અકબર પર ભાજપનું વલણ બદલાઈ રહ્યું છે? જી20ની પત્રિકામાં શું લખાયું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
મોદી સરકારે જી20 સંમેલન માટે જે પત્રિકા જાહેર કરી હતી, તેમાં ભારતની અત્યાર સુધીની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક યાત્રાનાં દૃશ્યો બતાવાયાં હતાં.
પત્રિકા, ‘ભારત : મધર ઑફ ડેમૉક્રસી’માં ભારતની પ્રાચીન સભ્યતા, લોકશાહી પરંપરા, ધર્મો, સંતો, આસ્થા, મહાપુરુષ અને શાસકોનો ઉલ્લેખ છે.
શાસકોમાં રામાયણમાં વર્ણિત રામ, મગધના અજાતશત્રુ, મુગલ બાદશાહ અને ભારતની સ્વતંત્રતાથી માંડીને અત્યાર સુધીના તમામ વડા પ્રધાનો અંગે જણાવાયું છે.
પત્રિકામાં મુગલ બાદશાહ અકબરનો પરિચય આપતાં કહેવાયું છે કે તેમના લોકશાહીને લગતા વિચારો અન્યો કરતાં અલગ અને પોતાના સમયથી ઘણા આગળ હતા.
પત્રિકામાં તેમના વિશે લખાયું છે કે, “સારા વહીવટમાં તમામનું કલ્યાણ નિહિત હોવું જોઈએ, પછી ભલે એ ગમે એ ધર્મમાં માનનાર હોય. ત્રીજા મુગલ બાદશાહ અકબરે આવું જ લોકતંત્ર અપનાવ્યું હતું. અકબરે ‘સુલહ-એ-કુલ’ એટલે કે સાર્વભૌમિક શાંતિનો સિદ્ધાંત આપ્યો. એ ધાર્મિક ભેદભાવ માટે બનેલ સિદ્ધાંત હતો.”
પત્રિકામાં અકબરની ઉદારતા, ધાર્મિક સહિષ્ણુતા અને તેમના શાસના લોકશાહી મિજાજનો ઉલ્લેખ કરાયાની ઘણી ચર્ચા છે.

જી20 સંમેલનની પત્રિકામાં અકબર વિશે શું લખાયું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જી20 સંમેલન માટે જાહેર કરાયેલી પત્રિકામાં અકબરને એક લોકતાત્રિક, ધાર્મિક ભેદભાવ ન રાખનારા સહિષ્ણુ બાદશાહ બતાવાયા છે.
ભાજપ સરકારનું આ પગલું નવાઈ પમાડનારું કરનારું છે, ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે ભાજપના ઘણા નેતા અકબર સહિત મુગલ શાસકોની ટીકા કરતા રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું સરકાર આ મારફતે અમુક રાજકીય મૅસેજ આપવા માગે છે?
વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે કે, “ચૂંટણી આવી રહી છે. તેથી સરકાર લઘુમતીને એક મૅસેજ આપવાની કોશિશ કરી રહી છે. ખાસ કરીને વિશ્વના નેતાઓ સામે. તમે એકાએક તો ઇતિહાસ ન બદલી શકો. તેથી અકબરને શાંતિ અને લોકશાહીના હિમાયતી ગણાવી રહ્યા છે. જી20 સંમેલનમાં તુર્કી પણ હતું અને ઘણા આફ્રિકન દેશો પણ હતા, જ્યાં ઇસ્લામ મુખ્ય ધર્મ છે. તેથી પત્રિકામાં એક મુસ્લિમ બાદશાહનો ફોટો રખાયો હશે.”

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભારતીય સંસદમાં પાછલાં અમુક વર્ષોથી ભાજપ તરફથી મુસ્લિમ પ્રતિનિધિઓનું પહોંચવાનું લગભગ બંધ થઈ ગયું છે.
આવી સ્થિતિમાં શું મોદી સરકાર વિશ્વ સમુદાયને દેખાડવા માગે છે કે તેઓ મુસ્લિમોની અવગણના નથી કર રહ્યા.
શું જી20 સંમેલનની પત્રિકામાં ઉદાર બાદશાહ તરીકે અકબરની પ્રશંસા આ વ્યૂહરચનાનો ભાગ છે?
શરદ ગુપ્તા કહે છે કે, “રાજ્યસભા અને લોકસભામાં ભાજપનો કોઈ મુસ્લિમ ચહેરો નથી. બની શકે કે આગામી ચૂંટણીમાં પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ ન અપાય. પરંતુ જી20 એક આંતરરાષ્ટ્રીય સંમેલન હતું. તેથી પોતાનો સમાવેશી ચહેરો બતાવવાની જરૂર હતી.”
તેઓ કહે છે કે, “ભાજપની સરકારની વિશ્વમાં એ વાતને લઈને ટીકા થાય છે કે એ લઘમુતીને સન્માન અને સ્પેસ નથી આપતી. તેથી મોદી સરકારે જી20 સંમેલનની પત્રિકામાં અકબરની સહિષ્ણુતાનાં વખાણ કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે વિશ્વ જેવું વિચારે છે એવું નથી.”

શું અકબરને અપવાદની માફક જોવામાં આવી રહ્યા છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચર્ચિત લેખિકા પાર્વતી શર્મા ‘અકબર ઑફ હિંદુસ્તાન’ નામનું પુસ્તક લખી ચૂક્યાં છે.
બીબીસી હિંદીએ તેમને પૂછ્યું કે જી20 સંમેલનની પત્રિકામાં અકબરનાં વખાણનો શો અર્થ છે?
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “ભાજપ મુસ્લિમ કે મુગલ બાદશાહોને એવી રીતે રજૂ કરે છે કે તેઓ એક વિદેશી હુમલાખોર શાસક હતા અને ભારતીય સમાજમાં તેમનું યોગદાન નથી રહ્યું. આવી સ્થિતિમાં સરકારની જી20 સંમેલનની પત્રિકામાં અકબરનાં વખાણ કરાયાં છે, તેથી આ વિરોધાભાસ જ છે.”
ભારતીય સમાજમાં જૂના જમાનાથી લોકતાંત્રિક મૂલ્યોની વાત કરવા માટે બીજાં ઉદાહરણ અપાઈ શકાયાં હોત.
મહાજનપદો વખતે સામાન્ય સંમતિથી રાજા ચૂંટવાથી માંડીને રાજાઓના લોકતાંત્રિક વ્યવહારોની પણ ચર્ચા કરી શકા હોત.
પરંતુ લોકતાંત્રિક મૂલ્યોને પ્રોત્સાહિત કરવા માટે અકબરનું જ ઉદાહરણ કેમ અપાયું?
આ પ્રશ્નના જવાબમાં પાર્વતી શર્મા કહે છે કે, “આ સરકાર આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાની જાતને ધર્મનિરપેક્ષ, વિવિધાનું સન્માન કરનારી અને સમાવેશી ગણાવે છે. વડા પ્રધાન કે સરકારનો કોઈ પણ મોટો પ્રતિનિધિ આને જ ભારતનું અનોખુંપણું ગણાવે છે. ભારતની વિવિધતા જ તેની તાકત છે. તેઓ સબકા સાથ, સબકા વિકાસની વાત કરે છે. એ વાત સત્ય છે કે વિવિધતામાં એકતા જ અમારી ખાસિયત છે. પરંતુ આ વાતો માત્ર આંતરરાષ્ટ્રીય મંચો પર કહેવાઈ રહી છે. ઘરેલુ રાજકારણમાં ભાજપની નીતિઓ આના કરતાં બિલકુલ વિપરીત જઈ રહી છે.”

ઇમેજ સ્રોત, JUGGERNAUT
પાર્વતી શર્મા કહે છે કે, “અકબરને એક અપવાદ માફક જોવામાં આવે છે. ઇતિહાસ લેખન અને સામાન્ય લોકોના વિચારમાં પણ એ ‘ધર્માંધ’ મુસ્લિમ બાદશાહોમાં એક અપવાદની માફક છે.”
તેમણે કહ્યું કે જી20 સંમેલનની પત્રિકાથી પણ એ ખબર પડે છે કે તેમને અપવાદની માફક જોવામાં આવે છે. નહીંતર તેમના માટે અહીં ‘અન્યોથી અલગ’ કે અસામાન્ય શબ્દનો ઉપયોગ ન કરાયો હોત.
પાર્વતી શર્માનું માનવું છે કે આ પત્રિકામાં માત્ર અકબરના ‘લોકતંત્ર’ને અન્યોથી અલગ બતાવાયું છે. એક પ્રકારે આ તેને ‘અસામાન્ય’ બતાવવાની કોશિશ છે.
અહીં એ સમજવું મુશ્કેલ નથી કે કેવી રીતે આ પત્રિકા અકબરને ભારતમાં સદીઓથી ચાલતા આવતા લોકશાહી પ્રવાહથી ‘અલગ’ બતાવી રહી છે. એ લોકશાહી જેનાં આ પત્રિકામાં વખાણ થઈ રહ્યાં છે.

અકબરનો સુલહ-એ-કુલનો વિચાર શું હતો અને એ ક્યાંથી આવેલો?

ઇમેજ સ્રોત, ALEPH
પાર્વતી શર્મા જણાવે છે કે, “અકબરે 50 વર્ષ સુધી શાસન કર્યું. તેમનો વિચાર, નીતિ અને શાસનની રીત ધીમે ધીમે સમાવેશ થઈ રહી હતી. તેમને એ સમજાઈ ગયું હતું કે તેમને દરેક વર્ગ અને દરેક પ્રકારના લોકોની જરૂરિયાત છે. હિંદુસ્તાનના સામ્રાજ્યમાં તેમને દરેક ધર્મ અને જાતીયતાના લોકોની જરૂરિયાત હતી. તેથી સુલહ-એ-કૂલ કે ધાર્મિક સહ-અસ્તિત્વ અને શાંતિનો વિચાર એક દિવસમાં જ પેદા નથી થયો.”
“તેથી અકબરે ઇબાદતખાનાં સાથે સંકળાયેલી ચર્ચા શરૂ કરી, જેમાં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકોને બોલાવાતા. ચર્ચા થતી. શરૂઆતમાં અકબરને ત્યાં મોટા ભાગના પ્રભાવશાળી લોકો મધ્ય એશિયાના હતા. પરંતુ ધીમે ધીમે તેમણે તાકતનું વિભાજન કર્યું.”

ભાજપના નેતાઓનાં મુગલવિરોધી નિવેદનો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જી20 સંમેલનની પત્રિકામાં ભલે અકબરનું મહિમામંડન કરાયું હોય પરંતુ ભાજપના નેતા મુગલ બાદશાહ પર સતત હુમલા કરતા રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા મહિને મધ્યપ્રદેશમાં સંત રવિદાસ મંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં કહ્યું, “જ્યારે આપણી માન્યતાઓ પર હુમલા થઈ રહ્યા હતા અને અમારી ઓળખ મિટાવવા માટે અમારા પર પ્રતિબંધ લદાઈ રહ્યા હતા ત્યારે સંત રવિદાસ અડગપણે રહ્યા હતા. અને એ સમય મુગલોના વર્ચસ્વનો હતો. કોઈની સામે હાર માનીને સમર્પણ કરી દેવું એ સૌથી મોટું પાપ છે. જેઓ આવું કરે છે તેમને કોઈનું સન્માન નથી મળતું.”
આ વર્ષે જૂનમાં જ્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સાંપ્રદાયિક તણાવ પેદા થયોહતો, ત્યારે મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘ઔરંગઝેબની ઓલાદ’વાળા નિવેદન પર ઘણો વિવાદ થયો હતો.
કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહેય એક વાર કહેલું કે ઇતિહાસકારોએ મહારાણા પ્રતાપ સાથે અન્યાય કર્યો છે. તેમણે કહ્યું હતું કે અકબરને ધ ગ્રેટ કહેવાય છે પરંતુ મહારાણા પ્રતાપને મહાન નથી કહેવાતા. રાજનાથસિંહે કહેલું કે મહારાણા પ્રતાપ એ રાષ્ટ્રનાયક હતા.
અકબર અંગે એક વખત ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અકબર આક્રાંતા હતા અને અસલ હીરો તો મહારાણા પ્રતાપ છે. યોગીએ કહેલું કે યુવાનો જેટલી ઝડપથી આ સત્યનો સ્વીકાર કરશે એટલી જ ઝડપથી દેશને તમામ સમસ્યાઓથી છુટકારો મળી જશે.
યોગી આદિત્યનાથે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક સમારોહની 350મી જયંતી નિમિત્તે નૌસેના દ્વારા શિવાજીના પ્રતીકને અપનાવાયાની વાતની પ્રશંસા કરતા કહેલું કે ભારતીયોનો મુગલો સાથે કોઈ સંબંધ ન હોઈ શકે. તેથી નરેન્દ્ર મોદી સરકારે ભારતીય નૌસેના માટે શિવાજી સાથે સંકળાયેલ પ્રતીક પસંદ કર્યું.
આવી જ રીતે 2020માં યોગી આદિત્યનાથે તાજમહલની નજીક બની રહેલા મુગલ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મ્યુઝિયમ કરવાનો આદેશ આપ્યો હતો.
એ સમયે તેમણે કહેલું કે, “મુગલો આપણા નાયક કઈ રીતે હોઈ શકે. શિવાજીનું નામ લોકોમાં રાષ્ટ્રવાદ અને આત્મવિશ્વસનો સંચાર કરશે, નવા ઉત્તર પ્રદેશમાં માનસિક ગુલામી માટે કોઈ સ્થાન નથી.”
2017માં ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય સંગીત સોમે અકબર અને ઔરંગજેબને ‘ગદ્દાર’ ગણાવ્યા હતા અને કહેલું કે તેમનાં નામ ઇતિહાસનાં પુસ્તકોમાંથી મિટાવી દેવાં જોઈએ.
સંગીત સોમે કહેલું કે તાજમહલ એક એવા બાદશાહે બનાવડાવ્યું હતું, જેણે પોતાના જ પિતાને જેલમાં ધકેલી દીધા હતા અને હિંદુઓને નિશાન બનાવ્યા હતા.
સંગીત સોમે તાજમહલને ભારતીય સંસ્કૃતિ પરનો ડાઘ ગણાવ્યો હતો. તેમજ એક વખત કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અકબર રોડનું નામ મહારાણા પ્રતાપ કરવાની માગ કરી ચૂક્યા છે.
આ પહેલાં ઔરંગજેબ રોડનું નામ અબ્દુલ કલામ રોડ કરી દેવાયું છે.
ભાજપ નેતા શાયના એનસીએ તો ફરી એક વાર મુગલ શાસક અકબરની સરખામણી હિટલર સાથે કરી હતી.

ઇતિહાસનાં પુસ્તકોમાંથી મુગલો સાથે સંબંધિત પાઠ હઠાવાયા

ઇમેજ સ્રોત, NCERT
આ વર્ષના એપ્રિલ માસમાં જ રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનસીઈઆરટી)એ 12મા ધોરણના પોતાના ઇતિહાસનાં પુસ્તકોમાંથી મુગલ સામ્રાજ્ય સાથે જોડાયેલા પાઠ હઠાવી દીધા હતા.
એનસીઈઆરટીએ 12મા ધોરણ માટે ઇતિહાસના પુસ્તકને ‘થીમ્સ ઑફ ઇન્ડિયન હિસ્ટ્રી’ (ભારતીય ઇતિહાસના અમુક વિષય) શીર્ષક સાથે ત્રણ ભાગમાં પ્રકાશિત કર્યું છે.
તેના બીજા ભાગના નવમા પાઠ – ‘રાજા અને ઇતિહાસ, મુગલ દરબાર’ને પુસ્તકમાં દૂર કરી દેવાયો હતો.
એનસીઈઆરટીની વેબસાઇટ પર ડાઉનલોડ માટે ઇતિહાસનાં જે નવાં પુસ્તકો ઉપલબ્ધ છે, તેમાંથી 28 પાનાંનો મુગલ શાસકો પર કેન્દ્રિત આ પાઠ ગાયબ છે.
એનસીઈઆરટીના ભારતના ભૂતપૂર્વ મુસ્લિમ શાસકોને અભ્યાસક્રમમાંથી હઠાવવાના પગલાને ભારતીય ઇતિહાસમાંથી મુગલોને હઠાવવાની કોશિશ તરીકે જોવાઈ રહ્યું છે.
તેમજ એનસીઈઆરટીનો તર્ક છે કે આવું વિદ્યાર્થીઓ પર અભ્યાસક્રમનો બોજો ઘટાડવા માટે કરાયું છે.
ઇતિહાસનાં પુસ્તકોમાં કરાયેલા ફેરફારોનો બચાવ કરતા મીડિયા સાથેની વાતચીતમાં એનસીઈઆરટીના તત્કાલીન પ્રમુખ દિનેશ સકલાનીએ કહેલું કે, “મુગલોના ઇતિહાસને હઠાવાયો નથી બલકે વિદ્યાર્થીઓ પર અભ્યાસક્રમનો બોજો હળવો કરીને અમુક ભાગ ઘટાડાયા છે.”














