દિલ્હીમાં યોજાઈ રહેલું G20 સંમેલન શું છે? તમામ સવાલના જવાબ જાણો

ઇમેજ સ્રોત, ani
જી20 બેઠકમાં ભાગ લેવા આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ.
આ વાતચીત બાદ વડા પ્રધાન કાર્યાલયે તસવીરો જાહેર કરી છે.
નોંધનીય છે કે શનિવારથી દિલ્હીમાં જી20 દેશોનું શિખર સંમેલન શરૂ થઈ રહ્યું છે જેમાં હાજરી આપવા વિશ્વના તમામ મોટા રાષ્ટ્રધ્યક્ષો ભારત પહોંચી રહ્યા છે.
વડા પ્રધાન કાર્યાલયે મુલાકાત અંગે ટ્વીટ કરતાં લખ્યું, “વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઇડન લોકકલ્યાણ માર્ગ ખાતે વાતચીત કરી રહ્યા છે. તેમના વચ્ચે ઘણા મુદ્દાને લઈને વાતચીત થઈ રહી છે અને આ વાતચીતથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરાશે.”
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન શુક્રવાર સાંજે જી20 બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચી ચૂક્યા છે.
ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી વી. કે. સિંહે કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ઍરપૉર્ટથી સીધા હોટલ ગયા અને તે બાદ વડા પ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીતમાં સામેલ થયા.
તો બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે શુક્રવારના રોજ જી20 દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા દિલ્હી આવીને પોતાના હિંદુ હોવાથી માંડીને ખાલિસ્તાન અને વેપાર સહિત તમામ મુદ્દે વાત કરી છે.
સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હું ગૌરવાન્વિત હિંદુ છું અને આવી જ રીતે મારું પાલન-પોષણ થયું છે, હું આવો જ છું. મને આશા છે કે આગામી અમુક દિવસો દરમિયાન હું અહીં રહું ત્યાં સુધી કોઈ મંદિરમાં દર્શન કરી શકીશ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“તાજેતરમાં રક્ષાબંધનનો તહેવાર હતો અને મારી બહેનોએ મને રાખડી બાંધી, બીજા દિવસે મારી પાસે જન્માષ્ટમી ઊજવવાનો સમય નહોતો પરંતુ જેમ મેં કહ્યું એમ, આશા છે કે હું એની ભરપાઈ કરી શકીશ. મારું માનવું છે કે આસ્થા એક એવી વસ્તુ છે જે એવી દરેક વ્યક્તિની મદદ કરે છે જે પોતાના જીવનમાં આસ્થા ધરાવે છે.”

ઇમેજ સ્રોત, ani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જી20 સંમેલન શું છે?
જી20 અથવા ગ્રૂપ ઑફ ટ્વેન્ટી એવા દેશોનું જૂથ છે જે વૈશ્વિક અર્થતંત્ર વિશેના આયોજન પર ચર્ચા કરે છે. જી20 સમૂહના સભ્યદેશો વિશ્વના અર્થતંત્રમાં 85 ટકાનો હિસ્સો ધરાવે છે, જ્યારે વૈશ્વિક વેપારમાં તેમની ભાગીદારી 75 ટકાની છે. વિશ્વની કુલ વસ્તીની લગભગ 66 ટકા વસ્તી આ જી20 સમૂહના સભ્ય દેશોમાં વસે છે.
જી20 સમૂહમાં યુરોપિયન યુનિયન અને 19 રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. જેમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મૅક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુકે અને અમેરિકાનો સમાવેશ થાય છે. સ્પેનને હંમેશાં મહેમાન દેશ તરીકે આમંત્રિત કરવામાં આવે છે.
વળી કેટલાક જી20 સભ્ય દેશો જેમ કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાએ BRICS નામનું એક અલગ જૂથ પણ બનાવ્યું છે. તેમાં આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇરાન, ઇથિયોપિયા, સાઉદી અરેબિયા અને યુએઈને આમંત્રિત કરી સામેલ કરવાના છે. સત્તાવાર રીતે 1લી જાન્યુઆરી, 2024ના રોજ તેમને સામેલ કરી લેવામાં આવશે.

જી20ની શરૂઆત

ઇમેજ સ્રોત, ani
1999માં એશિયાના 1997-98ના નાણાકીય સંકટ બાદ જી-20ની સ્થાપના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર અને નાણાકીય સ્થિરતાની ચર્ચા કરવા માટે અગ્રણી ઔદ્યોગિક તથા વિકાસશીલ અર્થતંત્રોની કેન્દ્રીય બૅન્કોના ગવર્નર, નાણામંત્રી વચ્ચે ઔપચારિક ચર્ચા માટે તે સ્થપાયું હતું.
2007ની વૈશ્વિક આર્થિક મંદી બાદ જી-20ને સભ્ય દેશોના વડા-પ્રમુખોના સ્તરે ચર્ચા માટેનો મંચ બનાવી દેવાયું હતું. 2009માં પણ એ જ પરિસ્થિતિ તાદૃશ થઈ હતી.
પ્રથમ જી20 શિખર સંમેલન 2008માં વૉશિંગ્ટન ડીસી (અમેરિકા)માં યોજાયું હતું. પછી 2009માં સંમેલન લંડનમાં યોજાયું હતું. એમ એક પછી એક સભ્યદેશો તેની યજમાની મેળવતા ગયા.
જો કે આ જૂથનું ધ્યાન અર્થવ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવાનું રહ્યું છે, પરંતુ સમય સાથે તેનો વ્યાપ વધતો ગયો.
તેમાં ટકાઉ વિકાસ, આરોગ્ય, કૃષિ, ઉર્જા, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓ પણ ઉમેરવામાં આવ્યા હતા.

જી20 કઈ રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
વાસ્તવમાં, જે પણ દેશને જી20 નું પ્રમુખપદ મળે છે, તે એ વર્ષે જી20ની બેઠકોનું આયોજન કરે છે. તે બેઠકની કાર્યસૂચિ રજૂ કરે છે.
આ સિવાય જી20 બે સમાંતર ટ્રેક પર કામ કરે છે. એક છે ફાઇનાન્સ ટ્રેક, જેમાં તમામ દેશોના નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો સાથે મળીને કામ કરે છે.
બીજો શેરપા ટ્રેક છે, જેમાં દરેક દેશના એક શેરપા અગ્રણી હોય છે. હકીકતમાં શેરપાનો મતલબ પહાડોમાં થતા મિશનોને આસાન બનાવનાર વ્યક્તિ એવો થાય છે.
શેરપા ટ્રૅકમાં ખેતી, વિકાસ, રોજગાર, શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, પ્રવાસન સહિતનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
જી20ના નાણાકીય ટ્રૅકમાં ફ્રૅમવર્ક વર્કિંગ ગ્રૂપ, ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ આર્કિટેક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ, નાણાકીય ક્ષેત્રના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
જી20ના શેરપા આગેવાનો પણ પોતપોતાના દેશના વડાનું કામ સરળ બનાવવાની જવાબદારી લે છે. તમામ સભ્ય દેશોના શેરપાઓ બેઠકો દ્વારા વિવિધ મુદ્દાઓ પર પરસ્પર સહમતિ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.

ભારતને 2023માં જી20નું પ્રમુખપદ કેવી રીતે મળ્યું?

ઇમેજ સ્રોત, ani
16 નવેમ્બર 2022ના રોજ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો દ્વારા ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે મળેલા જી20 સંમેલનમાં વડા પ્રધાન મોદીને પ્રતીકાત્મક રીતે જી20 પ્રમુખપદની કમાન સોંપી હતી. અને ભારતે 1લી ડિસેમ્બર 2022ના રોજ સત્તાવાર રીતે વર્ષ લાંબા જી20નું પ્રમુખપદ સંભાળ્યું હતું. જે 30મી નવેમ્બર 2023 સુધી ચાલશે.
આ વખતે બાંગ્લાદેશ, ઇજિપ્ત, નાઇજિરીયા, ઓમાન, મોરેશિયસ, સિંગાપોર, નેધરલૅન્ડ, યુનાઇટેડ આરબ અમિરાત મહેમાન દેશો છે. જ્યારે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, આપત્તિ પ્રતિરોધક માળખાકીય સુવિધાઓ માટે ગઠબંધન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ), એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક સંસ્થાઓ પણ મહેમાન છે.
ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ, વિશ્વ બૅન્ક, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ વેપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, આફ્રિકન યુનિયન સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિમંડળો પણ તેમાં ઉપસ્થિત રહેશે.
સંગોષ્ઠિ જૂથમાં બિઝનેસ20 (બી20), સિવિલ20 (સી20), લેબર20 (એલ20) એ રીતે જૂથોની બેઠકો સામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે જી20 શિખર સંમેલનનું પ્રમુખપદ રોટેશન મુજબ સભ્યદેશોને મળતું રહે છે અને તે દેશ યજમાન બનતો હોય છે.
વાસ્તવમાં, જી20 ના પ્રમુખનો નિર્ણય ટ્રોઇકા દ્વારા લેવામાં આવે છે. તેમાં તેના ભૂતકાળ, વર્તમાન અને ભાવિ પ્રમુખોનો સમાવેશ થાય છે, તેને ટ્રોઇકા કહેવામાં આવે છે.
જેમ કે, આ વખતે ટ્રોઇકામાં ઇન્ડોનેશિયાનો સમાવેશ થયો છે જે ગત વખતે અધ્યક્ષ હતું, ભારત કે જે હાલમાં અધ્યક્ષ છે અને બ્રાઝિલ કે જે આગામી અધ્યક્ષ હશે.

2023ના જી20 શિખર સંમેલનમાં શેની ચર્ચા થશે?

ઇમેજ સ્રોત, Reuters
દિલ્હી ખાતે 9-10 સપ્ટેમ્બરના રોજ જી20 શિખર સંમેલનના નેતાઓની બેઠક મળશે. આ વખતે મુખ્ય થીમ 'ટકાઉ વિકાસ' છે, એટલે કે સસ્ટેનેબલ ડેવલપમૅન્ટ. જોકે, હાલ ચાલી રહેલું યુક્રેનનું યુદ્ધ પણ તેમાં ચર્ચાઈ શકે છે.
તેમાં સભ્ય દેશોના પ્રમુખો વચ્ચે વન-ટુ-વન બેઠક પણ થશે. તેમાં અમેરિકી પ્રમુખ જો બાઇડન પણ હાજરી આપવાના છે.
યુક્રેનના યુદ્ધનો મુદ્દો શિખર સંમેલનમાં એક વિવાદીત મુદ્દો રહેશે. તેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન હાજરી નથી આપવાના. જેથી તેના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફ તેમાં હાજરી આપવાના છે.
તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા બ્રિક્સ દેશોના સંમેલનમાં પણ લાવરોફે જ હાજરી આપી હતી. જોકે પુતિને તેમાં વીડિયો મારફતે સંબોધન કર્યું હતું.
મે મહિનામાં કાશ્મીરમાં પ્રવાસન પર યોજાયેલ જી20ની બેઠકનો ચીન અને સાઉદી અરેબિયાએ બહિષ્કાર કર્યો હતો. કેમકે આ પ્રદેશ પર ભારત અને પાકિસ્તાન બંનેનો દાવો હોવાથી તેમણે બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

જી20માં ફૅમિલી ફોટોની પ્રથા શું છે?

ઇમેજ સ્રોત, Reuters
આ શિખર સંમેલનના સમાપન વેળાએ રાષ્ટ્રોના પ્રમુખ-વડાઓ એક સામૂહિક તસવીર માટે ભેગા મળે છે. જેને ફેમિલી ફોટો તરીકે ઓળખવામાં આવે છે.
જોકે, ઘણી વાર તેને એક રાજદ્વારી દૃષ્ટિકોણથી પણ જોવામાં આવે છે અને તસવીર પોતાનામાં જ એક હેડલાઇન બનતી હોય છે.
વર્ષ 2018માં ઇસ્તંબુલમાં સાઉદીના કૉન્સ્યુલેટમાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મોટાભાગે અવગણના કરાઈ હતી અને તેમને જૂથમાં આખરમાં ઊભા રાખવામાં આવ્યા હતા.

જી20થી અત્યાર સુધી શું હાંસલ થયું?

ઇમેજ સ્રોત, ani
વર્ષ 2008 અને 2009ના સંમેલનોમાં આર્થિક સંકટ મામલે જે પગલાં લેવાયાં હતાં તેનાથી વિશ્વને મંદીમાંથી બહાર લાવવામાં મદદ મળી હતી.
પરંતુ કેટલાક વિવેચકોનું માનવું છે કે, ત્યાર બાદના શિખર સંમેલનો સરખામણીએ એટલાં સફળ નથી રહ્યાં અને કેમકે મોટાભાગે દુશ્મન રાષ્ટ્રો વચ્ચેનો તણાવ એમાં અસર કરી ગયો હતો.
પરંતુ સંમેલનની સાથે સાથે થતી દ્વિપક્ષીય મંત્રણાઓ ફળદાયી સાબિત થઈ છે.
વર્ષ 2019માં ઓસાકા ખાતે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વેપાર વિવાદને ઉકેલવા માટેની વાટાઘાટો માટે તૈયાર થયા હતા.














