ગુજરાતમાં 53 વર્ષ શાસન કરનાર એ સુલતાન જે રોજ પોતે 'ઝેર ખાતા'

મહમદશાહ બેગડો

ઇમેજ સ્રોત, OPEN SOURCE IMAGE

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક, લાહોર

15મી સદીમાં ગુજરાતમાં મુઝફ્ફરી વંશનું શાસન સ્થપાયું હતું, જેમાંથી એક બાદશાહે 53 વર્ષ સુધી શાસન કર્યું હતું.

મુઝફ્ફરી વંશના આઠમા સુલતાન તરીકે હતા સુલતાન મહમદશાહ, જેમને બેગડાનું ઉપનામ મળ્યું હતું અને તેમનું નામ બીજી પણ કેટલીક બાબતો માટે જાણીતું થયું હતું.

મહમદ બેગડાની વાત આવે ત્યારે એક વાત ચોક્કસપણે આવે અને તે હતી તેના વિષપાન વિશેની. હા, ઇતિહાસ નોંધે છે કે મહમદશાહ દરરોજ અમુક માત્રામાં ઝેરનું સેવન કરતા હતા.

મુઝફ્ફરી સામ્રાજ્યની સ્થાપના 1407માં સુલતાન મહમદશાહ બેગડાના પરદાદા સુલતાન ઝફર ખાન મુઝફ્ફર દ્વારા કરવામાં આવી હતી.

આ વંશના આઠમા સુલતાન તરીકે 1458માં મહમદ બેગડો ગાદી પર આવ્યા હતા. મહમદશાહ બેગડાએ 53 વર્ષ એટલે કે 1511 સુધી શાસન કર્યું. બાદમાં 1572માં મુઘલોએ આ વંશના સુલતાનને ઊથલાવીને અમદાવાદમાં પોતાનો સૂબો સ્થાપ્યો હતો.

લેખક સદુપ્તા મિશ્રાના જણાવ્યા અનુસાર મહમદશાહના શાસનકાળ દરમિયાન ગુજરાતનું મુઝફ્ફરી સામ્રાજ્ય સૌથી વધારે ફેલાયું હતું. પૂર્વમાં માળવાથી પશ્ચિમમાં કચ્છના અખાત સુધી સલ્તનતની સરહદો વિસ્તરી હતી.

બીબીસી

દરરોજ ઝેરનું સેવન કરતા મહમદશાહ

પાવાગઢ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહમદશાહના હુમલા દરમિયાન પાવાગઢમાં જેને નુકસાન પહોંચ્યું હતું એ શિલ્પો

મહમદશાહ પ્રથમનું મૂળ નામ ફતેહ ખાન હતું. મહમદશાહ દ્વિતીય અને મુઘલી બીબીનું એ સંતાન હતું. મુઘલી બીબી સિંધના શાસક સમાની પુત્રી હતી.

મહમદશાહને બાળપણથી નિયમિતપણે વિષપાન કરાવાતું હતું. પુત્રને વિષપુરુષ બનાવવાનો નિર્ણય પિતાનો હતો કે તેની માતાનો હતો તે અંગે વધુ માહિતી મળી શકતી નથી.

ઇટાલિયન પ્રવાસી લૂડૉવિકો ડી વર્થેમાએ લખ્યું છે કે, “મેં મારા એક માણસને પૂછ્યું હતું કે સુલતાન ઝેર કેવી રીતે ખાઈ શકે. કેટલાક વેપારીઓ પાસેથી જવાબ મળ્યો હતો કે તેમના પિતાએ તેમને નાનપણથી જ ઝેરને થોડી થોડી માત્રામાં આપવાનું શરૂ કર્યું હતું."

પોર્ટુગીઝ લેખક ડુઆર્ટ બાર્બૉસા કહે છે, “તેઓ બહુ ઓછી માત્રામાં વિષ લેતા હતા. આવું કરવા પાછળનું કારણ એવું હતું કોઈ દુશ્મન તેમને ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરે તો એ ઝેરથી કોઈ નુકસાન થાય નહીં."

ઇતિહાસકાર મનુ પિલ્લેના મતે, "મહમદની એક બાળક તરીકે સુરક્ષા કરવાની જરૂર હતી."

બીબીસી ગુજરાતી

મહમદશાહ મુઝફ્ફરી સામ્રાજ્યના સુલતાન કેવી રીતે બન્યા?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જૅમ્સ કૅમ્પબૅલ અને એસ. કે. દેસાઈના જણાવ્યા મુજબ, મહમદશાહ બીજાનું અકાળે મોત થયું તે પછી કુતબુદ્દીન અહમદશાહ બીજાએ ગાદી સંભાળી હતી. કુતબુદ્દીન મહમદ બેગડાના સાવકા ભાઈ હતા.

કુતબુદ્દીન ગાદીએ બેઠા એટલે મહમદશાહ બીજાની વિધવા બીબી મુઘલી પોતાના પુત્રને લઈને સલામત નીકળી ગઈ હતી. કુતબુદ્દીન સત્તા જાળવી રાખવા માટે પોતાના પુત્ર ફતેહ ખાનની હત્યા કરશે એવો ભય તેમને હતો.

બીબી મુઘલીએ તેમની બહેન બીબી મુરકીના ઘરે આશ્રય લીધો હતો. થોડા સમય પછી બીબી મુરકીનું અવસાન થયું એટલે બહેનના પતિ શાહઆલમ સાથે બીબી મુરઘીએ શાદી કરી લીધી હતી.

દરમિયાન સાત વર્ષ શાસન કર્યા બાદ કુતબુદ્દીન અહમદશાહ દ્વિતીયનું અવસાન થયું. તેના કાકા અને મહમદશાહ દ્વિતીયના ભાઈ દાઉદ ખાને ગાદી કબજે કરી લીધી. જોકે, દરબારીઓએ તેમને સુલતાન તરીકે સ્વીકારવાનો ઈનકાર કર્યો અને તેના કારણે 13 વર્ષની ઉંમરે, મહમદશાહ બેગડા મુઝફ્ફરી સામ્રાજ્યના સુલતાન બન્યા.

બીબીસી ગુજરાતી

નામ 'બેગડો' કઈ રીતે પડ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1458માં ફતેહ ખાન ગાદી પર બેઠા અને તેણે પોતાનું નામ સુલતાન અબુલ ફતહ નસીરુદ્દીન મહમદશાહ પ્રથમ એવું રાખ્યું. સાથે જ સુલતાન અલ-બહર તરીકેની પદવી પણ જાતે જ લઈ લીધી.

પિલ્લે લખે છે, “મહમદે સત્તા સંભાળતાની સાથે જ મૃત્યુ પામેલા પોતાના સાવકા ભાઈની વિધવા સાથે શાદી કરી લીધી હતી. તેનું નામ હતું રૂપમંજરી અથવા રૂપમતી કે જેના નામે અમદાવાદમાં રાણી રૂપમતી મસ્જિદ બનેલી છે.”

એ પછી સુલતાન મહમદશાહના નામની પાછળ બેગડા શબ્દ પણ લાગ્યો હતો. આવું નામ બે કારણસર પડ્યું હતું. એક તો સુલતાનની મૂછો બળદના શિંગડા જેવી ભરાવદાર હતી. બળદને બગરુ કહેવાતો એટલા તેના પરથી બેગડો એવું નામ પડ્યું.

બીજું કારણ એવું માનવામાં આવે છે કે 1472માં જૂનાગઢ અને તેનાં દસ વર્ષ પછી પાવાગઢ એમ બંને ગઢ જીતી લીધા એટલે બેગડો નામ પડ્યું. બે ગઢ જીતનારો સુલતાન એ રીતે અપભ્રંશ થઈને મહમદ બેગડો એવી રીતે નામ પ્રચલિત બન્યાનું માનવામાં આવે છે.

ઇતિહાસકારોના મતે, "મહમદશાહે તેની બહાદુરી, ધર્મનિષ્ઠા, ન્યાય અને ઉદારતા જેવા ગુણોને કારણે ગુજરાતના સારા રાજાઓમાં સ્થાન મેળવ્યું હતું."

કૅમ્પબૅલના જણાવ્યા અનુસાર, "તેમણે જમીન માલિકી અંગે કેટલાક ખૂબ સારા નિર્ણયો લીધા હતા. જેમ કે, જમીનમાલિક મૃત્યુ પામે પછી માત્ર તેના પુત્રને નહીં, પણ પુત્રીને પણ જમીનનો વારસો મળતો હતો.

તેમણે જમીનદારો પાસેથી કડક હાથે ઉઘરાણી કરી હતી અને તેના કારણે રાજ્યની મહેસૂલ બમણી અથવા ત્રણ ગણી થઈ ગઈ હતી. તેમના સમયમાં સલામતી સાથે વેપાર અને મુસાફરી થઈ શકતા હતા. બેગડાએ સૈનિકોને વ્યાજે નાણાં લેવાની મનાઈ કરી હતી.

"કોઈ સિપાહીને રૂપિયાની જરૂર હોય ત્યારે સરકારી તિજોરીમાંથી જરૂરી નાણાં આપવામાં આવતા હતા. બાદમાં તેના માસિક પગારમાંથી થોડી રકમ હપ્તા તરીકે કાપી લેવામાં આવતી હતી. મહમદશાહે ફળોની વાડીઓ કરવા પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું."

કૅમ્પબૅલ લખે છે, “મહમદશાહ પ્રથમના શાસન દરમિયાન, કેટલાક વેપારીઓ ઇરાક અને ખુરાસાન પ્રાંતમાંથી ઘોડાઓ અને અન્ય સામાન લાવી રહ્યા હતા. આ વેપારીઓને સિરોહી નજીક લૂંટી લેવામાં આવ્યા હતા. સુલતાને તેમને પૂછ્યું કે તમારા માલસામાનનું મૂલ્ય કેટલું થાય છે અને તે પછી સરકારી તિજોરીમાંથી વેપારીઓને રકમ ચૂકવી આપવામાં આવી હતી. બાદમાં આ રકમ સિરોહીના રાજા પાસેથી વસૂલ કરવામાં આવી હતી."

મિરાત-એ-સિકંદરીમાં અલી મોહમ્મદ ખાને લખ્યું છે કે ગુજરાતના રાજાઓમાં સુલતાન મહમદશાહ સૌથી સારો રાજા હતો. તેના શાસનમાં ન્યાય, પરોપકારની ભાવનાથી કામ થતું હતું. તે જ રીતે શરિયતનું પાલન પણ કરાવવામાં આવતું હતું.

પિલ્લેના જણાવ્યા અનુસાર, “સુલતાન મહમદશાહ તેમના સમયનો સૌથી યશસ્વી રાજા હતો. એક પ્રભાવી સમ્રાટ અને શાસક હતો. તેના પર ધર્મનો ખૂબ પ્રભાવ હતો.

સુલતાને શહેરમાં એક નાની પણ સુંદર આરસની મસ્જિદ બનાવી હતી. તે ત્રીસ ફૂટ ઊંચી અને પહોળી હતી. મસ્જિદ માટે જરૂરી પથ્થર નજીકના કરણઝાર ટેકરી પરથી લાવવામાં આવ્યા હતા. આ મસ્જિદમાં જૈન સ્થાપત્યની ઝલક પણ જોઈ શકાય છે. આ મસ્જિદ ભદ્ર વિસ્તારમાં છેલ્લાં પાંચસો વર્ષથી મજબૂત રીતે ઊભી છે.

બીબીસી ગુજરાતી

'મહિલાઓ સમાગમ પછી મૃત્યુ પામતી'

સિંધ પ્રાંત

ઇમેજ સ્રોત, Govt. of Sindh

મહમદશાહે દ્વારકા પર આક્રમણ કરીને તોડફોડ કરી હતી. એવું કહેવાય છે કે લૂંટારાઓને મંદિરમાં આશ્રય આપવામાં આવ્યો હતો એટલે તેણે હુમલો કર્યો હતો.

સુલતાને પોર્ટુગીઝ ભાષા શીખવાનો પ્રયાસ કર્યો હતો, પણ ફાવી નહોતી. તેમને કોઈ ઔપચારિક શિક્ષણ મળ્યું નહોતું, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન ઘણાં અરબી સાહિત્યનો ફારસી ભાષામાં અનુવાદ થયો હતો.

મહમદશાહ વિશે લખતાં ઇટાલિયન પ્રવાસી વર્તેમાં કહે છે, “દરરોજ સવારે સુલતાન મહમદશાહ (મહેલમાંથી) બહાર આવે ત્યારે પચાસ હાથીઓ તેને સલામ કરતા. ભોજન વખતે પચાસથી સાઠ પ્રકારનાં સંગીતવાદ્યો વગાડવામાં આવતાં. તેમની મૂછો એટલી મોટી હતી કે સ્ત્રીઓ અંબોડો બાંધે તે રીતે તેને બાંધીને ગળાની પાછળ રાખવી પડતી. તેની સફેદ દાઢી પણ ખૂબ લાંબી હતી.

વર્તેમાના જણાવ્યા અનુસાર, “મહમદશાહ દરરોજ ઝેરનું સેવન કરતા હતા. અમુક ચોક્કસ માત્રામાં જ વિષ લેતા. આ રીતે વિષપાનને કારણે તેમનું શરીર અત્યંત ઝેરી બની ગયું હતું."

તેમના વિષમય શરીર વિશે ઘણી બધી વાતો પ્રચલિત થઈ હતી. એક વાયકા એવી હતી કે જો મહમદશાહ કોઈને મારી નાખવા માગતા હોય તો તેને હાજર કરવામાં આવતો. મહમદશાહ પોતે કેટલાંક ફળો ખાય અને પછી તે ફળ પેલા માણસને ખવરાવવામાં આવતું. અડધા કલાકમાં જ તેનું મૃત્યુ થઈ જતું.

ઇટાલિયન પ્રવાસી વર્તેમાં અનુસાર, સુલતાન મહમદશાહ પાસે ત્રણથી ચાર હજાર મહિલાઓ હતી. રાત્રે જે મહિલા સમાગમ કરે તે બીજા દિવસે સવારે મૃત્યુ પામતી હતી. મહમદશાહનું શરીર વિષમય હતું એટલે આવું થતું હતું એમ કહેવાય છે.

એવું પણ કહેવાય છે કે સુલતાન મહમદશાહ પાસે એક વીંટી હતી. મનગમતી મહિલા સાથે સેક્સ કરવા માગતા હોય ત્યારે આ વીંટી તેના મોંમાં મૂકી રાખવામાં આવતી, જેથી સુલતાનના ઝેરની અસર તેને થાય નહીં.

મહમદશાહે પહેર્યાં હોય તે કપડાંનો બીજી વાર ઉપયોગ થતો નહોતો. તેના માટે દરરોજ નવા વસ્ત્રો તૈયાર કરાતાં. તેણે પહેરેલાં કપડાંને બીજા દિવસે બાળી નાખવામાં આવતાં.

બાર્બોસાના લખ્યા મુજબ, "જો જીવડું સુલતાનને કરડે તો પણ તે પણ મરી જતું એટલું વિષમય તેમનું શરીર થઈ ગયું હતું."

જોકે સ્થાનિક ઇતિહાસકારોનો આ અંગે અલગ મત ધરાવે છે. તેમના મતે, સુલતાનના ઝેર વિશે અતિશયોક્તિપૂર્ણ વાતો કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર મહમદશાહની કોઈ રાણી કે મહિલા આ રીતે ઝેરથી મરી ગઈ હોવાનો કોઈ ઉલ્લેખ મળતો નથી.

તેથી આ પ્રકારની વાતોમાં સાચું શું અને ખોટું શું તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી.

બીબીસી ગુજરાતી

દૈનિક આહાર 35થી 37 કિલોનો હતો

કૅમ્પબૅલના જણાવ્યા અનુસાર મહમદશાહને ત્રણ સંતાનો હતાં - મહમદ કાલા, આપા ખાન અને અહમદ ખાન. આ ત્રણેય પુત્રો રાણી રૂપમતીથી થયા હતા.

આ રીતે ત્રણ બાળકોનો જન્મ થયો તેનો અર્થ એવો કે વિષની અસર ના થાય તેવો કોઈ ઉપાય પણ તેમની પાસે હતો.

પ્રથમ પુત્ર કાલાનું અકસ્માતમાં અવસાન થયું હતું. બીજા પુત્ર આપા ખાનને સુલતાનના હેરમમાં પ્રવેશતો જોવા મળ્યો એટલે તેને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હતો. ત્રીજા પુત્ર અહમદ ખાનને આખરે પિતાની ગાદી મળી હતી.

આવી વાતો ઉપરાંત સુલતાન મહમદશાહની ખાણીપીણી વિશેની વાતો પણ પ્રચલિત થઈ હતી. તે વાટકો ભરીને મધ, ઘી અને 150 કેળાનો નાસ્તો કરતો એવું કહેવાતું. દિવસ દરમિયાન તેઓ સતત કંઈ ને કંઈ ખાધા કરતા એવું કહેવાય છે.

બાર્બોસા અને વર્તેમાના જણાવ્યા અનુસાર, સુલતાન મહમદશાહનો દૈનિક આહાર 35થી 37 કિલોનો હતો. સુલતાનનું પેટ આટલાથી ના ભરાય તો પછી તે પાંચ કિલો ચોખામાંથી બનેલી મીઠાઈઓ પણ આરોગતા.

સતીશ ચંદ્રા કહે છે, "મહમદશાહ દિવસ દરમિયાન ખૂબ જ ખાતા હતા. તે પછીય રાત્રે ભૂખ લાગે તે શમાવવા માટે પલંગ પાસે સમોસા રખાવતા. ખાવા પર તૂટી પડનાર મહમદશાહનું શરીર બહુ જ તગડું હતું."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી