ગાંધીજીના જીવનમાં કસ્તૂરબાનું સ્થાન કેટલું આગવું હતું?

કસ્તૂરબા ગાંધી
ઇમેજ કૅપ્શન, કસ્તૂરબા ગાંધી
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"બા અને બાપુ એક ઘરમાં હોય, પાસે પાસેના ઓરડામાં હોય, કશું ખાસ એકમેક સાથે બોલે નહીં, પણ આપણને આખો વખત લાગ્યા કરે કે બંને એકમેકને ઊંડેઊંડે ખૂબ સમજે છે. "

ગાંધીજી અને કસ્તૂરબાના મિત્ર હૉરેસ ઍલેકઝાંડરે તેમની વચ્ચેનો જે સંબંધ હતો તેને આ રીતે શબ્દોમાં બાંધ્યો છે.

આ વાત વધુ સારી રીતે સમજવા માટે બે પ્રસંગો જોઈએ જેથી ગાંધીજી અને કસ્તૂરબાની સમજણ એકબીજામાં કેવી વણાયેલી હતી તેનો અંદાજ મળે છે.

આ બંને પ્રસંગો મુકુલભાઈ કલાર્થીનાં પુસ્તક 'બા અને બાપુ'માંથી મળે છે.

બા બહુ સારી રસોઈ કરી જાણતાં. બાપુજીએ જ્યારથી પોતાના જીવનવ્યહારમાં અસ્વાદવ્રત દાખલ કર્યું ત્યારથી બાની એ કળા નકામી જેવી થઈ ગઈ હતી. છતાં બા કોઈ વાર કોઈ ને કોઈ ચીજ બનાવતાં તો ખરાં જ. સારી સારી વસ્તુઓ ખવડાવવાનો તથા ખાવાનો તેમને શોખ હતો.

બાની છેલ્લી માંદગી વેળાએ પણ આગાખાન મહેલ(પૂના - મહારાષ્ટ્ર, જ્યાં તેમનો જેલવાસ હતો)માં ડૉ. ગિલ્ડરના નાસ્તાને માટે મનુબહેન પાસે બા રોજ કાંઈને કાંઈ કરાવતાં.

એક દિવસ બાએ મનુબહેનને પૂરણપોળી બનાવાનું સૂચવ્યું અને કહ્યું, "આજે તો હું પણ પૂરણપોળી ખાઈશ. બાપુજીને પૂછી આવ કે તમે લેશો?"

બાની તબિયત નબળી હતી અને બા ભારે વસ્તુ ખાય તો એમની તબિયત કથળી શકે એટલે મનુબહેન જ્યારે બાપુને પૂછવા ગયાં, ત્યારે બાપુએ આ વાતનો ખ્યાલ કરીને કહ્યું. "બા ન ખાય તો હું ખાઈશ."

બાને નિશ્ચય કરતાં એક પણ પણ વાર ન લાગી. બા કહે, " તો ભલે, હું નહીં ખાઉં." પછી પાસે બેસીને બાએ બાપુને માટે તેમ જ બીજા બધાને માટે પૂરણપોળી બનાવરાવી. સૌને ખવડાવી અને પોતે જરાક ચાખી પણ નહીં.

line

'આપણે હોઈએ તો ફેર પડે ને!'

બા અને બાપુનું જીવન જે રીતે એકબીજા સાથે વણાયેલું હતું એ જ છાપ પોરબંદરમાં પણ જોવા મળે છે. જ્યાં બન્નેનાં જન્મસ્થળ આવેલાં છે, એકબીજાની લગોલગ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બા અને બાપુનું જીવન જે રીતે એકબીજા સાથે વણાયેલું હતું એ જ છાપ પોરબંદરમાં પણ જોવા મળે છે. જ્યાં બન્નેનાં જન્મસ્થળ આવેલાં છે, એકબીજાની લગોલગ.

હવે બીજો પ્રસંગ જોઈએ.

'હરિજનપ્રશ્ન' અંગે બાપુએ 1932માં યરવડા જેલમાં આમરણ ઉપવાસ આદર્યા હતા. તે વખતે કસ્તૂરબા સાબરમતી જેલમાં હતાં. પોતે બાપુની પડખે નથી એનો બાને મનમાં ખૂબ ઉચાટ રહ્યા કરતો.

આ વાતનો વલોપાત કરતાં બા એક વાર જેલની બહેનોને કહેવાં લાગ્યાં. "આ ભાગવત વાંચીએ છીએ, રામાયણ - મહાભારત વાંચીએ છીએ, એમાં ક્યાંય આવા ઉપવાસની વાતો નથી! પણ બાપુની તો વાત જ જુદી. એ આવું જ કર્યા કરે છે! હવે શું થશે?"

લાઇન
  • ગાંધીજી અને કસ્તૂરબા વચ્ચેના સંબંધો વિશે તેમના મિત્ર હોરેસ એલેકઝાંડરે કેવો અભિપ્રાય આપ્યો છે
  • ગાંધીજી અને કસ્તૂરબા વચ્ચે સમજણનો સેતૂ કેટલો પરિપક્વ હતો તે સમજાવવા મુકુલભાઈ કલાર્થીએ પુસ્તક 'બા અને બાપુ'માં શું લખ્યું છે?
  • કસ્તૂરબાનાં પૌત્રીનાં પૌત્રી એટલે કે કસ્તૂરબા જેમની દાદીનાં દાદી થાય તે સોનલ પરીખે શું લખ્યું છે?
  • સરોજીની નાયડુ ગાંધીજીને ગમ્મતમાં જાલીમ કેમ કહેતાં હતાં?
  • કેટલાંકને કદાચ કસ્તૂરબા પ્રત્યે દયાભાવ પણ ઉપજે કે ગાંધીજી સાથે તેમને કેવી તકલીફો પડતી હશે?
  • આ બધા પ્રશ્નોના જવાબ આ લેખમાંથી મળી શકે છે....
લાઇન

એટલે બહેનો કહે, "બા, બાપુને સરકાર બધી સગવડો આપશે, તમે શા માટે ફિકર કરો છો?" ત્યારે બા કહે, "બાપુ કશી સગવડ લે તો ને! એમને તો બધી વાતનો અસહકાર! એના જેવું માણસ તો મેં ક્યાંય નથી સાંભળ્યું! પુરાણની ઘણી ઘણી વાતો સાંભળી છે, પણ આવું તપ ક્યાંય ન જોયું!

પછી થોડી વાર અટકીને બા પાછાં કહે, "જોકે કોઈ વાંધો નથી. એમ તો મહાદેવ છે, વલ્લભભાઈ છે, સરોજિનીદેવી છે, પણ આપણે હોઈએ તો ફેર પડે ને!"

line

બાપુમાં બાને શોધવા પડે!

કસ્તૂરબા ગાંધી

કસ્તૂરબાની શોધ કરનારાઓને બા એકલાં મળે નહીં. બાપુમાં જ બાને શોધવા પડે.

કસ્તૂરબાનાં પૌત્રીનાં પૌત્રી એટલે કે કસ્તૂરબા જેમની દાદીનાં દાદી થાય તે સોનલ પરીખે પોતાના એક લેખમાં લખ્યું છે કે, "કસ્તૂરબાની શોધ કરનારાઓને બા એકલાં મળે નહીં. બાપુમાં જ બાને શોધવા પડે. પછી એમ તો બામાં પણ બાને શોધવા પડે. ને ત્યાર પછી પ્રતીતિ થાય કે બેમાંથી એકે રીતે પૂરેપૂરાં, આખેઆખાં બા તો મળતાં જ નથી. બાએ પોતાના વિશે કશું કહ્યું નથી."

ગાંધીજી વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે અને કસ્તૂરબા વિશે પણ કેટલાંક લખાયાં છે. જો લેખકોને પૂછવામાં આવે કે કસ્તૂરબા વગર ગાંધી મહાત્મા બની શક્યા હોત? તો મોટા ભાગના કદાચ ના જ કહે. કસ્તૂરબાએ પોતાની જાતને ગાંધીમાં પરોવી દીધી હતી, છતાં તેમનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ તો હતું જ. જો એવું ન હોત તો 'ગાંધીજી એમ ન કહેત કે સત્યાગ્રહ મને બાએ શીખવાડ્યો છે'. ભરજુવાનીમાં ગાંધીજીએ બ્રહ્મચર્ય અપનાવ્યું હતું અને કસ્તૂરબાએ સ્વીકારી લીધું હતું.

વનમાળા પરીખ અને સુશીલા નય્યરના કસ્તૂરબા વિશેનાં પુસ્તક 'અમારા બા'ની પ્રસ્તાવનામાં 18 ફેબ્રુઆરી, 1945ના રોજ ગાંધીજી લખે છે કે, 'બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. હું નહોતો જાણતો કે આ ગુણ બામાં છુપાયેલો હતો. મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોય તે પોતાનું ધાર્યું કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશેય રહેતી. પણ મારું જાહેર જીવન જેમ ઊજ્જવળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારે મારામાં એટલે મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે મારામાં અને મારા કામમાં - સેવામાં ભેદ ન રહ્યો તેમ તેમ બા તેમાં તદાકાર થવા લાગી."

જેમણે પોતાનું બાળપણ ગાંધીજી અને કસ્તૂરબા સાથે વિતાવ્યું છે એવા નારાયણ દેસાઈ તેમના પુસ્તક 'મને કેમ વિસરે રે?'માં કસ્તૂરબાનાં સંભારણાં વાગોળે છે, "એમની વિદ્વતા એમની હૈયાસૂઝમાં હતી. પતિ પ્રત્યેની શ્રદ્ધામાં હતી, નવું નવું શીખવાની જિજ્ઞાસામાં હતી અને જીવનને કોઈ પણ ઘડીએ બદલવાની તૈયારીમાં હતી."

વૈકુંઠભાઈ મહેતાએ કસ્તૂરબા વિશે કહ્યું હતું કે, "જો આપણે ધીરજને અહિંસાનું લક્ષણ માનતા હોઇએ, તો આ ગુણના વિકાસમાં કસ્તૂરબાએ ગાંધીજી કરતાં વધારે સફળતા પ્રાપ્ત કરી છે."

line

કઠોર વ્રતની એરણે

ગાંધીજી

ઇમેજ સ્રોત, ROLI BOOKS

ગાંધીજી સમયના પાબંદ હતા. ઝીણીઝીણી બાબતોમાં પણ એટલા ચીવટવાળા હતા કે તેમની સાથે રહેનારાને તો કાયમ ખડેપગે જ રહેવું પડે.

સરોજીની નાયડુ ગાંધીજીને ગમ્મતમાં 'જાલીમ' કહેતાં અને પત્રમાં ગાંધીજીને 'માય ડીયર ટાયરન્ય - મારા વ્હાલા જાલીમ' કહીને સંબોધતાં હતાં. હવે વિચારો કે પરણ્યા પછી કસ્તૂરબા કેવા ખડેપગે રહ્યાં હશે!

એમાં જ કસ્તૂરબાએ જીવનની સાર્થકતા માની હતી. કસ્તૂરબા, ગાંધીજીની જીવનસાધનામાં અને વ્રતપાલનમાં આડે તો નથી જ આવ્યાં પણ ધીમેધીમે એ પ્રકારની જીનરીતીને પોતે પણ અપનાવતાં ગયાં.

કસ્તૂરબા કોઈ વિદુષી નારી તો નહોતાં. માતૃભાષાનું તેમનું જ્ઞાન પણ સામાન્ય હતું અને હિન્દીનું તો એથીય ઓછું. તેમણે એ માણસ સાથે જીવનનાં બાસઠ વર્ષ વિતાવ્યાં હતાં જે ક્યારે ઉપવાસ પર ઊતરી જાય કે ક્યારે જેલમાં જાય તે નક્કી ન હોય. તેથી કેટલાકને કદાચ કસ્તૂરબા પ્રત્યે દયાભાવ પણ ઊપજે કે ગાંધીજી સાથે તેમને કેવી તકલીફો પડતી હશે. જોકે, કસ્તૂરબાને ગાંધીજી પ્રત્યે આવી કોઈ ફરિયાદ નહોતી અને એ વાતનો મર્મ એમણે લીલાવતી મુનશીને લખેલા પત્રમાં પણ જાણી શકાય છે.

અ.સૌ.લીલાવતી

તમારો પત્ર મને બહુ ખૂંચ્યા કરે છે. તમારે ને મારે તો કોઈ દિવસ વાતચીત કરવાનો વખત બહુ નથી આવ્યો.તો તમે કેમ જાણ્યું કે મને ગાંધીજી બહુ દુઃખ આપે છે? મારો ચહેરો ઉતર્યો હોય છે, મને ખાવા વિશે પણ દુઃખ આપે છે, તે તમે જોવાં આવ્યાં હતાં? મારા જેવો પતિ તો કોઇને પણ દુનિયામાં નહીં હોય. સત્યથી આખા જગતમાં પુજાય છે. હજારો તેની સલાહ લેવા આવે છે. હજારોને સલાહ આપે છે.કોઈ દિવસ ભૂલ વગર મારો વાંક નથી કાઢ્યો. મારામાં લાંબા વિચાર ન આવે, ટૂંકી દૃષ્ટિ હોય, તો કહે. તે તો આખા જગતમાં ચાલતું આવ્યું છે. ગાંધીજી છાપે ચડાવે. બીજા ઘરમાં કંકાસ કરે. મારા પતિને લીધે તો હું આખા જગતમાં પુજાઉં છું. મારાં સગાંવહાલાંમાં ખૂબ પ્રેમ છે. મિત્રોમાં મારું ઘણું માન છે. તમે મારા ઉપર ખોટું આળ ચઢાવો છો તે કોઈ માનવાનું નથી. હા, હું તમારા જેવી આજકાલના જમાના જેવી હું નથી. ખૂબ છૂટ લેવી, પતિ તમારા તાબામાં રહે તો સારું, નહીં તો તારો ને મારો રસ્તો નોખો છે. પણ સનાતની હિંદુને તે ન છાજે.

પાર્વતીજીને એવું પણ હતું કે, જન્મોજન્મ શંકર મારા પતિ છે.

લિ. કસ્તૂર ગાંધી

line

'અમારાં બા'

કસ્તૂરબાની દયા ખાતો એક પત્ર લીલાવતી મુનશીએ લખ્યો હતો

ઇમેજ સ્રોત, ROLI BOOKS

ઇમેજ કૅપ્શન, કસ્તૂરબાની દયા ખાતો એક પત્ર લીલાવતી મુનશીએ લખ્યો હતો

પોરબંદરમાં વર્ષ 1868માં એપ્રિલ માસમાં કસ્તૂરબાનો જન્મ થયો હતો. ગાંધીજી કરતાં તેઓ લગભગ છ મહિના મોટાં હતાં. પોરબંદરમાં ગાંધીજીનું નિવાસસ્થાન કીર્તિમંદિર આવેલું છે તેની બિલકુલ પાછળ કસ્તૂરબાનું ઘર છે 13-14 વર્ષની વયે કસ્તૂરબા અને ગાંધીજીનાં લગ્ન થયાં હતાં. રાત્રે સૂતાં પહેલાં ગાંધીજીને માથે તેલ ઘસવાનું કામ છેવટ લગી કસ્તૂરબાએ કર્યું હતું.

22 ફેબ્રુઆરી 1942નાં રોજ પૂણેના આગાખાન મહેલમાં કસ્તૂરબાનો દેહોત્સર્ગ થયો તે વખતે ગાંધીજી સાથે જે લોકો ત્યાં હાજર હતા તેમાં સુશીલા નય્યર પણ હતાં. કસ્તૂરબાનાં મૃત્યુ વખતનું વર્ણન તેમણે 'અમારાં બા' પુસ્તકમાં કર્યું છે. કસ્તૂરબાએ દેહ છોડ્યો પછી ગાંધીજીના હાથે કાંતેલા સૂતરની આંટીની સાડી તેમને પહેરાવવામાં આવી હતી. ગાંધીજીએ જ કાંતેલા સૂતરની ચૂડીઓ તેમને પહેરાવવામાં આવી હતી.

1942માં મુંબઈમાં 'કરેંગે યા મરેંગે' તથા 'હિંદછોડો'ની હાકલ થઈ એ પછી 9 ઑગષ્ટે ગાંધીજીની સવારે સાડા પાંચ વાગ્યે ધરપકડ થઈ હતી. એ વખતે સાંજે મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક ખાતે સભામાં ગાંધીજીને બદલે કસ્તૂરબાએ ભાષણ આપવા જવાનું નક્કી કર્યું હતું.

સભા પહેલાં જ કસ્તૂરબા અને સુશીલા નય્યરને પકડી લેવામાં આવ્યાં હતાં. એ પછી તેમને મુંબઈની આર્થર રોડ જેલમાં અને ત્યાંથી પછી પૂનાના આગાખાન મહેલમાં લઈ જવાયાં હતાં. જ્યાં ગાંધીજી પણ બંદી હતા. પૂનાના આગાખાન મહેલમાં જ ગાંધીજીનો પડછાયો થઈને રહેતા તેમના સચિવ મહાદેવ દેસાઈએ 15 ઑગષ્ટે છેલ્લા શ્વાસ લીધા હતા. આગાખાન મહેલમાં મહાદેવ દેસાઈ અને કસ્તૂરબાની સમાધી બિલકુલ પાસપાસે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન