‘એક દેશ એક ચૂંટણી’ લાગુ કરવાથી શું ભારતમાં બંધારણીય સંકટ ઊભું થશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા પાછળ ઘણા પ્રકારના તર્ક અપાઈ રહ્યા છે. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આનાથી દેશનાં વિકાસકાર્યો ઝડપી બનશે.

ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતા લાગુ થતાં જ સરકાર કોઈ પણ નવી યોજના લાગુ નથી કરી શકતી. આચારસંહિતા દરમિયાન નવા પ્રોજેક્ટની શરૂઆત, નવી નોકરી કે નવી નીતિઓની જાહેરાત પણ નથી કરાતી અને આનાથી કામ પર અસર પડે છે.

એવો પણ તર્ક અપાય છે કે એક ચૂંટણી થવાથી ચૂંટણી પાછળ થનાર ખર્ચમાં પણ ઘટાડો થશે. આવું કરવાથી સરકારી કર્મીઓને વારંવાર લાગતી ચૂંટણી ડ્યૂટીથી પણ છુટકારો મળશે.

ભારતમાં વર્ષ 1967 સુધી લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી. વર્ષ 1947માં સ્વતંત્રતા બાદ ભારતમાં નવા બંધારણ અંતર્ગત દેશમાં લોકસભાની પ્રથમ ચૂંટણી વર્ષ 1952માં યોજાઈ હતી.

એ સમયે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પણ લોકસભાની ચૂંટણી સાથે જ કરાઈ હતી, કારણ કે આઝાદી બાદ વિધાનસભાની ચૂંટણી પણ પ્રથમ વખત થઈ રહી હતી. તે બાદ વર્ષ 1957, 1962 અને 1967માં પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે જ થઈ.

આ ક્રમ પ્રથમ વખત એ સમયે તૂટ્યો જ્યારે કેરળમાં વર્ષ 1957ની ચૂંટણીમાં ઈએમએસ નંબૂદરીપાદની વામપંથી સરકાર બની.

આ સરકારને તત્કાલીન કેન્દ્ર સરકારે અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાદીને હઠાવી દીધી હતી. કેરળમાં ફરી વાર વર્ષ 1960માં વિધાનસભાની ચૂંટણી કરાઈ હતી.

ગ્રે લાઇન

બંધારણમાં કેવાં સંશોધન જરૂરી હશે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

વર્ષ 2018માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂકેલા ઓ. પી. રાવત પ્રમાણે વર્ષ 1967 બાદ અમુક રાજ્યોની વિધાનસભા જલદી ભંગ થઈ ગઈ અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું, આ સિવાય વર્ષ 1972માં થનાર લોકસભાની ચૂંટણી પણ નિયત સમય પહેલાં કરાઈ હતી.

વર્ષ 1967ની ચૂંટણીમાં કૉંગ્રેસે ઘણાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા (તત્કાલીન ઉડીસા) જેવાં ઘણાં રાજ્યોમાં અન્ય પક્ષો કે ગઠબંધનોની સરકાર બની હતી. એ પૈકી ઘણી સરકારો પોતાના કાર્યકાળ પૂરા ન કરી શકી અને વિધાનસભા સમય પહેલાં ભંગ થઈ ગઈ.

આ પ્રકારે વર્ષ 1967 બાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાનો સિલસિલો તૂટી ગયો. ભારતની હાલની કેન્દ્ર સરકાર ફરી વાર આ વ્યવસ્થા અમલી બનાવવા માગે છે.

તેમાં સમસ્યા એ છે કે હવે ભારતમાં ભાજપની માફક કોઈ એક પાર્ટી નથી, જેની કેન્દ્રની સાથોસાથ મોટા ભાગનાં રાજ્યોમાં પણ સરકારો હોય. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સામંજસ્ય સાધવું એ સરળ નહીં હોય.

ઓપી રાવત વર્ષ 2015માં ચૂંટણીમાં હતા. તેમના અનુસાર આ દરમિયાન કેન્દ્ર સરકારે ચંટણીપંચને પૂછ્યું હતું કે શું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવું એ વ્યવહારિક છે અને તેથી શું પગલાં લેવાની જરૂર છે?

ગ્રે લાઇન

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરનું શું કહેવું છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઓપી રાવતનું કહેવું છે કે, “ચૂંટણીપંચે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે બંને ચૂંટણી ભેગી કરાવવાનું કામ શક્ય છે. આના માટે સરકારે ચાર કામ કરવાં પડશે. આવું કરવા માટે સૌપ્રથમ બંધારણના પાંચ અનુચ્છેદોમાં સંશોધન કરવાં પડશે. તેમાં વિધાનસભાના કાર્યકાળ અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈ બદલવી પડશે.”

આ સિવાય ચૂંટણીપંચે જણાવ્યું હતું કે જન પ્રતિનિધિત્વ કાયદો અને ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા અંગેના નિયમો બદલવા પડશે. આના માટે ‘અવિશ્વાસ પ્રસ્તાવ’ના સ્થાને ‘રચનાત્મક વિશ્વાસ પ્રસ્તાવ’ની વ્યવસ્થા કરવી પડશે.

એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ સાથે જ એવું પણ જણાવવાનું રહેશે કે કઈ સરકારને હઠાવીને કઈ નવી સરકાર બનાવાય, જેમાં ગૃહને વિશ્વાસ હોય, જેથી જૂની સરકારના પતન બાદ પણ નવી સરકાર સાથે વિધાનસભા કે લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી ચાલી શકે.

ચૂંટણીપંચ તરફથી આ પ્રખારે ચૂંટણી કરાવવા કુલ 35 લાખ ઇવીએમની જરૂરિયાત હોવાનું કહેવાયું હતું અને એ માટે નવાં ઇવીએમની ખરીદી કરવાનું જરૂરી છે.

ભારતમાં ઉપયોગમાં લેવાતાં એક ઇવીએમ અને વીવીપીએટીની કીમત લગભગ 17 હજાર છે. આવી સ્થિતિમાં ‘એક દેશ એક ચૂંટણી માટે’ લગભગ 15 લાખ નવાં ઇવીએમ અને વીવીપીએટીની જરૂરિયાત હશે.

ઓપી રાવત પ્રમાણે જો ચૂંટણીપંચને આજના હિસાબે લગભગ 12 લાખ વધારાનાં ઇવીએમ અને વીવીપીએટીની જરૂરિયાત હોય તો તેને બનાવડાવામાં એક વર્ષ કરતાં વધુનો સમય લાગી શકે છે.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાઈ કુરેશીએ બીબીસીને જણાવ્યું કે જો લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકસાથે કરાવાય તો આવું કરવા માટે હાલ કરતાં ત્રણ ગણી સંખ્યામાં ઇવીએમની જરૂરિયાત પડશે.

બીબીસી ગુજરાતી

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેવા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ શકે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ અને બંધારણના જાણકાર પીડીટી આચારી પ્રમાણે એક દેશ એક ચૂંટણીનો વિચાર બિલકુલ વ્યવહારિક નથી. તેના માટે દેશની તમામ વિધાનસભા એકસાથે ભંગ થાય એ જરૂરી બની જાય છે, જે શક્ય નથી.

પીડીટી આચારી કહે છે કે, “રાજ્યની વિધાનસભા સમય પહેલાં ભંગ કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે હોય છે, કેન્દ્ર પાસે નહીં. કેન્દ્ર આવું ત્યારે જ કરી શકે, જ્યારે અમુક કારણોસર અમુક રાજ્યમાં અશાંતિ હોય કે એવી સ્થિત હોય જેના કારણે રાજ્યની વિધાનસભાને કેન્દ્ર ભંગ કરી શકે અને આવું તમામ રાજ્યોમાં એકસાથે ન થઈ શકે.”

તેમનું કહેવું છે કે કોઈ પણ રાજ્યની વિધાનસભાને કાર્યકાળ પૂરો કર્યા વગર ભંગ કરવાથી એક બંધારણીય સંકટ ઊભું થઈ જશે. જે સંઘીય માળખાની વિરુદ્ધ હશે. આવું કરવું એ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ હશે, જેને છંછેડવાનો અધિકાર સંસદ પાસે નથી.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાઈ કુરેશીનું માનવું છે કે એકસાથે ચૂંટણી કરાવવાનો અર્થ છે કે તમારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પણ સાથે કરાવવી પડશે. આવી સ્થિતિમાં જનતા એક વખતમાં એક બટન પ્રેસ કરે કે ત્રણ, તેનાથી ઝાઝો ફરક નથી પડતો.

તેમનું કહેવું છે કે તમામ ચૂંટણીમાં મતદારો, મતદાનકેન્દ્ર, ઇવીએમ, સુરક્ષા જેવી બાબતો તો સમાન હોય છે, પરંતુ ગ્રામપંચાયત કે નગરપાલિકા/નગરનિગમની ચૂંટણી કરાવવી એ રાજ્ય ચૂંટણીપંચનું કામ છે, જે કેન્દ્ર કરતાં સાવ અલગ છે.

આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અધિકારોને લઈને વિવાદ સર્જાઈ શકે છે અને આ બાબત પણ એક બંધારણીય સંકટ ઊભું કરી શકે છે. આ પ્રકારના બંધારણીય સંશોધન મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ પેદા થઈ શકે છે.

આ સિવાય અમુક રાજ્યમાં ચૂંટણી બાદ કોઈ એક દળ કે ગઠબંધનને બહુમતી ન મળે તો એવી સ્થિતિમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિ સર્જાઈ શકે છે.

બીબીસી ગુજરાતી

ભારતમાં ચૂંટણી કરાવવાનું કામ કેટલું ખર્ચાળ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

‘એક દેશ એક ચૂંટણી’ પાછળ ભારે ચૂંટણીખર્ચની દલીલ પણ ઘણી વાર અપાય છે. પરંતુ આની પાછળનું સત્ય સામાન્ય ધારણા કરતાં થોડું અલગ છે.

ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવત પ્રમાણે ભારતની ચૂંટણી એ સમગ્ર વિશ્વમાં સૌથી સસ્તી છે. ભારતમાં ચૂંટણીમાં એક અમેરિકન ડૉલર પ્રતિ મતદાર હિસાબે ખર્ચ થાય છે. તેમાં ચૂંટણીની વ્યવસ્થા, સુરક્ષા, કર્મચારીઓની તહેનાતી, ઇવીએમ બધું સામેલ છે.

તેમજ જે દેશોના ચૂંટણીખર્ચના આંકડા ઉપલબ્ધ છે, તેમાં કેન્યામાં આ ખર્ચ 25 ડૉલર પ્રતિ મતદાર આવે છે, જે વિશ્વની સૌથી મોંઘી ચૂંટણીઓમાં સામેલ છે. ભારતના જ પાડોશી દેશ પાકિસ્તાનમાં ગત સામાન્ય ચૂંટણીમાં લગભગ 1.75 ડૉલર પ્રતિ મતદારનો ખર્ચ થયો હતો.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કમિશનર એસવાઈ કુરેશી કહે છે કે, “ભારતમાં ચૂંટણી પાછળ લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ હોય છે, જે ખૂબ મોટો નથી. જ્યાં સુધી રાજકીય દળોના લગભગ 60 હજાર કરોડ રૂપિયાના ખર્ચની વાત છે એ તો અર્થતંત્ર માટે સારું છે. આનાથી રાજકીય દળો અને નેતાઓના રૂપિયા ગરીબો પાસે પહોંચે છે.”

બીબીસી ગુજરાતી

રાજકીય વિરોધ થઈ શકે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ચૂંટણી દરમિયાન બૅનર-પોસ્ટર અને પ્રચારસામગ્રી બનાવવા, ચોંટાડવાવાળાથી માંડીને ઑટો રિક્ષાવાળા સુધીને કામ મળે છે. કુરેશી પ્રમાણે આ એકમાત્ર એવી તક છે જ્યારે સામાન્ય લોકોને મહત્ત્વ અપાય છે અને નેતા, જનતા પાસે જાય છે. આનાથી સામાન્ય માણસોને પણ સારું લાગે છે અને તેઓ તો ઇચ્છશે કે આવું વારંવાર થાય.

એસવાય કુરેશી યાદ કરતાં કહે છે કે, “એક વખત હું એક કાર્યક્રમમાં ગયો ત્યારે એક વ્યક્તિએ નારો લગાવ્યો ‘જબ-જબ ચુનાવ આતા હૈ, ગરીબ કે પેટ મેં પુલાવ આતા હૈ’. આ વાત ગરીબો માટે ચૂંટણીના મહત્ત્વને સમજાવે છે.”

ચૂંટણી આચારસંહિતા દરમિયાન સામાન્યપણે લગભગ દોઢ મહિના સુધી સરકાર કંઈ પણ નવું નથી કરી શકતી. જોકે, પહેલાંથી ચાલી રહેલી યોજનાઓ પર તેની કોઈ અસર નથી પડતી. તેમજ વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે રાજ્યમાં ચૂંટણી હોય એને બાદ કરતાં અન્ય રાજ્યોનાં કામ પર આચારસંહિતાની કોઈ અસર નથી થતી.

ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ફરી વાર એક સાથે કરાવવાનો મુદ્દો વર્ષ 1983માં પણ ઊઠ્યો હતો, પરંતુ એ સમયે કેન્દ્રની ઇંદિરા ગાંધીની સરકારે આ વાતને કોઈ મહત્ત્વ નહોતું આપ્યું.

એ બાદ વર્ષ 199માં ભારતમાં ‘લૉ કમિશન’એ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની ભલામણ કરી હતી. એ સમયે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર ચાલી રહી હતી.

વર્ષ 2014માં ભાજપે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાના મુદ્દાને પોતાના ચૂંટણીઢંઢેરામાં સામેલ કર્યો હતો. હવે કેન્દ્ર સરકારે આના માટે પહેલ કરી છે, પરંતુ વિપક્ષનાં દળ સરકારને ઘેરવામાં લાગ્યાં છે.

કેન્દ્ર સરકારની કમિટીમાં સામેલ કરાયેલા એવા લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કમિટીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

તેમજ રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદને કમિટીમાં જગ્યા અપાવવા અને મોજૂદા નેતા મલ્લિકાર્જુન ખડગેનું નામ ન સામેલ કરવાને લઈને વિપક્ષે સરકારની મંશા પર સવાલ ઉઠાવ્યા છે.

એક મોટો પ્રશ્ન એ પણ છે કે એકસાથે ચૂંટણી થાય અને અમુક રાજ્યમાં કોઈ દળ કે ગઠબંધનને બહુમતી ન મળે તો શું થશે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

વિપક્ષનાં દળોના નેતા આ પ્રકારના ઘણા સવાલોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેમાં ભારતના ઉત્તરથી માંડીને દક્ષિણ અને પૂર્વથી માંડીને પશ્ચિમનાં રાજ્યોના નેતા સામેલ છે.

કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “ભારત રાજ્યોનો એક સંઘ છે. ‘એક દેશ એક ચૂંટણી’નો વિચાર સંઘ અને તેનાં તમામ રાજ્યો પર હુમલો છે.”

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બિહારના ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવનો આરોપ છે કે આજે એક ચૂંટણીની વાત થઈ રહી છે : એ બાદ ‘એક નેતા’, ‘એક દળ’ અને ‘એક ધર્મ’ જેવી વાત કરાશે. તેજસ્વી યાદવનું કહેવું છે કે પહેલાં ‘વન નૅશન વન ઇલેક્શન’ના સ્થાને ‘વન નૅશન વન ઇનકમ’ની વાત થવી જોઈએ.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તેમજ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે ભાજપવાળા આ નવી વાત લાવ્યા છે, વન નૅશન વન ઇલેક્શનથી સામાન્ય લોકોને શું મળશે. દેશમાં ‘વન નૅશન વન ઍજ્યુકેશન’ અને ‘વન નૅશન વન ઇલાજ’ હોવું જોઈએ.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 3

હાલની કેન્દ્ર સરકાર પાસે લોકસભામાં ભારે બહુમતી છે. એ સિવાય તેણે ‘દિલ્હી સર્વિસ બિલ’ પણ રાજ્યસભામાં સરળતાથી પાસ કરાવી લીધું હતું. પરંતુ ‘વન નૅશન વન ઇલેક્શન’ સંપૂર્ણપણે અલગ મુદ્દો છે. બીજી તરફ બંધારણના જાણકારો અનુસાર આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી શકે છે અને સરકાર માટે ‘વન નૅશન વન ઇલેક્શન’ની રાહ સરળ નહીં હોય.

રેડ લાઇન
રેડ લાઇન