ચીન અમેરિકાના ‘ટેક્નિકલ સિક્રેટ’ કેવી રીતે ચોરી લે છે?

અમેરિકાનાં ટેકનિકલ રહસ્યો ચીન કેવી રીતે ચોરી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નિકોલસ યોંગ
    • પદ, બીબીસી ન્યૂઝ
રેડ લાઇન
  • અમેરિકામાં ‘ચીન માટે ગુપ્ત માહિતી’ ચોરી કરી ટેકનિકલ રહસ્ય છતાં કરવાનો મામલો સામે આવ્યો છે
  • આ મામલાના આરોપી ઝેંગ એક અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક પાવરના કર્મચારી હતા
  • અમેરિકાના ન્યાયવિભાગ તરફથી તેમના પર કંપનની ‘ગુપ્ત’ ફાઇલો ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો
  • અમેરિકન કંપની પાસેથી ચોરાયેલા આ તકનીકી રહસ્યોથી ચીનની સરકાર, ત્યાંની યુનિવર્સિટીઓ અને ચીનની કંપનીઓને ફાયદો થવાનો હતો
  • ઝેંગ આ કામને અંજામ આપવા માટે એક ખૂબ જ આધુનિક ઢબે ‘ગુપ્ત’ માહિતી આગળ મોકલતા હતા
  • અમેરિકાનાં ટેકનિકલ રહસ્યો ચોરી કરવાનો સિલસિલો પાછલા ઘણા સમયથી ચાલ રહ્યો છે, ઉપરોક્ત કિસ્સો પણ તેની જ એક કડી છે
  • એવો આરોપ લગાવાઈ રહ્યો છે કે ટેકનિકલ રહસ્યો ચોરીને ચીન પોતાના અર્થતંત્રને મજબૂત બનાવવા માગે છે
  • આખરે કેવી રીતે આ બધું શક્ય બને છે અને અમેરિકન સુરક્ષા એજન્સીઓ તેનો કઈ રીતે સામનો કરી રહી છે, આ બધું જાણવા માટે બીબીસીનો આ ખાસ અહેવાલ.
બીબીસી ગુજરાતી

તે એક સીધી સાદી તસવીર હતી, જેણે ઝેંગ શિયાઓચિંગના પતનની પટકથા લખી નાખી હતી. ઝેંગ અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક પાવરના કર્મચારી હતા.

અમેરિકાના ન્યાયવિભાગે મૂકેલા આરોપ મુજબ, અમેરિકન નાગરિક ઝેંગ શિયાઓચિંગે તેમની કંપનીની ચોરવામાં આવેલી ગુપ્ત ફાઇલોને ડૂબતા સૂરજની એક ડિજિટલ તસવીરમાં બાઇનરી કોડના સ્વરૂપમાં છુપાવી રાખી હતી અને પછી ખુદ ઝેંગે એ તસવીર પોતાને મેઇલ મારફત મોકલી હતી.

ઝેંગે જે ટેકનિકથી ગુપ્ત માહિતી ચોરી હતી, તેને સ્ટેગાનોગ્રાફી કહેવામાં આવે છે. તેમાં કોઈ ડેટા ફાઇલને બીજી ડેટા ફાઇલમાં કોડ સ્વરૂપે છુપાવાય છે. ઝેંગે જનરલ ઇલેક્ટ્રિકની સંવેદનશીલ માહિતી ચોરવા માટે આ ટેકનિકનો અનેક વખત ઉપયોગ કર્યો હતો.

જનરલ ઇલેક્ટ્રિક એક બહુરાષ્ટ્રીય કંપની છે. તે સ્વાસ્થ્ય, ઊર્જા અને અંતરિક્ષ ક્ષેત્રે મેળવેલી મોટી સિદ્ધિઓ માટે વિખ્યાત છે. આ કંપની ફ્રિજથી માંડીને વિમાનના ઇંજિન સુધીનું બધું જ બનાવે છે.

ઝેંગે જે માહિતી કંપનીમાંથી ચોરી હતી તે ગૅસ તથા વરાળથી ચાલતા ટર્બાઇન બનાવવાની ડિઝાઇન સંબંધી હતી. તેમાં ટર્બાઇનની બ્લેડ અને તેની સીલસંબંધી માહિતી પણ સામેલ હતી. કરોડો ડૉલરના મૂલ્યનું તે ટેકનિકલ રહસ્ય ઝેંગે ચીનમાંના તેના ગુનાના ભાગીદારને મોકલ્યું હતું. અમેરિકન કંપનીમાંથી ચોરવામાં આવેલા આ રહસ્યથી ચીનની સરકાર, ત્યાંની કૉલેજો અને ચીની કંપનીઓને મોટો ફાયદો થવાનો હતો.

મૂલ્યવાન ટેકનિકલ માહિતી ચોરવાના ગુના બદલ ઝેંગ શિયાઓચિંગને આ મહિનાની શરૂઆતમાં બે વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી.

ઝેંગનો આ કિસ્સો ચીન દ્વારા અમેરિકાનાં ટેકનિકલ રહસ્યો ચોરવાના લાંબા સિલસિલાની નવીનતમ કડી છે, જે બદલ અમેરિકન અધિકારીઓ ઔદ્યોગિક જાસૂસી કરતા લોકો વિરુદ્ધ કેસ ચલાવી રહ્યા છે. વ્યવસાયે જાસૂસ ચીની નાગરિક શૂ યાનજૂનને ગત નવેમ્બરમાં 20 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી. અમેરિકાના ઉડ્ડયન તથા અંતરિક્ષઉદ્યોગની અનેક કંપનીઓની ગુપ્ત ટેકનિકલ માહિતી ચોરવા બદલ શૂ દોષિત સાબિત થયા હતા. એ કંપનીઓમાં જનરલ ઇલેક્ટ્રિક પણ સામેલ છે.

અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ચીન ટેકનિકલ રહસ્યોની માહિતી મેળવીને પોતાના અર્થતંત્રને શક્તિશાળી બનાવવા ઇચ્છે છે, જેથી તે વર્તમાન ભૂ-રાજકીય વ્યવસ્થાને પડકારી શકે. બીજી તરફ અમેરિકા પોતાના દબદબાને પડકારી શકે તેવા કોઈ પણ દેશના સામે આવતો રોકવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇકૉનૉમિક ઇન્ટેલિજન્સ યુનિટના નિક મારો કહે છે કે, “ટેકનિકલ રહસ્યો ચોરવાનું કામ આકર્ષક ધંધો છે, કારણ કે આવા રહસ્યની માહિતી મેળવીને કોઈ પણ દેશ વૈશ્વિક મૂલ્ય આધારિત શૃંખલામાં ઝડપથી લાંબા છલાંગ લગાવી શકે છે. વળી એ માટે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિક વિકાસવવા માટે વધારે પૈસા કે સમયનું રોકાણ પણ કરવું પડતું નથી.”

અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઇના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ ગત જુલાઈમાં લંડનમાં બિઝનેસ જગતના દિગ્ગજો તથા વિદ્વાનો સમક્ષ જણાવ્યું હતું કે ચીનનું લક્ષ્ય પશ્ચિમી દેશોની બૌદ્ઘિક સંપદા ‘લૂંટવાનું’ છે, જેથી તે પોતાના ઔદ્યોગિક વિકાસને ગતિ આપી શકે અને આખરે અગ્રણી ઉદ્યોગોમાં પગદંડો જમાવી શકે.

ક્રિસ્ટોફર રેએ ચેતવણી આપી હતી કે ચીન વર્તમાન સમયમાં “મોટાં શહેરોથી માંડીને નાનાં ગામડાં સુધી, ફોર્ચ્યુન 100 કંપનીઓથી માંડીને સ્ટાર્ટ અપ કંપનીઓ સુધી, વિમાનઉદ્યોગથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને દવા ઉદ્યોગ સુધી” છીંડાં પાડીને ટેકનિકલ રહસ્યો ચોરવામાં વ્યસ્ત છે.

ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ચાઓ લીજિયને તે સમયે કહ્યું હતું કે “ક્રિસ્ટોફર રે ચીનની ઇમેજ ખરાબ કરી રહ્યા છે અને તેમની માનસિકતા શીતયુદ્ધના સમયની છે.”

ગ્રે લાઇન

‘ચીન અમારી હેસિયત કમજોર કરવા માગી રહ્યું છે’

એલન કોહલર જુનિયર

ઇમેજ સ્રોત, JUSTICE.GOV

અમેરિકાના ન્યાયવિભાગના એક નિવેદનમાં એફબીઆઈના એલન કોહલર જુનીયરે ઝેંગ બાબતે કહ્યું હતું કે ચીન “અમેરિકાની સાદગી પર હુમલો કરી રહ્યું છે અને તે અમેરિકાને વૈશ્વિક નેતાના પદ પરથી હઠાવવા ઇચ્છે છે.”

ઝેંગ એક ઇજનેર હતા અને ટર્બાઇન સીલ કરવાની ટેકનિકમાં તેઓ નિષ્ણાત હતા. તેઓ સ્ટીમ ટર્બાઇન ઇજનેરી ક્ષેત્રે લીકેજ નિવારણની ઘણી ટેકનિક પર કામ કરી રહ્યા હતા.

અમેરિકાના ન્યાયવિભાગે જણાવ્યું હતું કે, “ટર્બાઇનની તાકત કે કુશળતામાં વધારા મારફતે હોય કે પછી ઇંજિનના વપરાશની વયવધારા મારફત હોય,” પરંતુ આ પ્રકારની સીલને કારણે ટર્બાઇનની કામ કરવાની ક્ષમતામાં મોટો વધારો થાય છે.

વિમાનને શક્તિ આપતું ગૅસ ટર્બાઇન ચીનના વિમાનઉદ્યોગના વિકાસના કેન્દ્રમાં છે. ચીનના અધિકારીઓ વિદેશી ટેકનિક પરની નિર્ભરતા ઘટાડવા અને અન્ય દેશોથી આગળ નીકળી જવા જે દસ ઉદ્યોગો પર ખાસ ધ્યાન આપી રહ્યા છે તેમાં અંતરિક્ષ તથા વિમાનઉદ્યોગનો પણ સમાવેશ થાય છે.

જોકે, ચીન તેની ઔદ્યોગિક જાસૂસી મારફત ઘણા અન્ય ઉદ્યોગોને પણ પોતાનું નિશાન બનાવી રહ્યું છે.

સિલિકોન વેલીસ્થિત સલાહકાર કંપની કોન્સ્ટેલેશન રિસર્ચના સ્થાપક તથા સીઈઓ રે વૈંગના જણાવ્યા મુજબ, ચીન દવાઓ વિકસાવવા તથા નેનો ટેકનિકનાં રહસ્યો ચોરવાના ભરપૂર પ્રયાસ પણ કરી રહ્યું છે. નેનો ટેકનિક બહુ જ બારીક સ્તરની ઇજનેરી અને ટેકનિક છે, જેનો ઉપયોગ દવાઓ, વસ્ત્રો તથા મોટર કાર બનાવવા માટે કરવામાં આવે છે.

રે વૈંગ ફોર્ચ્યૂન 100 કંપનીના સંશોધન તથા વિકાસવિભાગના ભૂતપૂર્વ વડા સાથે બનેલી ઘટના કહી સંભળાવી હતી. એ અધિકારીએ વૈંગને જણાવ્યું હતું કે “તેઓ જે વ્યક્તિ પર સૌથી વધુ ભરોસો કરતા હતા, તેમના અને તે વ્યક્તિનાં સંતાનો પણ સાથે મોટાં થયાં હતાં એ વ્યક્તિ ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી પાસેથી પૈસા લઈને તેના માટે જાસૂસી કરતો હતો, તેની ખબર તેમને મોડેથી પડી હતી.”

વૈંગ કહે છે કે, “ભૂતપૂર્વ વડાના કહેવા મુજબ, આવા જાસૂસો આખી દુનિયામાં ફેલાયેલા છે.”

નિક મારોના જણાવ્યા મુજબ, આ અગાઉ જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને સિંગાપુર જેવા દેશોએ ટેકનિકલ રહસ્યો ચોરવામાં આવતાં હોવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ એ દેશોની કંપનીઓ માર્કેટમાં નવી ટેકનિક રજૂ કરવા લાગી ત્યારથી એમણે પોતાની બૌદ્ધિક સંપદાનું રક્ષણ શરૂ કર્યું છે. તેથી એ દેશોની સરકારોએ પણ ગુપ્ત ટેકનિકલ માહિતીની ચોરીના મુદ્દાને ગંભીર ગણવાનું શરૂ કર્યું છે અને ચોરી રોકવા માટે કાયદા બનાવ્યા છે.

નિક મારો કહે છે કે, “ચીનની કંપનીઓ છેલ્લા એક દાયકા દરમિયાન નવી-નવી શોધમાં આગળ નીકળી રહી છે એ પછી જ ઘરેલુ બૌદ્ધિક સંપદા અધિકારના રક્ષણના નક્કર પ્રયાસોમાં વેગ જોવા મળી રહ્યો છે.”

ગ્રે લાઇન

હૅકિંગ અંગે સમજૂતી એક ‘મજાક’ છે

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ખાસ કરીને હૅકિંગ રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 2015માં ચીન અને અમેરિકાએ એક કરાર કર્યો હતો. તે કરાર હેઠળ બન્ને દેશોએ વચન આપ્યું હતું કે “સાઇબર ટેકનિકની મદદથી બૌદ્ધિક સંપદાની ચોરી નહીં કરીએ. તેમાં બિઝનેસની વૃદ્ધિ માટે ઉપયોગી ગુપ્ત ટેકનિકલ માહિતી તથા બીજાં વેપારી રહસ્યોનો પણ સમાવેશ થાય છે.”

જોકે, તે કરારના પછીના જ વર્ષે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ ચીન પર તે કરારના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો. તેની સાથે અમેરિકન એજન્સીએ એ પણ સ્વીકાર્યું હતું કે સરકારી તથા બિઝનેસ ડેટા ચોરવા માટેના હૅકિંગના પ્રયાસોમાં “બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે.”

નિરીક્ષકો માને છે કે આ કરારથી બહુ મામૂલી ફરક પડ્યો છે. રે વૈંગ કહે છે કે કડકાઈથી અમલ નહીં થવાને કારણે આ કરાર એક ‘મજાક’ બની ગયો છે. ચીન દ્વારા અમેરિકાની વ્યાપક પ્રમાણમાં સાઇબર જાસૂસી કરવામાં આવી રહી છે અને ચીન અમેરિકાની પ્રયોગશાળાઓમાં પણ ઘૂસી ગયું છે.

રે વૈંગે બીબીસીને કહ્યું હતું કે, “પશ્ચિમી દુનિયાના બિઝનેસ જગતના દરેક ક્ષેત્રમાં ઘૂસણખોરી કરીને ચીન સતત જાસૂસી કરી રહ્યું છે.”

અલબત્ત, સિંગાપુરની નેશનલ યુનિવર્સિટીના લિમ તાઈ વેઈએ કહ્યું હતું કે, “ચીનની સાઇબર જાસૂસીમાં વૃદ્ધિ સંદર્ભે, પડકારી ન શકાય તેવો કોઈ ચોક્કસ અભ્યાસ કરવામાં આવ્યો નથી.”

લિમે કહ્યું હતું કે, “ચીન દ્વારા અમેરિકાની સાઇબર જાસૂસીમાં ઘટાડો થયો હોવાનું કેટલાક લોકો માનતા હતા, પરંતુ એ જાસૂસી ટૂંક સમયમાં જ જૂના સ્તરે પહોંચી ગઈ હતી. કેટલાક અન્ય લોકો એવું માને છે કે ચીન તથા અમેરિકા વચ્ચેનો કરાર નિષ્ફળ રહ્યો તેનું કારણ એ છે કે બન્ને દેશ વચ્ચેનો સંબંધ જ બહુ બગડી ગયો હતો.”

આ દરમિયાન અમેરિકા સેમિકન્ડક્ટરના મહત્ત્વના ઉદ્યોગમાં ચીનની પ્રગતિ રોકવા માટે અમેરિકા પ્રત્યક્ષ પ્રયાસ કરી રહ્યું છે. સેમિકન્ડક્ટર ટેકનિક સ્માર્ટ ફોનથી માંડીને યુદ્ધની નવી ટેકનિક સુધીના દરેક ઉદ્યોગના વિકાસની કરોડરજ્જુ છે. અમેરિકાનું કહેવું છે કે ચીને આ ટેકનિક હાંસલ કરી તે અમેરિકાની રાષ્ટ્રીય સલામતી માટે ખતરો છે.

ગત ઑક્ટોબરમાં અમેરિકાએ અત્યાર સુધીના સૌથી વ્યાપક નિકાસ પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તે મુજબ, અમેરિકન ટેકનિક કે સૉફ્ટવેરનો ઉપયોગ કરીને ચિપ બનાવતી કંપનીઓએ ચિપની નિકાસ ચીનમાં કરવા માટે અમેરિકા પાસેથી લાઇસન્સ લેવું પડશે, પછી ભલે તે કંપની અમેરિકામાં ચિપનું ઉત્પાદન કરતી હોય કે દુનિયાના બીજા કોઈ ખૂણામાં. અમેરિકાએ તેના નાગરિકો તથા ગ્રીનકાર્ડ ધારકો પર ચોક્કસ ચીની ચિપ કંપનીઓમાં કામ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. ગ્રીનકાર્ડ ધરાવતા લોકો અમેરિકાના એવા સ્થાયી નિવાસીઓ છે, જેમને અમેરિકામાં કામ કરવાનો અધિકાર છે.

નિક મારોએ જણાવ્યું હતું કે આ ઉપાયથી ચીનની પ્રગતિની ગતિ થોડી ધીમી જરૂર પડશે, પરંતુ અમેરિકાનાં આ પગલાંથી ચીન પોતાની ટેકનિકલ સપ્લાય ચેઇનમાંથી અમેરિકન તથા બીજાં વિદેશી ઉત્પાદનને હઠાવવાના પ્રયાસને પણ વેગવંતા બનાવશે.

નિક મારો કહે છે કે, “ચીન છેલ્લાં ઘણાં વર્ષોથી આવા પ્રયાસ કરી રહ્યું છે. તેમાં તેને ખાસ સફળતા મળી નથી, પરંતુ અમેરિકાનાં હાલનાં નિયંત્રણો બાદ હવે ચીન પર નીતિગત લક્ષ્યાંકોને ઝડપથી હાંસલ કરવાનું દબાણ વધી ગયું છે.”

ચીનની વાત કરીએ તો તે પોતાની રાષ્ટ્રીય સલામતીને હવાલો આપી રહ્યું છે. તેથી વિશ્વના બે સૌથી મોટાં અર્થતંત્ર માટે ટેકનિકની બાબતમાં મોખરે રહેવાની સ્પર્ધા વધુ વેગવંતી બનવાની આશંકા છે. જોકે, તેમાં અત્યારે તો અમેરિકા જ આગળ છે, એવું રે વૈંગ માને છે.

રે વૈંગે કહ્યુ હતું કે “સાઇબર સલામતી ક્ષેત્રે કાર્યરત મારા દોસ્તો જણાવે છે કે તેઓ ચીનની વેબસાઈટ્સ હેક કરે છે ત્યારે તેમને ત્યાં જે ઉપયોગ લાયક ટેકનિક મળે છે તે અમેરિકાની જ બૌદ્ધિક સંપદા હોય છે.”

રેડ લાઇન
રેડ લાઇન