દરિયાની વચ્ચે માત્ર બે થાંભલા પર ઊભેલો દેશ જેને પોતાની ફૂટબૉલ ટીમ પણ છે

ઇમેજ સ્રોત, ROBERT HARDING/ALAMY
- લેેખક, માઇક મૅકેર્કન
- પદ, બીબીસી ટ્રાવેલ
એક ઇ-મેલથી શરૂ થયેલી અદ્ભુત ઘટનાઓની આ કહાણી છે. હું ક્યારેય એ ઇ-મેલ અને તેના પછી બનેલી ઘટનાઓને ભૂલી શકીશ નહીં. મે, 2020માં મને સીલૅન્ડના પ્રિન્સ માઇકલ તરફથી એક સંદેશ મળ્યો જેમાં તેમણે મારી સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ એક સંદેશને કારણે હું એક એવા વિશ્વ તરફ ખેંચાઈ ગયો જેનો એક અલગ જ ઇતિહાસ અને ભૂગોળ છે. બની બેઠેલા રાજાઓ, જમીનના દાવાઓ, ઐતિહાસિક બાબતોમાં વિસંગતતાઓ, બીજું વિશ્વયુદ્ધ, પાઇરેટ રેડિયો સ્ટેશનો, કૉલ ઇન્ટરસેપ્શન ઘણું બધું તેની સાથે જોડાયેલું હતું.
હું આ ઇ-મેલ મેળવીને ખરેખર રોમાંચિત થઈ ગયો હતો. એ પહેલા મને કોઈ પ્રિન્સે મૅસેજ મોકલ્યો હોય એવું બન્યું ન હતું અને કદાચ ભવિષ્યમાં પણ બનશે નહીં.
સીલૅન્ડ એ ઇંગ્લૅન્ડના સફોલ્ક કિનારે આવેલો એક નાનકડો ટાપુ છે. એ દુનિયાનો સૌથી નાનો દેશ ગણાય છે.
હકીકતમાં તો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેનો એક ઍન્ટી-ઍરક્રાફ્ટ પ્લૅટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. તેને 1942માં બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું નામ એચએમ ફૉર્ટ રફ્સ પાડવામાં આવ્યું હતું.
દરિયામાં તોપો વડે સુસજ્જિત કિલ્લો
આ કિલ્લો બ્રિટનની સીમાથી થોડે દૂર આવેલો છે. તે હથિયારોથી પણ સુસજ્જિત છે.
યુદ્ધ દરમિયાન 300 રૉયલ નેવીના સૈનિકો અહીં રહેતા હતા. 1956માં નેવીએ આ સ્થાન સંપૂર્ણપણે ખાલી કરી દીધું હતું અને અને આ કિલ્લો જાણે કે અવાવરું ખાલી જગ્યા બની ગયો.
1966 સુધી આ પરિસ્થિતિ એમ જ રહી. ત્યારપછી બ્રિટિશ આર્મીના એક નિવૃત્ત મેજર અહીં આવ્યા અને તેમણે અહીં દેશની સ્થાપના કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરિયાકિનારાથી આ કિલ્લો 12 કિલોમિટર દૂર આવેલો છે અને નાની બોટમાં બેસીને ત્યાં જઈ શકાય છે. તેનો દેખાવ જરાય વિશેષ નથી. એ એક કન્ટેનર જેવું બિલ્ડિંગ છે જે બે થાંભલા પર ઊભું છે.
તમે અહીં પહોંચો તે પછી ઉપર ચડવા માટે તમારે ત્યાં રહેલી ક્રેનનો સહારો લેવો પડે છે. ઉપર ચડતી વખતે આજુબાજુ રહેલા દરિયાના મોજાઓ અને પવન તમને ડરાવે છે.
મને તેના વિશે જરાય ખ્યાલ ન હતો. તેની સાથે ઘણી કહાણીઓ સંકળાયેલી છે. હૅલિકૉપ્ટર રેડ, ગેંગસ્ટરો જેવી અનેક કહાણીઓ છે.
બ્રિટિશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર આ કિલ્લાને ‘ઇંગ્લૅન્ડના પૂર્વીય કિનારા પર આવેલું ક્યુબા’ કહેવાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે મેં આ બધી માહિતીઓ એકઠી કરવાનું ચાલું કર્યું તો મને એવો આભાસ થતો હતો કે આ કોઈ હૉલીવુડ સ્ક્રિનરાઇટરે લખેલી સ્ક્રિપ્ટ છે.
એક પરિવારે કેવી રીતે એક કિલ્લાને નાનકડા દેશમાં બદલી નાખ્યો એ વાતમાં આમ તો કંઈ તર્ક જેવું નથી.
જોકે, આ દુનિયાથી અટૂલી જગ્યાએ એક નવા સ્વપ્નએ જન્મ લીધો. એવી જાહેરાત કરવામાં આવી કે અમે સ્વતંત્ર છીએ અને દુનિયાના એકેય દેશનો અમારા પર પ્રભાવ નથી.
અહીં બ્રિટનના નાક નીચે એક સ્વતંત્ર સરકાર ચાલે છે એવી જાહેરાત કરવામાં આવી.
સીલૅન્ડના પ્રિન્સ સાથે ફોન પર વાત કરતા જણાયું કે તેમની પાસે તો આવી રસપ્રદ કહાણીઓનો ખજાનો છે.
તેમાંની કેટલીક બાબતો તેમણે ‘હૉલ્ડિંગ ધી ફૉર્ટ’ નામે એક પુસ્તકમાં પણ લખી છે. પણ સીલૅન્ડ વિશે પ્રગટ ન થયેલી કેટલીક એવી કથાઓ તેઓ મને કહેવા ઇચ્છતા હતા જેની વિશ્વને ખબર નથી.
પૂર્વ કાંઠે આવેલું ક્યુબા

ઇમેજ સ્રોત, MARTYN GODDARD/ALAMY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમે ઍસેક્સ કિનારે આવેલા તેમના મુખ્ય નિવાસસ્થાને તેમને મળ્યા.
પ્રિન્સે વાત કરતા કહ્યું, "હું જ્યારે 14 વર્ષનો હતો ત્યારે પહેલીવાર અહીં આવ્યો હતો. મારે ઊનાળાનું વૅકેશન હતું એટલે પપ્પાને મદદ કરવા માટે હું અહીં આવ્યો હતો. મને યાદ છે કે હું અહીં છ અઠવાડિયા માટે રોકાયો હતો."
“મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું કે આ ટાપુ પર ફૂંકાતા પવનો વચ્ચે હું 50 વર્ષ પસાર કરીશ. ઘણીવાર અમારે ખોરાક અને પાણી માટે રાહ જોવી પડતી. સમુદ્રની ક્ષિતિજે પર મારી આંખો સતત મંડાયેલી રહેતી, પણ અફાટ સમુદ્ર સિવાય બીજું કંઈ જ જોવા ન મળતું."
સીલૅન્ડની સ્થિતિ થોડી અલગ છે. કોઈ દેશે તેને માન્યતા આપી નથી. પણ અમે કોઇને પરવાનગી માટે પૂછ્યું પણ નથી.
વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટને ગેરકાયદેસર રીતે તેની જળસીમાની બહાર આ પ્લૅટફોર્મને બાંધ્યું હતું પણ ત્યારે લડાઈમાં કોઇની પાસે તેના પર ધ્યાન આપવાનો સમય ન હતો.
ત્યારબાદ બ્રિટિશરો પાસે તેને તોડી પાડવાનો મોકો હતો પરંતુ તેમણે પણ ધ્યાન ન આપ્યું. દાયકાઓથી આ જગ્યા યથાસ્થિત છે.
સીલૅન્ડનો વિસ્તાર માત્ર 0.004 સ્ક્વેર કિલોમિટર છે.
નાના દેશો પ્રત્યે આપણો અભિગમ બદલાયો છે પરંતુ સવાલ એ થાય કે શા માટે લોકો આવા નાનકડા દેશ બનાવે છે.
‘માઇક્રોનેશન’ પુસ્તકના સહલેખક જ્યૉર્જ ડનફૉર્ડ કહે છે, "આ પ્રકારના દેશો લોકો એટલે બનાવે છે કારણ કે તેમને જે-તે દેશની સરકારોથી નાખુશી હોય છે અને મનમાં એક એવી તીવ્ર ઇચ્છા હોય છે કે તેમને પોતાની રીતે કંઈક કરવું છે."
ડનફૉર્ડ અનુસાર, સીલૅન્ડ એક વિશિષ્ટ કેસ છે કારણ કે એ લાંબા સમયથી અસ્તિત્વ ધરાવે છે અને કાયમ તેને કાયદાઓમાંથી છટકબારી મળી જાય છે.
અમેરિકામાં આ પ્રકારના પરિવારને એક નિષ્ફળ પરિવાર ગણવામાં આવે છે. પણ 1960ના દાયકામાં બ્રિટન વધુ ઉદારમતવાદી બન્યું અને કદાચ સત્તાધીશોએ પણ એવું વિચાર્યું હોઈ શકે કે આ કેસનું સમાધાન કરવામાં કોઈ ફાયદો નથી. બે વખત તેનો કબજો લેવાની કોશિશ થઈ પરંતુ સીલૅન્ડ તેનાથી પોતાને બચાવવામાં સફળ રહ્યું.
દેશને માન્યતા માટેના નિયમો

ઇમેજ સ્રોત, MIROSLAV VALASEK/ALAMY
1933માં યોજાયેલી મૉન્ટેવીડિયો કૉન્ફરન્સમાં નાના દેશોને ઓળખ આપવા માટેના નિયમો લાવવામાં આવ્યા. તેમાં આવા દેશોના હક્ક અને ફરજો નક્કી કરવામાં આવ્યા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટ સહિતના ઘણા નેતાઓએ તેના પર હસ્તાક્ષર કર્યા. તેમાં આ પ્રકારના દેશો માટેના ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા.
ડનફૉર્ડ અનુસાર, નાના દેશોને ઓળખ કે માન્યતા આપવા માટે વસ્તી, ભૌગોલિક વિસ્તાર, સરકાર અને અન્ય દેશો સાથેના સંબંધો જેવા પરિબળો ધ્યાનમાં લેવાતા હોય છે.
આ દેશો કાયમ કામચલાઉ પરિસ્થિતિમાં રહે છે કારણ કે તેઓ કાયમ બીજા દેશો તેમને માન્યતા આપે તે માટે આજીજી કરતા જોવા મળે છે.
જોક, સીલૅન્ડે આવું ક્યારેય કર્યું નથી. તેઓ પોતાને સાર્વભૌમ ગણાવે છે અને તેઓ માને છે કે આમ કહેવાનો તેમને અધિકાર છે.
આ રીતે સીલૅન્ડનું અસ્તિત્વ ઊભું થયું

ઇમેજ સ્રોત, C LEECH/GETTY IMAGES
દરેક દેશના ઉદ્ભવ પાછળ એક કહાણી હોય છે. સીલૅન્ડની કહાણી 1965થી શરૂ થાય છે. પ્રિન્સ માઇકલના પિતા પૅડી રૉય બૅટ્સ એ બ્રિટિશ આર્મીના નિવૃત્ત મેજર હતા. નિવૃત્તિ દરમિયાન તેમણે માછીમારી શરૂ કરી હતી. તેમણે રૅડિયો ઍસેક્સની પણ સ્થાપના કરી હતી.
આ કિલ્લા પાસે જ એક બીજો કિલ્લો હતો જેનું નામ નૉક જ્હોન હતું. ત્યાં પણ કોઈ જતું ન હતું. પૅડીએ ત્યાં પોતાનું રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું.
એ સમયે બ્રિટનમાં ગેરકાનૂની રીતે ચાલતાં રેડિયો સ્ટેશનોની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી જેના કારણે બ્રિટનની સરકારે મૅરિટાઇમ ઑફેન્સિસ ઍક્ટ 1967 લાવવો પડ્યો હતો.
એટલે પેડીએ આ મોકો જોઇને બ્રિટનની સીમાની બહાર પોતાનું આ રેડિયો સ્ટેશન 1966માં નાતાલના દિવસે શરૂ કર્યું હતું.
નવ મહિના પછી 2 સપ્ટેમ્બર,1967ના દિવસે તેણે સીલૅન્ડ નામના દેશની જાહેરાત કરી. એ દિવસે તેની પત્નીનો જન્મદિવસ હતો. થોડા દિવસો પછી સમગ્ર પરિવારે અહીં રહેવાનું શરૂ કર્યું.

ઇમેજ સ્રોત, Getty Images
1970ના દાયકામાં અહીં 50 લોકો રહેતા હતા. તેમાં તમામ રિપેરર્સ, સફાઈ કામદારોના પરિવારજનો અને મિત્રો સહિત અનેક લોકો સામેલ હતા. આ જગ્યા બ્રિટિશ સરકાર સામેની ચળવળનું પ્રતીક બની ગઈ હતી.
અહીં ઘણી સમસ્યાઓ હતી. માઈકલ કહે છે, “અમે મીણબત્તીઓ સાથે રહેવાની શરૂઆત કરી. પછી હરિકેન લૂપ અને જનરેટર પણ લાવ્યા.”
સીલૅન્ડે પોતાની રાષ્ટ્રીયતા બનાવી. સરકારી ચિહ્નો બનાવ્યા. આ દેશના ઉદ્ભવની કહાણી લખી. તેમનો પોતાનો ધ્વજ પણ છે. એક ફૂટબોલ ટીમ અને રાષ્ટ્રગીત પણ છે.
પ્રિન્સેસ જૉનને સીલૅન્ડના ચલણ પર દર્શાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 500 પાસપોર્ટ પણ જાહેર કર્યા છે. ‘લવ ઑફ ફ્રીડમ’ એ તેમનો ધ્યેય છે.
માઇકલ તેમનાં ત્રણ બાળકો (જેમ્સ, લિયામ અને શાર્લોટ) અને બીજાં પત્ની (ચીનના પીપલ્સ લિબરેશન આર્મીમાં નિવૃત્ત મેજર મેઈ ઝી) સાથે સીલૅન્ડ રાજવંશને આગળ ધપાવી રહ્યા છે.
માઈકલ કહે છે કે મારા પિતા પોતાનો દેશ બનાવવા માગતા ન હતા. પરંતુ બ્રિટિશ સરકાર તેમના રેડિયો સ્ટેશનને બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે તે જોઈને તેઓ પરેશાન થઈ ગયા. અમે બ્રિટિશ સરકાર સામે પણ લડ્યા અને જીત્યા. સીલૅન્ડ અત્યાર સુધી સ્વતંત્ર રહેવામાં સફળ રહ્યું છે.
જ્યારે સીલૅન્ડ પર કબ્જો કરવા લોકો આવ્યા

ઇમેજ સ્રોત, KIM GILMOUR/ALAMY
આ વિવાદાસ્પદ ઘટના 1978માં બની હતી. જર્મની અને હૉલેન્ડથી આવેલા લોકોએ તેનો કબ્જો મેળવવાની કોશિશ કરી હતી. પરંતુ માઇકલના પરિવારે બંદૂકની અણીએ તેમને કેદ કરી લીધા.
ત્યારપછી હૅલિકોપ્ટર મારફત જર્મન રાજદૂત લંડનથી તેમને બચાવવા માટે આવ્યા અને તેમણે અમને માન્યતા આપી.
સ્વતંત્રતા સહેલાઈથી મળતી નથી. સીલૅન્ડને દેશ ચલાવવા માટે ખર્ચ પણ થાય છે તે સ્વાભાવિક છે. અહીં ચોકીદારો પણ રહે છે. અહીં રહેતા સ્ટાફનો ખર્ચ કાઢવા માટે તેઓ ટી-શર્ટ, પોસ્ટેજ સ્ટેમ્પ, રાજકીય ઉપાધિઓ વગેરે એક ઑનલાઇન સ્ટોર મારફત વેચે છે. લૉર્ડ, લૅડી, બૅરોન વગેરે જેવી ઉપાધિઓ 29.99 પાઉન્ડમાં ખરીદી શકાય છે.
સામાન્ય કસ્ટમ અને ઇમિગ્રેશન નિયમો અહીં લાગુ પડતા નથી. સીલૅન્ડ પર તેમના પ્રિન્સના અધિકૃત આમંત્રણ વગર જઈ શકાતું નથી. જોકે, તેઓ પોતે જ વર્ષમાં બે-ત્રણ વખત અહીં જાય છે. સ્ટાફના અમુક લોકો સિવાય કોઈ અહીં રહેતું નથી.
ડનફૉર્ડ કહે છે કે, "સીલૅન્ડ હંમેશાં અસ્તવ્યસ્ત રહ્યું છે પણ હાલના પ્રિન્સે તેને સારી રીતે સંભાળ્યું છે. નાના દેશોની આ બાબત જ મને ગમે છે. તેઓ જે અસલી રાષ્ટ્રવાદ દર્શાવે છે એ ખૂબ સારી બાબત છે."
નાગરિકતાનું પ્રમાણપત્ર

ઇમેજ સ્રોત, NATANAELGINTING/GETTY IMAGES
સીલૅન્ડની નાગરિકતા મેળવવા માટે દરરોજ 100થી વધુ ઇ-મેઇલ મળે છે. દિલ્હીથી લઇને ટૉક્યો સુધી દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો આવેદન કરે છે.
“અમારી કહાણી એક એવી કહાણી છે કે જેઓ એવા સમાજમાં રહે છે જ્યાં લોકોને ચોક્કસ રીતે વર્તવા માટે કોઈ સલાહો આપવામાં આવતી નથી. દરેક લોકોને સરકારી નિયંત્રણમાંથી મુક્તિ જોઈએ છે. દુનિયાને અમારી જેવા પ્રેરણાત્મક પરિબળોની જરૂર છે. દુનિયામાં આવા જૂજ સ્થળો છે.”
સીલૅન્ડ વર્ષોથી તેનું અસ્તિત્વ ટકાવી શક્યું છે. બ્રિટનથી નજીક હોવા છતાં આ જગ્યા બ્રિટનથી ઘણી દૂર છે. શું આ કહાણી તમને નવાઈ પમાડે તેવી નથી લાગતી?












