સ્વતંત્રતાદિવસ : ભારતની આઝાદી માટે લડનારાં એ વિદેશી મહિલા જેમણે ગાંધીજીને ‘રાજનીતિના બાળક’ કહ્યા હતા

એની બેસન્ટ

ઇમેજ સ્રોત, HULTON DEUTSCH / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, એની બેસન્ટ
    • લેેખક, પદ્મા મીનાક્ષી
    • પદ, બીબીસી

ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પુરુષોની સાથે જ ઘણી મહિલાઓએ આગળ પડતો ભાગ લીધો હતો.

એ તમામ મહિલાઓમાં એવાં ત્રણ બ્રિટિશ મહિલાનો સમાવેશ થાય છે જેમણે પોતાના દેશની સરકાર વિરુદ્ધ જઈને ભારતની આઝાદી માટે લડાઈ લડી હતી.

એ ત્રણ મહિલામાં સૌથી પહેલું નામ ઍની બેસન્ટનું છે જેઓ નાસ્તિક અને સમાજવાદી મહિલા હતાં, પરંતુ પાછળથી તેઓ થિયોસૉફિસ્ટ બની ગયાં.

ત્યાર બાદ મૅડલિન સ્લેડ (મીરાંબેન) અને કૅથરીન હૅલમૅન (સરલાબેન)નું નામ આવે છે, જેઓ અંગ્રેજો સામેના આંદોલનમાં સામેલ થયાં.

લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તક 'રેબલ્સ અગેન્સ્ટ રાજ'માં આ ત્રણે મહિલા વિશે વિસ્તારથી લખ્યું છે. ઍની બેસન્ટ એક ટૂંકા ગાળાની ટ્રિપમાં ભારત ફરવાં આવ્યાં હતાં, પરંતુ એમને એ વાતનો અંદાજ નહોતો કે એમની તે ટૂંકી યાત્રા 40 વર્ષો લાંબા પ્રવાસમાં બદલાઈ જશે.

line

કોણ હતાં ની બેસન્ટ

આયરિશ મૂળનાં મહિલા એની બેસન્ટ મૅડમ બ્લાવાત્સ્કીના સંપર્કમાં આવવાના કારણે થિયોસૉફિઝમ તરફ ઢળ્યાં. એમણે ખૂબ રસપૂર્વક હિન્દુ અને બૌદ્ધધર્મનું સાહિત્ય વાંચ્યું.

ધર્મ અને શાકાહાર વિષયક એમણે ઘણાં વ્યાખ્યાન આપ્યાં, જેના કારણે લંડન યુનિવર્સિટીએ તેમને ડિગ્રી આપવાની ના પાડી દીધી. આ ઘટનાએ ભારતીય શિક્ષણક્ષેત્રમાં એમનો પ્રવેશ કરાવ્યો.

ઍની બેસન્ટે 1904માં કાશ્મીર અને બનારસના રાજાની મદદથી બનારસમાં સેન્ટ્રલ હિન્દુ કૉલેજ અને છાત્રાલયવાળી હિન્દુ મહિલા સ્કૂલની સ્થાપના કરી હતી.

આંધ્ર પ્રદેશના સેન્ટર ફૉર ગાંધીયન સ્ટડીઝના અધ્યક્ષ અને નાગાર્જુન યુનિવર્સિટીના પૂર્વ ઉપ-કુલપતિ બાલમોહન દાસે કહ્યું કે એ સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતને જોતાં આ એક ક્રાંતિકારી પગલું હતું.

ઍની બેસન્ટે આધુનિક શિક્ષણને પારંપરિક ભારતીય પદ્ધતિઓ સાથે ભેળવવા પર ભાર મૂક્યો. તેઓ લૈંગિક સમાનતામાં માનતાં હતાં પરંતુ એમણે એ મુદ્દા પર ભાર મૂક્યો કે પુરુષોનો દરજ્જો મહિલાઓ કરતાં ઊંચો હોય.

line

મહાત્મા ગાંધી પ્રતિ દ્વેષભાવ

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે, બેસન્ટને મહાત્મા ગાંધી પ્રતિ દ્વેષ જેવો ભાવ હતો

ઇમેજ સ્રોત, RAMACHANDRA GUHA/TWITTER

ઇમેજ કૅપ્શન, ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે, બેસન્ટને મહાત્મા ગાંધી પ્રતિ દ્વેષ જેવો ભાવ હતો

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે, તેમને મહાત્મા ગાંધી પ્રત્યે દ્વેષ જેવો ભાવ હતો પરંતુ મહાત્મા ગાંધીએ હંમેશા એમને શ્રદ્ધાની દૃષ્ટિએ જોયાં.

બંને વચ્ચે એક ખાસ સંબંધની ઝાંકી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થયેલા એક કાર્યક્રમમાં જોવા મળે છે, જેમાં ઍની બેસન્ટે એક જાહેર કાર્યક્રમમાં મહાત્મા ગાંધીને ભાષણ દરમિયાન અધવચ્ચે અટકાવ્યા હતા.

ગાંધીએ પોતાના ભાષણમાં યુનિવર્સિટીના વ્યવસ્થાપકો પર નિશાન સાધ્યું હતું કે, "શું આ કાર્યક્રમ પ્રસંગે આ રીતે સજીધજીને આવવાની જરૂર હતી? શું આપણા રાજા-મહારાજા પ્રત્યે સાચી નિષ્ઠા દર્શાવવા માટે આભૂષણોના ડબ્બા ખાલી કરીને પગથી માથા સુધી સાજ-શણગારની જરૂર હતી? આપણે ત્યાં સ્વરાજ ના આવી શકે?"

બેસન્ટ બ્રિટિશ શાસનની નારાજગી વહોરી લેવા નહોતાં માંગતાં. એમણે મહાત્મા ગાંધીને ચાલુ ભાષણમાં વચ્ચે જ અટકાવી દીધા. જોકે, વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધીને એમનું ભાષણ ચાલુ રાખવા કહ્યું હતું.

ત્યાર બાદ દરભંગાના રાજાએ હસ્તક્ષેપ કરીને ગાંધીને તાત્કાલિક કાર્યક્રમ છોડીને જતા રહેવા કહ્યું.

ની બેસન્ટની રાજકીય સફર

મીરાંબહેન, સરલાબહેન, ઍની બેસન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મીરાંબહેન, સરલાબહેન, ઍની બેસન્ટ

આક્રોશ જન્માવનારાં નિવેદનો કરવા બદલ બ્રિટિશ સરકારે ઍની બેસન્ટની ધરપકડ કરી હતી. પરંતુ એમની ધરપકડના વિરોધમાં લોકોએ દેખાવો કર્યા અને 1917માં એમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં.

ત્યાર બાદ 1917માં ઍની બેસન્ટને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યાં.

પ્રૉફેસર બાલમોહન દાસે કહ્યું કે, "ઍની બેસન્ટે બ્રિટિશ શાસનને ચોખ્ખું જણાવી દીધું હતું કે ભારત આઝાદ થવા માટે દૃઢસંકલ્પ છે."

"એમણે સ્વદેશી આંદોલનમાં ભાગ ના લીધો અને હિન્દુ કૉલેજના વિદ્યાર્થીઓને પણ આ લોકપ્રિય આંદોલનમાં ભાગ ન લેવાનું કહ્યું."

"તેઓ હિન્દુ ધર્મ માટે અગાધ શ્રદ્ધા ધરાવવા સાથે બ્રિટિશ સામ્રાજ્ય પ્રતિ સમર્પણની ભાવના ધરાવતાં હતાં અને એ બાબતે ખૂબ જ સાવચેતી રાખતાં હતાં કે તેઓ પોતાના શિષ્યોમાં સ્પષ્ટરૂપે અલગતાવાદ અને આઝાદીનો ભાવ ઉત્પન્ન ના કરે."

line

મહિલાઓ માટે મતાધિકાર

એની બેસન્ટ ભારતમાં મહિલાઓને મતાધિકાર અપાવવાનો મત ધરાવતાં હતાં

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, એની બેસન્ટ ભારતમાં મહિલાઓને મતાધિકાર અપાવવાનો મત ધરાવતાં હતાં

ઍની બેસન્ટ ભારતમાં મહિલાઓને મતાધિકાર અપાવવાનો મત ધરાવતાં હતાં. ઇંગ્લૅન્ડમાં સંસદીય સમિતિ સમક્ષ એમણે કહેલું કે મહિલાઓના મતાધિકારનું હનન ભારતની મહત્ત્વાકાંક્ષાઓ અને અપેક્ષાઓને નુકસાન પહોંચાડશે.

એમણે એમ પણ કહ્યું હતું કે, "અંગ્રેજી મહિલાઓની તુલનાએ ભારતીય મહિલાઓને મતાધિકારની વધારે જરૂર છે. એમના આ વલણ વિશે મીડિયાએ એમની ટીકા પણ કરી હતી."

"અને ગાંધીજી માટેનો એમનો દ્વેષપૂર્ણ ભાવ એમ જ રહ્યો. એમની વચ્ચે ગ્રામ સમિતિથી માંડીને કૉંગ્રેસ પ્રતિનિધિઓ અને ખાદીના ઉપયોગ બાબતે પણ મતભેદ હતા. એમનું વલણ ગાંધીવાદી નીતિઓની વિરુદ્ધનું રહેતું હતું."

જે. કૃષ્ણામૂર્તિ સાથે એની બેસન્ટ

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, જે. કૃષ્ણામૂર્તિ સાથે એની બેસન્ટ

એક વાર પોતાના મિત્રની સાથે વાત કરતાં એમણે કહેલું કે, "ગાંધી રાજકારણમાં બાળક છે. તેઓ એક એવી દુનિયામાં ફરી રહ્યા છે જેને તેઓ સમજી નથી શકતા અને એ જ દુનિયામાં તેઓ સપનાં જોઈ રહ્યા છે."

જોકે, ગાંધીજી, એમની ઉંમર અને અનુભવને જોતાં હમેશાં એમના માટે સન્માનની લાગણી ધરાવતા હતા. એક વાર એમણે કહેલું કે,"મેં મારી અરજીઓ એમની સમક્ષ એ રીતે રજૂ કરી છે જે રીતે એક બાળક પોતાની માતા સમક્ષ રજૂ કરે."

ઍની બેસન્ટે 1933ની 20 સપ્ટેમ્બરે આ દુનિયામાંથી વિદાય લીધી.

એમના મૃત્યુ વિશે મહાત્મા ગાંધીએ લખ્યું છે, "ઍની બેસન્ટે જે રીતે દેશની સેવા કરી છે, એનો ઉલ્લેખ ભારતના ઇતિહાસમાં આ દેશ રહેશે ત્યાં સુધી થતો રહેશે. એમની યાદો લોકોનાં દિલમાં જીવતી રહેશે. એમણે આ દેશને સ્વીકારીને એના માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી."

line

કોણ હતાં મૅડલિન સ્લેડ એટલે કે મીરાંબેન

મીરાંબહેન

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE / MADELINE SLADE

ઇમેજ કૅપ્શન, મીરાંબહેન

ઇંગ્લૅન્ડના એક કુલીન પરિવારમાં જન્મોલાં મૅડલિન સ્લેડને ઘોડેસવારી અને બીથોવનના સંગીતમાં રસ હતો.

પરંતુ એમણે પોતાના પરિવારનું વિલાસિતાભર્યું જીવન છોડીને ભારતને પોતાનું ઘર બનાવી લીધું. ગાંધીજીએ એમને પોતાની પુત્રીની જેમ ખોળે લઈને એમનું નામ બદલીને મીરાંબહેન રાખ્યું.

મીરાંબહેનને ફ્રાંસના લેખક રોમૅન રૉલેન્ડ દ્વારા મહાત્મા ગાંધી વિશે માહિતી મળી. ત્યાર બાદ તેઓ ભારત સાથે સંકળાયેલી ગાંધીવાદી નીતિઓ અને સાહિત્ય વાંચવા લાગ્યાં.

જે પળે એમણે ભારત આવવાનો નિર્ણય કર્યો, એ જ પળથી એમણે માંસાહાર કરવાનો અને શરાબ પીવાનું બંધ કરી દીધું. તેઓ જમીન પર પલાંઠી વાળીને બેસવાં લાગ્યાં અને હિન્દી શીખવાં લાગ્યાં.

એમણે ગાંધીજીને પત્ર લખીને પોતાની ભારત આવવાની ઇચ્છા પ્રકટ કરી અને 20 પાઉન્ડનો ચેક મોકલ્યો, પરંતુ ગાંધીજીએ એમને તરત ભારતમાં આવવાનું આમંત્રણ ના આપ્યું.

ગાંધીજીએ એમના પત્રનો જવાબ આપતાં લખ્યું, "આજથી એક વર્ષ પછીયે તમને ભારત આવવાનું મન થાય તો તે તમારા માટે ભારત આવવાનો યોગ્ય સમય હશે."

ત્યાર બાદ 1925માં મીરાંબહેન ભારત આવ્યાં. ત્યારે તેઓ લગભગ 33 વર્ષનાં હતાં.

line

દિવસમાં 3-4 પત્રો લખતાં હતાં

મહાત્મા ગાંધી સાથે મીરાબહેન

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધી સાથે મીરાબહેન

મહાત્મા ગાંધી જ્યારે પ્રવાસ નિમિત્તે બહાર રહેતા હતા ત્યારે મીરાંબહેનને એમની ગેરહાજરી ખૂંચતી હતી. દિવસમાં તેઓ લગભગ 3-4 વાર મહાત્મા ગાંધીને પત્ર લખતાં હતાં. તેઓ ગાંધીનાં પુસ્તકોનું પ્રૂફવાચન પણ કરતાં હતાં.

એમણે સાડી પહેરવાનું શરૂ કરવાની સાથે બ્રહ્મચર્યનું પાલન કરવાનું વ્રત લીધું અને માથે મુંડન કરાવી લીધું. પરંતુ તેઓ જ્યારે ચાળીસ વર્ષની ઉંમરે પહોંચ્યાં ત્યારે આશ્રમમાં આવતા ક્રાંતિકારી પૃથ્વીસિંહ તરફ આકર્ષણ થયું.

ગાંધીજીએ મીરાંબહેનને કહ્યું કે જો તેઓ ઇચ્છતાં હોય તો પૃથ્વીસિંહ સાથે લગ્ન કરી લે, પરંતુ તેઓ એ માટે તૈયાર ના થયાં. મહાત્મા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને મીરાંબેન એમને ફળ અને બકરીનું દૂધ આપવા સાથે એમનું બ્લડ પ્રેશર ચેક કરતાં હતાં. એની સાથે જ તેઓ તેમના ચરખાનું પણ ધ્યાન રાખતાં હતાં.

બાલમોહન દાસે કહ્યું છે કે, "તેઓ એક પળ માટે પણ બાપુને એકલા નહોતા મૂકતાં અને એમના પર હક્ક દર્શાવતાં હતાં. બંને વચ્ચે એક પ્રકારે નિષ્કામ સંબંધ હતો."

ગાંધીજીએ મીરાંબહેનના પોતાના તરફના હક્કપૂર્ણ વ્યવહારને જોતાં એમને ખાદીના પ્રચાર-પ્રસાર માટે આખા દેશનું ભ્રમણ કરવા માટે મોકલ્યાં. સવિનય કાનૂન ભંગના આંદોલન દરમિયાન તેમને જેલ થઈ હતી.

મીરાંબહેને ન્યૂ યૉર્ક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, ગાંધીજીના તર્ક વિચારધારા પર નહીં, બલકે તર્ક પર આધારિત છે.

એમણે કહેલું, "તેઓ કોઈ મહાત્મા નહોતા."

દંપતીના બ્રહ્મચર્યના પાલન બાબતે એમની અને ગાંધી વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ.

ગાંધીજીના સૌથી વિવાદિત વિચારોમાંનો એક વિચાર હતો કે આશ્રમમાં રહીને દંપતી પણ બ્રહ્મચર્યનું પાલન કરે, જોકે, બાળકો પેદાં કરવાની મંજૂરી નહોતી. મહાત્મા ગાંધી વર્ષોથી એનું પાલન કરતા હતા.

line

નહેરુને લખ્યો ભ્રષ્ટાચાર વધ્યાનો પત્ર

કૅથરીન મૅરી હેલમૅન એટલે કે સરલાબહેન

ઇમેજ સ્રોત, MANI BHAVAN GANDHI SANGRAHALAYA / FACE BOOK

ઇમેજ કૅપ્શન, કૅથરીન મૅરી હેલમૅન એટલે કે સરલાબહેન

બ્રિટિશરો એ વાત પચાવી નહોતા શકતા કે એક બ્રિટિશ મહિલા ગાંધીજીનું અનુસરણ કરી રહ્યાં હતાં અને એમને જેલમાં મોકલી દેવાયાં.

એમણે નહેરુને પત્ર લખીને ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવા વિશે પણ જણાવ્યું હતું. જોકે, ગાંધીદીના મૃત્યુ પછી તેઓ ભારતમાં ના રહી શક્યાં અને 1959માં તેઓ વિયેના જતાં રહ્યાં.

ભારત સરકારે ઈ.સ. 1982માં એમને પદ્મભૂષણથી સન્માનિત કર્યાં. એ જ વર્ષે એમનું મૃત્યુ થયું.

ઑલ ઇન્ડિયા રેડિયોના પૂર્વ સ્ટેશન નિર્દેશક નાગાસુરી વેણુગોપાલ એમને ભારતનાં પહેલાં ઇકૉ ફેમિનિસ્ટ ગણાવે છે.

સરલાબહેને એક વાર કહેલું કે, "માનવતા માટે કોઈ રંગ, વંશ અને રાજકારણ નથી. જો સરકાર સારા ઉદ્દેશો માટે સંઘર્ષ કરનારા લોકોને સજા કરવા માગતી હોય તો મારે કશું નથી કહેવું. એ લોકો, જેઓ કઠિન સમયમાં વિરોધપ્રદર્શન કરે છે, એમણે એનાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. જ્યારે મારી આસપાસ લોકો બીમારી અને ગરીબી સામે ઝૂઝી રહ્યાં છે તો હું આશ્રમમાં ના બેસી શકું. હું બ્રિટિશ સરકારને સાંભળવાને બદલે મારા અંતરઆત્માનું સાંભળીશ."

આ બયાન એક બ્રિટિશ મહિલાએ શાસનને આપ્યું હતું જ્યારે તેઓ બ્રિટિશ શાસનની વિરુદ્ધ લડનારા લોકોને મદદ કરી રહ્યાં હતાં.

તે કૅથરીન મૅરી હૅલમૅન હતાં જેઓ સરલાબહેનના નામે જાણીતાં બન્યાં. કૅથરીનનો જન્મ 1901માં લંડનમાં થયો હતો. એમણે ઇતિહાસ, ભૂગોળ, ફ્રૅન્ચ અને જર્મન ભાષાનું શિક્ષણ મેળવ્યું હતું.

સરલાબહેને બ્રિટનમાં કામ કરતા એક ભારતીય અધિકારી મોહનસિંહ મહેતા પાસેથી ગાંધી વિશે સાંભળ્યું હતું, ત્યાર બાદ તેઓ ભારત આવી ગયાં. એમણે પણ ભારતને પોતાનું ઘર બનાવ્યું અને ગાંધી અને એમની નીતિઓને સમજ્યાં.

દેશના જુદા-જુદા વિસ્તારોનો પ્રવાસ કર્યા પછી તેઓ વર્ધા આશ્રમ પહોંચ્યાં અને એમની મુલાકાત વિનોબા ભાવે સાથે થઈ. તેઓ હિન્દી ભાષા શીખ્યાં અને ઈ.સ. 1941માં ચનૌદા આશ્રમ પહોંચ્યાં. ખાદી વણતાં શીખવાની સાથે એમણે પહાડોમાં રહેવાનો નિર્ણય કર્યો.

ગાંધીજીએ ઈ.સ. 1942માં ભારત છોડો આંદોલન કર્યું હતું. એ સમયે બ્રિટિશ સરકાર કૉંગ્રેસ સાથે સંકળાયેલા દરેકની ધરપકડ કરતી હતી.

સરલાબહેન

ઇમેજ સ્રોત, NEW SOUTHWALES STATE LIBRARY

ઇમેજ કૅપ્શન, સરલાબહેન

સરલાબહેન સ્વતંત્રતા આંદોલનમાં જોડાયેલા લોકોની મદદ કરતાં હતાં. તેઓ ભોજનની સાથે જ દવાઓ અને સંદેશા પહોંચાડવાનું અને કાનૂની સલાહ આપવાનું કામ કરતાં હતાં.

જોકે, તેઓ બ્રિટિશ મહિલા હોવાના કારણે બ્રિટિશ સરકારે એમની ધરપકડ ના કરી, પરંતુ સરકારે એમની પર નજર રાખી અને સરકારનો આદેશ ના માનવાના કારણે એમને જેલમાં પણ મોકલવામાં આવ્યાં.

વેણુગોપાલે કહ્યું છે કે, "સરલાબહેને સુંદરલાલ બહુગુણા, વિમલા બહુગુણા અને રાધા ભટ્ટ જેવા લોકોની મદદ કરીને એમને સામાજિક કાર્યકર્તા બનાવ્યાં."

તેમણે કહ્યું કે, "જ્યારે આ દુનિયા પર્યાવરણ બાબતે જાગ્રત નહોતી ત્યારે ગાંધી અને કુમારપ્પાએ એનો પ્રસ્તાવ કર્યો અને સરલા અને મીનાબહેને પોતાના જીવનમાં એ આદર્શોનું પાલન કરીને દુનિયાને બતાવી દીધું."

6 જુલાઈ, 1982એ સરલાબહેનનું મૃત્યુ થયું.

લેખક પી. કોંડાલા રાવે પોતાના પુસ્તક 'ફૉરેન ફ્રૅન્ડ્સ ઑફ ઇન્ડિયા'માં લખ્યું છે, "પોતાના દેશની આઝાદી માટે સંઘર્ષ કરવો એ ભારતીયોનું કર્તવ્ય હતું. પરંતુ અમેરિકન અને બ્રિટિશ લોકોએ દેશની આઝાદી માટે કામ કરવાની જરૂર નહોતી, પરંતુ એવા ઘણા વિદેશી લોકો હતા જેમણે ભારત માટે કામ કર્યું અને ભારતીય લોકોએ એમનો આભાર માનવો જોઈએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ