દુનિયાની એ ચાર જગ્યાઓ જ્યાં કોઈ પગ મૂકી શકતું નથી


- આજે પણ દુનિયામાં એવી કેટલીક જગ્યાઓ છે કે જે એક યા બીજા કારણોસર પ્રવાસીઓ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે.
- એવી અહીં ચાર જગ્યાઓ આપવામાં આવી છે. કેટલીક જગ્યાઓ ધાર્મિક આસ્થાના કારણે, કેટલીક જીવલેણ હોવાના કારણે, કેટલીક મૂલ્યવાન હોવાના કારણે તો કેટલીક વૈજ્ઞાનિક મહત્ત્વને કારણે પ્રતિબંધિત છે. કઈ છે આ જગ્યાઓ તે જાણવા વાંચો આ અહેવાલ.

આજના જમાનામાં એવી જગ્યાઓ ખૂબ ઓછી હશે જ્યાં પ્રવાસીઓ ગયા ન હોય, તેની તસવીરો ન લીધી હોય અને તેને પોતાના સોશિયલ મીડિયા પર શૅર ન કરી હોય.
પરંતુ ખરેખર એવી જગ્યાઓ દુનિયામાં છે. દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં પ્રવાસીઓનું સ્વાગત થાય છે, પરંતુ કેટલીક જગ્યાઓ છે જ્યાં સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ છે. તેવું સુરક્ષા, કાયદાકીય કે વૈજ્ઞાનિક કારણોસર હોઈ શકે છે. બીબીસી બાઇટસાઇઝે આવી જ કેટલીક જગ્યાઓ વિશે જાણવાનો પ્રયાસ કર્યો, અને સાથે જ એ સુનિશ્ચિત કર્યું કે પ્રતિબંધિત સ્થળે પ્રવેશ ન લેવામાં આવે.

નૉર્વેનું સીડ વૉલ્ટ આપણને વિનાશથી બચાવી શકે છે
વૈશ્વિક આપત્તિના સંજોગોમાં, મનુષ્યો અને પ્રાણીઓ દ્વારા મહત્ત્વપૂર્ણ પાકના નામશેષ થવાનું જોખમ છે.
સદભાગ્યે સીડ વૉલ્ટના રૂપમાં એક વીમા પૉલિસી છે જે વર્ષ 2008માં નૉર્વેમાં ખોલવામાં આવી હતી. જો દુનિયામાં ક્યારેય શરૂઆતથી પાક ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કરવાની જરૂર પડે તો અહીં સંગ્રહિત થયેલાં બીજ કામે લાગી શકે છે.
તેમને અહીં ખાસ પૅકેટમાં રાખવામાં આવ્યાં છે અને એવી રીતે સીલ કરાયાં છે કે જેનાથી તેને ભેજથી બચાવી શકાય. તે એક સ્તરની સુરક્ષા છે. બીજા પ્રકારની સુરક્ષા તો તેનું લૉકેશન જ છે.
આ વૉલ્ટ આર્કટિક સ્વેલબૉર્ડ દ્વીપસમૂહમાં સ્પિટ્સબર્જેન નામના અંતરિયાળ ટાપુ પર છે. તે રેતીના પહાડની 120 મીટર અંદર સેટ થયેલું છે અને તે ઉત્તર ધ્રુવથી આશરે 1300 કિલોમિટર દૂર છે.
સમુદ્રની સપાટીથી 130 મિટર ઉપર આવેલી આ જગ્યા સૂકી રહી શકે છે અને તેમાં જાડા પર્માફ્રૉસ્ટની મદદથી હજારો બીજનાં સેમ્પલ સ્ટોર કરીને રાખી શકાય છે.
સ્પિટ્સબર્જેનની પસંદગીનું બીજું કારણ એ પણ હતું કે ત્યાં ભૂકંપ આવતો નથી. અહીં બીજને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે પણ ત્યાં તમે જાતે જઈ શકતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૉલ્ટનો સુરક્ષાઘેરો મજબૂત છે અને તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે અહીંના બીજ હજારો વર્ષો સુધી જેમનાં તેમ રહી શકે.

ઇલ્હા દા ક્વિમાડા - એ ટાપુ જે પ્રવાસીઓ માટે ઝેરી છે
બ્રાઝિલના તટીય વિસ્તારમાં આવેલા 43 હેક્ટરના ટાપુ પર એક દિવસના પ્રવાસની પણ સલાહ આપવામાં આવતી નથી. આ ટાપુ ઝેરી સાપ ગોલ્ડન લેન્સહેડનું ઘર મનાય છે. આ સાપનું એક જ બચકું જીવ લેવા માટે પૂરતું છે.
એવું અનુમાન છે ટાપુના દરેક સ્ક્વેર મીટર વિસ્તારમાં આશરે એકથી પાંચ સાપ છે. આ કારણોસર બ્રાઝિલની સરકારે ઇલ્હા દા ક્વિમાડા ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. આ ટાપુને સ્નેક આઇલૅન્ડ પણ કહેવામાં આવે છે.
અહીં માત્ર વૈજ્ઞાનિક સંશોધકો જઈ શકે છે, જોકે, તેમની સાથે પણ તેમના પ્રવાસ દરમિયાન ડૉક્ટરોનું હોવું જરૂરી છે. જે લોકોને ગોલ્ડન લૅન્સહૅડ સાપ જોવાનો શોખ હોય, તેઓ બ્રાઝિલના બીજા વિસ્તારોમાં કેદ કરેલા સાપોને જઈને જોઈ શકે છે.

લેસકોક્સ - ફ્રેન્ચ ગુફા જે કિંમતી કળાથી ભરેલી છે

1940માં દક્ષિણ ફ્રાન્સમાં ચાર કિશોરો એક કૂતરાની શોધમાં નીકળ્યા હતા અને કૂતરું એક ગુફામાં ગાયબ થઈ ગયું હતું. આ ખુશહાર અકસ્માતમાં, તેમનું કૂતરું તેમને એક એવી ગુફામાં લઈ ગયું જે ઘોડા અને હરણ જેવાં પ્રાણીઓના પૅઇન્ટિંગથી ભરેલી હતી.
આ કળા આશરે 17 હજાર વર્ષ જૂની હતી. તેમાં આશરે 600 જેટલાં પૅઇન્ટિંગ હતાં અને એક હજાર જેટલી કોતરણીઓ હતી.
આ શોધ બાદ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ રહી હતી. આઠ વર્ષ બાદ, લેસકોક્સની ગુફા એ લોકો માટે ખોલવામાં આવી હતી જેઓ પોતાના પૂર્વજોની કળા નજીકથી જોવા માગતા હતા.
1963માં મોલ્ડ ફૂટવાથી લોકોની મુલાકાત પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. તેનાથી કળા પર ખતરો હતો કેમ કે જ્યારે તેની શોધ થઈ ન હતી ત્યારે તે હવાચુસ્ત સ્થિતિમાં હતી. પરંતુ ત્યારબાદથી ત્યાં ફૂગ દેખાવા લાગી હતી.
આશરે 60 વર્ષ બાદ આજે પણ આ ગુફામાં પ્રવેશ માટે લોકોની સંખ્યા નિયંત્રિત છે. જોકે, તેની બાજુમાં જ તેના જેવી જ જગ્યા પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવી છે. જ્યાં લોકો સહેલાઈથી જઈ શકે છે.

ઉલુરુ - ઑસ્ટ્રેલિયામાં આવેલું પવિત્ર સ્થળ
ઉલુરુ એક નવી જગ્યા છે જેનું મુલાકાતીઓ માટે બંધ હોવાના સ્થળોની યાદીમાં નામ ઉમેરાયું છે. એક સમયે લોકો તેને આયર્સ રૉક નામે ઓળખતા હતા.
આ જગ્યા પ્રવાસીઓની પણ પ્રિય હતી. મુલાકાતીઓ પહેલાં 348 મીટર ઉપર જતા હતા. જોકે, ત્યાં તેમણે ભારે ગરમી સહન કરવી પડતી હતી અને ઉનાળામાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હતું.
ઉલુરુ અનાંગુ એબોરિજનલ લોકો માટે પવિત્ર સ્થળ છે. તેઓ પહાડની રખેવાળી કરે છે અને તેઓ પહાડને સન્માન આપે છે એટલે તેઓ મુલાકાતીઓને તેના પર ચઢવા દેવા માગતા ન હતા.
તેમની આ ઇચ્છાને એક અરજીના માધ્યમથી લોકોનું સમર્થન પણ મળ્યું હતું અને 2017માં ઉલુરુ પર ન ચઢવાનો નિર્ણય લેવાયો હતો.
25 ઑક્ટોબર 2019ના રોજ લોકો છેલ્લી વખત આ પહાડ પર ચઢ્યા હતા અને ત્યારબાદ તેના પર પ્રતિબંધ લાગી ગયો હતો. છેલ્લી વખત આ જગ્યાને જોવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













