ભારત છોડો : ગાંધીજીએ આપેલું એ એક સૂત્ર જેનાથી લાખો લોકો આઝાદી આંદોલનમાં કૂદી પડ્યા

ભારત છોડો આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત છોડો આંદોલન
    • લેેખક, નામદેવ કાટકર
    • પદ, બીબીસી સંવાદદાતા

તે આઠ ઑગસ્ટ 1942ની સાંજ હતી. મુંબઈના ગોવાલિયા ટૅન્ક મેદાનમાં લાખો લોકો એકઠા થયા હતા.

સ્વતંત્રતાના વિચારથી પ્રેરિત લોકોથી આ મેદાન ખચાખચ ભરેલું હતું. સંબોધન એક 73 વર્ષના વૃદ્ધ કરી રહ્યા હતા. લોકો કાન સરવા કરીને એ વૃદ્ધનું ભાષણ સાંભળી રહ્યા હતા.

વૃદ્ધે ચેતવણી આપવાના ભાવ સાથે પોતાના હાથ ઉઠાવ્યા અને 'કરો યા મરો'ના પ્રણ સાથેના બે શબ્દો ઉચ્ચાર્યા. આ સાથે જ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો અંતિમ અધ્યાય શરૂ થયો.

તે સૂત્ર હતું - 'ભારત છોડો.' આ સૂત્રની ઘોષણા કરી રહેલ વૃદ્ધ હતા મોહનદાસ કરમચંદ ગાંધી.

ભારત છોડોનું સૂત્ર સાંભળીને ભીડ વચ્ચે જાણે વીજળી પસાર થઈ હોય.

મુંબઈના આકાશમાં બ્રિટિશવિરોધી સૂત્રો ગૂંજી રહ્યા હતા અને ડૂબતો સૂર્ય સ્વતંત્રતાનાં સપનાં બતાવી રહ્યો હતો.

'ભારત છોડો' આંદોલન સ્વતંત્રતા પહેલાનું ભારતનું સૌથી મોટું આંદોલન ગણાય છે. દેશના લાખો ભારતીયો આ આંદોલનમાં કૂદી પડ્યા હતા. દેશની જેલો કેદીઓથી ભરાઈ રહી હતી. આ ભૂમિગત આંદોલને બ્રિટિશર્સને ચોંકાવી દીધા હતા.

આ લેખમાં અમે તમને એ ઘટનાઓ અને લોકોની કહાણીઓ જણાવી રહ્યા છીએ જેમણે આંદોલનને આગળ વધાર્યું અને ભારતમાં સ્વતંત્રતાનો અલખ જગાવ્યો હતો.

સૌથી પહેલાં વાત કરીએ 'ભારત છોડો' નામની અને એ પણ જાણીએ તેની જરૂર શા માટે ઊભી થઈ.

line

'ભારત છોડો'ની કહાણી

1942માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક ભાષણથી ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1942માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક ભાષણથી ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ હતી

19 જુલાઈ 1942ના રોજ વર્ધામાં કૉંગ્રેસની કાર્યસમિતિની બેઠક થઈ હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે બ્રિટિશરોએ ભારતને તત્કાલ ભારતવાસીઓના હાથમાં સોંપી દેવું જોઈએ.

ત્યારબાદ એક મહિનાની અંદર જ એટલે કે સાત ઑગસ્ટના રોજ મુંબઈમાં કૉંગ્રેસની કાર્યસમિતિની બેઠક મળી અને આઠ ઑગસ્ટના રોજ 'ભારત છોડો'નો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.

ગોવાલિયા ટૅન્ક મેદાનમાં થયેલી આ ઐતિહાસિક બેઠકમાં આ પ્રસ્તાવની ઘોષણા કરવામાં આવી હતી.

આ બેઠક સાંજે છ વાગ્યે શરૂ થઈ હતી અને રાત્રે દસ વાગ્યે સમાપ્ત થઈ હતી. આ બેઠકમાં ચાર ભાષણ આપવામાં આવ્યા હતા.

સૌથી પહેલું ભાષણ કૉંગ્રેસના અધ્યક્ષ મૌલાના અબ્દુલ કલામ આઝાદે આપ્યું હતું, ત્યારબાદ પંડિત જવાહરલાલ નહેરુએ કૉંગ્રેસની કાર્યસમિતિના પ્રસ્તાવને વાંચી સંભળાવ્યો હતો.

ત્યારબાદ સરદાર પટેલે ભાષણ આપ્યું અને નહેરુના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

ચોથા વક્તા હતા મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીએ આ બેઠકમાં કુલ ત્રણ ભાષણ આપ્યાં હતાં. તેમાંથી એક ભાષણ અંગ્રેજીમાં હતું જેમાં તેમણે 'ક્વિટ ઇન્ડિયા'નું ઐતિહાસિક સૂત્ર આપ્યું હતું.

'ક્વિટ ઇન્ડિયા' સૂત્રનું ઘણાં ભાષાઓમાં અનુવાદ થયો અને તેને હિંદીમાં 'ભારત છોડો' કહેવામાં આવ્યું.

આ સૂત્રનું નામકરણ પણ રસપ્રદ છે.

લાઇન

સંક્ષિપ્તમાં: સ્વતંત્રતા પહેલાં આ રીતે થયો હતો સૌથી મોટો સંઘર્ષ

લાઇન
  • સાત ઑગસ્ટ 1942ના રોજ મુંબઈમાં કૉંગ્રેસની કાર્યસમિતિની બેઠક મળી અને 8 ઑગસ્ટના રોજ 'ભારત છોડો'નો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો
  • મહાત્મા ગાંધીએ આ બેઠકમાં કુલ ત્રણ ભાષણ આપ્યાં હતાં. તેમાંથી એક ભાષણ અંગ્રેજીમાં હતું જેમાં તેમણે 'ક્વિટ ઇન્ડિયા'નું ઐતિહાસિક સૂત્ર આપ્યું હતું
  • અલગઅલગ સૂચનો થયાં પરંતુ યૂસુફ મહર અલીએ 'ક્વિટ ઇન્ડિયા'નું સૂચન આપ્યું અને મહાત્મા ગાંધીએ તુરંત તેનો સ્વીકાર કરી લીધો હતો
  • આંદોલનની તીવ્રતાને જોતા બ્રિટિશ સરકારે ધરપકડ કરવાનું શરૂ કરી દીધું હતું
  • મુંબઈમાં સાને ગુરુજી અંડરગ્રાઉન્ડ થઈ ચૂકેલા કાર્યકર્તાઓ સાથે રહેતા હતા અને તેમના માટે ભોજન બનાવતા હતા
  • અરુણા અસફ અલી પારસી મહિલાનો વેશ ધારણ કરીને ગાંધીજીને મળ્યાં
  • આંદોલનમાં સક્રિયતાના કારણે મહારાષ્ટ્રના પહેલા મુખ્ય મંત્રી યશવંત રાવ ચવ્હાણને લગ્નનાં માત્ર બે મહિનામાં જ જેલ જવું પડ્યું હતું
  • સ્વતંત્રતા પહેલાં સૌથી મોટા આંદોલનમાં મહાદેવ દેસાઈ ગાંધીજીની સાથે ન હતા
  • આસામનાં 16 વર્ષીય કનકલતાનું નામ સ્વતંત્રતા માટે જીવ આપનારાં પહેલાં યુવા મહિલા તરીકે નોંધાયેલું છે
લાઇન

મુંબઈના મેયર જેમણે પ્રસ્તાવને શબ્દ આપ્યા

અંગ્રેજોને આપવામાં આવતી અંતિમ ચેતવણી જોશથી ભરેલી હોવી જોઈએ. એટલે જ મહાત્મા ગાંધીએ ઘણા લોકો પાસેથી સલાહ લીધી જેથી એવું સૂત્ર આપી શકાય જેમાં પ્રતિબદ્ધતા જોવા મળે.

ત્યારબાદ ઘણા લોકોએ પોતાના વિચાર રજૂ કર્યા હતા.

તેમાંથી એક વિચાર હતો 'ગેટ આઉટ' પરંતુ તેમાં એક પ્રકારની ઉદ્ધતાઈ હતી એટલે ગાંધીજીએ આ વિચારને ફગાવી દીધો.

પછી સરદાર પટેલે બે સૂત્રોનું સૂચન આપ્યું 'રિટ્રીટ ઇન્ડિયા' અને 'વિથડ્રૉ ઇન્ડિયા'. જોકે તેમને પણ ખાસ પસંદ કરવામાં આવ્યા ન હતા.

દરમિયાન યૂસુફ મહર અલીએ 'ક્વિટ ઇન્ડિયા'નું સૂચન આપ્યું અને મહાત્મા ગાંધીએ તુરંત તેનો સ્વીકાર કરી લીધો હતો.

આ પહેલાં જ્યારે સાઇમન કમિશન વિરુદ્ધ આંદોલન હતું ત્યારે યૂસુફ મહર અલીએ જ 'સાઇમન ગો બૅક'નું સૂત્ર આપ્યું હતું.

તે સમયે યૂસુફ મહર અલી કૉંગ્રેસના સક્રિય સભ્ય હતા. તેઓ કૉંગ્રેસની સમાજવાદી વિચારધારાના પ્રમુખ નેતા હતા.

તેઓ મુંબઈ શહેરના મેયર પણ હતા જ્યાં આ ઐતિહાસિક આંદોલનની ઘોષણા થઈ હતી.

line

અંગ્રેજોએ ધરપકડ કરવાનું શરૂ કર્યું

આંદોલન

ઇમેજ સ્રોત, MAHARASHTRA RAJYA SAHITYA SANSKRUTI MANDAL

'ભારત છોડો' સૂત્રએ આખા ભારતના લોકોને પ્રભાવિત કર્યા હતા અને તેઓ અંગ્રેજો વિરુદ્ધની લડાઈમાં કૂદી પડ્યા હતા.

મહાત્મા ગાંધી સ્વતંત્રતાની આ અંતિમ લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર હતા. બીજી તરફ ભારતીયો પણ અભૂતપૂર્વ સંખ્યામાં આ આંદોલન સાથે જોડાઈ રહ્યા હતા.

આંદોલનની તીવ્રતાને જોતા બ્રિટિશ સરકારે આંદોલનના નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું હતું.

સૌથી પહેલાં ગોવાલિયા ટૅન્ક મેદાનમાં ભાષણ આપનારા ચારેય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. એ હતા ગાંધીજી, નહેરુ, પટેલ અને આઝાદ.

આગામી દિવસે જ એટલે કે નવમી ઑગસ્ટની સવારે ચારેય નેતાઓને જેલ મોકલી દેવામાં આવ્યા હતા.

ગાંધીજીને પુણેના આગા ખાન મહેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આંદોલનમાં ભાગ લેનારા બીજા નેતાઓને દેશની અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

સ્વતંત્રતાની લડાઈમાં કેટલાક જેલમાં જતા રહ્યા તો કેટલાક લોકો સંઘર્ષ ચાલુ રાખવા ભૂગર્ભમાં જતા રહ્યા.

જ્યારે મહાત્મા ગાંધીએ મુંબઈમાં કરો યા મરોની જાહેરાત કરી ત્યારે બ્રિટિશ પોલીસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્યારે મહાત્મા ગાંધીએ મુંબઈમાં કરો યા મરોની જાહેરાત કરી ત્યારે બ્રિટિશ પોલીસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

સ્વતંત્રતાની લડાઈમાં જેલ જનારા અને ભૂગર્ભમાં જનારા આ સેનાનીઓ સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ દિલને હચમચાવી દેનારી છે, કેટલીક ભાવુક કરી દેનારી છે અને કેટલીક ખૂબ રસપ્રદ છે.

તેમાંથી કેટલીક કહાણીઓ પર આ લેખમાં અમે પ્રકાશ પાડી રહ્યા છીએ.

line

જ્યારે સાને ગુરુજીએ ધારણ કર્યો સેઠજીનો વેશ

સાને ગુરુજી

ઇમેજ સ્રોત, SADHANA SAPTAHIK

ઇમેજ કૅપ્શન, સાને ગુરુજી

જ્યારે મહાત્મા ગાંધીએ ભારત છોડોના નારા સાથે અંગ્રેજોને ચેતવણી આપી ત્યારે સાને ગુરુજી (પાંડુરંગ સદાશિવ સાને) ખાનદેશના અમ્માલનેરમાં હતા. તેમને ખબર પડી કે દેશના સમાજવાદીઓ ભૂગર્ભમાં રહીને આંદોલનમાં ભાગ લેશે.

આ દરમિયાન સાને ગુરુજીએ સતારા અને ખાનદેશ ક્ષેત્રનો પ્રવાસ કર્યો અને કાર્યકર્તાઓ સાથે ગુપ્ત બેઠકો કરી તેમને નિર્દેશ આપ્યા.

મુંબઈમાં સાને ગુરુજી અંડરગ્રાઉન્ડ થઈ ચૂકેલા કાર્યકર્તાઓ સાથે રહેતા હતા અને તેમના માટે ભોજન બનાવતા હતા.

જે જગ્યાએ અંડરગ્રાઉન્ડ કાર્યકર્તા રહેતા હતા તેમને કૂટ નામ આપવામાં આવ્યા હતા. જેવા કે - સંતવાડી, હદાલ હાઉસ અને મૂષક મહેલ.

અંડરગ્રાઉન્ડ કાર્યકર્તાઓને મળવા સાને ગુરુજી પોતાનો વેશ બદલી લેતા હતા.

ઘણી વખત તેઓ સેઠજી જેવાં કપડાં પહેરતા. તેઓ ધોતી કોટની સાથે પાઘડી અને સ્કાર્ફ પણ પહેરતા.

ઘણી વખત તેઓ ખેડૂતનું રૂપ ધારણ કરતા અને ચાદર ઓઢી લેતા. એક વખત ડૉક્ટરના વેશમાં તેઓ જયપ્રકાશ નારાયણને મળ્યા અને તેમને ભોજન પહોંચાડ્યું હતું.

સાને ગુરુજીનું અંડરગ્રાઉન્ડ કામ 18 એપ્રિલ 1943ના રોજ રોકાઈ ગયું. આ દિવસે પોલીસે તેમની મૂષક મહેલથી ધરપકડ કરી હતી.

તેમના સિવાય 14 અન્ય કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં શ્રીભાઉ લિમયે, એનજી ગોરે પણ સામેલ હતા. અહીંથી તેમને યરવડા જેલ લઈ જવાયા.

અહીં પણ તેમણે પહેલેથી જેલમાં બંધ કાર્યકર્તાઓની મુશ્કેલીઓ સહેલી કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેમને યરવડાથી નાસિક મોકલી દેવાયા હતા.

ભારત છોડો આંદોલનની સફળતા બાદ સાને ગુરુજીને 46 બળદગાડીઓની શોભાયાત્રા સાથે જલગાંવ શહેરમાં ફેરવવામાં આવ્યા હતા.

line

ગાંધીજીને મળવા અરુણા આસફ અલીએ જીવ જોખમમાં મૂક્યો

મહાત્મા ગાંધી સાથે અરુણા અસફ અલી

ઇમેજ સ્રોત, NATIONAL BOOK TRUST

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધી સાથે અરુણા અસફ અલી

અરુણા આસફ અલીને 'ભારત છોડો આંદોલન'નાં અગ્રણી મહિલા નેતા માનવામાં આવે છે. મહાત્મા ગાંધી પણ તેમને આંદોલન માટે અંડરગ્રાઉન્ડ થઈને કામ કરતા રોકી શક્યા ન હતા.

ગાંધી સાથે મુલાકાત માટે અરુણા અસફ અલીએ જે સાહસ બતાવ્યું હતું તે ઇતિહાસમાં નોંધાયેલું છે.

અરુણા આસફ અલી સમાજવાદી વિચારધારા સાથે સંકળાયેલાં હતાં. એક એક કરીને ભારત છોડો આંદોલન સાથે જોડાયેલા બધા સમાજવાદી નેતાઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન એ સમાચાર આવ્યા કે અંગ્રેજો સામે માફી માગવા મજબૂર કરવા માટે જયપ્રકાશ નારાયણને બરફની પાટ પર સુવડાવવામાં આવી રહ્યા છે.

આખો દેશ આ સમાચાર સાંભળી હચમચી ગયો. અરુણા આસફ અલી તેનાથી ખૂબ ગુસ્સામાં હતાં અને તેઓ સરકાર વિરુદ્ધ કોઈ પણ હદ પાર કરવાં તૈયાર હતાં.

તેઓ દેશમાં ફરીને યુવાનોને આંદોલનમાં સામેલ કરવા માટે પ્રેરિત કરી રહ્યાં હતાં.

તેઓ અંડરગ્રાઉન્ડ રહીને આ બધું કરી રહ્યાં હતાં અને તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું હતું.

ગાંધીજી અરુણાના સ્વાસ્થ્ય મુદ્દે ચિંતિત હતા અને તેમણે અરુણાને મળવા બોલાવ્યા. પીજી પ્રધાનને તેમની મુલાકાત કરાવી આપવાની જવાબદારી સોંપાઈ હતી.

અરુણા આસફ અલી

ઇમેજ સ્રોત, NATIONAL BOOK TRUST

ઇમેજ કૅપ્શન, અરુણા આસફ અલી નહેરુ સાથે

ગાંધીજી પુણેના પારસી હૉસ્પિટલના પાછળના ભાગમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. કેમ કે તે ક્ષય રોગીઓની હૉસ્પિટલ હતી એટલે ત્યાં પોલીસની હાજરી ન હતી.

આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને અરુણા અહીં પહોંચી ગયાં હતાં. તેઓ પારસી મહિલાનો વેશ ધારણ કરીને આવ્યાં હતાં. એ નક્કી થયું હતું કે તેઓ કપાડિયા શબ્દ બોલશે અને ગાંધીજી તેમને ઓળખી લેશે.

અરુણાને જોઈને ગાંધીજીએ આક્રામક કામને અટકાવીને પોલીસની સામે આત્મસમર્પણ કરવાની વિનંતી કરી.

જોકે અરુણાએ કહ્યું, "હું તમારું સન્માન કરું છું. પરંતુ આપણા વિચારો સમાન નથી. હું એક ક્રાંતિકારી છું અને ક્રાંતિકારી જેમ જ કામ કરીશ. જો તમે આપી શકો તો મને આશીર્વાદ આપો."

અરુણામાં એ સાહસ હતું કે તેમણે મહાત્મા ગાંધીને એ કહી દીધું કે આપણા રસ્તા અલગ છે. તેઓ પોતાના જીવ પર જોખમનો ખતરો હોવા છતાં ગાંધીજીને મળવાં ગયાં હતાં.

જોકે, છેક સુધી તેઓ ક્યારેય અંગ્રેજોના હાથમાં આવ્યાં ન હતાં. તેમના પર પાંચ હજાર રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.

અરુણા આસફ અલી વિશે યૂસુફ મહર અલીએ કહ્યું હતું કે તેઓ રાણી લક્ષ્મીબાઈ બાદ સ્વતંત્રતાના આંદોલનના મોખરાનાં મહિલા નેતા હતાં.

line

લગ્નનાં બે મહિના બાદ જેલ ગયા યશવંત રાવ

યશવંતરાવ ચવ્હાણ

ઇમેજ સ્રોત, TED WEST / GETTY

ઇમેજ કૅપ્શન, યશવંતરાવ ચવ્હાણ

મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય મંત્રી યશવંત રાવ ચવ્હાણ 1942માં સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય હતા. તેઓ તુરંત ભારત છોડો આંદોલનમાં કૂદી પડ્યા હતા.

આંદોલનમાં સક્રિયતાના કારણે તેઓએ લગ્નનાં માત્ર બે મહિનામાં જ જેલ જવું પડ્યું હતું.

યશવંત રાવ સાથે લગ્ન કરનારાં વેણુતાઈએ ઘોષણા કરી હતી કે તેઓ માત્ર ક્રાંતિકારી સાથે જ લગ્ન કરશે. 2 જૂન 1942ના રોજ તેમણે યશવંત રાવ સાથે લગ્ન કર્યાં હતાં.

જોકે, લગ્નનાં પ્રાથમિક વર્ષોમાં તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. જોકે, તેઓ જરાય ડગ્યા નહીં.

આંદોલનમાં યશવંત રાવની સક્રિયતાના પગલે વેણુતાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે સંક્રાંતિ ઉત્સવન દિવસ હતો.

યશવંત રાવ ઘણી વખત એ વાત પર અફસોસ કરતા હતા કે તેમનાં પત્નીને લગ્ન બાદ પહેલી સંક્રાંતિ પર જ તેમના કારણે જેલ જવું પડ્યું. જોકે, વેણુતાઈએ આ બધી પરિસ્થિતિઓનો સાહસ સાથે સામનો કર્યો હતો.

line

ગાંધીજીનો પડછાયો કહેવાતા મહાદેવ દેસાઈનું નિધન

મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈ

મહાદેવ દેસાઈએ વર્ષ 1917માં મહાત્મા ગાંધી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદથી પોતાના મૃત્યુ સુધી એટલે કે આશરે 25 વર્ષો સુધી તેઓ ગાંધીનો પડછાયો બનીને રહ્યા હતા.

તેમણે ગાંધીજી માટે ઘણી ભૂમિકાઓ નિભાવી હતી. તેઓ તેમના સચિવ હતા, લેખક હતા, અનુવાદક, સલાહકાર અને સંવાદક હતા.

તેઓ ગાંધીજી માટે રસોઈ પણ કરતા હતા. મહાત્મા ગાંધી પર પુસ્તક લખનારા રામચંદ્ર ગુહાએ લખ્યું છે કે ગાંધીજી મહાદેવ દેસાઈએ બનાવેલી ખિચડીના પ્રશંસક હતા.

'ભારત છોડો'નું સૂત્ર આપ્યા બાદ ગાંધીજીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને પુણેના આગા ખાન પૅલેસમાં રાખવામાં આવ્યા હતા. કસ્તુરબા ગાંધી અને મહાદેવ દેસાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ત્યાં જ હૃદયરોગના હુમલાથી 15 ઑગસ્ટ 1942ના રોજ મહાદેવ દેસાઈનું નિધન થયું હતું. તેઓ 50 વર્ષના હતા.

મહાદેવ દેસાઈના મૃત્યુના કારણે મહાત્મા ગાંધીને આઘાત લાગ્યો હતો. સ્વતંત્રતા પહેલા સૌથી મોટા આંદોલનમાં મહાદેવ ગાંધીની સાથે ન હતા.

રામચંદ્ર ગુહા લખે છે કે મહાદેવ દેસાઈના મૃત્યુ બાદ ગાંધીજી વારંવાર તેમને યાદ કરતા રહેતા હતા.

હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા માટે ગાંધીજી જ્યારે દેશનો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે ગાંધીજીએ તેમનાં મોટાં ભત્રીજી મનુબહેનને કહ્યું હતું, "મને મહાદેવની સૌથી વધારે યાદ આવે છે, જો તેઓ હોત તો પરિસ્થિતિ આટલી ખરાબ ન હોત."

1942 આંદોલન દરમિયાન મહાદેવના મૃત્યુથી ગાંધીજી આઘાતમાં હતા.

line

આસામનાં કનકલતા અને સતારાનાં કાશીબાઈ હાનાવર

આઝાદી

ઇમેજ સ્રોત, MAHARASHTRA RAJYA SAHITYA SANSKRUTI MANDAL

1997ની સાધના પત્રિકાના અંકમાં રોહિણી ગાંવકરે ભારતની સ્વતંત્રતાના સંઘર્ષમાં મહિલાઓની ભૂમિકા વિશે લખ્યું છે.

તેમણે ખાસ કરીને 1942ના ભારત છોડો આંદોલનમાં મહિલાઓની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.

આસામનાં 16 વર્ષીય કનકલતા બરુઆની બહાદુરીની ગાથા અમર થઈ ગઈ છે. કનકલતાએ 1942ના આંદોલનમાં ઝંપલાવ્યું હતું. તેમણે એક પોલીસ સ્ટેશન બહાર ઝંડાને સલામી આપવા માટે યુવાનોને એકઠા કર્યાં હતાં. પોલીસ સ્ટેશન બહાર કનકલતાએ ભાષણ પણ આપ્યું.

ઝંડો ફરકાવવાની થોડી વાર પહેલાં જ પોલીસે યુવાનો પર ગોળીબાર કરી દીધો. જેમાં કનકલતાનું મૃત્યુ થયું હતું. ગાવંકર લખે છે કે કનકલતાનું નામ સ્વતંત્રતા માટે જીવ આપનારાં પહેલાં યુવા મહિલા તરીકે નોંધાયેલું છે.

ગાંધીવાદી વિચારધારા ધરાવતાં ઉષા મહેતા જેઓ આંદોલન દરમિયાન અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન ચલાવતાં હતાં, તેમને આજે ઘણા લોકો જાણે છે.

1942માં ઉષા મહેતા કૉલેજમાં હતાં. તેઓ મુંબઈમાં એક રેડિયો સ્ટેશન ચલાવતાં હતાં. આ રેડિયો પર તેઓ બીજા વિશ્વયુદ્ધના સમાચાર અને દેશમાં ચાલી રહેલાં આંદોલનો વિશે જાણકારી આપતાં હતાં.

રેડિયો સ્ટેશનને હંમેશાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું પડતું હતું. પોલીસ કોઈ પણ રીતે આ રેડિયો સ્ટેશનને પકડવા માગતી હતી. એક દેશદ્રોહી, જેને ઉષા મહેતાના રેડિયો સ્ટેશન વિશે જાણકારી હતી તેણે દગાખોરી કરી.

તેનું પરિણામ એ આવ્યું કે રેડિયો પર સમાચાર આપતા સમયે જ તેમને પકડી લેવામાં આવ્યા.

ગાવંકરે જે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં સૌથી વધારે ચોંકવનારી ઘટના કાશીબાઈ હનવારની છે જેઓ સ્વતંત્ર વૈકલ્પિક સરકારનો ભાગ હતાં.

નાના પાટીલે જે વૈકલ્પિક સ્વતંત્ર સરકાર (પ્રતિ સરકાર)નું ગઠન કર્યું હતું તેના મહિલા કાર્યકર્તાઓએ સતારા જિલ્લામાં અંગ્રેજોના ગંભીર ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસે કાશીબાઈ હનવાર નામનાં મહિલાના ગુપ્ત ભાગોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. તેમણે આ ટૉર્ચર, અપમાન અને ક્રૂરતાનો સામનો કર્યો. છેવટ સુધી તેમણે કોઈ કાર્યકર્તાનું નામ કે સરનામું પોલીસને ન આપ્યું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન