ભારતનો એ સરહદી વિસ્તાર, જ્યાં આજે પણ 1962ના ચીન યુદ્ધનો પડછાયો ડોકાય છે

- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા

- ઑક્ટોબર 1962માં ચીને ભારતના પૂર્વોત્તરમાં નૉર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી (હાલનું અરુણાચલ પ્રદેશ) વિસ્તાર પર અચાનક હુમલો કરી દીધો હતો
- સરહદથી લગભગ 35 કિલોમિટર દૂર સ્થિત તવાંગ ટૂંક સમયમાં જ ચીનના કબજામાં આવી ગયું અને પછી એક મહિના સુધી ચીનના કબજામાં જ રહ્યું
- નવેમ્બરમાં ચીને યુદ્ધવિરામની જાહેરાત કરી અને તેની સેના પરત બોલાવી લીધી, પરંતુ ઘણા લોકોને આ વાત પર વિશ્વાસ નહોતો બેસતો
- 60 વર્ષ પછી એ યુદ્ધની યાદો ભલે ઝાંખી થઈ છે પણ તેનો ઓછાયો હજુ પણ આ વિસ્તારના લોકોના હૃદયમાં વર્તાય છે
- ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તવાંગના યાંગ્ત્ઝે વિસ્તારમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી

"તવાંગમાં ડાંગરની કાપણીનો સમય હતો. તે લોકો દિવસ-રાત ચારે બાજુથી હુમલો કરતા તવાંગ આવ્યા તો લોકો અહીંથી ભાગવા લાગ્યા."
તે સમયે થુતાન ચેવાંગની ઉંમર માત્ર 11 વર્ષની હતી. પરંતુ તેમણે પોતાની આંખોથી જોયેલી યુદ્ધની ઘણી ઘટનાઓ હજુ પણ તેને સ્પષ્ટપણે યાદ છે.
એ વર્ષ 1962 અને મહિનો ઑક્ટોબર હતો. ચીને ભારતના પૂર્વોત્તરમાં નૉર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી (હાલનું અરુણાચલ પ્રદેશ) વિસ્તાર પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ઝડપથી થયો કે કેટલાક વિસ્તારોમાં જોરદાર પ્રતિકાર છતાં ભારતીય સેના ચીની સેના સામે ટકી શકી ન હતી.

સરહદથી લગભગ 35 કિલોમિટર દૂર સ્થિત તવાંગ ટૂંક સમયમાં જ ચીનના કબજામાં આવી ગયું અને પછી એક મહિના સુધી ચીનના કબજામાં જ રહ્યું.
60 વર્ષ પછી એ યુદ્ધની યાદો ભલે ઝાંખી થઈ છે પણ તેનો ઓછાયો હજુ પણ આ વિસ્તારના લોકોના હૃદયમાં વર્તાય છે.
મોટા થઈને થુતાન ચેવાંગ ભારતમાં અર્ધલશ્કરી દળના સૈનિક બન્યા અને 28 વર્ષની નોકરી બાદ નિવૃત્ત થયા.
તેઓ કહે છે કે યુદ્ધ સમયે લોકોએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

'યુદ્ધ એક દુઃસ્વપ્ન જેવું હતું'

થુતાન ચેવાંગ કહે છે, "આ વિસ્તારમાં રસ્તાઓ પણ નહોતા. લોકો દિવસ-રાત જંગલોમાં ચાલીને સલામત નીચાણવાળા વિસ્તારોમાં ગયા હતા. તેઓ ખચ્ચર પર રાશન લઈ જતા હતા. આ બધું એક દુઃસ્વપ્ન જેવું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તવાંગમાં રહેતા નવાંગ છોટ્ટાએ 1962ના યુદ્ધને પોતાની આંખે જોનારા ઘણા વડીલો સાથે વાત કર્યા બાદ એક પુસ્તક લખ્યું છે.
તેઓ કહે છે, "દરેકને પોતાનો જીવ વહાલો હતો અને લોકો પોતાના પરિવાર સાથે સુરક્ષિત જગ્યાએ ભાગવા માગતા હતા. તમે અંદાજ લગાવી શકો છો કે તે સમયે અહીં કોઈ વાહનો તો હતા નહીં, પગપાળા જાય તો પણ કેટલે દૂર જાય."

લોબસાંગ ત્સેરિંગ 1962માં 11 વર્ષના હતા. તેમનું કહેવું છે કે ચીનના હુમલા બાદ તેમના માતા-પિતા તેમને આસામ લઈ ગયા હતા. યુદ્ધ પૂરું થયા પછી જ તેઓ તવાંગ પરત ફરી શક્યા.
લગભગ એક મહિના પછી, નવેમ્બરમાં ચીને યુદ્ધવિરામની જાહેરાત કરી અને તેની સેના પરત બોલાવી લીધી. પરંતુ ઘણા લોકોને આ વાત પર વિશ્વાસ નહોતો બેસતો.
તવાંગમાં રહેતા લહામ નોરબૂ કહે છે, "એવું કહેવામાં આવ્યું હતું કે ચીનની સેના પાછી હટી ગઈ છે. કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ ખોટી વાત હશે કારણ કે ચીન યુદ્ધ જીતી ગયું છે તો તે શા માટે પીછેહઠ કરે."
"કેટલાક લોકોને શંકા છે કે કદાચ ભારત તેમની સાથે જુઠ્ઠું બોલી રહ્યું છે અને હવે તેમને ચીનને સોંપી દેવામાં આવશે. જ્યારે તેમને ખાતરી આપવામાં આવી કે એવું કંઈ નથી, ત્યારે તેઓ પાછા આવ્યા."

યુદ્ધની ભયાનક યાદો

તવાંગથી જીવ બચાવીને ભાગી ગયેલા લોકો જ્યારે થોડા મહિનાઓ પછી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે રસ્તામાં ઘણા ભયાનક દ્રશ્યો જોયા.
એ દ્રશ્યો યાદ કરીને રિનચિન દોરજે આજે પણ કંપી ઊઠે છે. તેઓ કહે છે, "જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે અમે જોયું કે ચીની સેનાએ ભારતીય સૈનિકોના મૃતદેહોને રસ્તા પર છોડી દીધા હતા."
લ્હામ નોરબૂ પણ એ દ્રશ્ય આજ સુધી ભૂલી શક્યા નથી. તેઓ કહે છે, "ચીની સેના પોતાના સૈનિકોના મૃતદેહોને વાહનોમાં લઈ ગઈ અને ભારતીય સૈનિકોના મૃતદેહોને જંગલોમાંથી કાઢીને રસ્તામાં જ છોડી દીધા. ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા."
નવાંગ છોટ્ટાના જણાવ્યા અનુસાર, તે સમયે ચીની સેનાએ સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને કેટલીક મદદ લેવાની કોશિશ કરી હતી.
તેઓ કહે છે, "જ્યારે મેં મારા વડીલો સાથે આ વિશે વાત કરી તો તેઓએ કહ્યું કે ચીનની સેના ક્યારેય અહીંના લોકોનો વિશ્વાસ જીતી શકતી નથી અને તેમને તેમની પાસેથી નહિવત્ મદદ મળી હતી."

તવાંગ સતત સમાચારપત્રોમાં

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તવાંગ એ ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશનો એ વિસ્તાર છે જે છેલ્લા ઘણા સમયથી હેડલાઈન્સમાં છે.
બૌદ્ધ ધર્મનું એક મોટું કેન્દ્ર હોવાની સાથે આ એ સ્થાન છે જેનો 14મા દલાઈ લામા, તેનઝીન ગ્યાત્સો સાથે વિશેષ સંબંધ છે.
1959માં તિબેટમાંથી ભાગી ગયા પછી 14મા દલાઈ લામા તેનઝીન ગ્યાત્સો થોડા સમય માટે તવાંગ મઠમાં રહ્યા હતા.
તવાંગ વિસ્તાર 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન લગભગ એક મહિના સુધી ચીનના નિયંત્રણમાં રહ્યો હતો.
આ એક એવો વિસ્તાર છે જે આજે પણ બંને દેશો વચ્ચે વિવાદનું કારણ બનેલું છે.
આ વિવાદની ઝલક ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જોવા મળી હતી જ્યારે તવાંગના યાંગ્ત્ઝે વિસ્તારમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી.
ત્યારે ભારતે કહ્યું કે ચીની સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર અતિક્રમણ કરીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ મામલે નિવેદન આપતાં કહ્યું હતું કે 'ભારતીય સેનાએ ચીની સેનાને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરતા રોક્યા અને ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પાછા ફરવા મજબૂર કર્યા.'
આ વિસ્તારમાં આ પહેલી અથડામણ નહોતી. ઑક્ટોબર 2021માં પણ બંને દેશોની સેના યાંગ્ત્ઝેમાં સામસામે આવી ગઈ હતી.

'વાસ્તવિક નિયંત્રણ રેખા' સુધીની સફર

વર્તમાન વાસ્તવિક નિયંત્રણ રેખા તવાંગ શહેરથી માત્ર 35 કિલોમિટર દૂર છે.
એલએસી સુધી બુમ-લા પાસના વાંકાચૂંકા રસ્તાઓમાંથી પસાર થઈને જ પહોંચી શકાય છે.
બુમ-લા પાસમાંથી પસાર થતી વખતે પંદર હજાર ફૂટની ઊંચાઈએ હવામાં ઑક્સિજનનો અભાવ વર્તાય છે.
સાથે જ દેખાય છે ઘણા કુદરતી તળાવો જેનું પાણી નીચા તાપમાનને કારણે થીજી ગયું છે.
આ એ જ જગ્યા છે જ્યાં 1962માં બંને દેશો વચ્ચે યુદ્ધ દરમિયાન ઘણી લડાઈઓ લડાઈ હતી.
એ લડાઈઓની નિશાનીઓ હજુ પણ આ વિસ્તારમાં જોઈ શકાય છે.

ઠેરઠેર બંકરો આજે પણ રસ્તાની બાજુમાં છે જેમાં ભારતીય સેનાએ પોઝિશન લઈને ચીનના હુમલાનો સામનો કર્યો હતો.
આ બંકરો આજે ખાલી છે, પરંતુ એલએસી નજીકના વિસ્તારોમાં ભારતીય સેનાની મોટી હાજરી જોઈ શકાય છે.
છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે જે પ્રકારનો તણાવ ચાલી રહ્યો છે, તેમાં આ સૈન્ય હાજરી આશ્ચર્યજનક નથી.
આટલી વિશાળ લશ્કરી હાજરી હોવા છતાં, દરરોજ ડઝનેક પ્રવાસીઓ પરવાનગી સાથે તવાંગથી એલએસી સુધી મુસાફરી કરે છે.
બુમ-લા પાસથી પ્રવાસીઓને એલએસી સુધી લઈ જવા એ તવાંગમાં ટેક્સી ડ્રાઈવરો માટે આવકનો મોટો સ્ત્રોત છે.

તવાંગ યુદ્ધ સ્મારક

ભારતીય સેના અનુસાર, આ યુદ્ધ દરમિયાન કામેંગ સેક્ટરમાં 2,420 ભારતીય સૈનિકો શહિદ થયા હતા. આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે તવાંગમાં એક યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે.
અહીં રાખવામાં આવેલી કેટલીક દુર્લભ તસવીરોમાં 1959ની તસવીર પણ સામેલ છે જેમાં 14મા દલાઈ લામા તિબેટથી ભાગ્યા બાદ ભારતમાં જોઈ શકાય છે.

આ સ્મારક આજે પણ યુદ્ધની તસવીરો, શસ્ત્રો અને અન્ય લશ્કરી સાધનો દ્વારા 1962ની ભયાનક યાદોને તાજી રાખે છે.
નવાંગ છોટ્ટા કહે છે, "અમે એ ઘટનાને ભૂલી શક્યા નથી કારણ કે તે અમારા માટે એક મોટો પાઠ છે કે દુશ્મનની મીઠી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ. અમે તેમાંથી એક પાઠ શીખ્યા છીએ."

'કાફે 62'

1962ના યુદ્ધની યાદો ઝાંખી પડી છે પણ લોકોના મગજમાંથી ગઈ નથી.
તવાંગથી લગભગ 35 કિલોમિટર દૂર આવેલા જંગ નામના નાનકડા શહેરમાં અમે આવું જ એક ઉદાહરણ જોયું.
21 વર્ષ સુધી સેનામાં સેવા આપ્યા બાદ જ્યારે રિનચિન ડ્રેમા નિવૃત્ત થયા ત્યારે તેમણે એક કાફે ખોલ્યું.... 'કાફે 62'.
રિંનચિન ડ્રેમા કહે છે, "1962માં ચીન સાથે થયેલા યુદ્ધને કારણે એ લોકો દ્વારા અમારા વડીલોને ખૂબ હેરાન કર્યા હતા. અમે તેમની યાદગીરી તરીકે આ કાફેનું નામ રાખ્યું છે."
'કાફે 62' દ્વારા, રિંનચિન ડ્રેમા 1962ના યુદ્ધની યાદોને જીવંત રાખવા માંગે છે.

'સીમા પર એન્કાઉન્ટર કંઈ નવી વાત નથી'

તવાંગ શહેરના લોકોનું કહેવું છે કે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર અથડામણ તેમના માટે સામાન્ય બાબત બની ગઈ છે.
તેઓ કહે છે કે ડિસેમ્બરની અથડામણ પછી પણ તવાંગમાં કોઈ ડર કે તણાવનો માહૌલ નહોતો, પરંતુ વ્યવસાયને ચોક્કસ અસર થઈ હતી.
કરમુ તવાંગના માર્કેટમાં કપડાની દુકાન ચલાવે છે. તેઓ કહે છે, "અમારા સ્થાનિકોમાં કોઈ ડર નથી. ઘણીવાર મીડિયામાં સમાચાર આવ્યા પછી જ અમને ખબર પડે છે કે આવું કંઈક થયું છે. પરંતુ મીડિયામાં હોબાળો થયા પછી, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે."
તવાંગના બજારમાં ગિફ્ટ શૉપ ચલાવતા તેંઝીન દારગે પણ ભારપૂર્વક જણાવે છે કે સરહદ પર બંને દેશોની સેનાઓ વચ્ચેની અથડામણની તવાંગના લોકો પર બહુ અસર થતી નથી.
તેઓ કહે છે, "અહીં જીવન સામાન્ય છે. અમને તો સમાચારોથી જ ખબર પડે છે કે સરહદ પર અથડામણ થઈ છે. અમે અહીં સામાન્ય જીવન જીવી રહ્યા છીએ. કોઈ ઉતાર-ચઢાવ નથી."
તવાંગમાં ઘણા લોકો માને છે કે ભારતીય સેના 1962ની સરખામણીમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઘણી સારી રીતે તૈયાર છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે 1962ની ભારતીય સેના અને આજની ભારતીય સેનામાં ઘણો તફાવત છે.
સાથે તેઓ એમ પણ કહે છે કે છેલ્લાંં કેટલાંક વર્ષોમાં આ સમગ્ર વિસ્તારમાં સડક માર્ગોમાં ઘણો સુધારો થયો છે, જેના કારણે ભારતીય સેના સૈનિકો અને લૉજિસ્ટિક્સને ખૂબ જ ઝડપથી સરહદ પર પહોંચાડવાની સ્થિતિમાં આવી ગઈ છે.
નવાંગ છોટ્ટા કહે છે, "તવાંગના કોઈપણ સ્થાનિક સાથે વાત કરો, તેઓ તમને કહેશે કે ભારતીય સેના તો છે જ અને જો જરૂર પડશે તો અમે પણ તેમની પાછળ ઉભા છીએ."
પરંતુ કેટલાક લોકો કહે છે કે જ્યારે ચીનની વાત આવે ત્યારે સાવધાન રહેવું વધુ સારું છે.
થુતાન ચેવાંગ કહે છે, "તે લોકો (ચીન) ધોખેબાજી કરતા રહે છે. દિવસે મીટિંગ કરે છે અને રાત્રે હુમલો કરે છે. એટલે હંમેશા આપણે આપણી આંખો અને કાન ખુલ્લા રાખવા પડશે. તેમના પર જરા સરખો પણ વિશ્વાસ ન કરી શકાય."














