જી-20 બેઠકોમાંથી ભારતની આશાઓને યુક્રેન યુદ્ધનો પડછાયો કેટલું નુકસાન પહોંચાડશે?

મોદી

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, વિકાસ પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત 'ગ્લોબલ સાઉથ' એટલે કે વિકાસશીલ દેશોના ઊભરતા અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
  • આ દિશામાં ભારતને જી-20 સંમેલનની અધ્યક્ષતા કરતાં વધુ સારી તક કોઈ ન હોઈ શકે
  • જોકે યુક્રેન પર હુમલા બાદ રશિયા સાથે ભારતના સંબંધ અને તેના વલણની અસર જી20માં જોવા મળી હોવાના અહેવાલ છે.
  • જી-20 દેશોના નાણામંત્રીઓની ગયા અઠવાડિયે બેંગલુરુમાં બેઠક બાદ સંયુક્ત નિવેદન જારી કરી શક્યા ન હતા
  • રશિયા અને ચીને સંયુક્ત નિવેદનના કેટલાક ભાગો સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં રશિયન આક્રમણની આકરી નિંદા કરવામાં આવી હતી
  • આખરે ભારતે, બેઠકના અધ્યક્ષ હોવાને કારણે, અધ્યક્ષીય સારાંશ જાહેર કરવો પડ્યો જેમાં તેણે યુક્રેનના મુદ્દા પર સભ્ય દેશો વચ્ચે મતભેદો સામે આવ્યાની નોંધ કરી
  • આ બુધવાર અને ગુરુવારે યોજાનારી વિદેશમંત્રી સ્તરની મંત્રણામાં પણ આ પડકારોનો સામનો કરવો પડી શકે છે
બીબીસી ગુજરાતી

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત 'ગ્લોબલ સાઉથ' એટલે કે વિકાસશીલ દેશોના ઉભરતા અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ દિશામાં ભારતને જી-20 સંમેલનની અધ્યક્ષતા કરતાં વધુ સારી તક કોઈ ન હોઈ શકે.

વૈશ્વિક આર્થિક ઉત્પાદનમાં વિશ્વના 19 સૌથી ધનિક દેશો અને યુરોપિયન યુનિયન 85 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે આ દેશો વિશ્વની વસ્તીના લગભગ 66 ટકા હિસ્સો ધરાવે છે.

આમાંથી મોટાભાગના દેશોના વિદેશમંત્રીઓ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એકબીજાને મળી રહ્યા છે. આજે ભારતીય વિદેશમંત્રી બ્રિટન સહિત ઘણા જી-20 દેશોના મંત્રીઓને મળ્યા છે.

બીબીસી ગુજરાતી

યુક્રેન યુદ્ધનું ગ્રહણ

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ આ બેઠકોમાં ભારતને જે પ્રકારની સમજૂતીઓની અપેક્ષા છે, તેના પર યુક્રેન યુદ્ધનો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

ગયા વર્ષે, ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20 દેશોના નેતાઓની બેઠક દરમિયાન, રશિયાએ યુક્રેનના મુખ્ય મથકો પર મિસાઇલ હુમલો કરી દીધો હતો.

ત્યારબાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ભારત, રશિયા અને ચીન આ હુમલાની ખુલીને નિંદા કરવા માગતા નથી.

આ મામલે અત્યાર સુધી સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. યુદ્ધ હજુ ચાલુ છે અને શાંતિ મંત્રણાઓ શરૂ થવાના કોઈ સંકેતો જણાતા નથી. દુનિયામાં આજે પણ આ મુદ્દે તડા પડેલા છે.

અને કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓ હજુ પણ આ યુદ્ધની ચપેટમાં છે.

બીબીસી ગુજરાતી

પડકારભર્યી મંત્રણાઓ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પૃષ્ઠભૂમિમાં જોઈએ તો એ વાતની નવાઈ નથી લાગતી કે જી-20 દેશોના નાણામંત્રીઓની ગયા અઠવાડિયે બેંગલુરુમાં બેઠક બાદ સંયુક્ત નિવેદન જાહેર કરી શક્યા ન હતા.

રશિયા અને ચીને સંયુક્ત નિવેદનના કેટલાક ભાગો સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં રશિયન આક્રમણની આકરી નિંદા કરવામાં આવી હતી.

આખરે ભારતે, બેઠકના અધ્યક્ષ હોવાને કારણે, અધ્યક્ષીય સારાંશ જાહેર કરવો પડ્યો જેમાં તેણે યુક્રેનના મુદ્દા પર સભ્ય દેશો વચ્ચે મતભેદો સામે આવ્યાની નોંધ કરી.

આ બુધવાર અને ગુરુવારે યોજાનારી વિદેશમંત્રી સ્તરની મંત્રણામાં પણ આ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

વિલ્સન સેન્ટર થિંક ટૅંકના ડેપ્યુટી ડાયરેક્ટર માઈકલ કુગેલમન કહે છે, "ભારત જી-20 સમિટની અધ્યક્ષતાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. એટલે તે આ બેઠકને સફળ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ યુક્રેનનો મુદ્દો આ તમામ પ્રયાસો પર હાવી રહેશે."

ભારત વિકાસશીલ દેશો માટે વધુ તાકીદના અને મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.

ભારતે એજન્ડામાં ક્લાઈમેટ ચૅન્જ, વિકાસશીલ દેશો પર વધતું દેવું, ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન, વધતી જતી મોંઘવારી અને ખાદ્ય અને ઊર્જા સુરક્ષાનો સમાવેશ કર્યો છે.

કેટલીય અર્થવ્યવસ્થાઓ આજે પણ મહામારી અને યુદ્ધના કારણે ભારે મોંઘવારીને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે.

બીબીસી ગુજરાતી

પીએમ મોદીએ જાદુ ચલાવવો પડશે

મોદી

ઇમેજ સ્રોત, Reuters

નિષ્ણાતોનું માનવું છે કે દિલ્હીએ એવી શાનદાર રાજદ્વારી વ્યૂહરચનાનો ઉપયોગ કરવો પડશે કે જી-20 દેશોનું જૂથ યુક્રેન યુદ્ધથી આગળનું જોઈ શકે.

જોકે જેના પર બહુ મતભેદ નથી એવા મુદ્દાઓને લઈને સમજૂતી પર પહોંચવું શક્ય છે.

આ સંદર્ભમાં, ભારત આ સપ્તાહે યોજાનારી મંત્રણા દ્વારા સપ્ટેમ્બરમાં યોજાનારી ટોચના નેતાઓની બેઠક માટે વાતાવરણ તૈયાર કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કરશે.

ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી જિતેન્દ્ર નાથ મિશ્ર કહે છે, "ભારત એવું નિવેદન તૈયાર કરવાનો પ્રયાસ કરશે જે કોઈને સંપૂર્ણ રીતે સંતુષ્ટ ન કરે પરંતુ બધાને સ્વીકાર્ય હોય. પરંતુ આવું કરવું સરળ નહીં હોય. કારણ કે આ યુદ્ધમાં બંને પક્ષે ઊભેલા દેશોના સમૂહનું વલણ છેલ્લા કેટલાક મહિનામાં પહેલાં કરતાં વધુ કઠોર થયું છે.”

આ મામલે ભારતના વલણની પણ ટીકા કરવામાં આવી છે. ભારતે રશિયાની સીધી નિંદા કરવાનું ટાળ્યું છે. ભારત અને રશિયાના સંબંધો ઘણા જૂના છે અને યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતે ટીકાઓ વચ્ચે રશિયન ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.

શરૂઆતમાં પશ્ચિમી દેશોને ભારતની બિનજોડાણ નીતિ પસંદ નહોતી. પરંતુ હવે એવું લાગે છે કે તેને લઈને એક પ્રકારની સમજ વિકસી હોવાનું જોવા મળે છે.

ભારતે ભલે સીધી રીતે રશિયાની નિંદા ન કરી હોય પરંતુ યુક્રેન અંગે આપેલાં નિવેદનોમાં ભારતે યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાનૂન અને રાજ્યોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની વાત કરી છે.

શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઈઝેશન કૉન્ફરન્સ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનને રશિયાની પરોક્ષ નિંદા તરીકે જોવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં કહ્યું હતું - 'આ યુદ્ધ કરવાનો સમય નથી.'

બીબીસી ગુજરાતી

રશિયા અંગે ભારતનું વલણ બદલાયું?

મોદી

ઇમેજ સ્રોત, Reuters

કુગેલમન માને છે કે જી-20 બેઠક દરમિયાન ભારત દબાણમાં આવીને રશિયાને લઈને પોતાનું વલણ આકરૂં કરે તેવી શક્યતા ઓછી છે.

તેમનું કહેવું છે કે ચીન અને ભારત વચ્ચેના સંબંધો ટાઢા પડી ગયા એનું કારણ સીમા વિવાદ છે. તો અમેરિકા અને ચીન વચ્ચે જાસૂસી બલૂન વિવાદને કારણે તણાવ એક નવા સ્તરે પહોંચ્યો હોવાનું જોવામાં આવી રહ્યું છે. અને રશિયા અને પશ્ચિમ વચ્ચેના સંબંધો પહેલાં જેટલા જ ખરાબ છે.

આવી સ્થિતિમાં જ્યારે દિલ્હીમાં વિરોધી પક્ષોના ટોચના રાજદ્વારીઓની બેઠક થશે ત્યારે વાતાવરણ તંગ રહેવાનું.

નિષ્ણાતોનું કહેવું છે કે પીએમ મોદી અને વિદેશમંત્રી એસ જયશંકરે તેમની રાજદ્વારી કુશળતા અને અંગત સંબંધોના આધારે આ કૉન્ફરન્સના ઉદ્દેશ્યોને સમૂહ દેશોની અંગત દુશ્મનાવટથી બચાવવા પડશે.

કુગેલમન કહે છે, "ભારત તેના પ્રતિસ્પર્ધીઓ સાથે પોતાના સંબંધોને સંતુલિત કરવાની તેની ક્ષમતા પર ગર્વ અનુભવત. પરંતુ હાલમાં જી-20 દેશો વચ્ચે પ્રવર્તી રહેલી કડવાશ અને ભૌગોલિક રાજકીય તણાવના સ્તરને જોતા ભારતે ઘણી મહેનત કરવી પડશે. જોકે ભારતે પહેલાં પણ બતાવ્યું છે કે તે એકસાથે બહુવિધ ભૌગોલિક રાજકીય પ્રતિસ્પર્ધીઓ સાથે તાલમેલ બેસાડવામાં સક્ષમ છે.”

પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર એ સંદેશ આપવા માટે ઘણું જોર આપી રહી છે કે જી-20 સંમેલન લોકશાહીને જન્મદાતા દેશમાં યોજાઈ રહ્યું છે.

ખાસ કરીને જ્યારે ભારતમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે મોદી એ બતાવવાનો પ્રયાસ કરશે કે તેઓ વિશ્વમાં ભારતની સ્થિતિ મજબૂત કરવામાં સક્ષમ થયા છે.

મિશ્ર કહે છે, "ભારત સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે કે જી-20 દેશોની બેઠકો આખા દેશમાં યોજવામાં આવે જેથી કરીને લોકો જી-20 સંમેલન વિશે જાણી શકે. આ તમામ પ્રયાસો સારા છે. પરંતુ આ પ્રયાસોથી ભારતની મૂળભૂત સમસ્યા હલ થતી નથી, જે પોતાની મહત્ત્વકાંક્ષાઓને યુદ્ધની અસરોથી બચાવવાની છે."

કુગેલમેનના મતે, ભારત પોતાને વિકસીત અને વિકાસશીલ દેશો વચ્ચેની કડી તરીકે જુએ છે અને જી-20 સંમેલનની અધ્યક્ષતા દ્વારા મિડલ પાવરની ભૂમિકા ભજવવા માંગે છે.

તેઓ કહે છે, "હવે અમારી પાસે એક એવા નેતા છે જે ભારતને વૈશ્વિક નેતા તરીકે વિશ્વના નકશા પર મૂકી શકે છે અને તેઓ જી-20ને તેની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે."

જોકે તેમનું કહેવું છે કે ભારત સમક્ષ એક મોટો અને સ્પષ્ટ પડકાર એ છે કે જેના પર સમજૂતી શક્ય છે એવા મુદ્દાઓથી સળગતા મુદ્દાઓને કેવી રીતે દૂર રાખવા.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી