શિવાજીએ મુઘલોને સંધિ બાદ 23 કિલ્લા આપ્યા પણ આ ખાસ કિલ્લો કેમ ન આપ્યો?

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિવાજી મહારાજ અને રાજગઢનો કિલ્લો
    • લેેખક, પ્રાજક્તા ધુળપ
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

રાયગઢ પહેલાં શિવાજી મહારાજે પૂણે જિલ્લામાંના રાજગઢને પોતાના રાજકીય કેન્દ્ર તરીકે પસંદ કર્યું હતું. તેઓ ઓછાંમાં ઓછાં 25 વર્ષ રાજગઢ પર રહ્યા હોવાનું કહેવાય છે.

ઔરંગઝેબના અધિકારી સાકી મુસ્તેદ ખાને સત્તરમી સદીમાં શિવાજી મહારાજની પ્રથમ રાજધાની એવા રાજગઢનું વર્ણન કરતાં લખ્યું હતું : "રાજગઢની ભવ્ય ઊંચાઈને જોતાં તે તમામ કિલ્લાઓમાં સૌથી મહાન છે. તે 12 કોસ વિસ્તારમાં ફેલાયેલો છે. રાજગઢની મજબૂતાઈ ને ઊંચાઈની કોઈ કલ્પના સુદ્ધાં ન કરી શકે. અહીંની પહાડી ખીણો અને ગાઢ જંગલોમાંથી પવન સિવાય બીજું કશું જ આગળ વધી શકતું નથી. અહીં માત્ર વરસાદ જ પ્રવેશી શકે છે."

એક કોસ એટલે લગભગ 3.22 કિલોમીટર. 12 કોસમાં ફેલાયેલા રાજગઢને ઘેરવાનું દેખીતી રીતે આસાન ન હતું.

ઔરંગઝેબના અધિકારી સાકી મુસ્તેદ ખાને ફારસી ભાષામાં ‘માસીરે આલમગીરી’ નામનો ગ્રંથ લખ્યો હતો. ઔરંગઝેબે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું ત્યારે મુસ્તેદ ખાન તેની સાથે હતો. તેણે કિલ્લાની ઘેરાબંધીનું વર્ણન પુસ્તકમાં કર્યું હોવાનો ઉલ્લેખ ઈતિહાસકારોએ કર્યો છે.

"શિવાજીએ કિલ્લાની પ્રાચીરને મજબૂત બનાવી હતી. આ તટની નીચે ભયાનક કોતરો છે. અતિશય મુશ્કેલ માર્ગો છે. માણસ માટે ત્યાં પહોંચવું જ મુશ્કેલ છે."

આ કિલ્લાના નિર્માણમાં સૌથી વધુ સમય લાગ્યો હતો અને મહારાષ્ટ્રનો આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજના જીવનની અનેક નાટકીય ઘટનાઓનો સાક્ષી છે. તેની કિલ્લેબંધી અને પાયા નજીક જંગલને વ્યૂહરચના અને દુર્ગ સ્થાપત્યકળાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.

મુઘલ ઇતિહાસકાર મુહમ્મદ હાશિમ ઉર્ફે ખાફીખાને પણ 1732માં ‘મુન્તખાબ-અલ-લબાબ-એ-મુહમ્મદશાહી’ નામના પુસ્તકમાં રાજગઢ કિલ્લાનું વર્ણન કર્યું હતું.

"રાજગઢ કિલ્લો એટલે એક પર્વતમાળા. તેને ચારે બાજુથી ઘેરવો મુશ્કેલ હતો."

આ વર્ણન પરથી સમજાય છે કે મુઘલ સૈન્ય રાજગઢથી ડરતી હતી તે નક્કી છે. આજે પણ રાજગઢ સુધી પહોંચવું હોય તો કેડી અને મુશ્કેલ ચઢાણ સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી.

રાજગઢનું નિર્માણ કેવી રીતે થયું?

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, રાજગઢ ગુંજવાણે રોડથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પૂણે જિલ્લાના વેલ્હે તાલુકામાં રાજગઢ કિલ્લો આવેલો છે. રાજગઢ પહોંચવા માટે પૂણેથી લગભગ 50 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે. કિલ્લાના પાયા પાસેના ગુંજવણે અને પાલી ગામ સુધી પહોંચવું પડે છે.

કિલ્લાના બે દરવાજા છે. પાલી મુખ્ય દરવાજો છે, જ્યારે ગુંજવાને અગાઉ બાંધવામાં આવેલો પ્રાચીન કાળનો દરવાજો છે. નીચેથી પદ્માવતી માચી સુધી પહોંચતાં લગભગ અઢીથી સાડા ચાર કલાકનો સમય લાગે, પરંતુ અલગ-અલગ આઠ-દસ માર્ગો મારફત રાજગઢ પહોંચી શકાય છે એ જાણીને તમને આશ્ચર્ય થશે.

માચી સાથે જોડાયેલ ડુંગરની રાંગ અને કિલ્લાની વિશાળ રચના રાજગઢની ખાસિયત છે.

સુવેલા માચી અને સંજીવની માચી બન્નેની લંબાઈ અઢી-અઢી કિલોમીટર છે તથા તેનું નિર્માણ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પ્રદેશમાં સ્થિત પદ્માવતી માચી પર આજે પણ દેવીના મંદિર અને મધ્યકાલીન સ્થાપત્યની નિશાની જોવા મળે છે.

આ ત્રણ ટાવરની વચ્ચેનો સૌથી ઊંચો કિલ્લો નિહાળીને કોઈ આશ્ચર્યચકિત થયા વિના રહી શકતું નથી.

રાજગઢ કિલ્લાની મુલાકાત એક જ દિવસમાં લેવી શક્ય નથી. એ માટે ઓછામાં ઓછા બે દિવસ અને વધુમાં વધુ આઠ દિવસ જરૂરી છે.

છત્રપતિ શિવાજી મહારાજે ત્રણ માચી અને કિલ્લાની સલામતી કેવી રીતે સુનિશ્ચિત કરી હશે એ વિચારીને આપણને આશ્ચર્ય જરૂર થાય.

અમૂલ્ય ખજાનો હાથમાં આવ્યો

રાજગઢનો અભિલેખ શિવાજી મહારાજના સમયનો છે. બહમની શાસન દરમિયાન આ કિલ્લાનું નામ મુરુમદેવ અથવા મુરુમ્બદેવ હતું. તેને બિરમદેવ પર્વત પણ કહેવામાં આવતો હતો.

બરહની પછી આ કિલ્લો આદિલશાહી પાસે અને પછી નિઝામશાહીના કબજામાં રહ્યો હતો.

મુરુંબદેવ પર્વત કબજે કર્યા પછી શિવાજી મહારાજે તેની મજબૂત કિલ્લેબંધી કરી હતી અને તેનું નામ રાજગઢ રાખ્યું હતું. શિવાજી મહારાજે તેમનું રાજ્ય સ્વતંત્ર છે એવો સંકેત દુશ્મનોને આપવા માટે આ કિલ્લાનું નામ રાજગઢ રાખ્યું હતું અને આ કિલ્લા પર પોતાના દેવનાગરી લિપિના સિક્કા પણ પડાવ્યા હતા.

શિવાજીએ આ પર્વતની પસંદગી કરી તેનું મુખ્ય કારણ માવળ પ્રાંત પરનું તેમનું પ્રભુત્વ હતું. પૂણેની પશ્ચિમે ખીણોમાં સહ્યાદ્રી પર્વતમાળા વચ્ચે આવેલો માવળ પ્રાંત રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર હતો.

પૂર્વમાં ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમમાં કોંકણ કિનારો આવેલો હોવાને લીધે રાજગઢ વહીવટ માટે અત્યંત અનુકૂળ સ્થાન હતો.

ગુંજણ માવળ ખીણમાં રાજગઢની પદ્માવતી માચી પર ઊભા રહો તો તોરણા, સિંહગડ અને પુરંદર કિલ્લાઓ નજરે પડે છે. તે માવળ પ્રાંતના મહત્ત્વના કિલ્લાઓ છે.

પોતાના રાજ્ય, ‘સ્વરાજ્ય’ની સ્થાપના કરતી વખતે શિવાજી મહારાજે તોરણા કિલ્લાના વિસ્તારને જોઈને તેને પ્રચંડગડ નામ આપ્યું હતું.

તોરણા કિલ્લામાં કામ ચાલુ હતું ત્યારે જે મૂલ્યવાન ખજાનો મળી આવ્યો હતો તેનો ઉપયોગ રાજગઢના નિર્માણમાં કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે. ઐતિહાસિક દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે રાજગઢનું નિર્માણ વર્ષો સુધી ચાલ્યું હતું.

જોકે, કેટલાક વિદ્વાનો એવું કહે છે કે રાજગઢનું નિર્માણકાર્ય 1642થી 1662 સુધી, 20 વર્ષ સુધી ચાલ્યું હતું. ઇતિહાસ સંકલનકાર અને વિદ્વાન અપ્પા પરબના જણાવ્યા અનુસાર, રાજગઢની જૂની રાંગ તોડી પાડતી વખતે મળેલા ગુપ્તધનનો ઉપયોગ આ બાંધકામ માટે કરવામાં આવ્યો હશે.

શિવાજી મહારાજ તોરણાથી રાજગઢ ક્યારે ગયા હતા તેનો કોઈ નિશ્ચિત ઉલ્લેખ નથી, પરંતુ ઇતિહાસકારોએ તેનું અનુમાન ઐતિહાસિક પત્રોના આધારે કર્યું છે.

રાજગઢ બાબતે શિવાજી મહારાજ સમક્ષ1652માં જમીનના દાવા અને વિવાદો થયા હતા. એ વિશેના પત્રો ઐતિહાસિક દસ્તાવેજોમાં છે.

સંધિ કરી, પણ કિલ્લો રાખ્યો

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, ARCHAEOLOGICAL SURVEY OF INDIA DEPARTMENT

ઇમેજ કૅપ્શન, રાજગઢનો નકશો

શાહિસ્ત ખાને 1660માં ઔરંગઝેબના આદેશ અનુસાર માવળ પ્રાંત પર આક્રમણ કર્યું હતું. પર્શિયન સ્રોત અનુસાર, શાહિસ્ત ખાને રાજગઢ પર મોકલેલાં દળોએ નજીકનાં ગામોનો નાશ કર્યો હતો, પરંતુ રાજગઢ જીતવાનો પ્રયાસ કર્યો ન હતો. તેનાં ત્રણ વર્ષ પછી શિવાજી મહારાજે લાલ મહેલ પર હુમલો કરીને શાહિસ્ત ખાનને પાઠ ભણાવ્યો હતો.

જોકે, 1665માં મુઘલ સેના સાથેની લડાઈનો કિલ્લાની શાસન વ્યવસ્થા પર ગંંભીર પ્રભાવ પડ્યો હતો.

ઇતિહાસકાર પી એન દેશપાંડે લખે છે, "મિર્ઝા રાજા જયસિંહાએ શિવાજી મહારાજને પ્રદેશ પર આક્રમણ કરતી વખતે સમગ્ર વિસ્તારને એક જ વખતે કબજે કરવાની વ્યૂહરચના બનાવી હતી."

"એ મુજબ, દાઉદ ખાન અને રાયસિંગ બન્નેને સૈન્ય સાથે રોહિડા તથા રાજગઢના કિલ્લા તરફ મોકલવામાં આવ્યા હતા. તેમણે રાજગઢની આજુબાજુનાં અનેક ગામમાં આગ લગાવીને આતંક ફેલાવ્યો હતો."

"મુઘલ સેનાએ 1665ની 30 એપ્રિલે રાજગઢ પર ચડાઈ કરી હતી, પરંતુ કિલ્લા તરફથી જોરદાર પ્રતિકારને કારણે તેમણે પીછેહટ કરવી પડી હતી."

શિવાજી મહારાજે જૂન, 1665માં હાર માની લીધી હતી અને જયસિંહ સાથે એક સંધિ કરીને પોતાના 23 કિલ્લા મુઘલોને સોંપવા બાબતે સહમત થયા હતા. તેમણે 12 કિલ્લા પોતાની પાસે રાખ્યા હતા. તે 12માં તોરણા અને રાજગઢ બન્નેનો સમાવેશ થતો હતો.

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો
ઇમેજ કૅપ્શન, છત્રપતિ શિવાજી મહારાજ

ઇતિહાસમાં સારી રીતે નોંધાયેલી આ ઘટનાઓનો રાજગઢનો કિલ્લો સાક્ષી છે. તેમાં છત્રપતિ શિવાજી અને રાજે સંભાજીનો આગ્રામાંથી છૂટકારો, પન્હાલાની ઘેરાબંધીમાંથી ભાગી છૂટવાની, અફઝલ ખાનની હત્યા અને સિંહગડ પર વિજય જેવી અનેક ઘટનાઓને રાજગઢ સાથે સીધો સંબંધ છે.

પ્રોફસર પી એન દેશપાંડે લખે છે, "છત્રપતિ રાજારામ મહારાજનો જન્મ પણ રાજગઢમાં થયો હતો. તેથી તેમનું નામ રાજારામ રાખવામાં આવ્યું હતું."

પહેલી રાજધાની હોવાને કારણે રાજગઢની વાસ્તુકલા આજે પણ ઊડીને આંખે વળગે છે.

શાસનની પદ્મવતી માચી

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પદ્મવતી માચીનું તળાવ

વહીવટી કાર્ય જ્યાંથી ચાલતું હતું તે જૂની ઇમારતોનાં ખંડેર આજે પણ મોજૂદ છે. સચિવાલય, દિવાને આમ, સદર અને મોરોપંત પિંગળે તથા સોનોપંત દબીર જેવા અધિકારીઓના નિવાસસ્થાન પદ્માવતી માચી પર હતાં.

પદ્માવતી મંદિર પણ જોવા જેવું છે. તેનું સમારકામ કરવામાં આવ્યું છે. તેથી તે સારી રીતે જોઈ શકાય છે. મંદિરની પાસે સઈબાઈની સમાધિ પણ છે.

રાજગઢમાં રહેતા વિદ્વાનો અને કિલ્લા પ્રેમીઓ માટે આ મંદિર આશ્રયસ્થાન છે. મંદિરની નજીકમાં પદ્માવતી તળાવ આવેલું છે.

કિલ્લા પર પડતા વરસાદનું પાણી એક મોટો ખાડો ખોદીને તેમાં સંગ્રહિત કરવા માટે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શત્રુને આડે પાટે ચડાવવા માટે અહીં ચોર દરવાજો બનાવવામાં આવ્યો હતો. તે આજે પણ છે. એ દિવસોમાં શૌચાલય અને ગટરની વ્યવસ્થા કેવી હતી તે પણ અહીં જોવા મળે છે.

સુવેળા માચીની અનોખી રચના

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, JB VLOGS

ઇમેજ કૅપ્શન, સુવેળા માચી

સુવેળા માચીનું નિર્માણ પદ્માવચી માચી બાદ કરવામાં આવ્યું હતું. તે પાણીની ટાંકી અને બખ્તરબંધ સંરક્ષણાત્મક બાંધકામ અને ઢાળિયો માર્ગ છે.

આ માચી પરના ગુંજવણે દરવાજાનું નિર્માણ હેમાડપંથી શૈલીમાં કરવામાં આવ્યું છે. આસપાસ વિભિન્ન શાસનકાળની મૂર્તિઓ પણ જોવા મળે છે.

આગળ જતાં યુદ્ધ ટાવર જોવા મળે છે. સૈન્યને ટેકો આપવા માટે એક મજબૂત યુદ્ધ ટાવર જરૂરી હોય છે. પાણીની ટાંકીઓ અહીંની બીજી વિશેષતા છે. માચી પર રહેતા લોકોને બારેય મહિના પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, JB VLOGS

ઇમેજ કૅપ્શન, સુવેળા માચી નેઢ

સુવેલા માચીના ખડકોમાં જોરદાર પવનને કારણે એક ત્રાંસી તિરાડ પડી ગઈ છે. તેને નેઢ કહેવામાં આવે છે. તે નેઢ ટ્રેકર્સ માટે સાહસનું સ્થાન છે. પેશવા યુગની ગણેશ મૂર્તિ અને નજીકમાં આવેલું સંતાજી સિલિમ્બાકરનું સ્મારક દુર્ગપ્રેમીઓએ અવશ્ય જોવું જોઈએ.

કાલેશ્વરી ટાવર, જે ગોળને બદલે પાતળો છે, પણ ધ્યાન આકર્ષે છે.

ઊંચી જમીન પર મજબૂત કિલ્લો

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કિલ્લાનો મુખ્ય દરવાજો

ઊંચા પહાડ પરના કિલ્લાનો માર્ગ અતિ કઠીન અને સાંકડો છે. પહેલાં અહીં ખડકોમાંથી કોતરી કાઢવામાં આવેલાં પગથિયાં હતાં. બીજી બાજુ ખીણ. તેથી અહીં ચડાણ કરતી વખતે બન્ને હાથનો ઉપયોગ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ આગળ જતાં કિલ્લાનો દરવાજો દેખાય છે, જે આજે પણ સારી હાલતમાં છે.

આ પહાડી કિલ્લાની સલામતી માટે કિલ્લેબંધી કરવામાં આવી છે અને તેને અભેદ્ય બનાવવામાં આવ્યો છે.

આટલી ઊંચાઈ પર આવેલો હોવા છતાં પાણીના સંગ્રહ માટે ખડકો કોતરીને બનાવવામાં આવેલું અર્ધચંદ્રાકાર તળાવ જોવા લાયક છે.

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, JB VLOGS

ઇમેજ કૅપ્શન, કિલ્લાનું આકાશી દૃશ્ય

અહીં જનની દેવી અને બ્રહ્મઋષિ મંદિર સિવાય એક માર્કેટનાં અવશેષો હોવાનું ઈતિહાસકારો કહે છે, પરંતુ માર્કેટ હોવાના કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી.

કિલ્લામાંની અનેક ઇમારતો જીર્ણશીર્ણ અવસ્થામાં છે અને ઇતિહાસકારો માને છે કે એ ચાર પૈકીની એક ઇમારતમાં શિવાજી મહારાજનું નિવાસસ્થાન હતું.

કિલ્લા પર રાણી તળાવ, દિવાને ખાસ અને અનાજના ભંડારો જોઈ શકાય છે.

સંજીવની માચીની બખ્તરબંધ કિલ્લેબંધી

શિવાજી મહારાજે છેલ્લે સંજીવની માચીનું નિર્માણ કરાવ્યું હતું. કિલ્લા પર એક મોટું યુદ્ધક્ષેત્ર બનાવવામાં આવ્યું હતું. છત પરના 19 ટાવર્સ પૈકીના નવ ટાવર્સ માટીથી બનાવવામાં આવ્યાં હતાં.

અળૂ દરવાજામાંથી સંજીવની માચી પર પ્રવેશો ત્યારે સામેથી ફૂંકતા કિનારાનો અદભૂત નજારો જોવા મળે છે.

બિનીનો બૂરજ એટલે રાજગઢની કરડી નજર.

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, JB VLOGS

ટાવરની નીચેના પથ્થરો મહામહેનતે કાઢીને તેના પર બાંધકામ કરવામાં આવ્યું છે. ચારેય દિશામાં બૉમ્બમારો કરી શકે તેવી પૈડાંવાળી તોપ ગોઠવી શકાય તેટલી જગ્યા તેના પર છે. અપ્પા પરબના જણાવ્યા અનુસાર, દિલેરખાન અને મિર્ઝા રાજા જયસિંગાએ રાજગઢ પર હુમલો કર્યો ત્યારે સંજીવની માચી પરની તોપોમાંથી વળતો બૉમ્બમારો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે તે હુમલો નિષ્ફળ રહ્યો હતો.

મરાઠા સામ્રાજ્યની રાજધાની રાજગઢ પછી રાયગઢમાં ખસેડવામાં આવી હતી. "શિવાજી મહારાજે રાયગડનું સ્થાન 1670-71માં જ નક્કી કરી લીધું હતું. છતાં રાજગઢના નવા બાંધકામ કે સમારકામની તેમણે અવગણના કરી ન હતી. તેમણે રાજગઢ માટે 10,000 હોન (તત્કાલીન ચલણ) મંજૂર કર્યા હોવાનો ઉલ્લેખ એક પત્રમાં મળે છે."

રાજધાની શા માટે ખસેડી?

બીબીસી ગુજરાતી, શિવાજી, રાજગઢનો કિલ્લો, ઇતિહાસ, મુઘલો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

એ સમયની આસપાસ જ સુરતની બીજી વારની લૂંટ, એંગ્લો-ડચ આક્રમણ અને મુઘલ સૈન્ય સાથે યુદ્ધ જેવી ઘટનાઓ બની હતી. અપ્પા પરબના જણાવ્યા અનુસાર, આ ધમાચકડી વચ્ચે રાયગડને રાજધાની બનાવવાનો શિવાજી મહારાજનો હેતુ સ્પષ્ટ હતો.

"રાજ્યને સ્થિર કરવું હોય તો છત્રસિંહાસન હોવું જ જોઈએ, તેવો આગ્રહ વિશ્વાસુ સાથીદારોએ કર્યો હતો. બારા માવળમાં આંતરિક ઝઘડો તેને અનુકૂળ ન હતો."

"તે પ્રદેશ સંપૂર્ણપણે ખેતી પર આધારિત હતો. તેથી અનાજ અને મદદ માટે ઉપયોગી હતો."

"ઉત્તર-પૂર્વમાં સહ્યાદ્રી ઘાટોને કબજે કરવામાં આવ્યા હતા. એ માર્ગ પર વ્યાપાર ચૅકપોસ્ટની મુખ્ય ઑફિસ રાયગડ ખાતે કરવાનું આસાન હતું. રાયગડમાં માર્કેટ અને સચિવાલય માટે પુષ્કળ જગ્યા હતી. અહીંથી જ કસ્ટમ ડ્યુટીને લીધે રાજ્યને લાભ થયો હતો."

"આયાત-નિકાસ પર મહેસુલ વડે રાજ્યને આવક થતી હતી. એ ઉપરાંત રાયગડની આસપાસના વિસ્તાર કોંકણમાંના નાના-મોટા રાજાઓ શિવાજી મહારાજનો આદર કરતા હતા."

રાજ્યની સ્થિરતા તેમજ રાજ્યને વેપાર અને આવકની દૃષ્ટિએ વધુ અનુકૂળ બનાવવા શિવાજી મહારાજે રાજધાની રાજગઢમાંથી રાયગડ સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો હતો.

રાજધાની ન હોવા છતાં રાજગઢનું મહત્ત્વ રાજકીય રીતે ઘટ્યું ન હતું. છત્રપતિ સંભાજી મહારાજની હત્યા બાદ મુઘલોએ જૂન, 1689માં રાજગઢ કબજે કર્યો હતો. એ પછી તેને પાછો મેળવવા મરાઠા સૈન્યએ મરણિયા પ્રયાસો કર્યા હતા.

એ પ્રયાસો 1703માં સફળ થયા હતા, પરંતુ ઔરંગઝેબે સંધિ કરીને એક વર્ષમાં રાજગઢ ફરી કબજે કર્યો હતો. 1704માં મુઘલોએ રાજગઢ ફરી કબજે કર્યો ત્યાર પછી તેનું નામ નવીશાહગડ રાખવામાં આવ્યું હતું.

એ પછીનાં કેટલાંક વર્ષોમાં, ઔરંગઝેબના મૃત્યુ પછી મરાઠા-મુગલ સંઘર્ષનો અંત આવ્યો હતો અને થોડાં વર્ષ પછી રાજગઢ પેશવાઓના તાબામાં આવી ગયો હતો. ત્યાં સુધીમાં પહાડી કિલ્લાનું મહત્ત્વ પણ ઘટી ગયું હતું. ભારતને આઝાદી મળી ત્યાં સુધી રાજગઢ પર ભોર સંસ્થાનનો અધિકાર હતો.

રેડ લાઇન