નાલંદાઃ વિશ્વની એ સૌથી પ્રાચીન યુનિવર્સિટી જે ઑક્સફોર્ડ યુનિવર્સિટીના 500 વર્ષ પહેલાં ધમધમતી હતી

ઇમેજ સ્રોત, Tahir Ansari/Alamy
- લેેખક, સુગાતો મુખરજી
- પદ, બીબીસી ટ્રાવેલ

- 427 ઈસવીમાં સ્થાપિત નાલંદા યુનિવર્સિટીને વિશ્વની સૌપ્રથમ આવાસી યુનિવર્સિટી ગણવામાં આવે છે
- નાલંદા યુનિવર્સિટી પાસે 90 લાખ પુસ્તકોનો ભંડાર હતો અને દુનિયાભરના 10,000 વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરતા હતા
- દલાઈ લામાએ એક વખત કહ્યું હતું તેમ, “આપણી પાસે જેટલું (બૌદ્ધ) જ્ઞાન છે એ બધાનો મુખ્ય સ્રોત નાલંદા છે.”
- પ્રાચીન ભારતીય ચિકિત્સા પ્રણાલીનું મૂળ પ્રકૃતિ આધારિત ઉપચાર પદ્ધતિઓમાં છે જે નાલંદામાં વ્યાપકપણે ભણાવવામાં આવતી હતી
- નાલંદા યુનિવર્સિટીએ તેના કેટલાક શ્રેષ્ઠ વિદ્વાનો અને પ્રાધ્યાપકોને ચીન, કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા તેમજ શ્રીલંકા જેવા સ્થળોએ નિયમિત રીતે મોકલ્યા હતા
- 1190ના દાયકામાં તુર્ક-અફઘાન લશ્કરી જનરલ બખ્તિયાર ખીલજીની આગેવાની હેઠળના આક્રમણખોરોની એક ટોળકીએ યુનિવર્સિટીનો નાશ કર્યો હતો
- હુમલાખોરોએ લગાડેલી આગ ત્રણ મહિના સુધી ચાલુ રહી હોવાનું કહેવાય છે
- જે 23 હેક્ટર જમીન ખોદવામાં આવી છે તે જગ્યા મૂળ કેમ્પસનો માત્ર એક અંશ હોય તેવું લાગે છે

ઑક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપનાનાં 500 કરતાં પણ વધુ વર્ષ પહેલાં ભારતની નાલંદા યુનિવર્સિટી પાસે 90 લાખ પુસ્તકોનો ભંડાર હતો અને દુનિયાભરના 10,000 વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરતા હતા.
શિયાળાની એ સવાર ગાઢ ધુમ્મસના આવરણમાં વીંટળાયેલી હતી. અમારી કાર એક ઘોડાગાડી પાસેથી પસાર થઈને આગળ વધી. ઘોડાગાડી પૂર્વ ભારતના બિહારના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહનનું હજુ પણ લોકપ્રિય માધ્યમ છે. દોડતો અશ્વ અને પાઘડીધારી ઘોડાગાડીચાલક સફેદ ધુમ્મસમાં છાયાદાર આભાસ જેવા દેખાતા હતા.
ભગવાન બુદ્ધે જ્યાં પરમજ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાનું કહેવાય છે તે બોધગયા શહેરમાં એક રાત વિતાવ્યા પછી સવારે હું નાલંદા જવા નીકળી પડ્યો હતો. પ્રાચીન વિશ્વનાં મહાનતમ અભ્યાસકેન્દ્રો પૈકીના એક ગણાતા નાલંદામાં હવે તો લાલ ઈંટના અવશેષો જ બચ્યા છે.
427 ઈસવીમાં સ્થાપિત નાલંદા યુનિવર્સિટીને વિશ્વની સૌપ્રથમ આવાસી યુનિવર્સિટી ગણવામાં આવે છે. 90 લાખ પુસ્તકો ધરાવતી આ યુનિવર્સિટી મધ્ય યુગની ઉત્તમ સંસ્થા હતી અને તેણે પૂર્વ તથા મધ્ય એશિયાના 10,000 વિદ્યાર્થીઓને આકર્ષ્યા હતા. એ વિદ્યાર્થીઓ એ યુગના કેટલાક સૌથી આદરણીય વિદ્વાનો પાસેથી ઔષધશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ગણિત અને એ બધા સિવાય બૌદ્ધ સિદ્ધાંતો શીખવા માટે અહીં આવ્યા હતા. દલાઈ લામાએ એક વખત કહ્યું હતું તેમ, “આપણી પાસે જેટલું (બૌદ્ધ) જ્ઞાન છે એ બધાનો મુખ્ય સ્રોત નાલંદા છે.”

700 વર્ષોની વિકાસગાથા

ઇમેજ સ્રોત, imageBROKER/Alamy
સાતથી વધુ સદીઓમાં નાલંદાનો વિકાસ થયો હતો અને વિશ્વમાં તેના જેવું બીજું કશું જ ન હતું. મઠવાસીઓની આ યુનિવર્સિટીની સ્થાપના ઑક્સફર્ડ અને યુરોપની સૌથી જૂની બોલોગ્ના યુનિવર્સિટીની સ્થાપનાનાં 500થી વધુ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. એટલું જ નહીં, અસ્તિત્વના લાંબા સમય પછી પણ નાલંદા યુનિવર્સિટીનાં ફિલસૂફી તથા ધર્મ પ્રત્યેના પ્રબુદ્ધ અભિગમે એશિયાની સંસ્કૃતિને આકાર આપવામાં મદદ કરી છે.
રસપ્રદ વાત એ છે કે આ બૌદ્ધ મઠ યુનિવર્સિટીના સ્થાપક ગુપ્ત સામ્રાજ્યના શાસકો ધર્મનિષ્ઠ હિન્દુ હતા, પરંતુ બૌદ્ધ ધર્મ તથા એ સમયે બૌદ્ધ ધર્મ પ્રત્યે વધતા બૌદ્ધિક ઉત્સાહ અને દાર્શનિક લેખન પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ ધરાવતા હતા તેમજ તેનો સ્વીકાર કરતા હતા. તેમના શાસનકાળમાં વિકસેલી ઉદાર સાંસ્કૃતિક તથા ધાર્મિક પરંપરાઓ નાલંદા યુનિવર્સિટીના બહુ-વિષયક પાઠ્યક્રમનું કેન્દ્ર બની ગઈ હતી. તેણે વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચતમ જ્ઞાન સાથે બૌદ્ધ ધર્મનું સંયોજન કર્યું હતું.
પ્રાચીન ભારતીય ચિકિત્સાપ્રણાલીનું મૂળ પ્રકૃતિ આધારિત ઉપચાર પદ્ધતિઓમાં છે. તે નાલંદામાં વ્યાપકપણે ભણાવવામાં આવતી હતી અને એ પછી તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મારફત તે ચિકિત્સાપ્રણાલી ભારતના અન્ય ભાગોમાં પહોંચી હતી. પ્રાર્થનાખંડો અને વ્યાખ્યાનખંડોથી ઘેરાયેલા ખુલ્લા પ્રાંગણવાળા નાલંદા ક્રમ્પસમાંથી અન્ય બૌદ્ધ સંસ્થાઓએ પ્રેરણા લીધી હતી. અહીં ઉત્પાદિત ચૂનાના પ્લાસ્ટરે થાઇલૅન્ડમાં સાંપ્રદાયિક કલાને પ્રભાવિત કરી હતી અને અહીંની ધાતુ કલા તિબેટ તથા મલયાન દ્વીપકલ્પ સુધી પહોંચી હતી.
જોકે, નાલંદાનો સૌથી ગહન અને કાયમી વારસો ગણિત તથા ખગોળશાસ્ત્રમાંની તેની સિદ્ધિઓ છે. ભારતીય ગણિતશાસ્ત્રના પિતામહ ગણાતા આર્યભટ્ટે છઠ્ઠી ઈસવીમાં નાલંદાનું નેતૃત્વ કર્યું હોવાનું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બીજગણિત તથા કલન વિદ્યા

ઇમેજ સ્રોત, Mithun Pramanik/BBC Reel
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોલકાતાસ્થિત ગણિતશાસ્ત્રનાં પ્રોફેસર અનુરાધા મિત્રાએ કહ્યું હતું કે “શૂન્યને એક અંકના સ્વરૂપમાં નિર્દિષ્ટ કરનાર પહેલી વ્યક્તિ આર્યભટ્ટ હતા એવું અમે માનીએ છીએ. તે એક ક્રાંતિકારી અવધારણા છે, જેનાથી ગાણિતિક ગણતરીઓ સરળ બની અને બીજગણિત તથા કલનવિદ્યા જેવી વધુ જટિલ પદ્ધતિને વિકસાવવામાં મદદ મળી.”
અનુરાધા મિત્રાએ ઉમેર્યું હતું કે “શૂન્ય ન હોત તો આપણી પાસે કમ્પ્યુટર પણ ન હોત. તેમણે ચોરસ તથા ઘનમૂળ કાઢવામાં અને ત્રિકોણમિતિનાં કાર્યોનો ગોળાકાર ભૂમિતિમાં વિનિયોગ કરવાની દિશામાં પાયાનું કામ કર્યું હતું. ચંદ્રમાની ચમક સૂર્યપ્રકાશના પ્રતિબિંબને આભારી હોવાનું પણ સૌપ્રથમ તેમણે જ દર્શાવ્યું હતું.”
આ કામનો દક્ષિણ ભારતમાં અને સમગ્ર અરબી દ્વિપકલ્પમાં ગણિત તથા ખગોળશાસ્ત્રના વિકાસ પર ઘેરો પ્રભાવ પડ્યો હતો.
નાલંદા યુનિવર્સિટીએ બૌદ્ધ ઉપદેશો તથા ફિલસૂફીના પ્રસાર માટે કેટલાક શ્રેષ્ઠ વિદ્વાનો અને પ્રાધ્યાપકોને ચીન, કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા તેમજ શ્રીલંકા જેવાં સ્થળોએ નિયમિત રીતે મોકલ્યા હતા. આ પ્રાચીન સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમને લીધે સમગ્ર એશિયામાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં તથા તેનો ઘાટ ઘડવામાં મદદ મળી હતી.

23 હેક્ટર માત્ર કેમ્પસનો એક અંશ

ઇમેજ સ્રોત, Dinodia Photos/Alamy
નાલંદાના પુરાતત્વીય અવશેષો હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 1190ના દાયકામાં તુર્ક-અફઘાન લશ્કરી જનરલ બખ્તિયાર ખીલજીની આગેવાની હેઠળના આક્રમણખોરોની એક ટોળકીએ યુનિવર્સિટીનો નાશ કર્યો હતો. બખ્તિયાર ખીલજીએ તેના ઉત્તર અને પૂર્વ ભારત પરના આક્રમણ વખતે બૌદ્ધ જ્ઞાનનાં બધાં કેન્દ્રોના નાશનો પ્રયાસ કર્યો હતો.
કેમ્પસ એટલું વિશાળ હતું કે હુમલાખોરોએ લગાડેલી આગ ત્રણ મહિના સુધી ચાલુ રહી હોવાનું કહેવાય છે. જે 23 હેક્ટર જમીન ખોદવામાં આવી છે તે જગ્યા મૂળ કેમ્પસનો માત્ર એક અંશ હોય તેવું લાગે છે, પરંતુ અહીંનાં મઠો અને મંદિરોમાં લટાર મારવાથી એ સમજાય છે કે એ સ્થળે અભ્યાસ કરવાનો અનુભવ કેવો ભવ્ય હશે.
મેં મઠ તથા મંદિરોના ખંડોમાં લટાર મારી હતી. લાલ ઈંટની ઉંચી દિવાલોવાળા કોરિડોરમાંથી સરકીને હું મઠના અંદરના પરિસરમાં પહોંચ્યો હતો. ગુફા જેવી લંબચોરસ જગ્યામાં પથ્થરની બનેલી વ્યાસપીઠ જોવા મળી.
મારાં સ્થાનિક માર્ગદર્શક કમલા સિંઘે કહ્યું હતું કે “આ 300 વિદ્યાર્થી બેસી શકે તેવો એક વ્યાખ્યાન ખંડ હતો અને વ્યાસપીઠ પર શિક્ષક બિરાજતા હતા.” પરિસરમાં ઓરડાઓની કતાર હતી. તેમાં અફઘાનિસ્તાનથી આવેલા વિદ્યાર્થીઓ રહેતા હતા. એ પૈકીના એક ઓરડાની અંદર હું ગયો હતો. તેમાં એકમેકની સામે બે બેઠક અને સામાન રાખવાની જગ્યા હતી. કમલા સિંઘે જણાવ્યું હતું કે પ્રવેશદ્વાર પાસેની નાનકડી, ચોરસ પોલી જગ્યા દરેક વિદ્યાર્થી માટેનું લેટર બોક્સ હતી.
આજની ચુનંદી યુનિવર્સિટીઓની માફક નાલંદામાં પ્રવેશ મેળવવાનું પણ મુશ્કેલ હતું. મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓનો નાલંદાના ટોચના પ્રાધ્યાપકો આકરો મૌખિક ઇન્ટર્વ્યૂ લેતા હતા. પ્રવેશ મેળવનારા સદભાગી વિદ્યાર્થીઓને ભારતના જુદા-જુદા ખૂણેથી આવેલા સારગ્રહી પ્રાધ્યાપકો અભ્યાસ કરાવતા હતા. આ પ્રાધ્યાપકો એ યુગના સૌથી વધુ આદરણીય બૌદ્ધ ગુરૂઓ ધર્મપાલ અને શીલભદ્રની દોરવણી હેઠળ કામ કરતા હતા.
નાલંદાના પુસ્તકાલયમાંની 90 લાખ હસ્તલિખિત, પામ-લીફ હસ્તપ્રતો વિશ્વમાં બૌદ્ધ જ્ઞાનનો સૌથી સમૃદ્ધ ભંડાર હતી. પુસ્તકાલયની ત્રણ પૈકીની એક ઇમારતનું વર્ણન તિબેટીયન બૌદ્ધ વિદ્વાન તારાનાથે નવ માળની ‘આભને આંબતી’ ઇમારત તરીકે કર્યું હતું.
આક્રમણકર્તાઓએ લગાડેલી આગમાંથી બચી ગયેલી જૂજ હસ્તપ્રતો અને લાકડાના પેઈન્ટેડ ફોલિયોઝ ભાગી રહેલા સાધુઓ પોતાની સાથે લઈ ગયા હતા. એ સામગ્રી હવે અમેરિકાના લોસ ઍન્જલસના કાઉન્ટી મ્યુઝિયમ ઑફ આર્ટ અને તિબેટના યાર્લુંગ મ્યુઝિયમમાં જોવા મળે છે.

ચીની સાધુ નાલંદાના પ્રોફેસર
![દલાઈ લામાએ એકવાર કહ્યું હતું: "આપણી પાસે જે પણ [બૌદ્ધ] જ્ઞાન છે તેનો સ્ત્રોત નાલંદામાંથી આવ્યો છે."](https://ichef.bbci.co.uk/ace/ws/640/cpsprodpb/92a0/live/ae2f1020-b750-11ed-89f4-f3657d2bfa3b.jpg.webp)
ઇમેજ સ્રોત, REY Pictures/Alamy
વિખ્યાત ચીની બૌદ્ધ સાધુ અને પ્રવાસી ઝુઆનઝાંગે નાલંદામાં અભ્યાસ કર્યો હતો અને પ્રાધ્યાપક તરીકે કામ પણ કર્યું હતું. તેઓ 645 ઈસવીમાં ચીન પાછા ફર્યા ત્યારે નાલંદામાંથી સંખ્યાબંધ બૌદ્ધ ધર્મગ્રંથો લઈ આવ્યા હતા.
ઝુઆનઝાંગ વિશ્વના સૌથી પ્રભાવશાળી બૌદ્ધ વિદ્વાનો પૈકીના બન્યા હતા અને તેમણે આ ગ્રંથોના એક ભાગનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. તેનો કેન્દ્રીય વિચાર એ હતો કે આખી દુનિયા મનની પ્રતિનિધિ છે. તેમના જાપાની શિષ્ય દોશોએ તેમનો આ સિદ્ધાંત જાપાનમાં પ્રસ્તુત કર્યો હતો અને બાદમાં તે જાપાની-ચીની વિશ્વમાં ફેલાયો હતો, જે આજે ત્યાં મુખ્ય ધર્મ બની રહ્યો છે. તેના પરિણામે ઝુઆનઝાંગને ‘બૌદ્ધ ધર્મ પૂર્વમાં લાવનારા ભિક્ષુ’ તરીકે શ્રેય આપવામાં આવે છે.
ઝુઆંગઝાંગે નાલંદાનું જે વર્ણન કર્યું છે તેમાં મહાન સ્તૂપનો ઉલ્લેખ કર્યો છે. તે ભગવાન બુદ્ધના મુખ્ય શિષ્યો પૈકીના એકની યાદમાં બાંધવામાં આવેલું વિશાળ સ્મારક છે. હું અષ્ટકોણ પિરામિડના આકારના આલીશાન ઇમારતના ખંડેર સામે ઊભો હતો. ઈંટથી બનાવવામાં આવેલી ખુલ્લી સીડી ઈમારતની ટોચ તરફ દોરી જાય છે. તેને પણ મહાન સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. અગાસી પર અસંખ્ય નાનાં મંદિરો અને સ્તૂપો 30 મીટર ઊંચા મંદિરની ચારે તરફ આવેલાં છે, જે બહારની દિવાલ પર ચૂનામાં કંડારવામાં આવેલી સુંદર છબીઓને અલંકૃત કરે છે.
ઇતિહાસનાં મુંબઈ-સ્થિત શિક્ષિકા અંજલિ નાયર સાથે મારી મુલાકાત નાલંદામાં થઈ હતી. તેમણે કહ્યું હતું કે “એ મહાન સ્તૂપ વાસ્તવમાં યુનિવર્સિટીનું નિર્માણ થયું એ પહેલાંનો છે અને સમ્રાટ અશોકે ત્રીજી સદી ઈસવીમાં તે બંધાવ્યો હતો. આઠ સદીમાં તેનું ઘણી વખત પુર્નનિર્માણ કરવામાં આવ્યું હતું. એ સ્તૂપોમાં બૌદ્ધ સાધુઓની રાખ મૂકવામાં આવી છે. એ બૌદ્ધ સાધુઓ અહીં રહેતા હતા, તેમણે સમગ્ર જીવન યુનિવર્સિટીને સમર્પિત કર્યું હતું અને અહીં જ મૃત્યુ પામ્યા હતા.”

બૌદ્ધ ધર્મનો ઉપદેશ ઇસ્લામનો પ્રતિસ્પર્ધી?

ઇમેજ સ્રોત, Sugato Mukherjee
બૌદ્ધ ધર્મનો ઉપદેશ ઇસ્લામનો પ્રતિસ્પર્ધી છે એવું ખીલજી અને તેના સૈનિકો માનતા હતા તેથી તેમણે નાલંદાનો નાશ કર્યો હતો એવી વ્યાપકપણે પ્રચલિત થિયરી બાબતે, નાલંદાના વિનાશની આઠ સદી પછી પણ કેટલાક વિદ્વાનો વચ્ચે મતભેદ છે. ભારતના અગ્રણી પુરાતત્વવિદો પૈકીના એક એચ ડી સાંકળિયાએ તેમના 1934માં પ્રકાશિત પુસ્તક ‘ધ યુનિવર્સિટી ઓફ નાલંદા’માં લખ્યું છે તેમ, આ હુમલા પાછળનો હેતુ બૌદ્ધ ધર્મને જડમૂળથી ઉખેડી નાખવાનો હોઈ શકે છે. કેમ્પસનો કિલ્લા જેવો દેખાવ અને તેમાંની સંપત્તિ વિશેની કથાઓને લીધે આક્રમણખોરોએ યુનિવર્સિટીને હુમલા માટેનું કસદાર સ્થળ ગણી હોય તે શક્ય છે.
ઑનસાઇટ મ્યુઝિયમના ડિરેક્ટર શંકર શર્માએ કહ્યું હતું કે “હા, આક્રમણનું ચોક્કસ કારણ જણાવવું મુશ્કેલ છે.” ઓનસાઇટ મ્યુઝિયમમાં 13,000થી વધુ પ્રાચીન વસ્તુઓની 350 કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. નાલંદામાં ખોદકામ દરમિયાન આ સામગ્રી મળી આવી હતી. તેમાં સાગોળ શિલ્પો, બુદ્ધની કાંસાની પ્રતિમા, હાથીદાંત તથા હાડકાના ટૂકડાઓનો સમાવેશ થાય છે.
શંકર શર્માએ કહ્યું હતું કે “તે નાલંદા પરનો પહેલો હુમલો ન હતો. પાંચમી સદીમાં મિહિરકુલાના વડપણ હેઠળના હુણોએ નાલંદા પર હુમલો કર્યો હતો અને આઠમી સદીમાં બંગાળના ગૌડ રાજાએ કરેલા હુમલામાં નાલંદાને વ્યાપક નુકસાન થયું હતું.”

સ્કોટિશ સર્વેયરે સાઇટ શોધી

ઇમેજ સ્રોત, Sugato Mukherjee
હુણ લોકો અહીં લૂંટફાટ કરવા આવ્યા હતા, જ્યારે ગૌડ રાજાનો હુમલો શૈવ હિન્દુ સંપ્રદાય અને બૌદ્ધધર્મીઓ વચ્ચે વધતી જતી દુશ્મનાવટનું પરિણામ હતો કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ છે. બન્ને ઘટના બાદ ઇમારતો પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને શાસકોની સમર્થન વડે અહીં સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
શંકર શર્માએ કહ્યું હતું કે “ખીલજીએ શિક્ષણના આ પવિત્ર મંદિર પર આક્રમણ કર્યું ત્યાં સુધીમાં ભારતમાં બૌદ્ધ ધર્મનું લગભગ પતન થઈ ગયું હતું. આંતરિક અધોગતિ ઉપરાંત આઠમી સદી ઈસવીથી યુનિવર્સિટીના પુરસ્કર્તા બની રહેલા બૌદ્ધ પાલ વંશના પતન પછી ત્રીજું આક્રમણ અંતિમ ફટકા સમાન સાબિત થયું હતું.”
સ્કોટિશ સર્વેયર ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટન દ્વારા નાલંદાને “શોધી કાઢવામાં આવી” અને તે પ્રાચીન નાલંદા યુનિવર્સિટી હોવાનું 1861માં સર ઍલેકઝાન્ડર કનિંગહામે સ્થાપિત કર્યું તેની છ સદી પહેલાં નાલંદા વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી.
એક લઘુ સ્તૂપ પાસે હું ઊભો હતો ત્યારે યુવાન સાધુઓના એક જૂથને અગાઉના મંદિર પરિસરની વિશાળ પડથાર પર એકઠું થતું જોયું હતું. કિરમજી રંગના ઝભ્ભામાં સજ્જ યુવા સંન્યાસીઓ ધ્યાનસ્થ અવસ્થામાં ટટ્ટાર બેઠા હતા. તેમની દૃષ્ટિ મહાન સ્મારક પર સ્થિર થયેલી હતી. તે ભવ્ય ભૂતકાળ માટેની શાંત અંજલિ હતી.














