ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં આદિવાસીઓના મતો પર રાજકારણ ગરમાયું, પેસાનો કાયદો કેમ આવ્યો ચર્ચામાં?

પેસા

ઇમેજ સ્રોત, https://cmogujarat.gov.in/

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • અરવિંદ કેજરીવાલે છોટા ઉદેપુરમાં પોતાની જાહેરસભામાં પેસા ક્ટનો યોગ્ય રીતે અમલ કરવાની વાત કરી યું ત્યાર પછી નવેસરથી આ અંગે વિવાદ શરૂ થયો છે.
  • પેસા અથવા PESA એટલે પંચાયત (ક્સ્ટેંશન ટુ ધ શૅડ્યૂલ્ડ એરિયાઝ) ક્ટમાં બંધારણની અનુસૂચિ-5 પ્રમાણે જાહેર કરેલા આદિવાસી વિસ્તારોની ગ્રામપંચાયતોને ગ્રામસભાને ખાસ સત્તા આપવામાં આવે છે. જેથી તે ગ્રામપંચાયત કે સભા અદિવાસી સમુદાયોની સંસ્કૃતિ અને આદિવાસી વિસ્તારોની પ્રાકૃતિક સંપદાની માવજત કરી શકે.
  • ગુજરાત લગભગ 2,500 જેટલી ગ્રામપંચાયતોબંધારણની અનુસૂચિ-પાંચ હેઠળ આવે છે. પેસા કાયદા હેઠળ આ ગ્રામપંચાયતોને સત્તા આપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં થતાં વિકાસનાં કામો, નવીન યોજનાઓ, શાળા, કૉલેજો, હૉસ્પિટલો વગેરેનું નિરીક્ષણ કરી શકે અને પોતાના રિપોર્ટમાં લોકહિતમાં ન હોય તેવી યોજનાનો અમલ કરવાનો ઇન્કાર પણ કરી શકે.
  • ગુજરાતની વાત કરીએ તો ગુજરાતે 1996માં પસાર થયેલા આ કાયદા માટે છેક 2017માં નિયમો બનાવ્યા હતા.
લાઇન

હાલ ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકારણ આદિવાસી મતો પર કેન્દ્રિત થઈ રહ્યું છે, એનું એક સ્પષ્ટ કારણ છે કે ગુજરાતમાં કુલ મતોમાં 15 ટકા મત આદિવાસી મતદારોના છે.

ગુજરાતના આદિવાસીઓમાં 25 જેટલી અનુસૂચિત જનજાતિઓ છે. હાલમાં જ દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે છોટા ઉદેપુરની પોતાની જાહેર સભામાં પેસા ઍક્ટનો યોગ્ય રીતે અમલ કરવાની વાત કરીને વિવાદ સર્જ્યો છે.

એક તરફ ભાજપની રાજ્ય સરકારનો દાવો છે કે તેણે આદિવાસી સમાજના વિકાસ માટે અવિરતપણે કામ કર્યું છે. જેમાં પેસાનો કડક અમલ પણ સામેલ છે.

તો બીજી તરફ અરવિંદ કેજરીવાલનો એ દાવો છે કે ગુજરાતમાં પેસા ઍક્ટ અસરકારક રીતે લાગુ નથી થયો. જો તેમની સરકાર આવશે તો તેઓ પેસા ઍક્ટને અસરકારક રીતે લાગુ કરશે.

કેન્દ્ર સરકારે પસાર કરેલા આ કાયદાને રાજ્ય સરકારે કેવી રીતે અમલમાં મૂક્યો છે અને તે અસરકારક રીતે લાગુ કરી શકાયો છે? શું છે આ કાયદો?

line

પેસા ક્ટ છે શું?

પેસા

ઇમેજ સ્રોત, tribal.nic.in

PESA અથવા પેસા એટલે પંચાયત (ઍક્સ્ટેંશન ટુ ધ શૅડ્યૂલ્ડ એરિયાઝ) ઍક્ટ. આ કાયદો ભારત સરકારે 1996માં પસાર કર્યો હતો.

જેમાં બંધારણની અનુસૂચિ-5 પ્રમાણે જાહેર કરેલા આદિવાસી વિસ્તારોની ગ્રામપંચાયતોને, ગ્રામસભાને ખાસ સત્તા આપવામાં આવી હતી. જેથી તે ગ્રામપંચાયત કે સભા અદિવાસી સમુદાયોની સંસ્કૃતિ અને આદિવાસી વિસ્તારોની પ્રાકૃતિક સંપદાની માવજત કરી શકે.

ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો અંબાજીથી નવસારી સુધી લગભગ 2,500 જેટલી ગ્રામપંચાયતોમાં આદિવાસી સમુદાયના લોકોની સંખ્યા વધારે છે. આ ગ્રામપંચાયતો બંધારણની અનુસૂચિ-5 હેઠળ આવે છે.

પેસા કાયદા હેઠળ આ પંચાયતને વિશેષ સત્તા આપવામાં આવી છે, જેમાં તે અદિવાસી સમુદાયોનાં હિતોનું રક્ષણ કરી શકે છે.

પેસા કાયદા હેઠળ આ ગ્રામપંચાયતોને સત્તા આપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં થતા વિકાસનાં કામો, નવીન યોજનાઓ, શાળા, કૉલેજો, હૉસ્પિટલો વગેરેનું નિરીક્ષણ કરી શકે અને પોતાના રિપોર્ટમાં લોકહિતમાં ન હોય તેવી યોજનાનો અમલ કરવાનો ઇન્કાર પણ કરી શકે.

1996માં ભારતીય સંસદમાં આ કાયદો પસાર થયો તે પછી રાજ્ય સરકારની જવાબદારી આ કાયદાને અનુરૂપ નિયમો બનાવીને તેનો અમલ કરવાની હતી.

ગુજરાત, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આ કાયદાને અનુરૂપ નિયમો બનાવવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતે 1996માં પસાર થયેલા આ કાયદા માટે છેક 2017માં નિયમો બનાવ્યા હતા.

અર્થાત કે આ કાયદો અમલી બન્યા પછીના બે દાયકા સુધી રાજ્ય સરકારે તેનો અમલ નહોતો કર્યો.

line

કાયદા વિશે લોકજાગૃતિનો અભાવ

વીડિયો કૅપ્શન, ડાંગની મહિલાઓએ મહુડામાંથી બનાવ્યું સૂપ

2017માં નિયમો બન્યા પછી આજે સપાટી પર આ કાયદો કેટલો અસરકારક સારી રીતે અમલી છે તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ સાબરકાંઠાના વિજયનગરનાં સરપંચ મંજુલાબહેન સાથે વાત કરી.

તેમણે કહ્યું, "સૌપ્રથમ તો આ કાયદાને લઈને લોકજાગૃતિનો અભાવ છે. રાજ્ય સરકારે ગ્રામપંચાયતોમાં આ કાયદાને લઈને જાગૃતિનું કામ કર્યું નથી."

મંજુલાબહેને માને છે કે એમ કહી શકાય કે આ કાયદો માત્ર કાગળ પર છે. તેઓ કહે છે, "બીજી મહત્ત્વની વાત એ છે કે આ કાયદાના અનુસંધાને કોઈ જાગૃત નાગરિક હકની વાત કરે તો અધિકારીઓ તેને ક્યારે ધ્યાન પર લેતા નથી. આમ કહી શકાય કે આ કાયદો માત્ર કાગળ પર છે."

ગુજરાતમાં માથે ચૂંટણી આવી છે ત્યારે આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ અને ભાજપ ત્રણેય પક્ષો આદિવાસી મતો મેળવવા માટે આંટાફેરા કરી રહ્યા છે.

ગત મે મહિનામાં રાહુલ ગાંધીની રેલી યોજાઈ અને તે પછી તરત વડાપ્રધાન મોદીની દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં રેલીઓ યોજાઈ જેમાં તેમણે 24,000 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની જાહેરાતો કરી હતી.

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ છોટા ઉદેપુરની સભામાં આદિવાસી નેતાઓને મળ્યા અને તેમના વિકાસની વાત કરી.

કેવડિયા સ્થિત આદિવાસી ટાઇગર સેનાના કન્વીનર પ્રફુલ્લ વસાવા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "જો પેસાનો કાયદો અમલમાં આવે તો કેવડિયાસ્થિત જે કહેવાતાં વિકાસનાં કામો થયાં છે તેમાં અદિવાસી વિસ્તારના લોકોની, અહીંની ગ્રામપંચાયતોની, ગ્રામસભાઓની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી અને તે તમામ કામો ગેરકાયદેસર છે. પેસાના કાયદા પ્રમાણે ગ્રામપંચાયતોની મંજૂરી વગર આદિવાસી વિસ્તારમાં કોઈ પણ નવું કામ કેન્દ્ર કે રાજ્ય સરકાર કરી જ ન શકે, પરંતુ રાજ્ય સરકાર આ નિયમોનુ ક્યારેય પાલન કરતી નથી."

line

સરપંચોમાં પણ જાણકારીનો અભાવ

પેસા

ઇમેજ સ્રોત, www.mha.gov.in

પેસા કાયદા પ્રમાણે દરેક ગ્રામપંચાયત હેઠળની ગ્રામસભામાં મુખ્યત્વે ત્રણ સમિતિ બનાવવી પડે. શાંતિ સમિતિ, સંસાધનોનું આયોજન અને સંકલનની સમિતિ, તેમજ તકેદારી અને દેખરેખ સમિતિ.

બીબીસીએ અનેક ગ્રામપંચાયતો સાથે વાત કરી જેમાં આવી સમિતિ બનાવવી જરૂરી છે તેવો ખ્યાલ પણ ઘણી ગ્રામપંચાયતોના સરપંચોને નથી.

અર્થશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક હેમંતકુમાર શાહ કહે છે, "જો આ કાયદાનો તેની સાચી ભાવના સાથે અમલ કરવામાં આવે તો ખરા અર્થમાં આદિવાસી હિતની રખેવાળી થાય. કેમકે આદિવાસી વિસ્તારોમાં થતાં વિકાસ કાર્યોનો ફાયદો આદિવાસીઓને ઓછો અને અન્યોને વધારે થાય છે. "

વીડિયો કૅપ્શન, ઑનલાઇન ઍજ્યુકેશન : ગુજરાતનું એ ગામ જ્યાં ભણતર માટે ઝાડ પર ચઢે છે વિદ્યાર્થીઓ

હેમંતકુમાર ઉદાહરણ આપતાં કહે છે, "ગુજરાતના મોટાભાગના ડૅમ આદિવાસીઓની જમીનો પર ઊભા છે, પરંતુ આદિવાસીઓની પરિસ્થિતિ એવી છે કે તેમનાં ખેતરોમાં પાણી નથી અને તેમને મોટાં શહેરોમાં કામ કરવા માટે આવવું પડે છે."

પ્રફુલ્લ વસાવા આક્ષેપ કરતાં કહે છે, "ગુજરાત સરકારે નિયમોમાં અનેક છટકબારીઓ કરી છે અને ગ્રામપંચાયતોની સત્તાને કારણે માત્ર નિરીક્ષણ પૂરતી જ સીમિત કરી દીધી છે."

આ અંગે બીબીસીએ ગુજરાત સરકારનો પક્ષ જાણવાની કોશિશ કરી. પંચાચતવિભાગના એક ઉચ્ચ અધિકારી પોતાનું નામ નહીં આપવાની શરતે કહે છે, "પેસાનો કાયદો અસરકારક રીતે લાગુ નથી કરાયો એવા આક્ષેપ નિરાધાર છે. દેશનાં જૂજ રાજ્યોએ પેસા કાયદાના અમલીકરણ માટે નિયમો બનાવ્યા છે અને ગુજરાત તે પૈકીનું એક છે."

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાવો કર્યો હતો કે ગુજરાતના આદિવાસી સમાજનો પાછલા બે દાયકામાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ખૂબ જ વિકાસ થયો છે. તેઓ કોઈ પણ અન્ય પક્ષની લાલચમાં ફસાશે નહીં.

આગળ તેમણે કહ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓનો દેશના અન્ય ભાગોમાં રહેતા આદિવાસી સમાજના લોકો કરતાં વધુ વિકાસ થયો છે.

તેમણે PESAને લાગુ કરવા બાબતે દાવો કરતાં કહ્યું હતું કે, "અમે PESAનો કેટલો કડક સ્વરૂપે લાગુ કરી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતનાં 14 જિલ્લા, 35 તાલુકા અને ચાર હજાર કરતાં વધુ ગામડાંને ખાસ અધિકારો અપાયા છે."

"અમે ગ્રામ પંચાયતો અને આદિવાસી સમાજને જમીન અને સંસાધનોની સોંપણી કરી છે."

"ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ, 2006 અંતર્ગત અમે 99,129 કેસોનો નિકાલ કર્યો છે, અને આદિવાસી માલિકોને 5.64 લાખ એકર જમીનની સોંપણી કરી છે."

દાહોદના વરમખેડા ગામના વતની વશરામભાઈ કહે છે, "ચૂંટણી આવતાં જ પેસા કાયદાની વાતો વહેતી થાય છે પરંતુ તેનું અમલીકરણ ક્યારેય થતું નથી. આ ચૂંટણીમાં પણ લોકો તેના વિશે વાત કરી રહ્યા છે પરંતુ અગાઉની ચૂંટણીની જેમ જ આ વખતે પણ પેસાનો કાયદો એક વાયદો જ બનીને રહી જશે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન