યુરોપમાં ભીષણ દુષ્કાળ, નદીઓ સુકાઈ, પીવા અને ખેતી માટે પાણીની તંગીથી લોકો પરેશાન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લૉરેન્સ પીટર
- પદ, બીબીસી ન્યૂઝ

- યુરોપના મોટા ભાગના વિસ્તારો દુષ્કાળગ્રસ્ત બન્યા છે.
- દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલનના વ્યવસાયમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ છે.
- અનેક નદીઓ અને તળાવોનાં પાણીનું સ્તર અભૂતપૂર્વપણે ઊંડું ગયું છે.
મોટાભાગનું યુરોપ ભીષણ ગરમીની ઝપેટમાં છે જેના કારણે નદીઓ સુકાવા લાગી છે અને ઘણા વિસ્તારોમાં મર્યાદિત પ્રમાણમાં પાણી લોકોને મળી રહ્યું છે.
નેધરલૅન્ડ્સની વાત કરીએ તો નિજમેંગેમાં રાઇન નદીની મુખ્ય ડચ બ્રાન્ચ વાલ તેના નિમ્નસ્તરે પહોંચી છે.
આ શહેર જર્મન બૉર્ડર પર આવેલું છે અને રાઇન નદી કાર્ગો જહાજ અને હોડીઓ માટે મુખ્ય માર્ગ છે.
ઉત્તરમાં વહેતી આઇસેલ નદી એટલી સાંકડી બની ગઈ છે કે જહાજ પસાર થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ભારે ગરમીના કારણે માસ અને વાલ નદીના ભાગોમાં ઝેરી શેવાળ બની ગઈ છે. લોકોને એ નદીમાં તરવાની ના પાડી પાડી દેવાઈ છે અને પોતાનાં પાલતુ કૂતરાંને પણ પાણીથી દૂર રાખવા સલાહ અપાઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ સ્પેનની વાત કરીએ તો તે ધગધગતી ગરમીથી ટેવાયેલું છે, પણ આંદાલુસિયા એ યુરોપનો મુખ્ય ખેતીપ્રદેશ છે.
સૂકા વાતાવરણમાં પણ પાકને સિંચાઈની જરૂર પડે છે. જે ખેડૂતો એવોકાડો અને ઑલિવ ઉગાડે છે તે હાલ ચિંતામાં છે કેમ કે તે પાકોને પાણીની ખૂબ જરૂર હોય છે. પરંતુ ગ્વાડલક્વિવિર જે સ્પેનની સૌથી લાંબી નદી છે તેમાં ચોથા ભાગનું જ પાણી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપમાં પહેલેથી આયાત કરેલા ખાદ્યપદાર્થો મોંઘા મળે છે. તેમાં પણ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સપ્લાય ચેઇન ઠપ છે અને અનાજના ભાવ વધી ગયા છે.

ઇમેજ સ્રોત, Reuters
ઇટાલીમાં સુકાઈ ગયેલી નદી પોમાંથી દ્વિતીય વિશ્વયુદ્ધ સમયનો બૉમ્બ મળી આવ્યો છે. તેને રવિવારે ફોડી નાખવામાં આવ્યો હતો. 450 કિલોનો બૉમ્બ એક માછીમારને મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇટાલીમાં 70 વર્ષનો સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો છે જેમાં નદીનો 650 કિલોમિટર જેટલો વિસ્તાર સુકાઈ ગયો છે.

ઇમેજ સ્રોત, Reuters
જોકે, દુષ્કાળ દરેક માટે ખરાબ સાબિત થયો હોય તેવું નથી.
રૉયટર્સ પ્રમાણે પશ્ચિમ ફ્રાન્સના લે પૌલીગ્વેનમાં દરિયાઈ પાણીના બાષ્પીભવનથી સમુદ્રી મીઠાની વિક્રમજનક લણણી થઈ રહી છે.
ફ્રાન્કોઈસ ડુરાન્સ કહે છે કે છેલ્લાં દસ વર્ષથી એક સૉલ્ટ પૅન પર 1.3 ટન મીઠું બનતું હતું, જે આ વર્ષે અઢી ટન થઈ ગયું છે.
તેઓ બ્રિટનીના ગ્વેરાંડેમાં મીઠું પકવે છે અને તેની કિંમત વિશ્વમાં ઘણી વધારે છે.

ઇમેજ સ્રોત, AFP
ફ્રાન્સની ગ્રામીણ વસતી માટે કહાણી કંઈક અલગ છે.
બ્રિટનીના ટિન્ટેનિયાકના ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. દેશના સૌથી ખરાબ દુષ્કાળે ખેડૂતો પર પોતાના પશુધનને પાણી પિવડાવવાનું દબાણ ઊભું કર્યું છે. આલ્પ્સ જેવા વિસ્તારોમાં પાણી લેવા માટે વધારે અંતર કાપવું પડે છે અને તેના કારણે ઈંધણનો ખર્ચ વધારે થાય છે.
ફ્રાન્સની 100 કરતાં વધારે મ્યુનિસિપાલિટીમાં પીવાનાં પાણીની અછત છે. અહીં ટ્રકની મદદથી પાણી પહોંચાડવામાં આવે છે. ઘણી જગ્યાએ ગાર્ડન અને ગૉલ્ફ કૉર્સમાં પાણી છાટવાં પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કાર ધોવાની સુવિધા પર રોક લગાવી દેવાઈ છે. ઘણા ફુવારા પણ સુકાઈ ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
સ્લોવેનિયાની ઍગ્રિકલ્ચર મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં દુષ્કાળ પાકને ખૂબ અસર કરી રહ્યો છે.
મકાઈનો પાક અહીં કદાચ સામાન્ય કરતાં અડધો જ મળી શકે છે. પશુધન ધરાવતા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે જેમની પાસે પશુઓને પિવડાવવાં પાણી નથી. ઘાસની સપ્લાય પણ દુષ્કાળના કારણે ઓછી છે.
કોળું, બટેટા અને હોપ્સ જેવા પાક પણ ખૂબ ઓછા થશે એવી ચિંતા છે. દ્રાક્ષ જેવો પાક જે ગરમી સહન કરી શકે છે, તે પણ સામાન્ય કરતાં ઓછો મળવાની આશંકા છે અને તેની સાથે સ્લોવેનિયાના વાઇન નિર્માતા માટે ચિંતાનો વિષય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












