'બે-બે ગઢ' જીતનારા મહમદ બેગડાને ગુજરાતની ગાદી કઈ રીતે મળી હતી?

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહમદ બેગડા. ગુજરાતના એવા શાસકનું નામ, જેના સમયગાળાને 'ગુજરાતમાં સલ્તનતકાળનો સુવર્ણયુગ' કહેવામાં આવે છે. જેનું જન્મનું નામ ફતેહ ખાન હતું.
તેમણે પાવાગઢ અને જૂનાગઢ એમ બે ગઢ જીત્યા હોવાથી તેના નામ સાથે 'બેગડો' જોડાયો હોવાની વાયકા છે, પરંતુ તેના 'ઉપનામ' સાથે બીજી પણ કેટલીક વાયકાઓ જોડાયેલી છે.
મહમદ બેગડાએ સિંધ, માળવા, જૂનાગઢ અને દ્વારકાના શાસકોને હરાવીને પોતાની આણ વર્તાવી હતી. તેણે રસ્તાઓની સ્થિતિ સુધારી અને તેને સલામત બનાવ્યા હતા અને ફળો આપતાં વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરાવ્યું હતું.
જોકે, તેના માર્ગદર્શક-સંરક્ષક અને સાવકા પિતા શાહઆલમ ન હોત તો કદાચ તે આ મુકામ સુધી પહોંચી ન શક્યા હોત અને 'પૅલેસ પૉલિટિક્સ'માં તેમનો ભોગ લેવાઈ ગયો હોત.

પરિવારમાં પૅલેસ પૉલિટિક્સ

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
સુલતાન મુહમદશાહના અવસાનના ત્રણ દિવસ બાદ અમીરોએ એના સૌથી મોટા દીકરા જલાલખાનને 'કુતબુદ્દીન અહમદશાહ'ના ખિતાબથી તખ્તનશીન કર્યા. તેઓ અહમદશાહ બીજા તરીકે પણ વિખ્યાત છે. તેનો કાર્યકાળ ઈ.સ. 1451થી 1459 દરમિયાનનો રહ્યો હતો.
'ગુજરાતનો ઇતિહાસ – સલ્તનતકાલ' (રસિકલાલ પરીખ, હરિપ્રસાદ શાસ્ત્રી, પેજ નંબર 86-89) પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે માત્ર 20 વર્ષની ઉંમરે તેમણે સત્તા સંભાળી હતી. આ સાથે જ તેણે માળવાના સુલતાન મહમૂદશાહ ખિલજીના મોટા આક્રમણનો સામનો કરવો પડ્યો હતો.
ઈ.સ. 1453 આસપાસ નાગોરમાં વારસાહક બાબતે વિવાદ ચાલુ હતો ત્યારે મુજાહિદખાને તેમના ભત્રીજા શમ્સખાનને ઉઠાડીને તેની જગ્યાએ સત્તા સંભાળી હતી. શમ્સખાને ગુજરાતમાં એના જમાઈ સુલતાન કુતબુદ્દીન પાસેથી નાગોરના રક્ષણ માટે ફોજ માંગી. ગુજરાતથી ફોજ મોકલવામાં આવી, પરંતુ રાણાએ તેને હરાવી. નાગોર પ્રદેશને તારાજ કર્યો, પરંતુ તેનો કિલ્લા ઉપર કબજો થઈ ન શક્યો. કુતબુદ્દીન સાથે શમ્સખાનનાં દીકરી સુલતાનાના નિકાહ થયા હતા. આ વર્ષો દરમિયાન સુલતાનના જીવનમાં શમ્સખાનની દખલ વધી જવા પામી હતી.
'મિરાતે સિકંદરી'ના (અનુવાદ- આત્મારામ મોતીરામ દીવાનજી, પેજ નંબર 48) વિવરણ પ્રમાણે, એ સમયે નડિયાદમાં રહેલા શાહજાદા જલાલખાનની પિતા વિરુદ્ધ ચડામણી કરવામાં આવી હતી. મહમૂદશાહ ખિલજી સામે લડાઈ કરવાની તૈયારી દાખવે તો તેમને ગુજરાતની ગાદી આપવાનું અમીર-ઉમરાવોએ નક્કી કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિર્ઝાપુરના દરવાજેથી શાહજાદો અમદાવાદમાં આવ્યો અને એ પછી સુલતાનના જીવનરૂપી પ્યાલામાં મોતરૂપી ઝેર રેડાયું અને તેઓ ફાની દુનિયા છોડી ગયા.
ખિલજી સામે તેણે લડાઈ કરી. જંગમાંથી પરત ફર્યા પછી સંબંધમાં પિતાના સાડુ ભાઈ હજરત શાહઆલમે તેને એક તલવાર આપી હતી, જે તેનો અંત લખનાર હતી. તેણે રૂપમંજરી સાથે નિકાહ કર્યા હતા. તે ખૂબ જ સ્વરૂપવાન અને હોશિયાર હતાં, જે સુલતાનનાં મુખ્ય રાણી પણ હતાં. આ ઉપરાંત તેઓ હજરત શાહઆલમની શિષ્યા પણ હતાં.

'એક દિવસ તારો હાથ પકડશે'

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોતાના ખાવિંદના મૃત્યુ પછી બીબી મુઘલી તેમના દીકરા ફતેહખાન સાથે પોતાનાં બહેન મીરઘીને ત્યાં આવી ગયાં હતાં. બીબી મીરઘીના પતિ શાહઆલમે તેમને અભય વચન આપ્યું હતું.
'મિરાતે સિકંદરી'ના (પેજ 64-66) વર્ણન પ્રમાણે, સુલતાન કુતબુદ્દીનના ભયથી બીબી મુઘલી શાંતિથી જંપી શકતાં ન હતાં. એક વખત કુતબુદ્દીનને તેમના સાવકાભાઈ ફતેહખાનની યાદ આવી અને પૂછ્યું કે 'એ ક્યાં છે?' ત્યારે જવાબ મળ્યો કે તે હજરત શાહ, માસી સાથે રહે છે. તે હજરત શાહનો ઘણો લાડકો છે.
આ વાત સાંભળીને કુતબુદ્દીનનો આનંદ જતો રહ્યો, તેઓ ઈર્ષ્યા અને ક્રોધથી સળગી ઊઠ્યા. તેણે ફતેહખાનને મારી નાખવાનો વિચાર કર્યો.
એક દિવસ સુલતાને શાહઆલમને સંદેશો મોકલાવ્યો કે, “રાજી હો કે ન હો, ફતેહખાનને મોકલી આપવો.” હજરતે કહ્યું, “પોતાના પ્રાણના ભયથી તેમણે દરવેશોનો આશરો લીધો છે, તેથી તેને પકડીને તમને સોંપવો યોગ્ય નથી. તમે હાકેમ છો, તમે હર કોઈ ઠેકાણેથી શોધીને લઈ જાઓ.”
સુલતાને હજરતના ગામ રસૂલાબાદ ખાતે જાસૂસ મોકલ્યા અને પોતે પાસેના ખેદપુરના મહેલમાં રહેવા ગયા, જેથી કરીને ફતેહખાન વિશે માહિતી મળી શકે. એ પછી સુલતાને એક યુક્તિ કરી. તેમણે રાણી રૂપમંજરીને હજરત શાહઆલમના નિવાસસ્થાને મોકલી અને જો ફતેહખાન મળે તો તેને ઊંચકીને લઈ આવવાનાં નિર્દેશ આપ્યાં. રૂપમંજરી સાથે કેટલાક નોકરને પણ મોકલવામાં આવ્યા.
રાણીએ તેના સાવકા દિયર ફતેહખાનને શાહઆલમની સાથે બેઠેલો જોયો એટલે તેનો હાથ ખેંચીને લઈ જવા માટે પ્રયાસ કરવા લાગી. આ જોઈને હજરત શાહઆલમ હસ્યા અને બોલ્યા, “આજે તું ફતેહખાનનો હાથ ખેંચે છે, પરંતુ એક દિવસ એ તારો હાથ ખેંચશે.”
આ વાત સાંભળીને તેણે ફતેહખાનનો હાથ છોડી દીધો અને શાહઆલમની માફી માગી અને પરત ફર્યાં. તેમણે સુલતાન કુતબુદ્દીનને કહ્યું કે, “મેં ઘણા પ્રત્યનો કર્યા, પરંતુ તે મળ્યો નહીં.”
શાહઆલમે રાણી રૂપમંજરી અને ભાવિ મહમદ બેગડા એટલે કે ફતેહખાન વિશે જે વાણી ઉચ્ચારી હતી તે ભવિષ્યમાં સાચી થવાની હતી.

શાહઆલમ સાથે સુલતાનનો છેહ

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
'મિરાતે સિકંદરી' (ઉપરોક્ત, પૃષ્ઠ 67-68) સિંધના બાદશાહ જામ જાનુહને બીબી મુઘલી અને બીબી મીરઘી એમ બે દીકરીઓ હતી. બીબી મીરઘી સાથે ગુજરાતના સુલતાન મહમદશાહ બીજાનું (ઈ.સ. 1442-1451) માગું આવ્યું હતું, જ્યારે બીબી મુઘલીનો હાથ હજરત શાહઆલમને આપવાનું વિચારવામાં આવ્યું હતું.
બીબી મુઘલીની સુંદરતા વિશે દેશદેશાવરમાં ચર્ચા હતી એટલે જ્યારે સુલતાને આ વિશે સાંભળ્યું, ત્યારે તેણે સિંધના શાસક તરફથી આવેલા અમીર-ઉમરાવોને કંઈક દબાણથી અને કંઈક દ્રવ્ય આપીને બીબી મુઘલીનાં લગ્ન પોતાની સાથે કરાવી લીધાં.
જ્યારે શાહઆલમને આના વિશે જાણ થઈ, ત્યારે તેમણે પોતાના પિતા હજરત કુતબે આલમને (વટવા) આ વાત કહી, ત્યારે તેમણે કહ્યું, “બેટા, તારા નસીબમાં બંને છે.” એમની આ આગાહી ભવિષ્યમાં સાચી ઠરવાની હતી.
સુલતાન કુતબુદ્દીનનો શાહઆલમ ઉપર દિવસે-દિવસે ક્રોધ વધતો જતો હતો, પરંતુ તે બહાર આવવા દીધો ન હતો. એવામાં એક દિવસ શાહઆલમનાં પત્ની બીબી મરિયમનું (બીબી મીરઘી) અવસાન થયું. ત્યારે શાહઆલમે બીબી મુઘલીને કહેવડાવ્યું, “જ્યાં સુધી તમારી બહેન જીવતી હતી, ત્યાં સુધી સગપણનો દાવો હતો. હાલ તમે તમારે સારું બીજું ઘર શોધી કાઢજો.”
દીકરા ફતેહખાનની સુરક્ષા માટે ચિંતિત બીબી મુઘલીને આ સંદેશથી ગભરામણ થઈ. આખરે તેમણે પોતાના કાકા જામ ફિરોજને કહ્યું, “મારાં માબાપે સૌ પહેલાં મને શાહઆલમ સાથે પરણાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ સુલતાન મહમદે (બીજા) જોરથી મારું લગ્ન પોતાની સાથે કર્યું હતું.”
પિતાનું વચન યાદ આવતાં શાહઆલમે બીબી મુઘલી સાથે પુનર્વિવાહ કર્યા હતા. આમ પિતાએ કરેલી આગાહી સાચી ઠરી હતી. મિરાતે સિકંદરીમાં નોંધ પ્રમાણે, જીવનનાં પાછલાં વર્ષોમાં મહમદશાહ બીજાને જીવનનાં અનેક કૃત્યો માટે પશ્ચાતાપ થતો.

સુલતાનના સંરક્ષક શાહેઆલમ

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
નિકાહ પછી બીબી મુઘલી દિવસરાત પોતાના પતિની અંતઃકરણપૂર્વક સેવા કરતાં અને હજરત શાહઆલમ પણ તેમને માન આપતા અને તેમના પ્રત્યે સ્નેહ રાખતા.
એક દિવસ બીબી મુઘલી ઉપર ખૂબ જ પ્રસન્ન થયેલા શાહઆલમે કહ્યું કે, “તારા ઉપર કૃપાનાં દ્વાર ખુલ્લાં થયાં છે. તારી જે ઇચ્છા હોય તે માગ.”
બીબી મુઘલીએ કહ્યું કે, “તમે ફતેહખાનની બાબતમાં આટલી બધી ફિકર કરો છો, તો તેના બાપ-દાદાનું રાજ્ય તેને મળે તેવી કૃપા કરવી જોઈએ. કદાચિત હાલ જો તેનાથી કોઈ અવિવેક થઈ જતો હોય તો તમારે એના ઉપર ગુસ્સો કરવો નહીં, એવી મારી ઇચ્છા છે.”
તેના જવાબમાં શાહઆલમે કહ્યું કે, “ગુજરાતના મુલકની બાદશાહી ફતેહખાન માટે નિર્માણ થઈ ચૂકી છે અને તે થોડા વખતમાં એને મળશે. વળી, એવું પણ બનશે કે તેનાથી મારી તરફ અવિવેક દર્શાવાશે અને એ બધું હું તારી ખાતર માફ કરીશ.”
પોતાને ત્યાંના નિવાસ દરમિયાન ચમત્કારિક રીતે સુલતાન કુતબુદ્દીનથી અનેક વખત હજરત શાહઆલમે ફતેહ ખાનનો જીવ બચાવ્યો હોવાના કિસ્સા 'મિરાતે સિકંદરી'માં (પૃષ્ઠ, 66-67) નોંધાયેલા છે.
એક વખત જાસૂસોએ માહિતી આપી કે ચોક્કસ ઘરમાં શાહઆલમની સાથે ફતેહખાન બેઠા છે. સુલતાન તરત જ ત્યાં પહોંચ્યા અને તો લાંબી સફેદ દાઢી-ભ્રમરવાળો ખૂંધ નીકળેલો વૃદ્ધ દેખાયો, વાસ્તવમાં તે સમયે ફતેહખાનની ઉંમર દસ વર્ષની હતી.
મહમદ બેગડાને નાનપણમાં છોકરીઓનાં કપડાં પહેરાવીને રાખવામાં આવતાં, જેથી કરીને કોઈ જોઈ જાય તો પણ તેને ઓળખી ન શકે. એક વખત બાળ ફતેહખાન અને તેમનાં આયા છત ઉપર હતાં. ત્યારે જાસૂસે આપેલી માહિતીના આધારે સુલતાન કુતબુદ્દીન છત ઉપર ધસી આવ્યા.
સુલતાનને જોઈને આયાના હોશકોશ ઊડી ગયા. જ્યારે સુલતાને તેનો હાથ પકડ્યો, ત્યારે આયાએ કહ્યું કે, તે ફલાણા-ફલાણા અમીરનાં દીકરી છે. સુલતાને તેના પાયજામાનો બંધ ખોલી નાખ્યો તો તેને છોકરીનાં ચિહ્ન દેખાયાં. એટલે તેણે હાથ છોડી દીધો અને નીચે ઊતરી ગયા.
નીચે જઈને તેમણે મિત્રોને આ વાત કરી તો તેમણે ગમે તે રીતે એને નીચે લાવવા માટે સૂચન કર્યું. સુલતાન પાછો ઘરની ઉપર ચડ્યો અને ફતેહ ખાનનો હાથ પકડ્યો તો તેનો હાથ વાઘના પંજા જેવો જણાયો. તેણે હાથ છોડી દીધો અને ફરી ક્યારેય તેને પકડવાનો વિચાર ન કર્યો.
રત્નમણિરાવ જોટે (ગુજરાતનો સાંસ્કૃત્તિક ઇતિહાસ ઇતિહાસ ઇસ્લામ યુગ ભાગ-2, પેજ – 561) 'મિરાતે સિકંદરી'ના સંદર્ભમાં "એ વાતો પણ નાના છોકરાની વાતો જેવી લાગે છે." હોવાનું અવલોકે છે.

સુલતાન, શાહેઆલમ અને સમાપ્તિ

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
પરીખ અને શાસ્ત્રી (ઉપરોક્ત, પેજ 88-89) નોંધે છે કે, ચિત્તોડની લડાઈમાં કોઈ પણ કામિયાબી વિના તે પાયતખ્ત પરત ફર્યો પછી તેને બીમારી વળગી અને 23 મે, 1459ના 28 વર્ષની ભરજુવાનીમાં તેનું અવસાન થયું.
કથિત રીતે સુલતાનાએ પિતા શમ્સખાનને તખ્ત મળે તે માટે સુલતાન કુતબુદ્દીનને ઝેર આપીને મરાવી નાખ્યા હતા. કુતબુદ્દીનને તેના દાદા અહમદશાહની સાથે માણેકચોક ખાતેના રોજામાં દફનાવવામાં આવ્યા.
'મિરાતે સિંકદરી'માં (ઉપરોક્ત, 69-70) વર્ણન પ્રમાણે સુલતાન કુતબુદ્દીનનાં માતાએ કનિજોને કહીને સુલતાનાના ટુકડે-ટુકડા કરાવી દીધા, જ્યારે ઉમરાવોએ શમ્સ ખાનને મારી નાખ્યો.
મૃત્યુ સંદર્ભે ઉપરોક્ત પુસ્તકમાં વધુ એક ઘટના નોંધવામાં આવી છે. જે મુજબ, એક વખત દારૂના નશામાં સુલ્તાન કુતબુદ્દીને રસૂલાબાદને તારાજ કરવાનો આદેશ કર્યો. લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા, પરંતુ કોઈએ કશું કર્યું નહીં.
સુલતાન કુતબુદ્દીને આમતેમ પોતાનો ઘોડો દોડાવવાનું શરૂ કર્યું અને તારાજ કરવાની વાતો કરવા લાગ્યા. એવામાં એક ગાંડું ઊંટ તેની તરફ ધસી ગયું. તેને ખતમ કરવા માટે સુલતાન કુતબુદ્દીને તલવાર કાઢી અને તેના માથા ઉપર પ્રહાર કર્યો, પરંતુ તેનાથી ચૂક થઈ અને ફટકો તેની જાંઘ ઉપર લાગ્યો.
સુલતાન ઘોડા પરથી પડી ગયો, પાલખીમાં નાખી અને તેમને મુકામે લઈ ગયા. સ્થાનિકોને મન આ વાત ચમત્કાર સમાન હતી અને ઊંટ એ ઈશ્વરે મોકલેલ ફિરસ્તો હતો.
અન્ય એક કહાણી મુજબ, એક વખત કુતબુદ્દીનને થયું કે તે પોતાની બેગમોને અમદાવાદ દેખાડે. એ દિવસે પુરુષ જાતિને બહાર નહીં નીકળવા માટે આદેશ કરવામાં આવ્યો. એ પછી તે પોતાની બેગમોને લઈને ગલી-ગલીમાં ફર્યા.
એટલામાં કુતબુદ્દીનને ગલીમાંથી પાછળથી એક પુરુષને આવતો જોયો. સુલતાને ક્રોધ કરીને તેની ઉપર તલવાર ફેંકી, પરંતુ માણસ અદૃશ્ય થઈ ગયો અને તલવાર તેની જાંઘ પર પડી અને જખમ કર્યો. એ જખમને કારણે સુલતાન દુનિયામાંથી કૂચ કરી ગયા. જખમ થયા પછી બેગમ સુલતાના દ્વારા કુતબુદ્દીનને ઝેર આપવામાં આવ્યું હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
જો કોઈ ઊંટ સુલતાન તરફ ધસી આવતું હોય તો શું કોઈ અંગરક્ષક વચ્ચે ન પડે? જો સુલતાન તેમનાં બેગમો સાથે બહાર નીકળ્યા હોય તો તેમની સાથે સુરક્ષાકર્મી કે કદાચ પ્રચલિત વ્યવસ્થા પ્રમાણે, કિન્નર કે નપુંસક બનાવી દેવાયેલા અંગરક્ષક ન હોય કે સુલતાને પોતે તલવારનો ઘા કરવો પડે? જેવા તર્કસંગત સવાલોનો જવાબ આપવામાં 'મિરાતે સિકંદરી' લખનાર નિષ્ફળ રહે છે.
કદાચ તેનો જવાબ લખનાર પોતે જ પુસ્તકમાં આપે છે. સુલતાન કુતબુદ્દીનના મૃત્યુ વિશે અનેક સંભાવનાઓનો ઉલ્લેખ કર્યા બાદ તે નોંધે છે, “ખરી વાત તો પરમેશ્વર જાણે!”
કુતબુદ્દીનના મૃત્યુ પછી (પરીખ અને શાસ્ત્રી, પૃષ્ઠ ક્રમાંક 89) બહુ થોડા દિવસો માટે તેના કાકા દાઉદ ખાનને તખ્ત મળ્યો, પરંતુ અમીરોની ખટપટમાં તેને 27 દિવસમાં જ (કેટલાક તવારીખકારોના મતે સાત દિવસમાં) ઉતારી મૂકવામાં આવ્યો. તેણે બાકીનાં વર્ષો સૂફી દરવેશના મુરીદ બનીને વિતાવ્યા હતા.
મહમદ બેગડાના સમયમાં હજરત શાહઆલમનો દબદબો રહેવા પામ્યો હતો અને ઇસ્લામના પ્રચાર-પ્રસારની બાબતમાં તેમની દખલ રહેતી હોવાની નોંધ તેમના પત્રાચાર પરથી મળે છે.
રત્નમણિરાવ જોટે (ઉપરોક્ત, પેજ - 526-527) લખે છે કે, સુલતાન કુતબુદ્દીનના મૃત્યુ પછી જ્યારે મહમદ બેગડાને પાદશાહી મળી, ત્યારે રૂપમંજરી તેમની બેગમ બની હતી.
મિર્ઝાપુરમાં આવેલી રાણી રૂપમતિની મસ્જિદ મહમદ બેગડાની બેગમ તરીકે જ આવી સુંદર મસ્જિદ બંધાવી શકે. સુલતાનના સમયમાં બંધાયેલી અન્ય ઇમારતો સાથે સુંદરતાની સરખામણી કરતાં રૂપમંજરી જ વાસ્તવમાં રૂપમતિ હોવાનું તારણ જોટે રજૂ કરે છે. સુલતાનના સમયમાં આવા નામની કોઈ બીજી સ્ત્રી ન હોવાની વાત પણ તેઓ નોંધે છે.














