જી20 સંમેલન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂમાં કેમ કહ્યું, "ભારત એટલે વેપાર"

ઇમેજ સ્રોત, Getty Images
દેશની બદલાતી ઓળખનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બની જશે. વડા પ્રધાને આ જ વાત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું ત્યારે પણ કહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જી20ની બેઠક મળી રહી છે તેની પહેલાં સમાચાર સંસ્થા પીટીઆઈ સાથે એક લાંબી વાતચીત કરી છે.
દુનિયાનાં ટોચનાં અર્થતંત્રો ધરાવતા દેશોના સંગઠન જી20નું શિખર સંમેલન 9-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાનું છે.
પીટીઆઈને આપેલી આ મુલાકાતમાં વડા પ્રધાને ભારતમાં જી20 સંમેલનનું આયોજન, તેની પાછળનો વિચાર, આફ્રિકી યુનિયનને જી20 સામેલ કરવાનો પ્રસ્તાવ, વૈશ્વિક સ્તરે સંયુક્ત રાષ્ટ્રસંઘની ભૂમિકા, સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય તરીકે ભારતનો દાવો, બાયોફ્યૂઅલ, જળવાયુ પરિવર્તન માટે લેવામાં આવેલા પગલાં, વિશ્વની સામે રહેલું દેવાનું સંકટ, કેન્દ્રીય બૅન્કોની નીતિઓ, ભારતનું અર્થતંત્ર જર્મની અને જાપાનથી આગળ નીકળ્યું છે તેના વિશે, ઉદ્દામવાદ, અરુણાચલ પ્રદેશ અને કાશ્મીર સાથે જોડાયેલા મુદ્દા એમ વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી છે.
વડા પ્રધાને આ મુલાકાતમાં કહ્યું કે ભારતે જી20નું અધ્યક્ષસ્થાન સંભાળ્યું છે તેનો ઊંડો પ્રભાવ પડ્યો છે.
મોદીએ કહ્યું કે, “ભારતે જી20નું અધ્યક્ષપદ સંભાળ્યું તેનાથી ઘણો સકારાત્મક પ્રભાવ પડ્યો છે. તેની કેટલીક બાબતો મારા દિલને બહુ ગમતી બાબતો છે.”
ભારતે જી20નું અધ્યક્ષસ્થાન સંભાળ્યું તેના કારણે આ બધા વિચારોનું એક પ્લૅટફૉર્મ બન્યું, જે ભવિષ્યના રોડમૅપ આપનારું પ્લૅટફૉર્મ બની શક્યું છે. તેમ જ વૈશ્વિક સહકાર માટેનો એક મંચ તૈયાર થયો છે.
તેમણે કહ્યું કે દુનિયાના ઍજન્ડાને એક સ્વરૂપમાં ઢાળવાની આ બહુ મોટી તક છે. વડા પ્રધાન મોદીએ બદલાતા વૈશ્વિક દૃષ્ટિકોણને માનવીય મૂલ્યો આધારિત દુનિયા તરફ આગળ વધવાની જરૂર છે તે બાબત પર પણ ભાર મૂક્યો.
તેમણે કહ્યું, દુનિયામાં પરંપરાગત જીડીપી કેન્દ્રીત દૃષ્ટિકોણ હતો તે હવે વધારે સમાવેશક અને માનવ કેન્દ્રીત દૃષ્ટિકોણ બન્યો છે. આ પ્રકારના પરિવર્તનમાં, "ભારત એક ઉદ્દીપક તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના સરકારના જાણીતા સૂત્ર 'સબકા સાથ, સબકા વિકાસ'નો ઉલ્લેખ કરીને વડા પ્રધાને કહ્યું કે ભારત વૈશ્વિક સ્તરે પણ આ સૂત્રને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, ‘દુનિયાના કલ્યાણ અને વિકાસ માટે આ સૂત્ર માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે છે.’

2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે. તેમણે કહ્યું, “ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતાને આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય.”
જી20માં ભારતની ભૂમિકા અને તેના મહત્ત્વની વાત કરતાં મોદીએ કહ્યું કે, “જી20માં આપણા શબ્દો અને દૃષ્ટિકોણને, માત્ર વિચારો તરીકે નહીં, પરંતુ દુનિયાના ભવિષ્યના રોડમૅપ તરીકે જોવામાં આવે છે.”
વડા પ્રધાને એમ પણ કહ્યું કે ભારતને હવે ભૂખ્યાજનોના દેશ તરીકે નહીં, પણ કામકાજ કરનારા હાથોના દેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
મોદીએ કહ્યું, “બહુ સમય સુધી ભારતને સો કરોડ ભૂખ્યા પેટના દેશ તરીકે જોવામાં આવતો હતો. પરંતુ હવે તે સો કરોડ મહત્ત્વાકાંક્ષી મગજ અને બસ્સો કરોડ કુશળ હાથોનો દેશ છે.”

વૈશ્વિક મંચ પર ભારતનો ઉદય

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના લોકો પાસે અનોખી તકો રહેલી છે તેના વિશે વાત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારતના લોકો પાસે આગળ વધવા માટે વધારે તકો ઉપલબ્ધ છે.
તેમણે કહ્યું, “ભારતના લોકો પાસે આજે વિકાસનો પાયો નાખવાની એવી મહાન તક છે કે જેને એક હજાર વર્ષ પછી પણ યાદ કરવામાં આવશે.”
મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે ભારત બહુ ઝડપથી વિશ્વના ત્રીજી સૌથી અગ્રગણ્ય અર્થતંત્રમાં સામેલ થઈ જશે.
તેઓએ કહ્યું કે એક જ દાયકામાં ભારતે પાંચ પગથિયાની છલાંગ લગાવી છે અને ટોચના પાંચ અર્થતંત્રમાં સ્થાન મેળવી લીધું છું.
તેમણે કહ્યું કે, “ભારતની આર્થિક પ્રગતિનો નકાર થઈ શકે તેમ નથી અને તે દુનિયાની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે.”
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન મોદીએ કહ્યું કે ડિપ્લોમેટિક પ્રયાસો અને વાટાઘાટો જરૂરી છે. તેમણે કહ્યું કે, “સંવાદ અને ડિપ્લોમસી વિવિધ ક્ષેત્રોમાં રહેલા સંઘર્ષોને દૂર કરવાની એક રીત છે.”

સાર્વભૌમત્વ પર ભાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ ભારતના સાર્વભૌમત્વ પર ભાર મૂક્યો હતો અને કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં જી20ની બેઠકો કરવા બદલ પાકિસ્તાન અને ચીને વિરોધ કર્યો તેનો જવાબ પણ આપ્યો હતો.
મોદીએ એ વિરોધોની નકારી કાઢીને કહ્યું કે, “ભારતના કોઈ પણ હિસ્સામાં બેઠકો કરવામાં આવે તે સ્વાભાવિક છે.”
ચીને અરુણાચલ પ્રદેશ વિશે સવાલ ઉઠાવ્યો છે, પણ ભારતે પહેલેથી જ તેના દાવાને કાયમ નકાર્યો છે.
ચીન જી20 સંગઠનમાં સભ્ય છે, જ્યારે પાકિસ્તાન તેમાં સભ્ય નથી. આ બંને દેશોએ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં જી20ની બેઠકો યોજાઈ તેનો વિરોધ કર્યો હતો. ભારતે સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં જી20ની બેઠકોનું આયોજન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આપણે આ પ્રદેશોમાં બેઠકો ના કરી હોત તો સવાલો ઊભા થયા હોત. આપણો દેશ બહુ મોટો, ખૂબસુરત અને વૈવિધ્યપૂર્ણ છે. જી20ની બેઠકો થાય ત્યારે શું એ સ્વાભાવિક નથી કે તે દેશના દરેક વિસ્તારમાં થાય.”
ભારતે મે 2022માં પર્યટન વિશેની જી20 વર્કિંગ ગ્રૂપની ત્રણ દિવસની બેઠક શ્રીનગરમાં કરી હતી. એ જ વર્ષે માર્ચમાં જી20ના એક કાર્યક્રમનું આયોજન અરુણાચલ પ્રદેશમાં કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
તે વખતે પણ ભારતે ચીનના દાવાઓની અવગણના કરી હતી અને જણાવ્યું હતું કે દેશના કોઈ પણ વિસ્તારમાં બેઠકો કરવા માટે ભારત સ્વતંત્ર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જી20ની ભારતની અધ્યક્ષતા પૂર્ણ થશે ત્યાં સુધીમાં દેશના 28 રાજ્યોનાં 220 શહેરોમાં તેની બેઠકો યોજાઈ ચૂકી હશે.
તેમણે કહ્યું કે 125 દેશોના પ્રતિનિધિઓ ભારતના લોકોનું કૌશલ્ય ત્યાં સુધીમાં જોઈ ચૂક્યા હશે.

સાયબર સુરક્ષા પર ભાર

ઇમેજ સ્રોત, Getty Images
આ ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ સાયબર અપરાધોને રોકવા માટેની વ્યૂહરચનાની વાત કરી હતી અને સાયબર સુરક્ષા વિશે પણ વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે સાયબર ક્રાઇમ રોકવા માટે વૈશ્વિક સહકાર વધે તે જરૂરી છે.
તેમણે કહ્યું, “સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે વૈશ્વિક સહકાર માત્ર ઇચ્છનીય નહીં, બલકે અનિવાર્ય છે.”
તેમણે વૈશ્વિક સમુદાયને અપીલ કરીને કે સાયબર ક્રાઇમને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમાં સાયબર આંતકવાદ, ઓનલાઇન રેડિકલાઇઝેશન અને મની લૉન્ડરિંગનો પણ સમાવેશ થઈ જાય છે.
મોદીએ કહ્યું, “સાયબર સ્પેસમાં ગેરકાનૂની નાણાકીય હેરફેર અને આતંકવાદ વિરુદ્ધની લડાઈ માટેનો એક નવો આયામ ઊભો થયો છે. નાપાક ઈરાદાઓ માટે ડાર્કનેટ, મેટાવર્સ, ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરનારા આતંકવાદી જૂથો રાષ્ટ્રોના સામાજિક તાણાવાણાને તોડી નાખી શકે છે.”
આ ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ ફેક ન્યૂઝને કારણે થઈ રહેલી અસરો વિશે પણ વાત કરી હતી.
તેમણે ફેક ન્યૂઝ અને ડીપ ફેકને કારણે ઊભી થયેલા ટેક્નિકલ પડકારની બાબતમાં પણ વધી રહેલી ચિંતાઓ વિશે વાત કરી.
મોદીએ કહ્યું, “ફેક ન્યૂઝ અને ડીપ ફેક ટેક્નિકને કારણે અરાજક પેદા થઈ શકે છે અને સમાચારના સ્રોતોની વિશ્વસનિયતા ઓછી થઈ શકે છે. તેનો ઉપયોગ અશાંતિ ફેલાવા માટે પણ થઈ શકે છે.”
પીએમ મોદીએ કહ્યું કે ગુનાહિત ઉદ્દેશો માટે માહિતી અને પ્રસારણની ટેકનોલૉજીનો ઉપયોગ થાય છે તેનો સામનો કરવા માટે એક આંતરરાષ્ટ્રીય સહમતી ઊભી કરવાની જરૂર છે.

આર્થિક સ્થિરતા અને જવાબદારી

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે છેલ્લાં 9 વર્ષોમાં દેશમાં એક સ્થિર સરકાર આપી છે, જેના કારણે દેશમાં ઘણા મહત્ત્વના સુધારા થઈ શક્યા છે.
વડા પ્રધાને એમ પણ કહ્યું કે ભારત આફ્રિકી યુનિયનને જી20 સંગઠનમાં સામેલ કરવા માટે ટેકો આપે છે. તેમણે કહ્યું કે આ પૃથ્વીના ભવિષ્ય માટેની કોઈ પણ યોજના સૌ કોઈને પ્રતિનિધિત્વ આપ્યા વિના અને સૌનો અવાજ સાંભળ્યા વિના સફળ નહીં થાય.
વૈશ્વિક દેવાનું સંકટ છે તે વિશેના પ્રશ્નના જવાબમાં વડા પ્રધાને કહ્યું કે આ એક ચિંતાનું કારણ છે. જોકે તેમણે ભારતની કેટલીક રાજ્ય સરકારો મફતમાં વસ્તુઓ આપવાની વાત કરે છે તેના પર કટાક્ષ પણ કર્યો હતો.
ગેરવાજબી નાણાકીય નીતિઓ અને લોકપ્રિય નીતિઓ લાવવા સામેનાં જોખમોને આગળ કરતા મોદીએ કહ્યું કે, “બેજવાબદાર નાણાંકીય નીતિઓ, લોકપ્રિય પગલાંની નીતિ ક્ષણિક રાજકીય લાભ આપી શકે છે, પણ લાંબા ગાળે તેની મોટી સામાજિક અને આર્થિક કિંમત ચૂકવવી પડશે.”
તેમણે કહ્યું કે લોકપ્રિય નીતિઓની સૌથી મોટી કિંમત સૌથી ગરીબ અને સૌથી નબળા વર્ગના લોકોએ જ ચૂકવવી પડે છે. તેમને જે નાણાંકીય નુકસાન થાય છે તેની ભરપાઈ થઈ શકતી નથી.

વૈશ્વિક પડકારો અને સહકાર

ઇમેજ સ્રોત, Getty Images
આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોંઘવારી વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે ભારતને જી20નું અધ્યક્ષસ્થાન મળ્યું છે, તેમાં એ વાતનો સ્વીકાર થયો છે કે એક દેશની મોંઘવારી વિરોધી નીતિઓ બીજા દેશો માટે સકારાત્મક અસર પાડી શકે છે.
મોદીએ કહ્યું, “દુનિયા સામે મોંઘવારી એક મોટો પડકાર છે. જી20ની આપણી અધ્યક્ષતાએ એ વાતને સ્વીકાર્ય બનાવી છે કે એક દેશની મોંઘવારી વિરોધી નીતિ બીજા દેશોને નુકસાન નથી પહોંચાડતી.”
વડા પ્રધાને કહ્યું કે જી20ની અધ્યક્ષતા ભારતને મળી તેના કારણે કથિત ત્રીજા વિશ્વના (ગરીબ) દેશોમાં પણ આત્મવિશ્વાસનાં બીજ રોપાયાં છે.
દુનિયાના ઘણા વિકસિત અર્થતંત્રમાં અત્યારે આર્થિક મંદી, અછત, મોંઘવારીનો ઊંચો દર અને વૃદ્ધ થઈ રહેલી વસતિના પડકારો રહેલા છે. ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને ભારતની મોટા ભાગની વસતિ યુવાન છે.
તેમણે કહ્યું, “વિશ્વના ઇતિહાસમાં એક લાંબા ગાળા સુધી ભારત ટોચનું અર્થતંત્ર હતું. બાદમાં સંસ્થાનવાદને કારણે વૈશ્વિક સ્તરે આપણો પ્રભાવ ઓછો થયો. પરંતુ હવે ભારતનો ફરી ઉદય થઈ રહ્યો છે. જે ગતિએ આપણે પાંચ પગથિયાની છલાંગ લગાવી છે તેના કારણે એક દસકા કરતાં પણ ઓછા સમયમાં આપણે દુનિયાના સૌથી મોટા દસમા અર્થતંત્રમાંથી સૌથી મોટા પાંચ અર્થતંત્રમાં આવી ગયા છીએ. તેનાથી એક મૅસેજ એ પણ ગયો છે કે ભારત એટલે વેપાર.”

દુનિયાને ઉકેલ આપે છે ભારત

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક સમયે ભારતને મોટા બજાર તરીકે જોવામાં આવતું હતું, પણ હવે ભારત વિશ્વની સામેના પડકારોના ઉકેલમાં એક અગત્યનો હિસ્સો બની ગયું છે.
તેમણે કહ્યું કે ભારતે જી20ની અધ્યક્ષતાની થીમ 'વસુધૈવ કુટુંબકમ' રાખી છે, જેનો અર્થ એ કે 'દુનિયા એક પરિવાર છે'. તેમણે કહ્યું કે આ માત્ર એક સૂત્ર નથી, પણ ભારતની સંસ્કૃતિમાંથી નીકળેલું એક વ્યાપક ચિંતન છે.
તેમણે કહ્યું કે ભારતે પોતાના નબળા વર્ગોને જે રીતે આગળ કર્યા છે, તેના કારણે વૈશ્વિક સ્તરે ભારત એક માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે.
તેમણે કહ્યું, "ભારતમાં આપણા ટ્રૅક રેકર્ડને જુઓ, આપણે એવા જિલ્લાને અલગ તારવ્યા જેને પછાત માનવામાં આવતા હતા. અને તેની અવગણના થતી હતી. અમે નવી રીતે અપનાવી અને આ જિલ્લાના લોકોની આશાને મજબૂત કરી."
મોદીએ કહ્યું, “તેના માટે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.”
આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાને ઊર્જાના ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની વાત પણ કરી.
તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તર પર ભારતના પ્રયાસો એવા છે કે એક વિશ્વ બાયોફ્યુઅલ સંગઠન બનાવવામાં આવે. તેમણે કહ્યું, “વૈશ્વિક ફોસિલ ફ્યૂઅલ ગઠબંધન બનાવવા માટે ભારત એટલા માટે આગ્રહ રાખે છે કે તેના કારણે વિકાસશીલ દેશોમાં ઊર્જામાં પરિવર્તન માટેના વિકલ્પો ઊભા કરી શકાય.”

જી20 કાર્યક્રમોમાં લોકશક્તિ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન મોદીએ કહ્યું કે જી20 કાર્યક્રમોમાં દોઢ કરોડ ભારતીયોએ ભાગ લીધો છે. તેમણે કહ્યું કે આટલા વ્યાપક સ્તરે લોકભાગીદારી દર્શાવે છે કે ભારતમાં એજન્ડા નક્કી કરવામાં લોકોનો સહયોગ સુનિશ્ચિત કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે આગલી સરકારોએ અન્ય રાજ્યોના લોકો પર વિશ્વાસ નહોતો અને તેઓ દિલ્હીની બહાર હાઈ પ્રોફાઇલ વૈશ્વિક બેઠકો કરી શકવાનો વિશ્વાસ ધરાવતા નહોતા.
તેમણે કહ્યું, "સકારાત્મક ભાગીદારી માટેની અમારી આ પહેલ જી20ની અધ્યક્ષતા પૂર્ણ થાય તે પછી ચાલતી રહશે."
તેમણે જી20માં પ્રધાન કક્ષાની બેઠકો થઈ તેમાં લેવાયેલા નિર્ણયોની પણ પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું, “દરેક ક્ષેત્રોમાં જી20ના પ્રધાનકક્ષાના નિર્ણયો દુનિયાના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે.”
તેમણે કહ્યું કે આજે દુનિયાને એટલી ખાતરી છે કે ભારતની આર્થિક પ્રગતિ કોઈ આકસ્મિક રીતે કે સંજોગવશાત્ નથી થઈ, પણ એક લક્ષ્ય સાથેના રોડમૅપને કારણે છે.

ટૅક્સ સુધારાનો ઐતિહાસિક નિર્ણય

ઇમેજ સ્રોત, ANI
કરવેરાની બાબતમાં એક બહુપક્ષી સંમેલન કરવાની જરૂર છે આ બાબત પર ભાર મૂકતા વડા પ્રધાને કહ્યું કે, "કરવેરા વિશે બહુપક્ષી સંમેલનને કારણે ન્યાયાલયોમાં આંતરરાષ્ટ્રીય કર પ્રણાલી માટે ઐતિહાસિક સુધારામાં આગળ વધવાનું શક્ય બનશે."
દેવાના સંકટ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે વિશ્વ માટે, ખાસ કરીને વિકાસશીલ દેશો માટે આ એક ગંભીર ચિંતાનો વિષય છે.
સમાનતા અને સમાવેશ માટે ટેક્નોલૉજીની જરૂર વિશે પણ તેમણે ભાર મૂક્યો અને કહ્યું કે ભારત ટેક્નોલૉજીનો ઉપયોગ હંમેશાં ગુણવત્તા અને સમાવેશ માટે કરે છે.

જળવાયુ પરિવર્તન સામે રચનાત્મક અભિગમ

ઇમેજ સ્રોત, Getty Images
જળવાયુ પરિવર્તન માટે રચનાત્મક દૃષ્ટિકોણની તરફેણ કરતાં વડા પ્રધાને કહ્યું કે પ્રતિબંધોનો દૃષ્ટિકોણ નહીં, પણ રચનાત્મક દૃષ્ટિકોણ હોવો જોઈએ.
તેમણે કહ્યું, "આ ના કરો કે પેલું ના કરો" એના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ નહીં. તેમણે કહ્યું, "જળવાયુ પરિવર્તનનો સામનો કરવાનો કોઈ એક જ ઉપાય નથી.”
તેમણે કહ્યું કે ભારતે પોતાના જળવાયુ વિશેના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે શક્ય એટલાં પગલાં લીધાં છે, જ્યારે વિશ્વના કાર્બન ઉત્સર્જનમાં ભારતનો હિસ્સો માત્ર પાંચ ટકા જ છે.
2070 સુધીમાં ભારત નેટ-ઝીરો લક્ષ્યાંક વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, “ઊર્જામાં પરિવર્તન માટે ભારતનો માર્ગ બીજા દેશોથી અલગ હશે.”

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા

ઇમેજ સ્રોત, Getty Images
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે તેની વાત કરતા વડા પ્રધાને કહ્યું કે વીસમી સદીના મધ્યમાં જે ચાલતું હતું તે રીતે 21મી સદીની સમસ્યાઓનો ઉકેલ નહીં આવી શકે.
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ બદલાતી વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની જરૂર છે. તેમણે પોતાની પ્રાથમિકતા બાબતે વિચારવું જોઈએ અને દરેક અવાજને પ્રતિનિધિત્વ આપવું જોઈએ.
ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ માટે પ્રયાસો કરી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં, ખાસ કરીને સલામતી સમિતિમાં પરિવર્તનની બાબત પર ભાર મૂકે છે.”
સાથે જ પ્રાદેશિક સ્તરે સુધારાઓની વાત પણ વડા પ્રધાને કરી. તેમણે કહ્યું કે મોટા બહુપક્ષી સંગઠનો સમયને અનુરૂપ પરિવર્તન નહીં કરે તો પછી નાના પ્રાદેશિક મંચો વધારે અગત્યના થઈ જશે.

લોકતંત્ર, વસતિ, વિવિધતા અને વિકાસ

ઇમેજ સ્રોત, ANI
પીટીઆઈ સાથેના આ ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાને ભારતની ચાર ક્ષમતાની વાત કરી હતી - ડેમૉક્રસી, ડેમૉગ્રાફી, ડાઇવર્સિટી અને ડેવલપમૅન્ટ. 2047ના ભારતનું વિઝન રજૂ કરતા તેમણે કહ્યું કે પ્રકૃતિ અને સંસ્કૃતિની સુરક્ષા સાથે આપણા નાગરિકોનું જીવનધોરણ સુધારવું એ ભારતની પ્રતિબદ્ધતા છે.
તેમણે કહ્યું, 'આપણા દેશોનું જીવનધોરણ શ્રેષ્ઠ દેશોની સમકક્ષ હશે. આપણે પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેની સંભાળ લઈને આ હાંસલ કરીશું.”














