ચીને સરહદની સુરક્ષા માટે ઘડેલો સીમાકાયદો શું છે અને ભારતે કેમ ચિતિંત થવું જોઈએ?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત સાથે ચાલી રહેલા સીમાવિવાદ વચ્ચે ચીને પોતાની સરહદોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે શનિવારે એક નવો કાયદો પસાર કર્યો છે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર ચીનનો આ નવો સીમાકાયદો આગામી વર્ષે એક જાન્યુઆરીથી લાગુ થવાનો છે.

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનનો આ નવો સીમાકાયદો આગામી વર્ષે એક જાન્યુઆરીથી લાગુ થવાનો છે

ભારત સાથે જોડાયેલી સીમા પર એપ્રિલ 2020થી ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાયેલી છે.

વિયેતનામ અને મ્યાનમાર બાજુથી અવૈધ રીતે સીમા પાર કરનારા લોકોને કારણે ચીન સામે કોરોના સંક્રમણ સામે લડવાનો પડકાર વધી ગયો છે.

સાથે જ તાલિબાનની સત્તામાં વાપસી બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચીન સતત નજર રાખી રહ્યું છે.

line

ચીનનો નવો સીમાકાયદો

સૈનિક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માનવામાં આવે છે કે પહેલી વાર ચીને સીમાસુરક્ષાની વ્યવસ્થાને લઈને કોઈ કાયદો પસાર કર્યો છે

ચીનને એ વાતનો ડર છે કે શિનજિયાંગ પ્રાંતના વિગર મુસલમાનો સાથે સંબંધ રાખનારા ઇસ્લામી ચરમપંથીઓ સરહદ પાર કરીને તેની તરફ આવી શકે છે.

જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ કાયદાની સીમાસુરક્ષાની વ્યવસ્થા પર કેવી અસર પડશે, પણ તમામ જાણકારો આ નવા કાયદાને ભારત-ચીન સીમાવિવાદ સાથે જોડીને જોઈ રહ્યા છે.

માનવામાં આવે છે કે પહેલી વાર ચીને સીમાસુરક્ષાની વ્યવસ્થાને લઈને કોઈ કાયદો પસાર કર્યો છે. 14 દેશો સાથે તેની અંદાજે 22 હજાર કિલોમીટર લાંબી સીમા જોડાયેલી છે.

તેમાંથી 12 દેશો સાથે ભૂમિ સીમાવિવાદનો ઉકેલ ચીન લાવી ચૂક્યું છે. ભુતાન સાથે જોડાયેલી 400 કિલોમીટરની સીમા પર આ વર્ષે 14 ઑક્ટોબરે ચીને સીમાવિવાદનો અંત લાવવા માટે થ્રી-સ્ટેપ રોડમૅપના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

જોકે ભારત એકમાત્ર એવો દેશ છે, જેની સાથે ચીનનો જમીન સીમાવિવાદ હજુ સુધી ચાલુ છે.

line

નવા કાયદામાં શું જોગવાઈ છે?

ભારત, ચીન

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, આ કાયદામાં સીમા સાથેના વિસ્તારોમાં 'નિર્માણકાર્યો'ને બહેતર કરવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે

આ કાયદો એવા સમયે આવ્યો છે, જ્યારે ચીનનો ભારત સાથે પૂર્વીય લદ્દાખ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં લાંબા સમયથી સીમાવિવાદ ચાલી રહ્યો છે.

કમાન્ડર સ્તરની અનેક મંત્રણા બાદ પૂર્વીય લદ્દાખમાં એક વર્ષથી વધુ સમયથી ચાલતા વિવાદનો અંત હજુ આવ્યો નથી.

ચીને નવા જમીન સીમાકાયદામાં સીમાની સુરક્ષાને 'ચીનની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા' સાથે જોડી દીધી છે.

જોકે જાણકારોનું કહેવું છે કે જરૂરી નથી કે જમીન સીમાકાયદા બાદ સીમાસુરક્ષાની રીતોમાં બદલાવ કરે, પરંતુ આ પોતાની સીમાઓને સંભાળવા ચીનનો વધતો આત્મવિશ્વાસ દર્શાવે છે.

કાયદો કહે છે કે સીમાસુરક્ષાને ખતરો પેદા કરનારા કોઈ સૈન્યઘર્ષણ કે યુદ્ધની સ્થિતિમાં ચીન પોતાની સીમાઓ બંધ કરી શકે છે.

આ કાયદામાં સીમા સાથેના વિસ્તારોમાં 'નિર્માણકાર્યો'ને બહેતર કરવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

નવા કાયદામાં સીમાની સાથેસાથે 'સીમાવર્તી વિસ્તારો'માં નિર્માણ, કાર્યસંચાલનમાં સુધારો અને નિર્માણ માટે સહાયતા-ક્ષમતામાં મજબૂતીને પણ સામેલ કરાઈ છે.

કાયદો કહે છે કે સીમા સાથેના વિસ્તારોમાં ચીન સીમાસુરક્ષાને મજબૂત કરવા, આર્થિક અને સામાજિક વિકાસમાં સહયોગ, સાર્વજનિક સેવાઓ અને આધારભૂત માળખામાં સુધારા માટે પગલાં ભરી શકે છે.

line

ભારતે ચિતિંત થવું જોઈએ?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, TWITTER@NARENDRAMODI

ઇમેજ કૅપ્શન, વર્ષ 2018-19ના વાર્ષિક રિપોર્ટમાં ભારતના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે સરકારે ભારત-ચીન સીમા પર 3812 કિલોમીટર વિસ્તાર રોડનિર્માણ માટે નક્કી કર્યો છે

જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીના પ્રોફેસર સ્વર્ણસિંહ કહે છે, "ચીનનો પાકિસ્તાનની સાથે સીમાને લઈને 1963માં કરાર થયો હતો. એ કરાર 'અસ્થાયી' હતો. પણ ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા છે, જે કોઈનાથી પણ અજાણી નથી. આથી આજના સંદર્ભમાં ચીનનો સીમાવિવાદ માત્ર ભારત અને ભુતાન સાથે છે. ભુતાન સાથે પણ વાતચીતના માધ્યમથી ઉકેલની કોશિશો ચાલુ છે. એવામાં ભારતની મુશ્કેલીઓ નવા કાયદાથી સૌથી વધુ વધી શકે છે."

તેઓ કહે છે, "ચીનના નવા કાયદામાં દરિયાની સીમાઓની વાત નથી કરાઈ. આ કાયદો માત્ર જમીન સીમા પર લાગુ છે. તેમજ કાયદામાં બે શબ્દો પર ભાર મૂકવામાં આવ્યો છે. 'પ્રોટેક્શન' એટલે કે સીમાની સુરક્ષા અને બીજો છે 'એક્સપ્લૉયટેશન'. અહીં આ શબ્દનો અર્થ 'વિકાસ'થી જોડાયેલો છે."

પ્રોફેસર સ્વર્ણસિંહ નવા કાયદામાં 'સીમાવર્તી વિસ્તારો'ના ઉપયોગને પણ મહત્ત્વનો ગણે છે.

તેઓ કહે છે, "ભારતના પરિપ્રેક્ષ્યમાં તેનો અર્થ એ થયો કે ચીને સુરક્ષા-વ્યવસ્થાને સીમા નહીં પણ સીમાની આસપાસના ક્ષેત્રના આર્થિક અને સામાજિક વિકાસની સાથે જોડી દીધી છે."

"સરળ ભાષામાં સમજીએ તો હવે ચીન બૉર્ડરની પાસે નવું શહેર વસાવશે, તેને રેલ, રોડ, વીજળી જેવી સુવિધાઓથી જોડાશે. સીમાક્ષેત્રમાં વિકાસ કરીને ચીન પોતાની સુરક્ષા અને સંપ્રભુતાને વધુ મજબૂત કરવા માગે છે."

વીડિયો કૅપ્શન, સના-દાઉદની પ્રેમકહાણીમાં નવો સુખદ વળાંક

પરંતુ એવું નથી કે ચીન અગાઉ સીમા સાથેના 'ક્ષેત્ર'ને નજરઅંદાજ કરતું હતું.

ગત સપ્તાહે ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, 2020ના અંત સુધીમાં સીમાસુરક્ષા સુદૃઢ કરવા માટે ચીને તિબેટ સીમા પર 600 સારી કક્ષાનાં સીમાવર્તી ગામોનું નિર્માણ કર્યું હતું. એ ગામોને જોડતા રસ્તાઓ પણ સારા છે. કમસે કમ 130 નવા રસ્તા બન્યા છે અથવા તેનું સમારકામ કરાયું છે. આ બધું કામ 3080 કિલોમીટર વિસ્તારમાં કરાયું છે.

એવામાં સવાલ થાય કે નવો કાયદો આવવાથી ભારત માટે શું બદલાઈ જશે?

આ સવાલનો જવાબ વરિષ્ઠ પત્રકાર ગઝાલા વહાબ આપે છે. ગઝાલા 'ફોર્સ' મૅગેઝિનનાં કાર્યકારી સંપાદક છે. તેમણે ચીન પર 'ડ્રૅગન ઑન ઑવર ડોરસ્ટેપ' નામનું પુસ્તક પણ લખ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "ભારત અત્યાર સુધી એમ વિચારતું રહ્યું કે ચીન સાથેના સીમાવિવાદનો ઉકેલ વાતચીતથી આવી જશે. પણ ચીને 'સીમાવિવાદ'ને પોતાની 'સંપ્રભુતા' સાથે જોડીને તેનું સ્તર ઘણું ઊંચું કરી દીધું છે. હવે વાતચીતથી આખો મામલો નહીં ઉકેલાય. હવે માત્ર 'ચીનની શરતો' પર જ ઉકેલ આવશે. ચીન ભારતને જે પણ 'ઑફર' આપે, જો ભારત તેને માની લે તો ઠીક છે, નહીં તો ચીન જે કરવા માગે છે એ કરી શકે છે, જેમાં યુદ્ધનો વિકલ્પ પણ સામેલ છે."

line

ભારતની તૈયારી

સૈનિક

ઇમેજ સ્રોત, Getty Images

ભારત-ચીનની 3,488 કિમીની લાંબી જમીન સીમા જોડાયેલી છે. આ સીમા જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશથી પસાર થાય છે.

આ ત્રણે સૅક્ટરોમાં વિભાજિત છે- પશ્ચિમ સૅક્ટર એટલે જમ્મુ-કાશ્મીર, મધ્ય સૅક્ટર એટલે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અને પૂર્વ સૅક્ટર એટલે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ.

બંને દેશો વચ્ચે હજુ સુધી સંપૂર્ણ સીમાંકન થયું નથી, કેમ કે ઘણા વિસ્તારોને લઈને બંને દેશો વચ્ચે સીમાવિવાદ છે.

આ વિવાદોને કારણે બંને દેશો વચ્ચે ક્યારેય સીમા-નિર્ધારણ થઈ શક્યું નથી. જોકે યથાસ્થિતિ જાળવી રાખવા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે લાઇન ઑફ એક્ચ્યુલ કંટ્રોલ (એલએસી) શબ્દનો ઉપયોગ થાય છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સંજય કુલકર્ણી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર 1982થી 1984 સુધી તહેનાત હતા. પછી 2013 અને 2014 સુધી તેમણે ભારતીય સેનાની 14 કૉરના ચીફ ઑફ સ્ટાફ તરીકે પણ કામ કર્યું.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "નવા કાયદાનો મતલબ એ છે કે હવે ચીન કહેશે કે ભારતે તેમના વિસ્તારો કબજે કર્યા છે, જ્યારે ભારત કહેતું આવ્યું છે કે ચીને તેના વિસ્તારો પર કબજો કર્યો છે."

પરંતુ એવું નથી કે સીમા ક્ષેત્રમાં ચીન તરફથી થઈ રહેલા 'નિર્માણકાર્યો' મામલે ભારત બેસી રહ્યું છે. આ દિશામાં ભારત પણ કામ કરી રહ્યું છે.

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સંજય કુલકર્ણી કહે છે, "ભારત એલએસીને માને છે અને તેનાથી આગળ ગયું નથી. એ એલએસી પર ભારતે પણ પોતાની સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મજબૂત કરી છે. ભારતે પણ આ વિસ્તારોમાં ટનલ, બ્રિજ, હેલિપૅડ અને રસ્તાઓ બનાવ્યાં છે. એ ખરું કે ભારત-ચીનના એલએસી પરના 'પરસેપ્શન' પણ અંતર છે."

વર્ષ 2018-19ના વાર્ષિક રિપોર્ટમાં ભારતના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે સરકારે ભારત-ચીન સીમા પર 3812 કિલોમીટર વિસ્તાર રોડનિર્માણ માટે નક્કી કર્યો છે.

ભારત, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત-ચીનની 3,488 કિમીની લાંબી જમીન સીમા જોડાયેલી છે.

તેમાંથી 3418 કિલોમીટર રસ્તા બનાવવાનું કામ બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન એટલે કે બીઆરઓને અપાયું છે. તેમાં મોટા ભાગની પરિયોજનાઓ પૂરી થઈ ગઈ છે.

ભારત-ચીન સીમાવિવાદના જાણકારોનો મત છે કે આ નિર્માણકાર્ય પણ બંને દેશોના વિવાદોનાં અનેક કારણોમાંનું એક છે.

ગત અઠવાડિયે વિદેશસચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) સાથે ઘટેલી ઘટનાઓએ સીમાવર્તી ક્ષેત્રમાં શાંતિને "ગંભીર રીતે પરેશાન" કરી છે. અને તેની સ્પષ્ટ રીતે વ્યાપક સંબંધો પર પણ અસર થઈ છે.

જોકે જમીન સીમાના નવા કાયદાને લઈને ભારત સરકાર તરફથી કોઈ નવી પ્રતિક્રિયા આ અહેવાલ લખાય ત્યાં સુધી આવી નહોતી.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો