કોહિનૂર : ‘પુરુષ સ્પર્શે તો બરબાદ થાય અને મહિલા પહેરે તો..’ વિશ્વવિખ્યાત હીરાની ભારતથી બ્રિટિશતાજ સુધીની કહાણી

તાજ

ઇમેજ સ્રોત, POOL/TIM GRAHAM PICTURE LIBRARY/GETTY IMAGES

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

બ્રિટિશ તાજ પર લગાવવામાં આવેલા કોહિનૂર હીરાની સફર રસપ્રદ છે. આ મૂલ્યવાન હીરો નાદિરશાહ પાસેથી બ્રિટિશ તાજ સુધી કઈ રીતે પહોંચ્યો તેની દિલચસ્પ કહાણી અહીં વાંચો.

વાત 1849ની 29 માર્ચની છે. કિલ્લાની વચ્ચોવચ આવેલા શીશ મહેલમાં 10 વર્ષના મહારાજા દલીપસિંહને લાવવામાં આવ્યા હતા. તે બાળકના પિતા મહારાજા રણજીતસિંહ એક દાયકા પહેલાં મૃત્યુ પામ્યા હતા. તેના માતાને થોડા સમય પહેલાં જ શહેરની બહાર એક બીજા મહેલમાં બળજબરીથી મોકલી આપવામાં આવ્યાં હતાં.

દલીપસિંહની ચારે તરફ લાલ કોટ અને હેટ પહેરેલા અંગ્રેજો ઊભા હતા. થોડા સમય પછી એક જાહેર સમારંભમાં તેમણે તેમના દરબારના બચેલા સરદારોની હાજરીમાં એ દસ્તાવેજ પર સહી કરી હતી, જેની રાહ અંગ્રેજ સરકાર વર્ષોથી જોઈ રહી હતી.

થોડા સમયમાં લાહોરના કિલ્લા પરથી શીખ ખાલસા ઝંડો ઉતારી લેવામાં આવ્યો હતો અને તેના સ્થાને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઝંડો લહેરાવા લાગ્યો હતો. એ સાથે માત્ર શીખ સામ્રાજ્ય પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ સ્થપાઈ ગયું હતું એટલું જ નહીં, પરંતુ વિશ્વનો સૌથી વિખ્યાત કોહિનૂર હીરો પણ તેમના કબજામાં આવી ગયો હતો.

line
લાઇન
  • બ્રિટિશ તાજ પર લગાવવામાં આવેલો મૂલ્યવાન કોહિનૂર હીરો નાદિરશાહ પાસેથી બ્રિટિશ તાજ સુધી કઈ રીતે પહોંચ્યો તેની આ દિલચસ્પ કહાણી છે
  • લાહોરના કિલ્લા પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઝંડો લહેરાયો એ સાથે શીખ સામ્રાજ્ય પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ સ્થપાઈ ગયું અને વિશ્વનો સૌથી વિખ્યાત કોહિનૂર હીરો પણ તેમના કબજામાં આવી ગયો હતો
  • કોહિનૂર વિશે કહેવામાં આવે છે કે તે સંભવતઃ તુર્કોએ દક્ષિણ ભારતના એક મંદિરમાંની એક મૂર્તિની આંખમાંથી કાઢી લીધો હતો
  • કોહિનૂરનો સૌપ્રથમ સત્તાવાર ઉલ્લેખ ફારસી ઈતિહાસકાર મોહમ્મદ મારવીએ 1750માં કરેલા નાદિરશાહના ભારતના વર્ણનમાં મળે છે, મારવીએ લખ્યું હતું કે તેમણે તેમની સગી આંખે તે હીરો નિહાળ્યો હતો
  • તખ્તે-તાઉસના નિર્માણમાં તાજ મહેલ બનાવવામાં થયેલા ખર્ચ કરતાં બમણો ખર્ચ થયો હતો. બાદમાં કોહિનૂરને તખ્તે-તાઉસમાંથી કાઢી લેવામાં આવ્યો હતો, જેથી નાદિરશાહ તેને પોતાના હાથમાં પહેરી શકે
  • એક નર્તકી નૂરબાઈએ નાદિરશાહને બાતમી આપી હતી કે મોહમ્મદ શાહે તેમની પાઘડીમાં કોહિનૂર છૂપાવી રાખ્યો છે
  • નાદિરશાહે મોહમ્મદ શાહની પાઘડીની આપસમાં બદલી કરી, આ રીતે કોહિનૂર નાદિરશાહના હાથમાં આવ્યો હતો
  • તેણે તેનું નામ કોહિનૂર એટલે કે પ્રકાશનો પર્વત રાખ્યું હતું
  • કોહિનૂર નાદિરશાહ પાસે પણ લાંબો સમય રહી શક્યો ન હતો, નાદિરશાહની હત્યા પછી તેના અફઘાન અંગરક્ષક અહમદ શાહ અબ્દાલીના હાથમાં કોહિનૂર આવ્યો હતો
  • એ પછી અનેક હાથમાંથી પસાર થઈને 1813માં મહારાજા રણજીતસિંહના હાથમાં આવ્યો હતો, ત્યાંથી લંડન પહોંચ્યો હતો.
લાઇન

મરઘીનાં નાનાં ઈંડાંના કદનો હીરો

બ્રિટિશ રાજ

ઇમેજ સ્રોત, JUGGERNAUT

કોહિનૂર વિશે કહેવામાં આવે છે કે તે સંભવતઃ તુર્કોએ દક્ષિણ ભારતના એક મંદિરમાંની એક મૂર્તિની આંખમાંથી કાઢી લીધો હતો. 'કોહિનૂરઃ ધ સ્ટોરી ઑફ વર્લ્ડઝ મોસ્ટ ઇનફેમસ ડાયમંડ' નામના પુસ્તકના લેખક વિલિયમ ડેલરેમ્પલ કહે છે કે "કોહિનૂરનો સૌપ્રથમ સત્તાવાર ઉલ્લેખ ફારસી ઇતિહાસકાર મોહમ્મદ મારવીએ 1750માં કરેલા નાદિરશાહના ભારતના વર્ણનમાં મળે છે. મારવીએ લખ્યું હતું કે તેમણે તેમની સગી આંખે તે હીરો નિહાળ્યો હતો."

"એ સમયે તે રાજાના સિંહાસન(તખ્તે-તાઉસ)ની ઉપરના ભાગમાં જડવામાં આવ્યો હતો. તેને નાદિરશાહ દિલ્હીથી લૂંટીને ઈરાન લઈ ગયા હતા. કોહિનૂરનું કદ મરઘીના નાના ઈંડા જેવડું હતું અને તેને વેચવામાં આવે તો વિશ્વના અનેક લોકોને અઢી દિવસ સુધી ભોજન કરાવી શકાય તેટલા નાણાં મળી શકે એવું કહેવાતું હતું. "

"તખ્તે-તાઉસના નિર્માણમાં તાજ મહેલ બનાવવામાં થયેલા ખર્ચ કરતાં બમણો ખર્ચ થયો હતો. બાદમાં કોહિનૂરને તખ્તે-તાઉસમાંથી કાઢી લેવામાં આવ્યો હતો, જેથી નાદિરશાહ તેને પોતાના હાથમાં પહેરી શકે."

line

નાદિરશાહે દિલ્હીમાં કરાવી કતલેઆમ

વિલિયમ ડેલરેમ્પલ

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, વિલિયમ ડેલરેમ્પલ

નાદિરશાહે પોતાના દોઢ લાખ સૈનિકોના સૈન્યના બળે મોહમ્મદ શાહ રંગીલાની દસ લાખ લોકોની સેનાને કરનાલ પાસે હરાવી હતી. દિલ્હી પહોંચ્યા પછી નાદિરશાહે એવી કતલેઆમ કરાવી હતી કે જેનો જોટો ઇતિહાસમાં જડવો મુશ્કેલ છે.

વિખ્યાત ઇતિહાસકાર સર એચ એમ એલિયટ તથા જૉન ડોસને તેમના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા એઝ ટોલ્ડ બાય ઇટ્સ હિસ્ટોરિયન્સ'માં લખ્યું છે કે "નાદિરશાહના 40,000 સૈનિકો દિલ્હીમાં ઘૂસ્યા તેની સાથે જ અનાજના ભાવ આસમાને પહોંચી ગયા હતા. નાદિરશાહના સૈનિકોએ ભાવતાલનો પ્રયાસ કર્યો ત્યારે તેમની તથા દુકાનદારોની વચ્ચે અથડામણ થઈ હતી અને લોકો સૈનિકો પર હુમલો કરવા લાગ્યા હતા."

"બપોર સુધીમાં 900 ફારસી સૈનિકો માર્યા ગયા પછી નાદિરશાહે દિલ્હીના લોકોની કતલેઆમનો આદેશ આપ્યો હતો. સવારે નવ વાગ્યે શરૂ થયેલી કતલેઆમમાં સૌથી વધુ લોકો લાલ કિલ્લા, જામા મસ્જિદ, દરીબા અને ચાંદની ચોક વિસ્તારોની આસપાસ માર્યા ગયા હતા. કુલ 30,000 લોકોની કતલ કરવામાં આવી હતી."

વિલેમ ફ્લોર નામના એક અન્ય ઇતિહાસકારે તેમના પુસ્તક 'ન્યૂ ફૅક્ટ્સ ઑફ નાદેરશાહ્ઝ ઇન્ડિયા કૅમ્પેઈન'માં લખ્યું છે કે "મોહમ્મદ શાહના સેનાપતિ નિઝામુલ મુલ્ક પાઘડી વિના નાદિરશાહ સમક્ષ ગયા હતા. તેમના બન્ને હાથ પાઘડીના કપડા વડે પાછળ બાંધેલા હતા. તેમણે નાદિરશાહ સામે ઘૂંટણિયે પડીને જણાવ્યું હતું કે દિલ્હીના લોકો સામે બદલો લેવાને બદલે તમે મારી સાથે બદલો લો."

કોહિનૂર

ઇમેજ સ્રોત, JAGGURNAUT

"નાદિરશાહે શરત મૂકી હતી કે તેમને રૂ. 100 કરોડ ચૂકવવામાં આવશે તો તેઓ દિલ્હી છોડી દેશે. આગામી થોડા દિવસો સુધી નિઝામુલ મુલ્કે પોતાની જ રાજધાનીના લોકોને લૂંટીને તે નાણાં ચૂકવી આપ્યાં હતાં. ટૂંકમાં મુગલોએ 348 વર્ષ સુધી એકઠી કરેલી દોલતનો માલિક, નાદિરશાહ એક જ ક્ષણમાં થઈ ગયો હતો."

line

નાદિરશાહે પાઘડીને બદલે કોહિનૂર પડાવી લીધો

નાદિર શાહ

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, નાદિર શાહ

વિલિયમ ડેલરેમ્પલ અને અનીતા આનંદે કોહિનૂરનો ઇતિહાસ શોધવા માટે બહુ મહેનત કરી છે. ડેલપેમ્પલે કહ્યું હતું કે "મેં મારી શોધની શરૂઆત મુઘલ રત્નોના નિષ્ણાતો સાથેની વાતચીત વડે કરી હતી. એ પૈકીના મોટાભાગના લોકોનું માનવું હતું કે કોહિનૂરના ઇતિહાસ વિશેની મોટાભાગની વાતો સાચી નથી. નાદિરશાહના હાથમાં કોહિનૂર આવ્યો પછી તેના પર લોકોનું ધ્યાન પડ્યુ હતું."

થિયો મેટકાફે લખ્યું છે કે દરબારના એક નર્તકી નૂરબાઈએ નાદિરશાહને બાતમી આપી હતી કે મોહમ્મદ શાહે તેમની પાઘડીમાં કોહિનૂર છૂપાવી રાખ્યો છે. એ સાંભળીને નાદિરશાહે મોહમ્મદ શાહને કહ્યું હતું કે આવો, આપણે દોસ્તી માટે એકમેકની પાઘડીની આપસમાં બદલી લઈએ.

આ રીતે કોહિનૂર નાદિરશાહના હાથમાં આવ્યો હતો. તેણે પહેલીવાર કોહિનૂર જોયો ત્યારે તે દિગ્મૂઢ થઈ ગયો હતો. તેણે તેનું નામ કોહિનૂર એટલે કે પ્રકાશનો પર્વત રાખ્યું હતું.

અનીતા આનંદ

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, અનીતા આનંદ

દિલ્હીની લૂંટનો માલ અફઘાનિસ્તાન લઈ જવાનું બહુ રસપ્રદ બયાન ફારસી ઇતિહાસકાર મોહમ્મદ કાઝિમ મારવી તેમના પુસ્તક 'આલમ આરા-એ-નાદરી'માં કર્યું છે. મારવીએ લખ્યું છે કે "દિલ્હીમાં 57 દિવસ રહ્યા બાદ નાદિરશાહે 1739ની 16 મેના રોજ પોતાના દેશ ભણી પ્રયાણ કર્યું હતું. મુઘલોની અનેક પેઢીઓએ એકઠી કરેલી તમામ દોલત તેઓ તેમની સાથે લઈ ગયા હતા. તેમની સૌથી મોટી લૂંટ કોહિનૂર તથા તૈમૂરની રૂબી જડેલો તખ્તે-તાઉસ હતો."

"લૂંટેલો આખો ખજાનો 700 હાથી, 400 ઊંટ અને 17,000 અશ્વ પર લાદીને ઈરાન લઈ જવામાં આવ્યો હતો. સૈન્ય ચેનાબ નદી પરથી પસાર થયું ત્યારે દરેક સૈનિકની તલાશી લેવામાં આવી હતી. ઘણા સિપાહીઓએ હીરા-ઝવેરાત જપ્ત કરવાના ડરથી તેમને જમીનમાં દાટી દીધાં હતાં, જ્યારે કેટલાકે એવી આશામાં નદીમાં ફેંકી દીધાં હતાં કે બાદમાં તેઓ તેને નદીમાંથી શોધી કાઢશે."

line

મહારાજા રણજીતસિંહ પાસે 1813માં પહોંચ્યો કોહિનૂર

રણજીતસિંહ

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, રણજીતસિંહ

કોહિનૂર નાદિરશાહ પાસે પણ લાંબો સમય રહી શક્યો ન હતો. નાદિરશાહની હત્યા પછી તેના અફઘાન અંગરક્ષક અહમદ શાહ અબ્દાલીના હાથમાં કોહિનૂર આવ્યો હતો. એ પછી અનેક હાથમાંથી પસાર થઈને 1813માં મહારાજા રણજીતસિંહના હાથમાં આવ્યો હતો.

ભારતની નેશનલ આર્કાઈવ્ઝમાંના દસ્તાવેજો જણાવે છે કે "મહારાજા રણજીતસિંહ દિવાળી, દશેરા અને બીજા મોટા તહેવારો વખતે હાથમાં કોહિનૂર બાંધીને નીકળતા હતા. કોઈ બ્રિટિશ અધિકારી તેમના દરબારમાં આવતો ત્યારે તેને આ હીરો ખાસ દેખાડવામાં આવતો હતો. મહારાજા મુલ્તાન, પેશાવર કે અન્ય કોઈ શહેરના પ્રવાસે જતા ત્યારે કોહિનૂર કાયમ સાથે લઈ જતા હતા."

ઍંગ્લો-શીખ લડાઈમાં અંગ્રેજોના વિજય પછી કોહિનૂર તેમના હાથમાં ગયો

1839માં રણજીતસિંહનું મૃત્યુ થયું હતું. આકરા સત્તાસંઘર્ષ પછી 1842માં પાંચ વર્ષના દલીપસિંહને પંજાબના રાજા બનાવવામાં આવ્યા હતા, પરંતુ બીજા ઍંગ્લો-શીખ યુદ્ધમાં અંગ્રેજોની જીત પછી તેમનું સામ્રાજ્ય અને કોહિનૂર અંગ્રેજોએ કબજે કરી લીધાં હતાં. દલીપસિંહને તેમનાં માતાથી અલગ કરીને એક અંગ્રેજ દંપતી સાથે રહેવા માટે ફતેહગઢ કિલ્લા પર મોકલી આપવામાં આવ્યા હતા.

કોહિનૂર લેવા માટે ખુદ લૉર્ડ ડેલહાઉઝી લાહોર ગયા હતા. હીરાને તોશાખાનામાંથી બહાર કાઢીને લૉર્ડ ડેલહાઉઝીના હાથમાં મૂકવામાં આવ્યો ત્યારે તેનું વજન 190.3 કૅરેટ હતું. લૉર્ડ ડેલહાઉઝીએ કોહિનૂર 'મેડિયા' નામના જહાજ મારફત રાણી વિક્ટોરિયાને મોકલવાનો નિર્ણય કર્યો હતો. માર્ગમાં તે જહાજે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

line

કોહિનૂર લઈ જતું જહાજ મુશ્કેલીમાં ફસાયું

રણજીતસિંહ શાહ શ્રુજા પાસે હતા

ઇમેજ સ્રોત, JAGGURNAUT

ઇમેજ કૅપ્શન, રણજીતસિંહ શાહ શ્રુજા પાસે હતા

'કોહિનૂરઃ ધ સ્ટોરી ઑફ વર્લ્ડ્ઝ મોસ્ટ ઇનફેમસ ડાયમંડ'નાં સહલેખિકા અનીતા આનંદે જણાવ્યું હતું કે "કોહિનૂર જહાજમાં ચડાવવામાં આવ્યો હતો, પરંતુ પોતે શું લઈ જઈ રહ્યો છે તેની જરા સરખી જાણ પણ જહાજના કૅપ્ટનને કરવામાં આવી ન હતી. એ જહાજ ઇંગ્લૅન્ડ જવા રવાના થયાના બે સપ્તાહ સુધી કોઈ સમસ્યા સર્જાઈ ન હતી, પરંતુ પછી કેટલાક લોકો બીમાર પડ્યા હતા અને જહાજ ફેઈલ થઈ ગયું હતું."

"કપ્તાને ચાલકોને જણાવ્યું હતું કે ચિંતાની કોઈ વાત નથી, કારણ કે મોરેશિયસ નજીક છે. આપણે ત્યાં દવા તથા ભોજન મળી રહેશે અને બધું ઠીક થઈ જશે, પરંતુ જહાજ મોરેશિયસ પહોંચ્યું તે પહેલાં જહાજમાં બીમાર લોકો હોવાની ખબર મોરેશિયસમાં પડી ગઈ હતી. કપ્તાનને ધમકી આપવામાં આવી હતી કે તેઓ જહાજને કિનારા નજીક લાવશે તો તેને તોપથી ફૂંકી મારવામાં આવશે."

"કોલેરા ફાટી નીકળવાને કારણે મોટી મુશ્કેલીમાં મૂકાયેલું જહાજનું ચાલકદળ એવું માનતું રહ્યું હતું કે કોઈ રીતે ઇંગ્લૅન્ડ પહોંચી જવાય તો સારું. રસ્તામાં તેમણે એક બહુ મોટા સમુદ્રી તોફાનનો સામનો કરવો પડ્યો હતો. તેના કારણે જહાજના બે ભાગ પડી ગયા હતા. તેઓ ઇંગ્લૅન્ડ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે તેઓ કોહિનૂર લાવી રહ્યા હોવાને કારણે કદાચ આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો."

line

લંડનમાં કોહિનૂરનું અભૂતપૂર્વ સ્વાગત

દલીપસિંહ

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, દલીપસિંહ

કોહિનૂર લંડન પહોંચ્યો ત્યારે ક્રિસ્ટલ પૅલેસમાં લોકોની સમક્ષ તે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિલિયમ ડેરડેમ્પલે કહ્યું હતું કે "કોહિનૂર બ્રિટન લઈ જવાયાના ત્રણ વર્ષ બાદ તેને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ધ ટાઇમ્સ અખબારે લખ્યું હતું કે લંડનમાં આટલા મોટા પ્રમાણમાં લોકો અગાઉ ક્યારેય એકઠા થયા ન હતા. પ્રદર્શન શરૂ થયું ત્યારે વરસાદના છાંટા પડવા લાગ્યા હતા."

"લોકોએ પ્રદર્શન કક્ષમાં જતાં પહેલાં કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું. એ હીરો પૂર્વમાં બ્રિટિશ શાસનની તાકાતનું પ્રતીક બની ગયો હતો અને બ્રિટનની લશ્કરી તાકાતનો વધેલો પ્રભાવ પણ દર્શાવતો હતો."

line

દલીપસિંહે રાણી વિક્ટોરિયાને ભેટ આપ્યો કોહિનૂર

કોહિનૂર

ઇમેજ સ્રોત, JUGGERNAUT

એ દરમિયાન ફતેહગઢ કિલ્લામાં રહેતા મહારાજા દલીપસિંહે લંડન જઈને રાણી વિક્ટોરિયાને મળવાની ઇચ્છા પ્રગટ કરી હતી. રાણી એ માટે તૈયાર થઈ ગયાં હતાં. દલીપ સિંહે ત્યાં જઈને રાણી વિક્ટોરિયા પાસે જે હીરો હતો એ તેમને ભેટમાં આપ્યો હતો.

અનીતા આનંદે જણાવ્યું હતું કે "પોતાના શાસને એક બાળક સાથે જે કર્યું તે રાણી વિક્ટોરિયાને હંમેશાં ખરાબ લાગ્યું હતું. તેઓ દલીપસિંહને દિલથી ચાહતાં હતાં. તેથી તેમને દલીપસિંહ સાથે કરવામાં આવેલા વ્યવહારનું દુઃખ હતું. કોહિનૂર તેમની પાસે બે વર્ષ પહેલાં પહોંચી ગયો હતો, પરંતુ તેમણે જાહેરમાં તે ક્યારેય પહેર્યો ન હતો. તેઓ વિચારતાં હતાં કે દલીપસિંહ એ જોશે તો તેઓ તેમના વિશે શું વિચારશે."

એ જમાનામાં ફ્રાંઝ ઝેવિયર વિન્ટરવોલ્ટર નામના એક વિખ્યાત ચિત્રકાર હતા. રાણી વિક્ટોરિયાએ તે ચિત્રકારને દલીપસિંહનું એક ચિત્ર બનાવવા કહ્યું હતું. તેઓ એ ચિત્ર પોતાના મહેલમાં લગાવવા ઇચ્છતાં હતાં. દલીપસિંહ બકિંઘમ પૅલેસના વ્હાઇટ ડ્રૉઇંગ રૂમમાં એક મંચ પર ઊભા રહીને ચિત્ર બનાવડાવી રહ્યા હતા ત્યારે રાણીએ એક સૈનિકને, જે બૉક્સમાં કોહિનૂર રાખવામાં આવ્યો હતો, તે લાવવા જણાવ્યું હતું.

'હું તમને એક ચીજ દેખાડવા ઇચ્છું છું' એવું તેમણે દલીપસિંહને જણાવ્યું હતું. દલીપ સિંહે કોહિનૂરને જોતાંની સાથે જ પોતાના હાથમાં લઈ લીધો હતો. તેને બારી પાસે લઈ જઈને સૂર્યપ્રકાશમાં નિહાળ્યો હતો. ત્યાં સુધીમાં કોહિનૂરના રૂપરંગ બદલાઈ ચૂક્યા હતાં અને તેમાં પાસાં પાડી દેવાયાં હતાં.

દલીપસિંહ પંજાબના મહારાજા હતા ત્યારે જે કોહિનૂર પહેરતા હતા એવો હવે તે રહ્યો ન હતો. થોડીવાર સુધી કોહિનૂરને નિહાળ્યા બાદ દલીપ સિંહે મહારાણીને કહ્યું હતું કે યૉર મૅજેસ્ટી, આ હીરો હું તમને ભેટમાં આપું એ મારા માટે બહુ સન્માનની વાત હશે. રાણી વિક્ટોરિયાએ તે હીરો લઈ લીધો હતો અને મૃત્યુ પામ્યાં ત્યાં સુધી પહેરી રાખ્યો હતો.

line

દલીપસિંહ માતાને મળવા ભારત પહોંચ્યા

કોહિનૂર

ઇમેજ સ્રોત, Getty Images

વિક્ટોરિયાના બહુ પ્રિય હોવા છતાં થોડાં વર્ષો બાદ દલીપ સિંહે ભારત જઈને તેમનાં અસલી માતે જિંદનકોરને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બ્રિટિશ સરકારે તેમને ભારત જવાની પરવાનગી આપી હતી. જિંદનકોર એ વખતે નેપાળમાં રહેતાં હતાં. પુત્ર સાથે મેળાપ માટે તેમને કલકત્તા લાવવામાં આવ્યાં હતાં.

અનીતા આનંદના જણાવ્યા મુજબ, "દલીપસિંહ ત્યાં પહેલેથી જ પહોંચી ગયા હતા. જિંદનકોરને દલીપસિંહની સામે લઈ જવામાં આવ્યાં ત્યારે જિંદનકોરે કહ્યું હતું કે હવે તેઓ પુત્રનો સાથ ક્યારેય છોડશે નહીં. દલીપસિંહ જ્યાં જશે ત્યાં તેમની સાથે તેઓ પણ જશે. એ સમયે તેઓ દૃષ્ટિ ગુમાવી ચૂક્યાં હતાં. તેમણે દલીપસિંહના માથે હાથ ફેરવ્યો ત્યારે દલીપ સિંહે વાળ કપાવી નાખ્યા હતા એ જાણીને તેમને આંચકો લાગ્યો હતો. તેઓ ચીસ પાડી ઊઠ્યાં હતાં."

"એ સમયે કેટલાક શીખ સૈનિક ઓપિયમ વૉરમાં ભાગ લઈને ચીનથી પાછા ફરી રહ્યા હતા. જિંદનકોર કલકત્તા પહોંચ્યાં હોવાની ખબર સૈનિકોને પડી ત્યારે તેઓ સ્પૅન્સ હોટેલ બહાર એકઠા થઈ ગયા હતા. જિંદનકોર અને દલીપસિંહ વચ્ચે ત્યાં મુલાકાત ચાલુ હતી. સૈનિકોએ જોરશોરથી નારા લગાવવાનું શરૂ કર્યુઃ બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. આ નારાબાજીથી ગભરાયેલા અંગ્રેજોએ મા-દીકરાને જહાજમાં બેસાડીને ઇંગ્લૅન્ડ ભણી રવાના કરી દીધાં હતાં."

line

દલીપસિંહ અને રાણી વિક્ટોરિયા વચ્ચેનો સંબંધ બગડ્યો

રાણી વિક્ટોરિયા

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, રાણી વિક્ટોરિયા

દલીપસિંહ ધીમે-ધીમે વિક્ટોરિયાના વિરોધી બનવા લાગ્યા હતા. તેમને લાગતું હતું કે રાણીએ તેમની સાથે અન્યાય કર્યો છે. એ પછી તેમણે તેમના જૂના સામ્રાજ્યને ફરી જીતવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ભારત આવવા રવાના પણ થયા હતા, પરંતુ એડનથી આગળ વધી શક્યા ન હતા.

1886ની 21 એપ્રિલે તેમની તેમના પરિવાર સાથે પોર્ટ સઈદમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા, પણ તેમની પાસે જે હતું એ બધું છીનવી લેવામાં આવ્યું હતું. 1893ની 21 ઑક્ટોબરે પેરિસની એક બહુ જ મામૂલી હોટેલમાંથી તેમને લાશ મળી હતી. એ સમયે દલીપસિંહની સાથે તેમના પરિવારની કોઈ વ્યક્તિ ન હતી. તેમના મૃત્યુ સાથે મહારાજા રણજીતસિંહના વંશનો અંત આવ્યો હતો.

line

ટાવર ઑફ લંડનમાં છે કોહિનૂર

જિંદનકોર

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, જિંદનકોર

મહારાણી વિક્ટોરિયા પછી તેમના પુત્ર મહારાજા ઍડવર્ડ સપ્તમે કોહિનૂરને પોતાના તાજમાં લગાવ્યો ન હતો, પરંતુ તેમનાં પત્ની મહારાણી ઍલેક્ઝેન્ડ્રાના તાજમાં કોહિનૂરને સ્થાન મળ્યું હતું. કોહિનૂર સાથે એવો અંધવિશ્વાસ ફેલાયો હતો કે જે પુરુષ તેને સ્પર્શ કરશે તે બરબાદ થઈ જશે, પરંતુ મહિલા તેને પહેરે તો કોઈ સમસ્યા સર્જાશે નહીં.

એ પછી ભાવિ રાજા જ્યૉર્જ પંચમનાં પત્ની રાજકુમારી મેરીએ પણ કોહિનૂર તાજમાં ધારણ કર્યો હતો. જોકે, એ પછી મહારાણી ઍલિઝાબેથ દ્વિતીયએ કોહિનૂરને પોતાના તાજમાં સ્થાન આપ્યું ન હતું. વિશ્વનો સૌથી વિખ્યાત કોહિનૂર હીરો આજકાલ ટાવર ઑફ લંડનના જ્વેલ હાઉસમાં રાખવામાં આવ્યો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન