મધદરિયે આવેલો એ 'અજય કિલ્લો', જેને શિવાજીથી અંગ્રેજો સુધી કોઈ જીતી ન શક્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ તમે સીદીઓ દ્વારા નિર્મિત કિલ્લા વિશે ક્યારેય સાંભળ્યું છે? ઝંઝીરાનો આ કિલ્લો મહારાષ્ટ્રમાં મુંબઈથી લગભગ 165 કિલોમીટર દક્ષિણે દરિયાની વચ્ચે આવેલો છે.
મરાઠા, અંગ્રેજ, ફ્રૅંચ, પૉર્ટુગિઝ જેવી સત્તાઓએ તેના ઉપર અનેક ચઢાઈઓ કરી, પરંતુ લગભગ 400 વર્ષ સુધી સીદીઓના આ અજાયબી સમાન કિલ્લાને કોઈ જીતી શક્યું નહોતું.
દૃષ્ટિભ્રમ ઊભો કરતી વાસ્તુકલા, અજોડ એંજિનિયરિંગ, નિવાસીઓ માટેના કડક નિયમ, અભેદ્ય સુરક્ષાવ્યવસ્થા, વ્યૂહાત્મકસ્થાન, તોપ વગેરે એ આ કિલ્લાને 'અજય' રહેવામાં મદદ કરી હતી. 'અરેબિયન નાઇટ્સ'ની બહુચર્ચિત કહાણીની યાદ અપાવે એ ગેરીલા પદ્ધતિથી હુમલો કરીને સીદીઓએ સ્થાનિક પાટીલો પાસેથી આ કિલ્લો મેળવ્યો હતો.
અનેક હુમલા ખમી ગયેલો કિલ્લો સમયના માર સામે ઊભો તો છે, પરંતુ તે કાળજી માગી રહ્યો છે. દીવાલો ઉપર ઊગી નીકળેલાં ઝાડ અને બિસ્માર સ્મારકો આ વાતની સાક્ષી પૂરે છે.

અજબ એંજિનિયરિંગ, સજ્જડ સુરક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
કોંકણી ભાષામાં 'મુરુડ' અને અરબી ભાષામાં 'ઝઝીરા'નો મતલબ દ્વીપ એવો થાય છે. સમય જતાં ઝઝીરાનું અપભ્રંશ 'ઝંઝીરા' થયું, આજે આ 'બેટ મુરુડ-ઝંઝીરા' તરીકે પણ ઓળખાય છે. ઝંઝીરાનો કિલ્લો અરબી સમુદ્રમાં 22 એકરના વિસ્તારમાં ફેલાયેલો છે.
ટાપુની ફરતે લગભગ 40 ફૂટ જેટલી ઊંચી કાળમીંઢ પથ્થરની દીવાલો છે અને નજર રાખવા માટે પણ વ્યવસ્થા છે. સ્થાનિકોનું કહેવું છે કે પહેલાં ટાપુ પર એક ટેકરો હતો, જેને તોડી-તોડીને તેના પૂર્વજોએ આ કિલ્લાનું નિર્માણ કર્યું છે. તેઓ એવું પણ કહે છે કે તેની દીવાલોમાં પથ્થરોને જોડવાની સામગ્રીમાં રેતી, ચૂના અને ગોળ ઉપરાંત સીસું ઓગાળીને નાખવામાં આવ્યું હતું. કિલ્લાની સંરચના દૃષ્ટિભ્રમ ઊભો કરનારી છે, જે તેની સુરક્ષામાં ઉમેરો કરે છે.
મુંબઈની કે. જે. સોમૈયા કૉલેજમાં ઇતિહાસના સહાયક પ્રાધ્યાપક ડૉ. ગૌરવ ગાડગીલના કહેવા પ્રમાણે, "ઝંઝીરાનો કિલ્લોએ એંજિનિયરિંગની અજાયબી છે, કારણ કે તેણે સમયનો માર ઝીલ્યો છે. અનેક શક્તિશાળી સત્તાઓએ તેની ઉપર આક્રમણ કર્યાં છે, છતાં તે અડગ છે. જો તમે કિલ્લાની સંરચના જોશો તો ટાપુના કિનારા પર તેની દિવાલોનું ચણતર કરવામાં આવ્યું છે."
"દૂરથી જોતાં કિલ્લાનું પ્રવેશદ્વાર ક્યાં છે, તેના વિશે અંદાજ જ નહીં મળે અને નજીક ગયા પછી પણ કિલ્લાના બરાબર દરવાજા પાસે જ ઊતરવું પડે. ત્યાં ઊતરવા માટે પહોળી જગ્યા રાખવામાં નથી આવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કિલ્લાની વિશેષ સંરચનાને કારણે શાસકો તોપોને એવી રીતે ગોઠવી શકતા હતા કે તે પ્રહાર કરી શકે પરંતુ પ્રત્યક્ષ રીતે નજરે ન ચડે. તેની મોટી તોપ લગભગ 10 કિલોમીટર દૂર સુધી હુમલો કરી શકતી. જ્યારે કિનારા સુધીનું અંતર દોઢેક કિલોમીટર જેટલું હોય ત્યારે આટલી શક્તિશાળી તોપ કિનારાના વિસ્તારમાં અંધાધૂંધી ફેલાવી શકે તેમ હતી.
આ તોપનું નામ 'કલાલબાંગડી' છે. તેના ભયાનક અવાજને કારણે 'કલાલ' અને તેની ઉપરના 'બંગડી' જેવા વલયાકારને કારણે આ નામ મળ્યું હતું. બંગડી જેવો આકાર હોવાને કારણે તથા મિશ્રધાતુથી બની હોવાને કારણે તે વારંવાર તેનો ઉપયોગ કરવા છતાં તે અત્યંત ગરમ નહોતી થતી. 'કલાલબાંગડી'નો સમાવેશ દેશની ટોચની લાંબી અને વજનદાર તોપોમાં થાય છે.
આ સિવાય સુરક્ષા માટે સીદી વાસ્તુકલાના ઉત્તમ નમૂના સમાન કિલ્લામાં એક ગુપ્ત દરવાજો પણ બનાવવામાં આવ્યો હતો. બહારથી પથ્થર જ દેખાય, પરંતુ તેની પાછળ આ દરવાજો હતો અને તેનો મૂળ ઉદ્દેશ જો દુશ્મનો કિલ્લાની નજીક પહોંચી જાય તો નવાબ તથા મહત્ત્વપૂર્ણ લોકોને ત્યાંથી દરિયાના માર્ગે સલામતસ્થળે ખસેડવા માટેનો હતો. ઓટ સમયે પણ પાણી અહીં 30 ફૂટ જેટલું ઊંડું હોય છે. જે તેને વધારાની સુરક્ષા પૂરી પાડતું.
આ સિવાય બંદૂકો મારફત ગોળીબાર કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ દીવાલોમાં કરવામાં આવતી, જેથી કરીને કોઈ સૈનિક દીવાલની નજીક પહોંચી પણ જાય તો તેને બંદૂક કે અન્ય કોઈ માધ્યમથી ખતમ કરી શકાય.
ન કેવળ એંજિનિયરિંગ, પરંતુ આંતરિક સુરક્ષાવ્યવસ્થાએ પણ આ કિલ્લાને અજેય રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જો કોઈથી તેનો ભંગ થાય તો તેનું પરિણામ મૃત્યુ હતું. મુઇન ગોથેકર સીદી કિલ્લાના ગાઇડ છે અને તેમના પૂર્વજ આ કિલ્લામાં રહેતા હતા. સુરક્ષાવ્યવસ્થા અંગે તેઓ જણાવે છે:
"અમારા લોકો જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કિલ્લામાંથી બહાર જતી, ત્યારે દરવાન તેમને વિશેષ મહોરવાળો સિક્કો આપતો. તે પરત આવે ત્યારે તે મહોર દેખાડવી પડતી અને તે ગૅટ-પાસનું કામ કરતી. એ દેખાડ્યા પછી જ તેમને અંદર પ્રવેશ મળતો. જો કોઈ વ્યક્તિથી સિક્કો ખોવાઈ જાય અને પરત આવવાનો પ્રયાસ કરે તો કોઈ વાત-દલીલ સાંભળવામાં નહોતી આવી અને તેની હત્યા કરી દેવામાં આવતી."
આ પ્રકારની કડક અને સજ્જડ વ્યવસ્થા ઊભી કરવા પાછળ સીદીઓના ઐતિહાસિક સબકને જવાબદાર માની શકાય. જ્યારે ટાપુ પર તેમની સત્તા સ્થપાઈ હતી.

દુર્ગ, દારૂ અને દગો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં સીદીઓનું આગમન સાતમી સદી આસપાસ થયું હોવાનું માનવામાં આવે છે. તેમના પૂર્વજ પૂર્વ આફ્રિકાની 'બાન્તુ' જાતિના હતા. આરબ વેપારીઓ તેમને ગુલામ તરીકે ભારતમાં લાવ્યા હતા.
ખડતલ શરીર, વફાદારી અને બહાદુરીને કારણે સ્થાનિક રજવાડાંમાં તેમને સૈનિક કે સંરક્ષક તરીકે ભરતી કરવાનું ચલણ હતું. આવી જ એક ટુકડીને નિઝામશાહી દરમિયાન અહમદનગરના સુલતાને પણ તેમને કામે રાખી હતી અને ઝંઝીરાનો કિલ્લો ફતેહ કરવાનું કામ તેને સોંપ્યું હતું.
દરિયાઈ વ્યાપારની સુરક્ષા માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ ઝંઝીરા દ્વીપ મહત્ત્વપૂર્ણ હતો. ચાંચિયાઓથી જહાજોની સુરક્ષા માટે અહમદશાહ આ કિલ્લા પર કબજો કરવા માગતા હતા. તેમણે પીરમશાહ નામના પોતાના સૂબેદારને ત્રણ જહાજની સાથે આ જળદુર્ગને ફતેહ કરવાનું કામ સોંપ્યું. 'ઝંઝીરા સંસ્થાનચા ઇતિહાસ' નામથી પુસ્તક લખનારા શરદ ચિટનિસના મતે આ સ્થળનો ઇતિહાસ વર્ષ 1490થી શરૂ થાય છે. એ વખતે અહીં મેરેકોટના નામથી લાકડાનો બનેલો કિલ્લો હતો. જેનો હેતુ ચાંચિયાઓથી સુરક્ષાનો હતો. અહીં મોટા પથ્થરો હતા. રામા કોળી કે રામા પાટીલ નામના આગેવાન પાસે તેની સુરક્ષા હતી.
'અરેબિયન નાઇટ્સ'માં એક વાર્તા 'અલીબાબા અને 40 ચોર'ની હતી. કથાના અંતભાગમાં ચોર શાહસોદાગરનો વેશ લે છે. એક પીપમાં તેલ અને બાકીનામાં પોતાના સાથીઓને છુપાવીને અલીબાબાને તેના ઠેકાણે લાવે છે. અલીબાબાનાં એક દાસીને આ વાતની ખબર પડી જાય છે. જે પીપમાં ચોરના સાથી છૂપાયા હોય, તેમાં ગરમ તેલ નાખીને તે બધાની હત્યા કરી નાખે છે. આમ અલીબાબાનું રક્ષણ થાય છે. કંઇક આવું જ ઝંઝીરામાં પણ બનવાનું હતું.
ડૉ. ગાડગીલના કહેવા પ્રમાણે, "પીરમશાહે વેપારીનો સ્વાંગ લીધો. તેઓ રામા કોળી પાસે ગયા અને કહ્યું કે દરિયો ખૂબ જ તોફાની થઈ ગયો છે, અમારી પાસે ખૂબ જ કિંમતી સામાન છે, તેની સુરક્ષા કરવી જરૂરી છે, અમને આશરો આપો. આ વાત સાંભળીને રામા કોળીએ રાતવાસો કરવાની મંજૂરી આપી. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પીરમશાહે તેમને સારા એવા પ્રમાણમાં શરાબ ભેટમાં આપ્યો. રામા કોળી અને તેમના સાથીઓ શરાબનું સેવન કરીને ગાફેલ બન્યા ત્યારે પીરમશાહના સૈનિકો પટારામાંથી બહાર નીકળ્યા અને સ્થાનિકોને મોતને ઘાટ ઉતારીને કિલ્લાને પોતાના તાબા હેઠળ લીધો."
ડૉ. ગાડગીલે 'એકાંત' કાર્યક્રમમાં મુરુડ-ઝંઝીરા દ્વીપ વિશેના ઍપિસોડમાં આ મત રજૂ કર્યો હતો. પીરમશાહ આગળ જતાં પીરખાન કે પીરશાહ તરીકે પણ વિખ્યાત થયા.
'ગૅઝેટિયર ઑફ બૉમ્બે પ્રૅસિડન્સી : કોલાબા ઍન્ડ ઝંઝીરા' (પેજ 435-436) અનસાર બુરહાન શાહના (1508-1553) સમય દરમિયાન ઝંઝીરાની ફરતે પથ્થરનો કિલ્લો બનાવવાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. વર્ષ 1636માં સીદી અંબર ઝંઝીરાના સૂબેદાર હતા ત્યારે અહમદનગરનું પતન થયું. એ પછી તેઓ બીજાપુર સલ્તનને વફાદાર બન્યા અને તેમના વેપાર તથા હજયાત્રીઓની સુરક્ષાની જવાદબારી સંભાળી હતી.
કાળક્રમે મરાઠા અને મુઘલોના દખ્ખણના અભિયાનને કારણે નિઝામશાહી નબળી પડવા લાગી. સીદીઓ અને અંગ્રેજો વચ્ચે પણ અથડામણો થતી. તેમણે પોતાના સિક્કા બહાર પાડવાનું પણ શરૂ કરી દીધું. ઝંઝીરાને કારણે દરિયાઈ વ્યાપાર ઉપર પણ તેમનું પ્રભુત્વ પ્રસ્થાપિત થઈ ગયું હતું.
જાફરાબાદ અને સચીન પણ તેમને આધીન હતાં. મુગલશાસનમાં અંધાધૂંધી દરમિયાન પહેલા પ્રતિનિધિ તરીકે અને પછી 1751થી 1759 દરમિયાન તેઓ સુરત પર સ્વતંત્ર રીતે શાસન કરતા. બાદમાં અંગ્રેજો સામે તેમનો પરાજય થયો હતો.
શિવાજીએ ઝંઝીરાના કિલ્લાને જીતવા માટે અનેક વખત પ્રયાસ કર્યા, પરંતુ તેમાં સફળતા ન મળી. એક તબક્કે દરિયામાં પથ્થર નાખીને રસ્તો બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઝંઝીરાથી લગભગ બે કિલોમીટર દૂર પદ્મદુર્ગ છે, જે છત્રપતિ શિવાજીના વંશજોએ બંધાવ્યો હતો. આ જળદુર્ગ દ્વારા તેમણે સત્તાનું સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો હતો.
જાણકારોનું કહેવું છે કે અંગ્રેજો અને મરાઠાએ જ્યારે ઝંઝીરા સર કરવા માટેનાં અભિયાન હાથ ધર્યાં, ત્યારે કોઈ ને કોઈ બીજા અભિયાન તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું, જેના કારણે ઝંઝીરા પરથી તેમનું ધ્યાન હઠ્યું હતું.
ઉપરોક્ત ગૅઝેટિયરમાં ઉલ્લેખ પ્રમાણે (પેજ 448-449), 1760માં રામજી પંત અને પૉર્ટુગિઝોએ સીદીઓના વિસ્તાર ઉપર હુમલા કર્યા. આવા સમયે ઝંઝીરાને ઘેરો ઘાલવામાં આવ્યો હતો, જે અંગ્રેજોના પ્રયાસોથી છૂટ્યો હતો. એ પછી ત્યાં બ્રિટિશ ઝંડો ફરક્યો હતો.
કંપની સરકાર માટે આ નગણ્ય વિસ્તાર હતો અને તેનો આંતરિક વહીવટ સીદીઓ પાસે રહેવા પામ્યો હતો. 1834માં તેનું ચલણ નાબૂદ કરી દેવામાં આવ્યું હતું.
આજે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગણામાં સીદીઓની વસતિ છે. વર્ષ 2011ની વસતિગણતરી પ્રમાણે, દેશમાં તેમની વસતિ 20 હજાર આસપાસ હતી. ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ સીદીઓની નોંધપાત્ર વસતી છે.

ઘર તૂટ્યાં, ઘર બન્યાં

ઇમેજ સ્રોત, Getty Images
આ ટાપુ પર કુદરત પણ મહેરબાન છે. ચારેય બાજુ અરબી સમુદ્ર આવેલો હોવા છતાં તેમાં મીઠા પાણીનાં બે તળાવ આવેલાં છે અને તેનો ઉપયોગ ખેતી માટે પણ કરાતો હતો. સ્વતંત્રતા સમયે કિલ્લામાં લગભગ 550 જેટલા પરિવાર રહેતા હતા.
નિવાસીઓના વારસદારોના કહેવા પ્રમાણે, લોકો ખેતી કરતા, કપડાં, રહેવા-ખાવાની વ્યવસ્થા નવાબો પર રહેતી હતી. અહીં એક શાળા પણ હતી, જેમાં મરાઠી અને ઉર્દૂ ભાષામાં તાલીમ આપવામાં આવતી હતી.
સ્વતંત્રતા પછી નવાબોએ આ કિલ્લો ભારત સરકારને સોંપી દીધો હતો અને તેઓ મધ્ય પ્રદેશના ઇંદૌરમાં રહેવા જતા રહ્યા. નવાબના વંશજ સીદી મહમૂદખાન ત્યાં રહે છે. સરદાર પટેલની સાથે રજવાડાંને ભારતમાં ભેળવવાના કામમાં સાથ આપનારા તેમના અધિકારી વી. પી. મેનને એ પ્રયાસો વિશે 'ધ સ્ટૉરી ઑફ ઇન્ટિગ્રૅશન ઑફ ઇંડિયન સ્ટેટ્સ' નામથી પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ (પેજનંબર 141) પર લખે છે:
ઝંઝીરામાં કાયદો અને વ્યવસ્થાની સત્તા બૉમ્બે સરકાર પાસે હતી. અમે શાસકને જણાવ્યું કે તેમણે વિલનીકરણના દસ્તાવેજ ઉપર સહી કરી દેવી જોઈએ. જેથી કરીને બૉમ્બેની સરકાર સમગ્ર તંત્રની વ્યવસ્થા સંભાળી શકે. નવાબે સહમતી આપી દીધી.
8 માર્ચ, 1948ના દિવસે દખ્ખણનાં રાજ્યોના વિલનીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. કુલ સાત હજાર 815 વર્ગકિલોમીટરનો વિસ્તાર ભારત સંઘમાં ભળી ગયો. જેની કુલ વસતિ લગભગ 17 લાખની હતી.
સ્થાનિકો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું, કારણ કે કિલ્લામાં આજીવિકાનાં પૂરતાં સાધનો નહોતાં. સ્વતંત્રતા પછીના શરૂઆતનાં વર્ષોમાં તેમણે કિનારાથી કિલ્લા સુધીની અવરજવર ચાલુ રાખી અને નજીકનાં ગામડાંમાં કામ કરવા લાગ્યા હતા.
એ સમયે સાંજ પછી દરિયામાં સફર ખેડવી મુશ્કેલ હતી. ચોમાસાના મહિનાઓમાં દરિયો તોફાની બની જતો એટલે અવરજવર ઠપ થઈ જતી અથવા તો ખૂબ જ ખતરનાક બની જતી. એવા સંજોગોમાં કિલ્લામાં રહેનારાં લોકોએ નજીકનાં ગામડાંમાં સ્થાયી થવાનું શરૂ કર્યું. આ માટે તેમણે કિલ્લા ખાતેનાં પોતાનાં ઘરો તોડીને તેની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો.
ધીમે-ધીમે સૂમસામ કિલ્લો વધુ વિરાન ભાસવા લાગ્યો. 1980ના દાયકામાં આ કિલ્લામાંથી બધા લોકો હિજરત કરી ગયા. આજે મુલાકાતીઓ સ્વરૂપે છૂટક અવરજવર થતી રહે છે.
કિલ્લાના સંરક્ષણની જવાબદારી 'આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇંડિયા' પાસે છે. કિલ્લામાં પૂર્વ શાસકોનો મહેલ પણ છે, જે બિસ્માર સ્થિતિમાં છે અને તેના દરવાજા પર સૂચના છે, 'મંજૂરી વગર પ્રવેશ કરવો નહીં, અન્યથા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.'














