ચીન : દિવસ-રાત બની રહ્યાં છે તાબૂત, કોવિડ લહેરમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, સ્ટીફન મૅકડોનેલ
- પદ, બીબીસી સંવાદદાતા

- ચીનમાં કોવિડના કારણે સંખ્યાબંધ મૃત્યુ થઈ રહ્યાં હોવાનું બીબીસીની તપાસમાં સામે આવ્યું
- મહામારીથી એટલાં બધાં મૃત્યુ થઈ રહ્યાં છે કે ગ્રામીણ વિસ્તારોમાં ઠેરઠેર કબરો દેખાઈ રહી છે
- ડિસેમ્બરમાં કોવિડ પ્રતિબંધો હઠ્યા બાદ ચીનની એક અબજની વસતિમાંથી 80 ટકા લોકો મહામારીની પકડમાં આવી ચૂક્યા છે

ચીનના ઉત્તરે આવેલા ક્ષેત્ર શાંશી પ્રાંતમાં આજકાલ તાબૂત બનાવનારા ઘણા વ્યસ્ત છે. અમે જોયું કે કુશળ કારીગરો તાજી લાકડીઓથી બનેલાં તાબૂતો પર નકશીકામ કરી રહ્યા છે. તેમનું કહેવં છે કે પાછલા અમુક મહિનામાં તેમને બિલકુલ ફુરસદ મળી નથી. તેઓ સતત આ કામ કરી રહ્યા છે.
ચીનમાં કોવિડથી લોકોનાં મૃત્યુ થવાનો સિલસિલો ચાલુ છે. અને લોકો વચ્ચે એવી ચર્ચા છે કે આખરે ચીનમાં કોવિડથી થનારાં મૃત્યુનો ખરો આંકડો શું છે.
ચીનમાં ડિસેમ્બરમાં ઝીરો કોવિડ પૉલિસી ખતમ કરાઈ અને કોવિડ પ્રતિબંધ હળવા કરી દેવાયા.
દેશના ટોચના મહામારી વિશેષજ્ઞ વુ જુનયુ પ્રમાણે ડિસેમ્બરમાં કોવિડ પ્રતિબંધો હઠ્યા બાદ ચીનની એક અબજની વસતિમાંથી 80 ટકા લોકો મહામારીની પકડમાં આવી ચૂક્યા છે.
ગત અઠવાડિયે ચીનમાં કોવિડથી 13 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. અને ડિસેમ્બરમાં સમગ્ર દેશમાં કોવિડથી 60 હજાર લોકોનાં મૃત્યુ થયાં.
પરંતુ આ તો માત્ર એ મૃત્યુ છે જે હૉસ્પિટલોમાં થયાં. ચીનનાં ગામડાંમાં હૉસ્પિટલો ખૂબ ઓછી છે. તેથી ત્યાં થનારાં મૃત્યુના વાસ્તવિક આંકડા નથી આવી શકી રહ્યા. જે લોકોનાં ઘરોમાં મૃત્યુ થઈ રહ્યાં છે તે પૈકી મોટા ભાગની ગણતરી નથી થઈ રહી.
ગામડાંમાં કોવિડથી થનારાં મૃત્યુ વિશે તો કોઈ આંકલન પણ રજૂ નથી કરાયું. પરંતુ બીબીસીને મરનારાની સંખ્યામાં વૃદ્ધિ થઈ હોવાના પુરાવા મળ્યા.

તાબૂત અને અંતિમ સંસ્કારના સામાનનું વેચાણ વધ્યું

ઇમેજ સ્રોત, Getty Images
અમે સ્મશાનોમાં ફર્યા. ત્યાં પણ અમને ઘણી ભીડ દેખાઈ. ત્યાં ભારે સંખ્યામાં શોકમગ્ન, સફેદ કપડાં પહેરેલા લોકો તાબૂત સાથે દેખાયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક ગામમાં અમે જોયું કે એક પુરુષ અને મહિલા એક સપાટ ટ્રક પર ટિશ્યૂ પેપરથી બનેલ વિશાળકાય પક્ષીઓને લાદી રહ્યાં છે. મહિલાએ કહ્યું, “આ સારસ છે. એ વિશ્વમાં આપ સારસની સવારી કરો છો.”
તેમનું કહેવું છે કે તાબૂતો સાથે મુકાતા સજાવટના સામાનની માગ વધતી જઈ રહી છે. હાલ સામાન્ય કરતાં બે-ત્રણ ગણી માગ છે.
શાંશીના વિસ્તારમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા કારોબાર સાથે સંકળાયેલા લોકો અમને મળ્યા, બધાએ એક જ વાત કરી. તેમનું કહેવું હતું કે મૃત્યની સંખ્યા વધી છે. આ મૃત્યુ કોવિડના કારણે થઈ રહ્યાં છે.
અમે એ ટ્રકની પાછળ પાછળ ગયા અને ત્યાં પહોંચ્યા જ્યાં એ સામાન પહોંચાવાઈ રહ્યો હતો. ત્યાં અમને વાંગ પિવી મળ્યા, જેમનાં ભાભીનું તાજેતરમાં જ મૃત્યુ થયું હતું...
બે બાળકોનાં માતા એવાં તેમનાં ભાભી 50 વર્ષનાં હતાં, તેમને ડાયાબિટીસ હતો અને પછી તેઓ કોરોના વાઇરસનો શિકાર બન્યાં.
એ ઘરના પ્રાંગણમાં અંતિમ યાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતો સામાન ઠેર ઠેર દેખાઈ રહ્યો હતો. પિવીએ જણાવ્યું કે 16 લોકો આ તાબૂતને લઈ જશે અને પછી અંતિમ સંસ્કાર થશે.
તેમણે કહ્યું કે કોવિડથી થઈ રહેલાં મૃત્યુમાં વધારાના કારણે અંતિમ સંસ્કારની વ્યવસ્થાનો ખર્ચ ઘણો વધી ગયો છે. તેમણે કહ્યું કે તેમના સન્માનમાં વધારાનો ખર્ચ કરાશે.
પિવી કહે છે કે, “તે શાનદાર મહિલા હતાં. અમારે તેમના અંતિમ સંસ્કારને ભવ્ય બનાવવાનો છે. અમે જેટલું કરી શકીએ એટલું કરીશું.”

ગામડાંમાં સંક્રમણ અને કબરોની વધતી જતી સંખ્યા

દર વર્ષે ચાઇનીઝ નવા વર્ષે કરોડો યુવાનો પોતાનાં ગૃહ શહેરોની યાત્રા કરે છે. પરિવાર અને મિત્રો સાથે મળવાનો આ મહત્ત્વપૂર્ણ સમય હોય છે.
આ ચીનનો સૌથી મોટો તહેવાર છે. જે ગામડાંમાં લોકો પાછા ફરી રહ્યા છે હવે ત્યાં મોટા ભાગે વૃદ્ધો જ રહી ગયા છે અને તેમને કોવિડ થવાનો સૌથી વધુ ડર છે.
ચીનમાં હવે એ વાતનો અત્યંત ડર છે કે તહેવારમાં ભારે સંખ્યામાં લોકોની પોતાના ઘરે પાછા ફરવાની પ્રક્રિયા દેશના સુદૂર વિસ્તારોમાં પણ કોવિડ ફેલાવી શકે છે અને તેનાં ઘાતક પરિણામ હોઈ શકે છે.
સરકારે શહેરમાં રહી રહેલા લોકોને કહ્યું છે કે તેમનાં ઘરના લોકો કોવિડથી સંક્રમિત ન હોય તો તેઓ તેમણે ત્યાં ન જવું.
ગામડામાં પોતાનું નાનું એવું ક્લિનિક ચલાવતા ડૉક્ટર દોંગ યોંગમિંગનું માનવું છે કે તેમના ગામના લગભગ 80 ટકા લોકોને કોવિડ થઈ ચૂક્યો છે.
તેઓ કહે છે કે, “અમારા અહીં આવનારા દર્દીઓ પહેલાંથી બીમાર જ હતા. અમારા ગામડે એક ક્લિનિક છે. જેમનાં મૃત્યુ થયાં છે તેમને અગાઉથી જ કોઈક ને કોઈક બીમારી હતી.”
આ વિસ્તારોમાં જે લોકોનાં મૃત્યુ થાય છે તેમને ખેતરોમાં દફનાવાય છે. લોકો કબરોની આસપાસ પાક લે છે કે પછી ઢોર પાળે છે.

મૃત્યુ કરતાં વધુ જીવનની ફિકર

આ વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતાં અમે જોયું કે નવી નવી ઘણી કબરો પર માટીના ઢગલા છે અને તેના પર લાલ ઝંડા લાગેલા છે. આ દૃશ્ય અમને વારંવાર જોવા મળ્યું. બકરીઓ ચરાવતા એક ખેડૂતે કહ્યું કે આ કબરો બિલકુલ નવી છે.
તેમણે કહ્યું, “લોકો અહીં મૃત્યુ બાદ વૃદ્ધોને દફનાવે છે. અહીં આવી સંખ્યાબંધ કબરો બની છે.”
તેમણે કહ્યું કે અહીં અમુક હજાર લોકો રહે છે અને હાલમાં જ કોવિડ લહેરમાં 40 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
તેઓ કહે છે કે, “દરરોજ કોઈ ને કોઈ મરી રહ્યું છે. આજે કોઈ, તો કાલે કોઈ. પાછલા મહિનાથી મૃત્યુનો આ સિલસિલો રોકાઈ જ નથી રહ્યો.”

પરંતુ આ સુદૂર ગ્રામીણ વિસ્તારોના લોકો વચ્ચે જીવન અને મૃત્યુને લઈને એક દાર્શનિક અંદાજ જોવા મળે છે. તેઓ કહે છે કે લોકો પહેલાંની જેમ જ નવું વર્ષ ઊજવશે.
તેઓ કહે છે કે, “મારાં દીકરા-વહુ જલદી જ આવવાનાં છે.”
મેં તેમને પૂછ્યું કે જે પ્રકારે ઝડપથી લોકો શહેરમાંથી ગામડા તરફ આવી રહ્યા છે તેનાથી શું અહીં સંક્રમણ ફેલાવાની ચિંતા વધી છે.
આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, “લોકોએ ચિંતા ન કરવી જોઈએ. ગભરાવાની જરૂરિયાત નથી. જો તમે સંતાઈને રહેશો તો સંક્રમિત થશો. અમારા પૈકી મોટા ભાગના લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અમે બિલકુલ ઠીક છીએ.”
તેમનું અને તેમના જેવા ઘણા લોકોનું માનવું છે કે કોવિડનો સૌથી ખતરનાક સમયગાળો વીતી ચૂક્યો છે. લોકો વિચારે છે કે મૃત્યુના સ્થાને જીવનને વધુ મહત્ત્વ અપાવું જોઈએ. ઓછામાં ઓછું આ સમય તો જીવિત લોકો સાથે પસાર કરવાનો છે ના કે મૃત વ્યક્તિઓ દફન કરવાનો.














