માઉન્ટ આબુ ગુજરાતને નહીં પણ રાજસ્થાનને કેમ મળ્યું?

ઇમેજ સ્રોત, RAJASTHAN TOURISM
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં અંબાજીના મંદિરથી લગભગ 22 કિલોમીટરના અંતરે આબુ રોડ આવેલ છે, જે માઉન્ટ આબુનું ગૅટ-વે છે. નવરાત્રિ, દિવાળી-ઉનાળુ વૅકેશન તથા રજાઓના ગાળામાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ફરવા જાય છે.
સ્વતંત્રતા પછી થોડો સમય માટે આ રમણીય વિસ્તાર ભૌગોલિક અને ભાષાકીય કારણસર ગુજરાતનો ભાગ પણ બન્યો હતો.
માઉન્ટ આબુ મુદ્દે બંધારણસભામાં ભારે ચર્ચા થઈ હતી, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશીએ તેની પાછળનાં તર્કબદ્ધ કારણો ગણાવ્યાં હતાં. પટેલના અવસાન પછી તે રાજસ્થાનમાં જતો રહ્યો.
તત્કાલીન સિરોહીના રાજવી પરિવારમાં વારસદાર અંગે પ્રવર્તમાન અનિશ્ચિતતાને કારણે સ્થિતિ જટિલ બની હતી.
સિરોહીના શાસકની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
તત્કાલીન અંગ્રેજ સરકાર સાથેના કરાર પ્રમાણે, સ્વતંત્રતા પછી દરેક રાજવી પરિવાર પોતે નક્કી કરવાના હતા કે તેમણે ભારત સાથે રહેવું છે કે પાકિસ્તાન સાથે ભળવું છે કે સ્વતંત્ર રહેવું છે.
સરદાર વલ્લભભાઈ પટેલે રાજવી શાસકો સાથે મસલતો હાથ ધરી. આ કામમાં વી.પી. મેનન પણ તેમની સાથે હતા જેમણે 'ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટિગ્રૅશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ'માં સિરોહીના ભારતમાં વિલીનીકરણ અને તેમાં આવેલી સમસ્યાઓ અંગેનો ઉલ્લેખ (પૃષ્ઠક્રમાંક 185-186) કર્યો છે, તેઓ લખે છે :
નવેમ્બર-1947માં કેટલાક લોકો દ્વારા સરદાર પટેલને રજૂઆત કરવામાં આવી હતી કે રાજપૂતાનાના (હાલનું રાજસ્થાન) અમુક વિસ્તારોને પશ્ચિમ ભારત તથા ગુજરાતનાં રાજ્યોની એજન્સીને ટ્રાન્સફર કરવા જોઈએ, કારણ કે ત્યાં રહેતા મોટા ભાગના લોકો ગુજરાતી બોલે છે.
જેમાં દાંતા, પાલનપુર, ઈડર, વિજયનગર, ડુંગરપુર બાંસવાડા, જાબુઆ (મધ્યપ્રદેશમાં છે છતાં રાજસ્થાનનાં રજવાડાંની નજીક હતું) અને સિરોહી મુખ્ય હતા. પહેલી ફેબ્રુઆરી, 1948ના રોજ જાબુઆ, બાંસવાડા અને ડુંગરપુરને રાજપૂતાના સ્ટેટ્સ એજન્સીમાં સામેલ કરવામાં આવ્યા, કારણ કે તે મેવાડમાં હતા અને ઉદયપુરની ઉપશાખા જેવા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તા. 19મી માર્ચ 1948ના ગુજરાતના શાસકોએ તેમનાં રજવાડાંને બૉમ્બે પ્રાંતમાં ભેળવી દેવાની તૈયારી દાખવી. એ સમયે સિરોહીને ચર્ચામાંથી બાકાત રાખવામાં આવ્યું હતું, કારણ કે તેના શાસક સગીર હતા અને રાજમાતા તેમનાં વહીવટદાર હતાં. બીજું કે તેમના વારસદાર અંગે પણ વિવાદ હતો. સિરોહીને કાં તો બૉમ્બેમાં અથવા તો રાજપૂતાનામાં ભેળવવાનો વિકલ્પ હતો.
ત્યારે રાજસ્થાન પ્રાંતીય કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ તથા રાજમાતાના સલાહકાર ગોકુલભાઈ ભટ્ટ સાથે આ મુદ્દે ચર્ચા કરી. તેમણે સૂચન કર્યું કે વારસદારના વિવાદનો ઉકેલ ન આવે ત્યાર સુધી સિરોહીને કેન્દ્રીય વહીવટ હેઠળ મૂકવામાં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
8 નવેમ્બર, 1948ના રોજ મહારાણીએ કરાર કર્યા અને બે મહિના પછી ભારત સરકાર વતી વહીવટ કરવા માટે તેને બૉમ્બે સરકારને સોંપવામાં આવ્યું હતું. તા. 23 જાન્યુઆરી, 1946ના રોજ સિરોહીના મહારાવનું નિધન થયું હતું. તેમનાં પહેલા મહારાણી કચ્છના મહારાવનાં દીકરી હતાં, જ્યારે તેમનાં મોટાં દીકરીનાં લગ્ન નવાનગરના (હાલનું જામનગર) રાજા સાથે થયાં હતાં.
ગાદી માટે મુખ્ય ત્રણ દાવેદાર હતા, પહેલા તેજસિંહ હતા, જેઓ શાસકપરિવારની મંદાર શાખાના સૌથી વરિષ્ઠ હતા. બીજા અભયસિંહજી હતા, જેઓ મહારાવ ઉમેદસિંહજીના પૌત્ર હતા. વર્ષ 1876 સુધી તેઓ જ સિરોહીના શાસક હતા. લખપત રામસિંહ નામના ત્રીજા દાવેદારનું કહેવું હતું કે મહારાવે વર્ષ 1916માં તેમનાં માતા સાથે ખાંડા લગ્ન કર્યાં હતાં.
વર્ષ 1939માં લખપત રામસિંહની અરજી ક્રાઉન રિપ્રેઝન્ટેટિવે ફગાવી દીધી હતી. મે-1946માં ક્રાઉન રિપ્રેઝન્ટેટિવે તેજસિંહને વારસદાર તરીકે સ્વીકાર્યા હતા.
તા. 10 માર્ચ, 1949ના રોજ ભારત સરકારે સૌરાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશ એચ. વી. દિવેટિયાની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કર્યું. જેમાં જયપુર અને કોટાના મહારાજા પણ સામેલ હતા. સમિતિએ તમામ પક્ષકારોના દાવાઓના દસ્તાવેજી તથા મૌખિક પુરાવા ચકાસ્યા.
દિવેટિયા સમિતિએ ભલામણ કરી કે અભયસિંહ જ ગાદીના વારસ છે. તેમની ભલામણના આધારે ભારત સરકારે તેમનો મહારાવ તરીકે સ્વીકાર કર્યો. જોકે, નવી સમસ્યા તેને રાજપૂતાનામાં સામેલ કરવા વિશે હતી.
સિરોહી, સરદાર અને બંધારણસભા

ઇમેજ સ્રોત, Getty Images
સિરોહીના ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયરમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે, તા. 5 જાન્યુઆરી 1949ના બૉમ્બે સરકારે રાજ્યનો વહીવટ સંભાળી લીધો. નવેમ્બર-1949માં બંધારણસભામાં આ મુદ્દે ચર્ચા થઈ હતી.
ત્યારે ગુજરાતના કનૈયાલાલ મુનશી તથા સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત વતી જ્યારે જયનારાયણ વ્યાસ, કંવર જસવંતસિંહ અને રાજબહાદુરે સિરોહી રાજસ્થાનને મળે તે માટે બંધારણસભામાં રજૂઆત કરી હતી. મુનશીના સ્થાને સરદાર પોતે જવાબ આપવા ઊભા થયા હતા અને સિરોહીને રાજસ્થાનમાં સમાવિષ્ટ કરવા સંદર્ભે રહેલી મુશ્કેલીઓ સમજાવી હતી.
ગુજરાતીઓનું કહેવું હતું કે સ્થાનિકો ગુજરાતી ભાષા બોલે છે એટલે આખા સિરોહીનો સમાવેશ ગુજરાતમાં થવો જોઈએ. જ્યારે સ્થાનિકોમાં આ મુદ્દે આક્રોશ હતો.
મેનન લખે છે, “સરદારે મને સિરોહી જઈને પરિસ્થિતિનો તાગ મેળવવા કહ્યું. ગુજરાતીઓનું કહેવું હતું કે સ્થાનિક પ્રજા ગુજરાતી બોલે છે અને દેલવાડાના દેરા સૌરાષ્ટ્ર અને ગુજરાતના જૈનો માટે પવિત્ર છે. તેઓ દર વર્ષે ત્યાં જાત્રાએ જાય છે. પરંપરાગત, ઐતિહાસિક તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ તે ગુજરાત સાથે સામ્ય ધરાવે છે. રાજવી પરિવારના કચ્છ અને કાઠિયાવાડના રાજવીઓ સાથે સંબંધ છે.”
બીજી બાજુ રાજપૂતાનાની રજૂઆત હતી કે જો માઉન્ટ આબુ રાજસ્થાન પાસે નહીં રહે તો તેમની પાસે એક પણ હિલસ્ટેશન નહીં રહે. વધુમાં માઉન્ટ-આબુમાં અનેક રાજપૂત શાસકોના ઉનાળુ રહેણાકો હતાં. તે છેલ્લાં અનેક વર્ષોથી રાજપૂતાના સાથે નિકટના સંબંધ ધરાવે છે અને મોટા ભાગની પ્રજા ગુજરાતી નથી બોલતી.
મેનન લખે છે લખે છે, “ગુજરાત અને રાજસ્થાનના નેતાઓએ પ્રજાની ઇચ્છા જાણવાનો પ્રયાસ નહોતો કર્યો. પ્રજા અને નેતાઓના અભિપ્રાયો વિભાજિત હતા. સ્થાનિક પરિસ્થિતિ જોતા મને લાગ્યું હતું કે સમગ્ર સિરોહી રાજ્યનો બૉમ્બેમાં સમાવેશ કરવો યોગ્ય નહીં હોય.”
“હું દિલ્હી પરત ફર્યો અને સરદારની સાથે આ મુદ્દે વાત કરી. તેમને લાગતું હતું કે કદાચ સિરોહી રાજનું વિભાજન જ રસ્તો છે. તેમણે મને સિરોહીના સ્થાનિક નેતાઓ સાથે સંપર્ક સાધવા કહ્યું. મેં ગોકુલભાઈ ભટ્ટ તથા અન્ય નેતાઓને ચર્ચા માટે બોલાવ્યા અને તેમની સાથે સંભવિત ઉકેલો વિશે ચર્ચા કરી. તેઓ ઉત્સાહિત તો ન હતા, પરંતુ તેને અનિવાર્ય ગણીને સ્વીકાર કર્યો. મેનનને લાગતું હતું કે રાજનું વિભાજન કરવાથી વહીવટી મુશ્કેલીઓ ઊભી થશે.”

ઇમેજ સ્રોત, RAJASTHAN TOURISM
ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયરની વિગતો પ્રમાણે તા. 5 જાન્યુઆરી, 1949ના બૉમ્બે સરકારે સમગ્ર સિરોહીનો વહીવટ સંભાળી લીધો. જે તા. 25મી જાન્યુઆરી 1950, એટલે કે બંધારણ અમલમાં આવ્યું તેના એક દિવસ પહેલાં સુધી ચાલુ રહ્યું.
બંધારણ અમલમાં આવ્યા પછી ભૌગોલિક રીતે અલગ પડતા સિરોહીના આબુ રોડ તથા દેલવાડા તાલુકા બૉમ્બે સરકારને અધીન રહ્યા, જ્યારે બાકીનો વિસ્તાર રાજસ્થાનને સોંપવામાં આવ્યો.
ડિસેમ્બર-1950માં સરદાર પટેલના અવસાન પછી માઉન્ટ આબુ બૉમ્બેને મળે તે માટે કોઈ ગુજરાતીઓએ નક્કર પ્રયાસ કે રજૂઆત ન કર્યા. બીજી બાજુ, બંધારણસભામાં આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરનારા જયનારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્ય મંત્રી બન્યા.
વ્યાસે સમિતિનું ગઠન કરીને માઉન્ટ આબુ પણ રાજસ્થાનને મળે તે માટે ઐતિહાસિક, સાંસ્કૃતિક, વહીવટી તથા સ્થાનિકોના અભિપ્રાય સાથે કમિશનને રજૂઆત કરી. છેવટે વર્ષ 1956માં ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન થયું ત્યારે માઉન્ટ આબુ સહિત સંપૂર્ણ સિરોહી રાજસ્થાનને સોંપી દેવાયું.
ઇતિહાસની આરસીમાં સિરોહી

ઇમેજ સ્રોત, Getty Images
માઉન્ટ આબુ એ સિરોહી જિલ્લાના ભાગરૂપ છે, જે દક્ષિણ રાજસ્થાનમાં આવેલો જિલ્લો છે અને તેની સીમાઓ ગુજરાત સાથે જોડાયેલી છે.
રાજસ્થાનના સિરોહી વિશેના ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયરમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે (પેજ નંબર 1-2, 45-75 ) : “પુરાણોમાં માઉન્ટ આબુનો ઉલ્લેખ અર્બુદગિરિ તરીકે કરવામાં આવ્યો છે. તેની આસપાસનો વિસ્તાર 'અર્બુધ પ્રદેશ' તરીકે ઓળખાતો. તેનું વધુ એક નામ 'અર્બુદાંચલ' હતું જે 'અર્બુધ' અને 'આંચલ' શબ્દોની સંધિથી બન્યું હતું.”
વિશ્વામિત્રે ગુરુ વશિષ્ઠનાં સંતાનોનો વધ કર્યો તે પછી તેઓ આ પ્રદેશમાં આવ્યા હતા અને અર્બુદગિરિના દક્ષિણ ભાગમાં સાધના કરી હતી. આ વિસ્તાર 'અર્બુદારણ્ય' તરીકે પણ ઓળખવામાં આવે છે.
સ્કંધ પુરાણના ઉલ્લેખ પ્રમાણે, શ્રીમલના સ્થાને પહેલાં દરિયો હતો. ત્યારે ભૃગુ ઋષિએ સૂર્યને આહ્વાન કર્યું, જેમણે સૂકવીને જમીન કરી આપી અને વચ્ચે એક તળાવ બન્યું, જે અર્બુદા પર્વતની ઉત્તર-પશ્ચિમે આવેલું છે. આબુનો ઉલ્લેખ 'હિંદુઓના ઑલમ્પસ' તરીકે પણ થાય છે.
આ શહેર સિરણવા નામના તળપ્રદેશમાં આવેલું હોવાથી તેનું નામ 'સિરોહી' પડ્યું હશે. અન્ય એક સંભાવના પ્રમાણે, ભૌગોલિક દૃષ્ટિએ આ વિસ્તાર રણપ્રદેશના (રોહી) માથા (સર) પર આવેલું હોવાથી તેને સિરોહી નામ મળ્યું.
સિરોહી સાથે જોડાયેલી દંતકથાઓ
સિરોહીના નામ સાથે વધુ એક દંતકથા જોડાયેલી છે. જે મુજબ આ શબ્દના મૂળમાં 'તલવાર' છે. સિરોહીના શાસક દેવડા ચૌહાણ હતા, જેઓ તેમની બહાદુરી તથા તલવારો માટે ચર્ચિત હતા. છ સદીથી આ વિસ્તાર પર રાજ કરનારા દેવડા શાસકો પોતાનું 'સર' ભલે કપાઈ જાય, પરંતુ તે ઊંચું જ રહેવું જોઈએ એવી છાપ ધરાવતા એટલે પણ સિરોહી નામ પડ્યું હોવાની ધારણા છે.
ઈસુ પૂર્વે ચોથી સદીમાં આ વિસ્તાર મૌર્ય શાસકોને આધીન હતો. સમ્રાટ ચંદ્રગુપ્તે અહીં પોતાની આણ વર્તાવી હતી. તેમના દીકરા બિંદુસારે શાસન જાળવી રાખ્યું હતું, જ્યારે સમ્રાટ અશોકે અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાન સુધી પોતાની સીમાઓ વિસ્તારી હતી.
એ સમયે માળવા, ગુજરાત અને સૌરાષ્ટ્રનો વિસ્તાર ઉજ્જૈનના ક્ષત્રપને આધીન હતો. અશોકના અવસાન પછી તેમના પૌત્ર દશરથ અને સંપ્રતિ વચ્ચે શાસનને વહેંચી દેવામાં આવ્યું.
રાજનો પશ્ચિમી ભાગ મેળવનારા સંપ્રતિએ શરૂઆતનાં વર્ષોમાં ઉજ્જૈનને પોતાની રાજધાની બનાવી અને પછી તેને પાટલીપુત્ર ખસેડી હતી. તેણે જૈન ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો, એટલે જ પશ્ચિમના વિસ્તારમાં જૈન ધર્મ વિસ્તર્યો હતો.
મૌર્ય શાસકોના પતન પછી અમુક દશકોની અંધાધૂંધી બાદ સિરોહીનો પ્રદેશ પ્રતિહાર-ગુર્જરોને આધીન હતો કે ગુજરાતના વલ્લભીઓને તે અંગે વિદ્વાનોમાં ચર્ચા છે.
ચીની મુસાફર હ્યુ-એન-સંગના પુસ્તકમાં મળતા ઉલ્લેખ પ્રમાણે, વર્તમાન સમયના સિરોહીની પાસેના જાલોર જિલ્લામાં પ્રતિહાર-ગુર્જરોની રાજધાની હતી, જો આમ હોય તો સિરોહીનો પ્રદેશ પણ તેમને જ આધીન હશે એવું માની શકાય.
કાળક્રમે શાહી ગુપ્ત અને વૈશા વંશના શાસકોએ આ વિસ્તાર ઉપર શાસન કર્યું. વૈશા વંશના સમ્રાટ હર્ષ ખૂબ જ પ્રસિદ્ધ હતા. આ પછી પરમારોનું આ વિસ્તાર પર પ્રભુત્વ પ્રસ્થાપિત થયું.
પ્રારંભિક લખાણો પ્રમાણે, આ પરમારો દક્ષિણના રાષ્ટ્રકૂટો સાથે જોડાયેલા હતા. એ પછી 11મી સદીનાં લખાણો પ્રમાણે, તેઓ આબુના અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયેલા છે. (ગેઝેટિયર પેજ 53-54)

ઇમેજ સ્રોત, MOUNT ABU TOURISM
મધ્યકાલીન યુગમાં દિલ્હીમાં પૃથ્વીરાજ ચૌહાણના પતન પછી દેશમાં સલ્તનત કાળની શરૂઆત થઈ. તેમણે અનેક હિંદુ શાસકોને પરાજય આપ્યો અને ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. ઝાલોરના ચૌહાણ શાસકોની ઉપશાખાના લુંબાએ વર્ષ 1311માં પરમાર શાસકો પાસેથી સિરોહી છીનવી લીધું અને સિરોહીના પ્રથમ શાસક બન્યા.
તેમણે બનાસ નદીના કિનારે ચંદ્રાવતી શહેર વસાવ્યું, જે તેમની રાજધાની હતું અને તેને પોતાની રાજધાની બનાવી. વર્ષ 1320 સુધી તેમણે શાસન કર્યું.
ઈસવીસન 1405માં દેવડાઓના છઠ્ઠા શાસક રાવ શોભાજીએ સિરણવાના પૂર્વ ઢોળાવ ઉપર 'શિવપુરી'ના નામથી શહેર વસાવ્યું હતું, જે 'ખૂબા' તરીકે ઓળખાય છે. આ પુરાતન શહેરના અવશેષ આજે પણ ત્યાં જોવા મળે છે.
રાવ શોભાજીના દીકરા સહસમલે સિરણવા પહાડની પશ્ચિમે સિરોહી શહેર વસાવ્યું અને વર્ષ 1425માં સિરોહીના કિલ્લાનું નિર્માણકાર્ય શરૂ કરાવ્યું. જે દેવડાઓની રાજધાની હતું. આગળ જતાં દેવડાના તાબા હેઠળનો તમામ સિરોહી તરીકે ઓળખાવા લાગ્યો.
મેવાડના કુંભલગઢના કિલ્લાને કારણે વિખ્યાત રાણા કુંભાએ આબુ, વસંતગઢ અને પિંડવાડા તથા તેની આસપાસના વિસ્તારોને પોતાને અધીન કર્યા હતા. અચલગઢ તથા વસંતગઢમાં કિલ્લા બનાવ્યા.
અન્ય એક વાયકા પ્રમાણે, (ગેઝેટિયર, પેજ નંબર 60-61) “ગુજરાતના કુતુબદ્દીને રાણા કુંભાને પરાજય આપ્યો. એ પછી તેમણે તત્કાલીન સિરોહી શાસક સહસમલને આધીન રહેલા અચલગઢમાં આશરો લીધો. હુમલાખોર સેનાઓના પાછા વળવા છતાં પણ રાણા કુંભાએ અહીંથી જવાનો ઇનકાર કરી દીધો.”
એ પછી સહસમલના દીકરા રાવ લાખાએ માળવા અને ગુજરાતનાં દળોની મદદથી આબુ ખાલી કરાવ્યું. એ પછી તેમણે સમ ખાધા કે ક્યારેય કોઈ રાજવીને અહીં પ્રવેશ ન આપવો. જેનું વર્ષ 1836 સુધી દેવડાઓએ પાલન કર્યું, ત્યારે મેવાડના પૉલિટિકલ એજન્ટ કર્નલ સ્પિયર્સ (Speirs) અને મહારાણા જવાનસિંહને આબુની જાત્રા કરવાની છૂટ આપી હતી. એ પછી દર વર્ષે રાજપૂતાનાના અનેક શાસક આબુની મુલાકાતે આવતા.
1823માં કંપની સરકાર સાથે દેવડાઓએ કરાર કર્યા હતા અને તેમનું આધિપત્ય સ્વીકાર્યું હતું. એ કરાર કરનાર કૅપ્ટન સ્પિયર્સ જ આગળ જતાં કર્નલ બન્યા હતા.












