શનિ-રવિમાં હળવા મળવા માટે અહીં લોકો નગ્ન થઈને બેસે છે

સૉના

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લેનોક્સ મોરિસન
    • પદ, બીબીસી વર્કલાઇફ

હું પહેલીવહેલી વખત યુરોપના જર્મનીમાં નોકરી માટે ગયો હતો. ત્યાં ઑફિસના સહકર્મીઓ સાથે હળવા મળવા માટે જે સૉનામાં જવાનું ચલણ છે એ જોઈને હું અચંબામાં હતો. વાંચો મારી કહાણી જેમાં ઑફિસના સહકર્મીઓ ઉઘાડા શરીરે કેવી રીતે હળવા મળવા એ ખાસ જગ્યાએ ભેગા થતા હોય છે.

હું મારા બૉસ સાથે સૉના (બાષ્પસ્નાનગૃહ)માં લાકડાની બૅન્ચ પર સાથળ અડાડીને બેઠો હતો તે ક્યારેય ભૂલી શકીશ નહીં. જર્મનીમાં હાઈડેલબર્ગ નજીક એક કમ્પ્યુટર સ્ટાર્ટ-અપની નોકરીનું પહેલું અઠવાડિયું હતું."

"હું સ્કૉટલૅન્ડનો છું, જ્યાં સામાજિક મેળાપનો અર્થ ઑફિસનું કામ પૂર્ણ થાય પછી ડ્રિંક્સ માટે પબમાં જવું એવો થાય છે. હું મારા સહકર્મચારીઓ સાથે ઊભો હોઈશ અને મારા ઉઘાડા શરીર પર બરફની કરચોની વર્ષા થતી હશે એવું મેં સપનામાં પણ વિચાર્યું ન હતું.

મારા માટે તે સાંસ્કૃતિક ભૂકંપના ઝટકા જેવી ઘટના હતી, પરંતુ જર્મની, હોલૅન્ડ કે ફિનલૅન્ડમાં સહકર્મચારીઓ સાથે સૉનામાં જવું તે અસામાન્ય બાબત નથી અને ફિનલૅન્ડમાં આવા સ્થળે તમારા બૉસને ઉઘાડા શરીરે જોવા તે બિલકુલ સ્વાભાવિક છે.

હેલસિંકીમાં ધ ફિનિશ સૉના સોસાયટીનાં ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર કેટરિના સ્ટાયરમૅન કહે છે, "ફિનલૅન્ડ સર્વસમાન સમાજ છે. તમારા બૉસ સાથે સૉનામાં જવું તદ્દન નૉર્મલ છે. આ એક એવી જગ્યા છે, જ્યાં તમારે તમારા પદ અને પગારને ભૂલી જવાના હોય છે."

કેટરિનાના જણાવ્યા મુજબ, 55 લાખ લોકોના આ ઉત્તરીય દેશમાં દર બે વ્યક્તિ માટે લગભગ એક સૉના છે. મોટા ભાગની કંપનીઓના પોતાના સૉના હોય છે.

જર્મનીમાં મિક્સ્ડ સૉના હોય છે, પરંતુ ફિનલૅન્ડની પરંપરા એવી છે કે પારિવારિક દાયરાની બહાર પુરુષ અને મહિલાઓ અલગ-અલગ સૉનામાં જાય છે. તેમ છતાં ફિનલૅન્ડમાં આવા નવાંગતુકો માટે પોતાના સહકર્મચારીઓ સાથે કૅબિનમાં જવાનો અનુભવ જેટલો આરામદાયક હોવો જોઈએ એટલો નથી હોતો.

'સૉનાની અંદર જવા નગ્ન થવું પડે'

સૉના

ઇમેજ સ્રોત, Getty Images

ગેમ ડેવલપર રેમેડી ઍન્ટરટેનમેન્ટમાં જોડાવા 2013માં હેલસિંકી આવેલા બેલ્જિયમના ક્રિસ્ટોફર મિન્નાર્ટ કહે છે, "તે આગળ વધવાનું એક ડગલું હતું."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એસ્પૂમાં આવેલા કંપનીના સ્ટુડિયો તથા ઑફિસમાં રૂફટૉપ સૉના છે. 30 વર્ષના વરિષ્ઠ કૅરેક્ટર ટેકનિકલ આર્ટિસ્ટ મિન્નાર્ટ કહે છે, "તેમા અંદર જવા માટે તમારે નગ્ન થવું પડે છે. તમે ટુવાલ કે સ્વિમિંગ શૉર્ટ પહેરો તો અન્ય લોકો નારાજ થાય છે."

જોકે, ત્રણ વર્ષ પછી શુક્રવારની સાંજે સહકર્મચારીઓ સાથે સૉનામાં જવાનું તેમના માટે સહજ થઈ ગયું હતું. ત્યાં બીયર પીવાનું અને વસ્ત્રવિહીન અવસ્થામાં ખુલ્લી હવાદાર છત પર જવાનું પણ સામાન્ય બાબત છે. તેઓ અને તેમની ટીમ સૉનામાં પ્રત્યેક સપ્તાહમાં એકથી ત્રણ કલાક મોજ માણે છે. સૉનામાં તેઓ ઔપચારિક મીટિંગ્ઝ નથી કરતા, પરંતુ કામ વિશે વાતો જરૂર કરે છે. ક્યારેક સારા વિચારો સાથે ડેસ્ક પર પાછા પણ ફરે છે.

તેઓ કહે છે, "આ અમુક અંશે બારમાં જવા જેવું છે, પરંતુ અહીં ડ્રિન્ક ઓછું કરવાનું હોય છે અને માહોલ પરસેવાનો હોય છે. શિયાળામાં અહીં આવવું સારું હોય છે, કારણ કે બહાર તાપમાન શૂન્યથી 30 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધી જઈ શકે છે. તમે સૉનામાં જાઓ ત્યારે વાસ્તવમાં તાજામાજા થઈ જાઓ છો."

મિન્નાર્ટ તેમના બૉસના આમંત્રણને લીધે હેલસિંકી નજીકની ફિનિશ સૉના સોસાયટીની માત્ર સભ્યો માટેની ક્લબમાં પણ ગયા હતા, જ્યાં બાલ્ટિક સમુદ્રની સામે ભૂર્જ નામનાં વૃક્ષોની વચ્ચે સળગતા લાકડાના પરંપરાગત "સ્મોક સૉના" આવેલા છે.

અહીં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખો અને અન્ય અગ્રણી વ્યક્તિઓ સૉનામાં આવતા અન્ય લોકો સાથે ઉઘાડા શરીરે હળતાભળતા હોય છે. તેમને દરિયામાં ડૂબકી મારવાની તક મળે છે. શિયાળામાં અહીં બરફમાં છેદ બનાવવામાં આવે ત્યારે પણ.

સૉનામાં બધા સરખા

સૉના

ઇમેજ સ્રોત, Getty Images

ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રની બહુરાષ્ટ્રીય કંપની નોકિયા ગ્લોબલ પ્રોડક્ટ સેલ્સ વિભાગના સિનિયર વાઇસ પ્રૅસિડેન્ટ ફિન ટોમી યૂટો કહે છે, “સૉનામાં બધા સમાન અને અનાવૃત હોય છે. કોઈને અહંકાર હોતો નથી. માત્ર તમે તથા તમારા વિચાર અને તમારા શબ્દો હોય છે. આ વાત દરેક વ્યક્તિને લાગુ પડે છે. તેથી અહીં વધુ માનવીય વાતાવરણ હોય છે. કોઈ બિનજરૂરી સજાવટ હોતી નથી.”

ફિનલૅન્ડમાં નોકિયાની ત્રણેય સાઇટ્સ પર ઇન-હાઉસ સૉના છે. યૂટો કહે છે, “તે હોવા જ જોઈએ. ફિનલૅન્ડની કંપનીમાં નોકરી માટે અરજી કરતી દરેક વ્યક્તિને ત્યાં સૉનાની અપેક્ષા હોય છે.”

યૂટોની કારકિર્દી દરમિયાન અગાઉ પણ સૉનાનો ઉપયોગ બિઝનેસના સ્થળ માટે થતો હતો. કંપનીની સફળતાની ઉજવણી કરવા માટે ટીમો સૉનામાં ભેગી થતી હતી.

જોકે, તાજેતરનાં વર્ષોમાં સૉનાનું મહત્ત્વ ઓછું થયું છે. તેનું આંશિક કારણ એ છે કે ફિનલૅન્ડની કંપનીઓ વધુ વૈશ્વિક બની રહી છે અને શેડ્યુલ ટાઇટ હોય છે, એમ યૂટો જણાવે છે. ઉપરાંત સ્ત્રીઓ તથા પુરુષો સૉનામાં અલગ-અલગ સમયે જતા હોવાથી ઘણા લોકોને ત્યાં બિઝનેસની વાતો કરવાનું ગમતું નથી.

યૂટો કહે છે, "ટીમમાં ભાગ પાડવાનું સારું લાગતું નથી."

રિવાજને જાણી લો

સૉના

ઇમેજ સ્રોત, Getty Images

સ્વિડન, રશિયા અને નૅધરલૅન્ડ્સ જેવા અન્ય ઉત્તરીય દેશોમાં સૉના લોકપ્રિય છે, પરંતુ દરેકના રિવાજ અને શિષ્ટાચાર અલગ-અલગ છે.

હેલસિંકીમાં જર્મન-ફિનિશ ચેમ્બર ઑફ કૉમર્સના ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર જાન ફેલરે બન્ને દેશમાં કામ કર્યું છે.

41 વર્ષના ફેલર કહે છે, "ફિનલૅન્ડના લોકો માટે સૉના એક એવી જગ્યા છે, જ્યાં લોકો પોતાના અસલી વ્યક્તિત્વ સાથે અન્ય લોકોને હળવામળવા જાય છે. જર્મનીમાં લોકો આરોગ્ય અને સુખાકારી માટે જ સૉનામાં જાય છે."

ફિનલૅન્ડમાં સૉનામાં જતા લોકો જાતે જ કોલસા પર પાણી રેડતા હોય છે, પરંતુ જર્મનીમાં આ કામ કરવા માટે સૉના માસ્ટરની નિમણૂક કરવામાં આવે છે, એમ જણાવતાં ફેલર ઉમેરે છે, "જર્મનીમાં સૉનાની દીવાલ પર નિયમો સ્પષ્ટ લખ્યા હોય છે. એ જાણીને ફિનલૅન્ડના લોકો સ્મિત કરે છે."

જર્મની અને નૅધરલૅન્ડ્સમાં કામના સ્થળે સૉનાની અપેક્ષા રાખી શકાતી નથી, પરંતુ સાથી કર્મચારીઓ જોડે ઑફિસના કામ પછી રમતગમતમાં ભાગ લેવાના હો તો સ્પૉર્ટ્સ ક્લબ અથવા જિમમાં સૉના હોય તે શક્ય છે.

રિટેલ માર્કેટિંગ ઍપ કંપની સ્પાઝાના સ્થાપક સેમ ક્રિચલી 18 વર્ષ પહેલાં તેમના વતન બ્રિટનથી ઍમ્સ્ટેરડેમ ગયા ત્યારે સાથી કર્મચારીઓ જોડે સ્ક્વૉશ રમવા ગયા હતા. મૅચ પછી બધાએ સૉના ભણી પ્રયાણ કર્યું હતું અને અનાવૃત થઈ ગયા હતા.

તેઓ ટૂંકી સ્વિમિંગ ટ્રેક્સ પહેરે તેની સામે કોઈને વાંધો ન હતો, પરંતુ એક બિન-ડચ વ્યક્તિ તરીકે ક્રિચલી તેમના જેવું જ કરવા ઇચ્છતા હતા. તેથી તેઓ સ્ટીમ રૂમમાં ગયા અને ટુવાલ કાઢી નાખ્યો હતો.

43 વર્ષના સેમ ક્રિચલી કહે છે, "અચાનક એક મહિલા વરાળમાંથી બહાર આવી અને એક સાથી કર્મચારીએ મને પૂછ્યું, તમે પછી જમવા આવવાના છો? પછી એ મહિલાએ દરવાજો ખોલ્યો અને મેં જોયું તો મારી ત્રણથી ચાર મહિલા સહકર્મચારી પાઈન બીચ પર એક પંક્તિમાં બેઠી હતી. મેં મારા ક્રોચ (ધડ અને પગને જોડતી જગ્યા) પર તત્કાળ હાથ મૂકી દીધો હતો."

બીબીસી
બીબીસી