દુનિયાના આ ચાર દેશમાં લોકો લાંબું કેમ જીવે છે?

વિશ્વના બ્લુ ઝોન વિસ્તારના લોકો સારા સ્વાસ્થ્ય સાથે લાંબુ આયુષ્ય જીવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વના બ્લુ ઝોન વિસ્તારના લોકો સારા સ્વાસ્થ્ય સાથે લાંબુ આયુષ્ય જીવે છે.
    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, બીબીસી મૂન્ડો
બીબીસી ગુજરાતી
  • આજના યુગમાં માણસનું સરેરાશ આયુષ્ય 73.4 વર્ષનું છે
  • સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે કે આ સદીના મધ્ય સુધીમાં માણસની સરેરાશ વય વધીને 77 વર્ષ થઈ શકે છે
  • ફ્રાંસનાં ખ્રિસ્તી સાધ્વી લુસિલ સિસ્ટર આંદ્રેએ જાન્યુઆરીમાં આખરી શ્વાસ લીધા એ વખતે તેમની વય 118 વર્ષ હતી
  • હાલ દુનિયામાં પાંચ વર્ષથી ઓછી વયનાં જેટલાં બાળકો છે તેના કરતાં અનેકગણી વધારે વસ્તી 65 વર્ષથી વધુ વયના લોકોની છે
  • મોનાકોમાં માણસનું સરેરાશ આયુષ્ય 87 વર્ષનું છે, જ્યારે આફ્રિકાના ગરીબ દેશ રિપબ્લિક ઓફ ચાડમાં તે પ્રમાણ માત્ર 53 વર્ષનું છે
  • સરેરાશ વધુ આયુષ્યના સંદર્ભમાં જે દેશો ટોચના સ્થાને છે તેમાં વધુ આવક એક સર્વસામાન્ય બાબત છે. બીજી સર્વસામાન્ય બાબત એ દેશોનો આકાર છે
બીબીસી ગુજરાતી

લુસિલ રેંડને જાન્યુઆરીમાં આખરી શ્વાસ લીધા એ વખતે તેમની વય 118 વર્ષ હતી અને તેમના નામે વિશ્વમાં સૌથી વધુ વયે જીવંત વ્યક્તિનો રેકોર્ડ નોંધાયેલો હતો.

ફ્રાંસના ખ્રિસ્તી સાધ્વી લુસિલ સિસ્ટર આંદ્રે નામે વિખ્યાત હતાં. તેમણે બન્ને વિશ્વ યુદ્ધ જોયાં હતાં. તેઓ માણસે ચંદ્ર પર પગ મૂક્યો એ ઘટનાનાં સાક્ષી હતાં અને તેમણે ડિજિટલ યુગ પણ જોયો હતો.

આજના યુગમાં માણસનું સરેરાશ આયુષ્ય 73.4 વર્ષનું છે તે હકીકતના સંદર્ભમાં લુસિલ રેંડની કથા અનન્ય જણાય છે.

જોકે, સમય પસાર થવાની સાથે માણસનું આયુષ્ય લંબાઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે કે આ સદીના મધ્ય સુધીમાં માણસની સરેરાશ વય વધીને 77 વર્ષ થઈ શકે છે.

લોકોનો જીવનકાળ વધી રહ્યો છે અને જન્મદર ઘટી રહ્યો છે ત્યારે વયોવૃદ્ધ લોકોની વસ્તી વધી રહી છે.

હાલ દુનિયામાં પાંચ વર્ષથી ઓછી વયનાં જેટલાં બાળકો છે તેના કરતાં અનેકગણી વધારે વસ્તી 65 વર્ષથી વધુ વયના લોકોની છે. જોકે, વિશ્વના તમામ દેશોમાં પરિસ્થિતિ એકસમાન નથી.

વૃદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લુસિલ રેન્ડને જાન્યુઆરીમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેઓ 118 વર્ષના હતા અને તેમના નામે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનો રેકોર્ડ હતો.

મોનાકોમાં માણસનું સરેરાશ આયુષ્ય 87 વર્ષનું છે, જ્યારે આફ્રિકાના ગરીબ દેશ રિપબ્લિક ઓફ ચાડમાં તે પ્રમાણ માત્ર 53 વર્ષનું છે.

મોનાકો પછી ચીન પ્રશાસિત હોંગકોંગનો નંબર આવે છે. ત્રીજા નંબરે મકાઉ અને ચોથા ક્રમે જાપાન છે. વિશ્વમાં જાપાનમાં લોકોની સરેરાશ વયનું સૌથી વધારે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, માણસનું સરેરાશ આયુષ્ય લાંબું હોય તેવા અન્ય દેશોમાં લિક્ટનસ્ટાઈન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપુર, ઇટાલી, દક્ષિણ કોરિયા અને સ્પેનનો સમાવેશ થાય છે.

મહામારી અને વિશ્વ યુદ્ધને બાજુ પર રાખીએ તો છેલ્લાં 200થી પણ વધુ વર્ષથી સમગ્ર વિશ્વમાં માણસનું સરેરાશ આયુષ્ય સતત વધી રહ્યું છે. વૅક્સિન, ઍન્ટિબાયોટિક્સ અને બહેતર દવાઓના વિકાસની સાથે સ્વચ્છતા તેમજ ખાનપાન તથા બહેતર જીવનશૈલીને કારણે સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે.

બીબીસી ગુજરાતી

યોગ્ય નિર્ણય, બહેતર પરિણામ

મોનાકોમાં સરેરાશ ઉંમર 87 વર્ષ છે જે વિશ્વમાં સૌથી વધુ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોનાકોમાં સરેરાશ ઉંમર 87 વર્ષ છે જે વિશ્વમાં સૌથી વધુ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આયુષ્ય ટૂંકુ હોવાની બાબતમાં આનુવાંશિક કારણ સૌથી મહત્ત્વનું હોય છે. તેમાં બીજી બાબતોની ભૂમિકા પણ હોય છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિનો જ્યાં જન્મ થયો હતો ત્યાં રહેવાની પરિસ્થિતિ કેવી હતી અને એક વ્યક્તિ તરીકે તેમણે જીવનમાં ક્યા પ્રકારના નિર્ણય કર્યા હતા એ બાબત પણ મહત્ત્વની હોય છે.

લાંબુ આયુષ્ય બહેતર આરોગ્ય વ્યવસ્થા અને સારા ખાનપાનને લીધે જ નથી મળતું. એ માટે, નિષ્ણાતો જેને ‘સ્માર્ટ નિર્ણય’ કહે છે, એ નિર્ણયો પણ મહત્ત્વના હોય છે. ખાસ કરીને સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, તણાવ પર નિયંત્રણ અને વ્યાયામ સંબંધી નિર્ણય.

સરેરાશ વધુ આયુષ્યના સંદર્ભમાં જે દેશો ટોચના સ્થાને છે તેમાં વધુ આવક એક સર્વસામાન્ય બાબત છે. બીજી સર્વસામાન્ય બાબત એ દેશોનો આકાર છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના જનસંખ્યા વિભાગના વડા પેટ્રિક ગેરલેંડના જણાવ્યા મુજબ, આ યાદીમાં મોનાકો તથા લિક્ટનસ્ટાઈન જેવા બહુ નાના દેશો છે. તેમની જનસંખ્યામાં બીજા દેશો જેવું વૈવિધ્ય જોવા મળતું નથી.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે “આ દેશો વિશિષ્ટ લાગે છે, પરંતુ તેમની જનસંખ્યા અલગ છે. બીજા દેશોમાં વિવિધ જનસમૂહોનું મિશ્રણ જોવા મળે છે. તેવું આ દેશોમાં નથી.”

પેટ્રિક ગેરલેંડે ઉમેર્યું હતું કે “તેમનું જીવનધોરણ ઊંચું છે. આરોગ્ય, શિક્ષણની સુવિધાઓ સારી છે, પરંતુ અહીં કોઈ પ્રકારનું રેન્ડમ સિલેક્શન નથી.”

અલગ-અલગ દેશો વચ્ચે, બલ્કે કેટલીક બાબતોમાં તો એક જ દેશમાં મોટું અંતર જોવા મળે છે. ખાસ કરીને જ્યાં વધારે અસમાનતા હોય ત્યાં અલગ-અલગ સામાજિક સમૂહો વચ્ચે સરેરાશ આયુષ્યનું અંતર વધી જતું હોય છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે “યુરોપના અનેક દેશોમાં 80થી વધુ વર્ષની વયના અનેક લોકો છે. ત્યાં સરેરાશ આયુષ્ય વધારે છે.”

બીબીસી ગુજરાતી

દીર્ધાયુનું વરદાન અને ‘બ્લૂ ઝોન’

ઇટાલીનો સાર્દિનિયા પ્રદેશ પ્રથમ બ્લ્યુ ઝોન બન્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇટાલીનો સાર્દિનિયા પ્રદેશ પ્રથમ બ્લૂ ઝોન બન્યો હતો

બ્લૂ ઝોન વસ્તીનો બહુ નાનો હિસ્સો છે. અહીં અન્ય લોકોની સરખામણીએ વધુ વર્ષો જીવતા લોકો છે.

દુનિયામાં સૌથી વધુ વયના લોકો ક્યા દેશમાં રહે છે એ જાણવા માટે વસ્તીશાસ્ત્રી મિશેલ પુલેન અને વૃદ્ધત્વ સંબંધી વિજ્ઞાનના નિષ્ણાત જાની પેસે થોડા દાયકા પહેલાં એક અભિયાન હાથ ધર્યું હતું.

તેમને જે નાનાં નગરો તથા શહેરોમાં 100 વર્ષ સુધી જીવેલા લોકો મળ્યા હતા, પૃથ્વીના ગોળા પર તેમણે એ સ્થળો પર બ્લૂ માર્કર વડે રાઉન્ડ કર્યાં હતાં.

તેમને જાણવા મળ્યું હતું કે નકશા પર બ્લૂ માર્કર વડે રેખાંકિત એક વિસ્તાર બરબાજા છે. તે ઇટાલીના સારડિનિયા પર આવેલો છે. તેમણે એ વિસ્તારને બ્લૂ ઝોન નામ આપ્યું હતું. આ બન્ને સંશોધકોના મૃત્યુ બાદ બ્લૂ ઝોન નામ, જ્યાં લોકો બહેતર જીવનધોરણ સાથે લાંબું જીવતા હોય એવાં સ્થળો સાથે જોડાઈ ગયું હતું.

આ અભ્યાસને આધારે પત્રકાર ડેન બ્યૂટનરે નિષ્ણાતોની એક ટીમ તૈયાર કરી હતી, જેથી અન્ય સ્થળે જીવતા આવા જ સમુદાયો વિશે જાણકારી મેળવી શકાય.

તેમને જાણવા મળ્યું હતું કે સારડિનિયા ઉપરાંત બીજા ચાર બ્લૂ ઝોન છે. તેમાં જાપાનના ઓકિનાવા દ્વીપ, કોસ્ટા રિકાના નિકોયા દ્વીપ, ગ્રીસના આઈકેરિયા દ્વીપ અને કેલિફોર્નિયામાં લોમા લિંડા એડવેંટિસ્ટ સમુદાયનો સમાવેશ થાય છે.

દક્ષિણ જાપાનના ઓકિનાવામાં, લોકો 90 વર્ષની ઉંમર સુધી સક્રિય રહે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ જાપાનના ઓકિનાવામાં, લોકો 90 વર્ષની ઉંમર સુધી સક્રિય રહે છે.

દીર્ધાયુ માટે આનુવંશિક કારણ એક વરદાન જેવું હોય છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ બ્લૂ ઝોનને અસર કરતાં બીજાં કારણો ક્યા છે તે સમજવાનો પ્રયાસ ડૉક્ટરો તથા બીજા તમામ ક્ષેત્રના વિજ્ઞાનીઓના સમૂહે કર્યો હતો. તેમણે આ માહિતી મેળવવા માટે વિશ્વના અલગ-અલગ પ્રદેશોનો પ્રવાસ કર્યો હતો.

તેના થોડાં વર્ષો પછી એટલે કે 2008માં ડેન બ્યૂટનરનું ‘ધ બ્લૂ ઝોન્સઃ લેસન ફોર લિવિંગ લોંગર ફ્રોમ ધ પીપલ વ્હૂ હેવ લિવ્ડ ધ લોંગેસ્ટ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. એ પછી બ્યૂટનરે પોતાની જાતને આ વિચારને આગળ વધારવાના કામ માટે સમર્પિત કરી દીધી હતી.

અલબત, તેમની બધી વાતો સાથે લોકો સહમત ન હતા. અસહમત થતા લોકોનું કહેવું હતું કે બ્યૂટનરના અનેક તારણ લાંબા વૈજ્ઞાનિક અભ્યાસને બદલે નિરિક્ષણ પર આધારિત છે.

બીબીસી ગુજરાતી

બ્લૂ ઝોનમાં સર્વસાધારણ શું છે?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

બ્યૂટનર અને તેમની ટીમે કરેલા વિવિધ સમુદાયના અભ્યાસમાં કેટલીક સર્વસામાન્ય બાબતો બહાર આવી હતી. તેના આધારે તેમણે જણાવ્યું હતું કે બાકીની દુનિયાની સરખામણીએ એ સમુદાયના લોકોનું આયુષ્ય લાંબું અને બહેતર શા માટે છે. એ પૈકીની કેટલીક બાબતો નીચે મુજબ છેઃ

  • તેમના જીવનનો કોઈ હેતુ હતો. એટલે કે એવું કારણ જેના માટે તેઓ રોજ સવારે જાગે છે.
  • તેઓ પારિવારિક જોડાણ મજબૂત રાખે છે.
  • તેઓ સામાન્ય રૂટિનના બંધનથી અલગ થઈને તણાવ ઘટાડે છે. તેઓ બીજી ગતિવિધિઓમાં ભાગ લે છે, જે સામાજિક આદતનો હિસ્સો બની ચૂકી છે. દાખલા તરીકે લોમા લિંડા સમુદાયના લોકો પ્રાર્થના કરે છે. ઓકિનાવામાં મહિલાઓ માટે ચા પાર્ટીનું આયોજન થાય છે.
  • તેઓ ઠૂંસી-ઠૂંસીને જમતા નથી. પેટની ક્ષમતાના 80 ટકા ભોજન જ કરે છે.
  • તેઓ સંતુલિત આહાર લે છે. તેમાં શાકભાજી તથા ફળોનું પ્રમાણ વધુ હોય છે.
  • તેઓ મર્યાદિત પ્રમાણમાં મદ્યપાન કરે છે.
  • તેઓ રોજ ચાલવા જવું જેવી શારીરિક ક્રિયા કરે છે.
  • તેમનામાં સામુદાયિક ભાવના મજબૂત હોય છે. તેઓ સામાજિક ગતિવિધિઓમાં ભાગ લે છે અને સારી આદતોને પ્રોત્સાહિત કરે છે.
  • તેઓ આસ્થા કે ધર્મને પ્રોત્સાહન મળતું હોય તેવા સમૂહનો હિસ્સો હોય છે.
  • એ ઉપરાંત મૈત્રીપૂર્ણ માહોલ, સારો સ્વભાવ, આરોગ્યપ્રદ આહારની ઉપલબ્ધતા અને મોટાં શહેરી કેન્દ્રોથી દૂર વસવાટ તેમની જીવનચર્યાનો હિસ્સો હોય છે.

અલબત, બ્લૂ ઝોનનો હિસ્સો હોવા માટે વ્યક્તિ ત્યાં જન્મી હોય અને તે સમુદાયનો સક્રિય સભ્ય હોય તે જરૂરી છે, પરંતુ લાંબા અને બહેતર જીવનની ઈચ્છા ધરાવતા તમામ લોકો માટે બ્લૂ ઝોનના લોકોની જીવનશૈલી ઉપયોગી સાબિત થઈ શકે છે.

બીબીસી ગુજરાતી

એકલા રહેવાનું નહીં

જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતોનું કહેવું છે કે આર્થિક સ્થિતિ અને રંગસૂત્રોમાં જોવા મળતા ગુણો સિવાયની કેટલીક અન્ય બાબતો છે, જેના પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. એ બાબતોમાં બીજા લોકો સાથેના સંપર્ક અને જીવનના હેતુનો સમાવેશ થાય છે.

આ બાબત સામાન્ય લાગે છે, પરંતુ જે લોકો લાંબા સમય સુધી સારું જીવન જીવવા ઈચ્છે છે તેમના માટે આ મોટો પડકાર છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑન એજિંગના સાયન્ટિફિક ડિરેક્ટર લુઈગી ફરુચીએ જણાવ્યું હતું કે બુઝુર્ગ લોકો શારીરિક રીતે સક્રિય રહેતા હોય છે. થોડો સમય ઘરની બહાર પસાર કરતા હોય છે. મિત્રો અને સગાંસબંધી સાથેનો તેમનો સંબંધ મજબૂત હોય છે.

કોઈ વ્યક્તિના દીર્ઘાયુ પર રંગસૂત્રો અને જીવનશૈલીનો કેટલો મોટો પ્રભાવ હોય છે એ બાબતે નિષ્ણાતો એકમત નથી.

કેટલાક સંશોધકો માને છે કે તેમાં રંગસૂત્રોની ભૂમિકા 25 ટકા હોય છે. એ સિવાયના મહત્ત્વનાં અન્ય કારણોમાં વ્યક્તિ ક્યાં રહે છે, તે શું ખાય છે, કેટલો વ્યાયામ કરે છે અને મિત્રો તથા પરિવાર સાથે જોડાયેલી તેની સપોર્ટ સિસ્ટમ કેવી છે તેનો સમાવેશ થાય છે.

દીર્ઘ અને સ્વસ્થ જીવનમાં આનુવંશિક કારણોની ભૂમિકા બાબતે વૈજ્ઞાનિક સમુદાયમાં ચર્ચા ચાલુ છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી