીમારીઓના ઇલાજમાં ઉપયોગી સાબિત થઈ શકે છે અને અલબત્ત ઘણી બધી ઝેરઆધારિત દવાઓ હાલ ઉપયોગમાં પણ લેવાઈ રહી છે. સાપના ઝેરમાંથી તેનું મારણ બનાવવામાં આવે છે, છતાં હજુ પણ તે દિશામાં સંશોધન ચાલુ છે.
સિરિંજ કે સોય દ્વારા ઝેર કાઢવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ ઍન્ટિ-વેનમ સીરમ તરીકે કરવામાં આવે છે. ભારતમાં પરંપરાગત રીતે પણ ઝેર કાઢવામાં આવે છે. (તામિલનાડુમાં તેની કૉઓપરેટિવ સંસ્થા છે, જે કંપનીઓને ઝેર વેચે છે.)
આ સિવાય ઘોડા કે ઘેટાંને બિનહાનિકારક પ્રમાણમાં સાપનું ઝેર આપવામાં આવે છે, જેના કારણે તેમના શરીરમાં સાપા ઝેર સામે રોગપ્રતિકારક શક્તિ ઊભી થાય છે. ત્યારબાદ તેમના લોહીમાંથી ઍન્ટિબૉડી કાઢવામાં આવે છે. એ પછી તેને શુદ્ધ કરીને ઝેરવિરોધી રસી બનાવવામાં આવે છે.
જરારાકા પીટ વાઇપર સાપના ઝેરમાંથી બનતી એન્જીઓટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ થકી આ સામે માનવઇતિહાસમાં કોઈ પણ પ્રાણી કરતાં વધારે માનવજીવ બચાવ્યા છે. આર્થરાઇટિસ, દર્દશામક અને સોજા ઉતારવાની દવાઓમાં પણ સાપના ઝેરનો ઉપયોગ થાય છે.
વિજ્ઞાનીઓના મતે સાપના ઝેરમાંથી દર્દશામક બનાવી શકાય છે અને તેની આડઅસર પણ નહીં હોય એટલે તે દિશામાં સંશોધન ચાલી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં અમુક સાપના ઝેરના એક લીટરની કિંમત રૂ. એક કરોડ સુધી પહોંચી શકે છે અને ઘણી વખત ઝેરનું મારણ બનાવતી દવા કંપનીઓ તેને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ગેરકાયદેસર રીતે હાંસલ કરે છે.
સાપોનું 'વિષ'ચક્ર

ઇમેજ સ્રોત, Getty Images
ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાની (સર્પદંશની) ઘટનાઓમાં વધારો થાય છે. સર્પદંશના કારણે ઝડપથી યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જાય છે. આમ થવા પાછળ સર્પવિશેષજ્ઞો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપરાંત સાપનાં ઈંડાંમાંથી બચ્ચાં નીકળવાના સમયને કારણભૂત માને છે.
સાપોના ઝેર અલગ-અલગ પ્રકારના હોય છે. કેટલાક સાપના ઝેરને કારણે તત્કાળ મૃત્યુ થાય છે, તો કેટલાક સાપના ડંખને જીવલેણ સાબિત થવામાં સમય લાગે છે.
સાપ શિકારને બચકું ભરી પોતાના અણીદાર દાંત મારફતે ઝેર શિકારના શરીરમાં ઉતારી દે છે. જ્યાંથી તે સીધું જ શિકારના રક્તપ્રવાહમાં ભળી જાય છે. પરંતુ મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા જેવા કેટલાક સાપ પોતાના શિકાર તરફ ઝેર થૂંકે છે.
ધ્રાંગધ્રામાં છેલ્લાં 20 વર્ષથી સારવાર આપી રહેલા સિનિયર ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. હેમાંગ દોશીએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, “કોબ્રા અને કાળોતરા સાપનું ઝેર ન્યૂરોટૉક્સિક હોય છે અને ખડચિતળા અને ફૂરસાનું ઝેર હિમેટોટૉક્સિક હોય છે. ન્યૂરોટૉક્સિક ઝેર શરીરના ચેતાતંત્ર પર અસર કરે છે અને દર્દીમાં લકવાની અસર, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવાં લક્ષણો જોવાં મળે છે. જ્યારે હિમેટોટૉક્સિક ઝેરની અસર શરીરના રૂધિરાભિસરણતંત્રમાં થાય છે એટલે કે આ ઝેર લોહીમાં ભળી જાય છે અને શરીરના આંતરિક ભાગોમાં હેમરેજ (લોહીની નળીઓ ફાટવી) થવા લાગે છે.”
તેમણે વધુમાં કહ્યું, “નાગ કરડે ત્યારે તેના ઝેરની અસર શરીર પર 10-15 મિનિટમાં જ દેખાવા લાગે છે. જ્યારે 30-45 મિનિટમાં એ ઝેરની તીવ્રતાની અસર સૌથી વધુ થઈ જાય છે. કાળોતરો સાપ કરડે તો તેના ઝેરની અસર દેખાવામાં દોઢથી બે કલાક થાય છે અને ચારથી છ કલાકમાં તેની તીવ્રતા સૌથી વધુ થઈ જાય છે. જ્યારે ફૂરસા અને ખડચિતળા સાપની અસર તરત નથી દેખાતી. તેમાં સાપ કરડવાની જગ્યાએ સોજો આવી જવો અને તીવ્ર દુખાવો થવાનાં લક્ષણો જોવાં મળે છે.”
એક અભ્યાસ પ્રમાણે, વિશ્વભરમાં સાપના ઝેરને કારણે જેટલા મૃત્યુ થાય છે,તેમાંથી એંસી ટકા ભારતમાં થાય છે અને મૃતકોની સંખ્યા 64 હજાર આસપાસ હોય છે. વિશ્વભરમાં ચાર લાખ લોકોને પેરાલિસિસ, અંધતા અને બીજી કાયમી શારીરિક ખામી રહેવા પામે છે.
એક અભ્યાસ પ્રમાણે, વર્ષ 2000-2019ના બે દાયકાના સમયગાળા દરમિયાન 12 લાખ લોકો (1.2 મિલિયન) સાપના ઝેરથી મૃત્યુ પામ્યા હતા. અડધોઅડધ પીડિત 30થી 69 વચ્ચેના હતા, જ્યારે 25 ટકા બાળકો હતાં.
જાણકારોના કહેવા પ્રમાણે અનેક કિસ્સા સરકારી ચોપડે નોંધાતા ન હોવાથી વાસ્તવિક આંકડો આના કરતાં વધુ હોય શકે છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં આ સમસ્યા વિકરાળ છે.
વર્ષ 2001-2014 દરમિયાનબિહાર, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં પણ સ્થિતિ ચિંતાજનક હતી. છેલ્લા કેટલાક વર્ષોથી નેશનલ હેલ્થ મિશન હેઠળ સાપના ઝેરને સમસ્યા તરીકે જોઈને આ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
સાવચેતીમાં સલામતી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં જોવા મળતી લગભગ 60થી 62 જેટલી પ્રજાતિઓમાંથી માત્ર ચાર સાપના દંશ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જેમાં નાગ (ઇન્ડિયન કોબ્રા), કાળોતરો (ઇન્ડિયન ક્રેટ), ખડચિતળો (રસેલ્સ વાઇપર) અને ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર)નો સમાવેશ થાય છે.
સર્પ વિશેષજ્ઞોના મતે ખૂબ જ સરળ ઉપાયો કરવાથી સાપને કરડતા અટકાવી શકાય છે. તેમાં પણ જો સાપના વર્તન વિશેની સમજણ કેળવવામાં આવે તો સાપ અને મનુષ્ય બન્નેને નુકસાનથી બચાવી શકાય છે.
જાણકારોના મતે સાપ માટે ઝેર એ શિકાર કરવા માટેનું હથિયાર છે. તે ઉપયોગી હોવાથી સાપ તેનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરે છે અને જ્યારે કોઈ બીજો ઉપાય ન રહે, ત્યારે જ તેનો ઉપયોગ કરે છે.
- સાપ સામે હોય ત્યારે તેને છંછેડો નહીં અને ગભરાટ ન દેખાડો
- ચોમાસા દરમિયાન સાપનાં બચ્ચાં ઈંડાંમાંથી બહાર નીકળે છે. ઉપરાંત આ સમયે દેડકાં, ઉંદર, ગરોળી વગેરે જીવજંતુ સરળતાથી મળી રહેતા હોવાથી માનવવસતિ તરફ પહોંચે છે. એટલે આ સિઝનમાં વિશેષ કાળજી રાખવી
- રસોડું, સ્ટોરરૂમ, ઘાસની ગંજી કે ભંગાર રાખ્યો હોય તેવી જગ્યાએ તથા અંધારું હોય ત્યાં વિશેષ સાવચેતી રાખવી. ત્યાં જતી વખતે ટૉર્ચ સાથે રાખવી અને હાથ નાખતા પહેલાં થોડો અવાજ કરવો
- ખેતરમાં કે ખુલ્લામાં ઊંઘતી વખતે મચ્છરદાની લગાડીને જ સૂવું
- નાગ, કૂરસો અને ખડચિતળો ડંખતા પહેલાં ઊંચા થઈને, ફેણ બતાવીને કે અવાજ કરીને પોતાની આક્રમતા વ્યક્ત કરે છે, પરંતુ કાળોતરો આવી કોઈ ચેતવણી નથી આપતો
સર્પદંશ થાય તો શું કરવું, શું ન કરવું?
- સાપના ડંખની જગ્યાને સાબુવાળા પાણીથી સાફ કરી નાખવી
- લોહીનું પરિભ્રમણ ધીમું કરવા ડંખની જગ્યાથી એક વેંત ઉપર એક આંગળી જેટલો ગાળો રાખીને પાટો બાંધવો
- ક્યારેય પણ ચુસ્ત પાટો ન બાંધવો, એમ કરવાથી શરીરના જે-તે ભાગને કાપવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે
- શક્ય તેટલું ઝડપથી એમડી ફિઝિશિયન ડૉક્ટર પાસે કે સિવિલ હૉસ્પિટલમાં પહોંચવું. ઓઝા, ભુવા કે તાંત્રિક પાસે ન જવું
- સાપ કરડ્યા પછી શરીરનું વધુ હલનચલન ના કરવું, એમ કરવાથી શરીરમાં ઝેર ઝડપથી ફેલાઈ શકે છે.
- પાણી કે પ્રવાહી ન પીવડાવું
- શરીર પરના દાગીના અને ઘડિયાળ વગેરે ઉતારી નાખો
- કૃષિલક્ષી કામકરતી વખતે લાંબા રબરના બૂટ પહેરો
- જો તમે તંગ કપડાં પહેર્યાં હોય તો તેને ઢીલાં કરી દો.
- ચૂસીને ઝેરને કાઢી નાખવાનો પ્રયાસ ન કરો. જ્યાં ડંખ લાગ્યો હોય ત્યાં કાપો મૂકવાનો કે લોહી કાઢવાનો પ્રયાસ ન કરો.
- ઘાવ ઉપર બરફ કે કેમિકલ સહિત કોઈપણ ચીજ ન લગાવો. જે વ્યક્તિને ડંખ લાગ્યો હોય તેને એકલી ન મૂકો અને તેને હિંમત અપાવો
- જે ઝેરી સાપે ડંખ માર્યો હોય તેને પકડવાનો કે તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ ન કરો. એટલે સુધી કે મૃત સાપને પણ સાવચેતીપૂર્વક પકડવો જોઈએ
- જો થોડા સમય પહેલાં જ સાપનું મૃત્યુ થયું હોય તો પણ તેના ફેણમાં ઝેર હોઈ શકે છે, જે પ્રાણઘાતક નીવડી શકે છે.












