ભારતનું એક એવું શહેર, જ્યાં ગટરમાંથી 'સોનું' નીકળે છે

ફિરોઝાબાદ

ઇમેજ સ્રોત, Xavier Galiana/Getty Images

    • લેેખક, રમશા ઝુબૈરી
    • પદ, બીબીસી ટ્રાવેલ માટે
લાઇન
  • 1990ના દાયકા સુધી સાડીઓની બનાવટમાં શુદ્ધ ચાંદી અને સોનાના દોરા વણવામાં આવતા હતા
  • આજે લગભગ 150 જેટલી કાચની બંગડીઓની ફેક્ટરીઓ ધરાવતા ફિરોઝાબાદને સિટી ઑફ ગ્લાસ અને સિટી ઑફ બૅન્ગલ્સનાં ઉપનામો મળ્યાં છે
  • આ હુન્નર 200 વર્ષ પહેલાં વિકસ્યો હતો.
  • એક કથાનક અનુસાર, ફિરોઝશાહના સમયમાં ઘણા લોકો રાજસ્થાનથી સ્થળાંતરિત થયા હતા જેમની જ્વેલરી ઘડવામાં માસ્ટરી હતી, તેઓએ સ્થાનિક કલાકારોને આ હુન્નર શીખવ્યો
  • ફિરોઝાબાદમાં એક સમયે સોનું ગટરના કચરામાંથી મળી આવતું હતું
  • કચરામાંથી સોનું કાઢવાની ટેકનિક હાલમાં માત્ર મુઠ્ઠીભર કારીગરો જ જાણે છે
  • "આ હુન્નરે ઘણાને કરોડપતિ બનાવી દીધા છે."
લાઇન

ફિરોઝાબાદ ભારતની કાચની રાજધાની ગણાય છે અને આ શહેર પરંપરાગત કાચની બંગડીઓ બનાવવા માટે પ્રખ્યાત છે. પરંતુ આ શહેર ભારે મહેનતે મેળવાયેલા બીજા ખજાનાનો પણ સ્રોત છે.

મારી માતાએ 30 વર્ષ પહેલાં ફિરોઝાબાદ શહેરમાં તેમના ઘરે બનેલી એક ક્ષણનું વર્ણન કરતાં કહ્યું, "તેણે સાડી સળગાવી અને અમારી નજર સામે એમાંથી અમને શુદ્ધ ચાંદીની પાતળી પટ્ટી બનાવી આપી."

તેમણે આ કોઈ જાદુના ખેલની વાત નહોતી કહી. હકીકતની વાત કહી હતી. તેમણે ધમણ ચલાવતા એ લોકોની વાત કરી હતી જેમની સંખ્યા મારી માતાના વતનમાં ઘણી હતી અને આ કારીગરો ઘરેઘરે જઈને તેમની જૂની સાડીઓ એકઠી કરતા હતા અને તેમાંથી કિંમતી ધાતુઓ કાઢતા હતા.

1990ના દાયકા સુધી સાડીઓની બનાવટમાં શુદ્ધ ચાંદી અને સોનાના દોરા વણવામાં આવતા હતા. મને યાદ છે કે હું મારી માતાના ચળકતા કપડાને જોઈ રહેતો હતો.

મારી માતાએ મને કહ્યું હતું કે આ કારીગરો કપડા કરતાં પણ કંઈ વિશેષ શોધી રહ્યા હતા. તેઓ આ શહેરની માટીને ખોળી રહ્યા હતા.

આ કારીગરો શું ખોળી રહ્યા હતા તે જાણવા માટે મારા પગ ફિરોઝાબાદ તરફ વળ્યા. તાજમહેલથી આશરે 45 કિલોમીટર પશ્ચિમે આવેલું આ શહેર તેની કિંમતી ધાતુઓ કરતાં કાચની બંગડીઓની ભારતની રાજધાની તરીકે વધુ જાણીતું છે.

મેં જોયું તો કેટલાક મહેનતુ કારીગરો માટે આ શહેર સોનાની ખાણથી કમ નથી. આ શહેરમાં એક એવી જગ્યા છે જ્યાં એક સમયે કિંમતી ધાતુ ગટરમાંથી મળી આવતી હતી.

line

સિટી ઑફ બૅન્ગલ્સ

બંગડીઓ ભારતીય પરંપરામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે, તે પરિણીત મહિલાઓ અને નવવધુઓ માટે સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક છે.

ઇમેજ સ્રોત, Xavier Galiana/Getty Images

ઇમેજ કૅપ્શન, બંગડીઓ ભારતીય પરંપરામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે, તે પરિણીત મહિલાઓ અને નવવધુઓ માટે સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક છે.

1354માં દિલ્હીના સુલતાન ફિરોઝશાહ તુઘલકે સ્થાપેલું ફિરોઝાબાદ નગરને પૅલેસ સિટી તરીકે વસાવવામાં આવ્યું હતું. દરબારી ઇતિહાસકાર શમ્સ-એ-સિરાજનાં લખાણો અનુસાર, શાહજહાંબાદ (આજનું જૂનું દિલ્હી, જેને તાજમહેલ બનાવનાર શાસકે ઘડ્યું હતું).

ધ ફર્ગોટન સિટીઝ ઑફ દિલ્હીના ઇતિહાસકાર અને લેખક રાણા સફવીના જણાવ્યા અનુસાર, તેનો "પછીના મુઘલ યુગના કિલ્લાઓ માટે પ્રોટોટાઇપ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, કારણ કે તેમાં વખત દીવાને આમ [સામાન્ય નાગરિકોનો સભાગાર]ની કલ્પના કરાઈ હતી. સરકારી અને ઉમરાવો માટે દીવાને ખાસ [રાજનો સભાગાર] રજૂ કરવામાં આવ્યો હતો."

જ્યારે સફવી નોંધે છે કે તે જૂના શહેરની બહુ ઓછી નિશાનીઓ બાકી રહી છે, મેં જોયું કે આજના ફિરોઝાબાદની પોતાની ભવ્યતા છે. હું શહેરની ગલીઓમાં ફર્યો તો લગભગ દરેક ગલી ચળકતી રંગબેરંગી કાચની બંગડીઓથી ભરેલી રેંકડીઓ અને રિક્ષાઓથી ભરચક હતી.

બંગડીઓ ભારતીય પરંપરામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે, જે પરિણીત મહિલાઓ અને નવી નવવધૂ માટે સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક છે અને આ મહિલાઓ બંને હાથમાં બંગડીઓના ઝૂડા પહેરે છે. આજે લગભગ 150 જેટલી કાચની બંગડીઓની ફેક્ટરીઓ ધરાવતા ફિરોઝાબાદને સિટી ઑફ ગ્લાસ અને સિટી ઑફ બૅન્ગલ્સનાં ઉપનામો મળ્યાં છે તેમાં કોઈ આશ્ચર્ય નથી.

line

મૂળ હુન્નરબાજો રાજસ્થાનના

કાચની બંગડીઓ બનાવવાની તેમની કારીગરી ઓછામાં ઓછી 200 વર્ષ જૂની છે

ઇમેજ સ્રોત, Ramsha Zubairi

ઇમેજ કૅપ્શન, કાચની બંગડીઓ બનાવવાની તેમની કારીગરી ઓછામાં ઓછી 200 વર્ષ જૂની છે

આ હુન્નર 200 વર્ષ પહેલાં વિકસ્યો હતો. એક કથાનક અનુસાર, ફિરોઝશાહના સમયમાં ઘણા લોકો રાજસ્થાનથી સ્થળાંતરિત થયા હતા જેમની જ્વેલરી ઘડવામાં માસ્ટરી હતી.

તેઓએ સ્થાનિક કલાકારોને આ હુન્નર શીખવ્યો અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ બાદમાં રાજ્યના શાહી દરબારો અને ઉમરાવોની માગને પગલે આ ઉદ્યોગ કાચની બૉટલો અને ઝુમ્મરના ઉત્પાદનમાં વિસ્તર્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ પછી વિદેશી આયાત પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હોવાથી ફિરોઝાબાદના કાચ ઉદ્યોગમાં ભારે વૃદ્ધિ જોવા મળી હતી.

1947માં ભારતની આઝાદી પછી તે ઝડપથી ભારતનું અગ્રણી કાચ અને બંગડી સપ્લાયર બની ગયું અને આજે દેશના કાચના ઉત્પાદનમાં ફિરોઝાબાદનો એકલાનો 70% જેટલો હિસ્સો છે.

એટલે નગરયાત્રા અને કાચ ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્થાનિકો અને રહેવાસીઓ સાથે ચર્ચા કર્યા પછી મને જાણવા મળ્યું કે ફિરોઝાબાદ બીજી કિંમતી ચીજવસ્તુ પણ બનાવે છે અને તે છે સોનું.

પરંપરાગત રીતે, શહેરમાં ઉત્પાદિત કાચની બંગડીઓને શુદ્ધ સોનાનો ઢોળ ચડાવીને શણગારવામાં આવતી હતી. આનો અર્થ એ થયો કે સોનાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા સાથે પૉલિશથી ભરેલી બૉટલો અને કન્ટેનર, બફિંગ માટે વપરાતા ફેબ્રિકના ભંગાર, શુદ્ધ બંગડીઓ ધરાવતી બાસ્કેટ અને તૂટેલા બંગડીના ટુકડા વગેરે ઘણી વસ્તુઓ જોડાયેલી હતી.

બંગડીનાં કારખાનાંઓ અને વર્કશૉપમાંથી અને કારીગરોના ઘરોમાંથી નીકળતો આ સોનાનો કોટેડ કચરાનો નિકાલ ઘણી વાર શહેરની ગટરમાં ફેંકી દેવામાં આવતો હતો. ત્યારબાદ લોકોએ ગટર ફંફોસવાનું શરૂ કર્યું, સાફ કરીને સોનું મેળવવા લાગ્યા.

line

કચરામાંથી સોનું કાઢતા કરોડપતિઓ

પરંપરાગત રીતે, શહેરમાં ઉત્પાદિત કાચની બંગડીઓ પર શુદ્ધ સોનાનો ઢોળ ચડાવવામાં આવતો હતો

ઇમેજ સ્રોત, Xavier Galiana/Getty Images

ઇમેજ કૅપ્શન, પરંપરાગત રીતે, શહેરમાં ઉત્પાદિત કાચની બંગડીઓ પર શુદ્ધ સોનાનો ઢોળ ચડાવવામાં આવતો હતો

ફિરોઝાબાદમાં જ્વેલરી સ્ટોર ધરાવતા મોહમ્મદ સુલતાને જણાવ્યું હતું કે, "જેઓ અજાણ છે તેમના માટે આ કચરો છે પરંતુ જેઓ સોનાને ઓળખે છે તેઓ આ 'કચરા'ની સાચી કિંમત જાણે છે."

સુલતાન પોતે 25 વર્ષથી વધુ સમયથી સોનાના એક્સ્ટ્રેક્ટર તરીકે કામ કરે છે અને સમજાવે છે કે આ કચરામાંથી સોનું કાઢવાની ટેકનિક હાલમાં માત્ર મુઠ્ઠીભર કારીગરો જ જાણે છે.

સુલતાન કહે છે, "સોનાના ઢોળને કાઢવા નિકાલ કરાયેલ બૉટલોને થીનર કે ટર્પેન્ટાઇનની ડોલમાં થોડા કલાકો મૂકી રાખવામાં આવે છે. બાદમાં ઢોળને સપાટી પરથી કાપડના ટુકડાથી લૂછી નાખવામાં આવે છે. બાદમાં કાપડને સૂકવવામાં આવે છે અને સુકાઈ ગયા પછી કાપડને બાળીને રાખ કરવામાં આવે છે."

"ત્યારબાદ તેને રેતીમાં થોડાં રસાયણો સાથે સ્ટૉવ અથવા હીટર પર રાખ પ્રવાહીમાં ફેરવાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. એક વાર પ્રવાહી ઠંડું થઈ જાય પછી તે કાચમાં રૂપાંતરિત થાય છે અને સોનાના અવશેષો રેતીની નીચે સરકી જાય છે."

સુલતાને ઉમેરે છે, "આ કળામાં નિપુણતા મેળવવા માટે ઘણી ધીરજ અને પ્રૅક્ટિસની જરૂર પડે છે, એ કંઈ એકાદ અઠવાડિયામાં શીખી શકાય તેવી વસ્તુ નથી. મારે પોતાને સોનું બહાર કાઢતા શીખવામાં કેટલાંક વર્ષોનો સમય લાગ્યો હતો."

એક વાર નિષ્કર્ષણ કર્યા પછી સોનું જ્વેલર્સને વેચવામાં આવે છે. જોકે સોનું બહાર કાઢવાના હુન્નરમાં હસ્તકલા, સખત પરિશ્રમ અને નસીબના સાથ જરૂરી છે. ફિરોઝાબાદના અન્ય એક ગૉલ્ડ ઍક્સટ્રેક્ટર મોહમ્મદ કાસિમ શફીએ જણાવ્યું હતું કે, "આ હુન્નરે ઘણાને કરોડપતિ બનાવી દીધા છે."

જોકે આ કળાના ઇતિહાસના કોઈ દસ્તાવેજી પુરાવા નથી, સ્થાનિક લોકોએ તેમના માતા-પિતા અથવા દાદા-દાદી પાસેથી શીખ્યું છે અને તેઓનો અંદાજ છે કે તેઓ છેલ્લાં 80 વર્ષ કે તેથી વધુ સમયથી આ કામ કરી રહ્યા છે.

જોકે, તાજેતરના સમયમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે એટલે બંગડીઓને સોનાનો ઢોળ ચડાવવાના સ્થાને હવે સસ્તાં રસાયણોનો ઢોળ ચડાવવાનું ચલણ વધ્યું છે. એટલે આ કૌશલ્ય ધીમે ધીમે વિલીન થઈ રહ્યું છે.

line

હવે સોનાને બદલે રસાયણોનો ઢોળ

આશરે 150 કાચની બંગડીઓની ફેક્ટરીઓ સાથે ફિરોઝાબાદને આજે સિટી ઑફ ગ્લાસ અને સિટી ઑફ બૅંગલ્સનું ઉપનામ મળ્યું છે.

ઇમેજ સ્રોત, Ramsha Zubairi

ઇમેજ કૅપ્શન, આશરે 150 કાચની બંગડીઓની ફેક્ટરીઓ સાથે ફિરોઝાબાદને આજે સિટી ઑફ ગ્લાસ અને સિટી ઑફ બૅંગલ્સનું ઉપનામ મળ્યું છે.

શફી કહે છે, "સોનું કાઢવું એ ચોક્સાઈ અને અસાધારણ કૌશલ્ય માગી લેતું કામ હોવાથી આ પ્રથા મર્યાદિત લોકો જાણતા હતા, પરંતુ જ્યારે બંગડીઓ પૉલિશ અને અન્ય રસાયણોથી ડિઝાઇન થવા લાગી ત્યારે સોનાના અભાવમાં આ કળાને પણ ગ્રહણ લાગી ગયું."

બંગડી ઉદ્યોગમાં સોનાનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઘટ્યો હોવા છતાં, ફિરોઝાબાદની બજારની શેરીઓમાં ચાલતા, હું ઘણી વર્કશૉપમાંથી પસાર થયો જ્યાં કામદારો બ્રેસલેટ બનાવવા અથવા સજાવવામાં વ્યસ્ત હતા, કેટલાક શુદ્ધ સોનાની પૉલિશનો ઉપયોગ કરતા હતા.

બીજે દિવસે, જ્યારે હું ઘરે પરત ફરવા માટે ટૅક્સીમાં બેઠો ત્યારે મને સમજાયું કે શહેર હવે મને કેટલું અલગ લાગી રહ્યું છે, કારણ કે હું તેનું રહસ્ય જાણું છું.

કિંમતી ધાતુઓમાં રૂપાંતરિત વસ્તુઓ ફેંકી દેવાની મારી માતાની યાદો હવે નવી ઊંડાઈ ધરાવે છે કે મેં ફિરોઝાબાદના ભૂતકાળ અને વર્તમાનના સોનાના ખજાનાની શોધ કરતા લોકોની વાર્તાઓ સાંભળી હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન