સ્વતંત્રતા દિવસ : આઝાદીની લડાઈમાં જ્યારે ગુજરાતી યુવાનોએ અટક ફગાવી 'આઝાદ'નું ઉપનામ લીધું

મનહર શાહ

ઇમેજ સ્રોત, Manhar Shah

ઇમેજ કૅપ્શન, 'ઓજસ્વી આઝાદ' પુસ્તકમાંથી
    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

આજે વિવિધ જ્ઞાતિ સમૂહો તેમની અટકને આધારે વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે રસ્તા પર ઊતરીને માગણીઓ કરી રહ્યા છે ત્યારે એ માનવું મુશ્કેલ થઈ પડે કે ગુજરાતના એક તાલુકાના લોકોએ ઓળખનો આધાર ગણાતી અટકનો ત્યાગ કરવા માટે માગણી કરી હતી.

અત્યારે જ્ઞાતિને આધારે લાભ મેળવવા માટે લોકો એકઠા થઈ રહ્યા છે, પરંતુ ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં એક સમય એવો હતો જ્યારે લોકો જ્ઞાતિ, સમાજના વાડામાંથી બહાર નીકળીને દેશહિત માટે રસ્તા પર ઊતર્યા હતા.

1942ની આઠમી ઑગસ્ટે સમગ્ર ભારતમાં ‘હિંદ છોડો’ની ચળવળ શરૂ થઈ હતી અને એ ચળવળ શરૂ થયાનાં પાંચ વર્ષમાં અંગ્રેજોના 190 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.

એક તરફ મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને લોકો અહિંસક સત્યાગ્રહમાં જોડાયા હતા તો બીજી તરફ સશસ્ત્ર ક્રાંતિમાં વિશ્વાસ ધરાવતા યુવાનોએ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહનો માર્ગ પકડ્યો હતો.

હાલ વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકાનો વિસ્તાર એ સમયે અંગ્રજો સામેની પ્રવૃત્તિઓમાં આગળ હતો.

આઝાદી માટે ઝઝૂમતા યુવાનો માત્ર કામ નહીં નામમાં પણ ચંદ્રશેખર આઝાદને અનુસર્યા હતા અને પોતાના નામમાંથી મૂળ અટક હઠાવી દીધી હતી.

1942 ભારત છોડો આંદોલનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1942 ભારત છોડો આંદોલનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા એક ટોળા પર ટીયર ગેસ છોડાયો હતો

દેશની આઝાદી માટે લડેલા ચંદ્રશેખર આઝાદનું નામ બહુ જાણીતું છે, પણ તેમની સાચી અટક વિશે મોટાભાગના લોકોને ભાગ્યે જ ખબર હશે.

13 વર્ષની ઉંમરે ચંદ્રશેખરે પોતાની મૂળ અટક 'તિવારી' છોડી દઈને 'આઝાદ' ઉપનામ ધારણ કર્યું હતું.

ચંદ્રશેખર આઝાદની જેમ ગુજરાતના યુવાનોએ પણ દેશના સ્વાતંત્ર્યઆંદોલન માટે 'આઝાદ', 'કામદાર', 'બાદશાહ' જેવી અટક અપનાવી હતી.

અહીંના લોકોએ આવું શા માટે કરવું પડ્યું તેની સમગ્ર કહાણી ઓછી જાણીતી, પરંતુ ખૂબ રસપ્રદ છે.

line

એ લડાઈ જેના કારણે બદલ્યાં નામ

વડોદરા ગાયકવાડ સરકારના સૈનિક

ઇમેજ સ્રોત, Universal History Archive/UIG via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હાલના કરજણ અને શિનોર તાલુકાના વિસ્તારના લોકો 1942માં અંગ્રેજો સામે સીધા જંગે ચડ્યા હતા.

આઝાદીની લડાઈના સંદર્ભે લલિત રાણા દ્વારા લખાયેલા પુસ્તક 'અંબાલાલ ગાંધી અને રસિકભાઈ આઝાદ'માં જણાવ્યા પ્રમાણે, એક દિવસ રસિક શાહે પોતાનું નામ 'રસિક આઝાદ' રાખી લીધું હતું.

એ જ રીતે કામદાર નેતા ચંદ્રકાંત અને પદ્માબહેને પણ 'આઝાદ' ઉપનામ લીધું હતું.

આ પછી તો અનેક સ્વાતંત્ર્યસેનાનીઓએ પોતાની મૂળ અટક ફગાવીને આઝાદ, કામદાર અને બાદશાહ જેવાં ઉપનામ અપનાવ્યાં હતાં.

line

18 ઑગસ્ટનો એ દિવસ....

હિંદ છોડો ચળવળ

ઇમેજ સ્રોત, Universal History Archive UIG via Getty Images

ઇમેજ કૅપ્શન, હિંદ છોડો ચળવળ

1942ની હિંદ છોડો ચળવળ વખતે આઠમી ઑગસ્ટ પછી દેશભરમાં ધરપકડનો દોર શરૂ થઈ ગયો હતો.

'અંબાલાલ ગાંધી અને રસિકભાઈ આઝાદ' પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, અંગ્રેજ રાજ સામે પડેલા લોકોએ વડોદરામાં સરઘસ કાઢવાનું શરૂ કર્યું હતું.

તેના અનુસંધાને અંગ્રેજો અને વડોદરા રાજ્યના શાસકોએ આંદોલનકારીઓ સામે ફતવા બહાર પાડવાનું શરૂ કર્યું હતું.

1942ની 18 ઑગસ્ટની બપોર બાદ આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી અને સભા-સરઘસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા.

લાઠી અને બંદૂકધારી પોલીસના કાફલા પોળમાં અને રસ્તાઓ પર ખડકી દેવામાં આવ્યા હતા.

અડાસ ખાતેના ગોળીબારમાં વડોદરાના કિશોરો વિંધાયા હતા. એ જ રીતે વડોદરાની કોઠી પોળમાં સરઘસ પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા હતા.

line

પોસ્ટફિસને આગ

આઝઆદી આંદોલન

ઇમેજ સ્રોત, Felix Man/Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વડોદરા જનજાગૃતિ અભિયાનના સંયોજક મનહર શાહના જણાવ્યા પ્રમાણે, અંગ્રેજોના સૈન્યના આ પગલાના પ્રત્યાઘાત વડોદરા જિલ્લામાં જોવા મળ્યા હતા. ઠેરઠેર સરઘસો નીકળ્યાં હતાં અને સભાઓ યોજાઈ હતી.

તેઓ કહે છે, "શિનોર ગામના વિદ્યાર્થીઓએ શાળા-કૉલેજમાં જવાનું છોડીને સરઘસો કાઢ્યાં હતાં. પોલીસે સરઘસને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો."

"ઉશ્કેરાયેલા યુવાનોએ શિનોરની પોલીસચોકી પર પથ્થરમારો કર્યો હતો અને ગામમાં આવેલી પોસ્ટઑફિસ સળગાવી દીધી હતી."

"રોષે ભરાયેલી અંગ્રેજ સરકારે ગાયકવાડ સરકારની મદદ માગી હતી અને શિનોરમાં સેના મોકલવાનો નિર્ણય કર્યો હતો."

line

રેલવેના પાટા ઉખેડી નાખ્યા

ટ્રેન વડોદરા

ઇમેજ સ્રોત, SSPL/Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ સંઘર્ષનો ઉલ્લેખ વડોદરા રાજ્ય પ્રજામંડળ દ્વારા પ્રકાશિત પુસ્તક 'પોલીસ જૂલ્મોની કાળીકથા'માં કરવામાં આવ્યો છે.

પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, સેના મોકલવાના અંગ્રેજોના નિર્ણય બાદ શિનોરના આગેવાનો ચેતી ગયા હતા અને તેમણે પોતાના બચાવની વ્યૂહરચના ઘડી કાઢી હતી.

કરજણમાં 21 ઑગસ્ટે અંબાલાલ ગાંધીના નેતૃત્વમાં ચળવળકારોની બેઠક યોજવામાં આવી હતી.

પુસ્તક પ્રમાણે 1942ની 22 ઑગસ્ટે સવારે 10.30 વાગ્યે અંગ્રેજસેના શિનોર પહોંચીને ગામને સળગાવવાની છે, એવી બાતમી સ્થાનિકોને મળી હતી.

એ પછી સેનાને ગામમાં પહોંચતી રોકવા માટે લોકોએ 12 કલાક પહેલાં જ રેલવેના પાટા ઉખેડવાનું શરૂ કરી દીધું હતું.

કરજણ પછીના ભરથાલી સ્ટેશનથી શિનોર સુધીના પાટા ઉખેડી નાખવામાં આવ્યા હતા. રેલવેસ્ટેશનના ચોપડાઓ બાળી નાખવામાં આવ્યા હતા અને લોકોએ સ્ટેશનમાસ્તરોને બાંધી દીધા હતા.

અંગ્રેજસેના અને ગાયકવાડ સરકારનું લશ્કર ટ્રેન મારફતે નીકળ્યું પણ કરજણથી આગળ જઈ ન શક્યું. લશ્કરે વડોદરા પરત ફરવું પડ્યું હતું. બાદમાં ગામમાં પોલીસની ટુકડીઓ મોકલવામાં આવી હતી.

'પોલીસ જૂલ્મોની કાળીકથા' પુસ્તકમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે પોલીસે લોકો પર દમન કર્યું હતું.

line

ગુજરાતના 'આઝાદે' આંદોલન માટે સરકારી નોકરી છોડી

વડોદરાની તોપ

ઇમેજ સ્રોત, Underwood Archives/Getty Image

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રસિક આઝાદ અને અંબાલાલ ગાંધીની જોડીએ આઝાદીની લડાઈમાં ઝંપલાવ્યુ હતું.

'અંબાલાલ ગાંધી અને રસિકભાઈ આઝાદ' તથા 'ઓજસ્વી આઝાદ' પુસ્તકનું જનજાગૃતિ અભિયાન વતી પ્રકાશન કરનાર વડોદરાના મનહર શાહ રસિક આઝાદના ભત્રીજા છે.

તેઓ કહે છે, "રસિક આઝાદે અસહકાર આંદોલન માટે સરકારી નોકરી છોડી દીધી હતી. એટલું જ નહીં ચંદ્રશેખર આઝાદની જેમ તેઓ પણ પરણ્યા નહોતા."

"1942ની ચળવળમાં વ્યક્તિગત સત્યાગ્રહ માટે ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી હતી અને વિનોબા ભાવેએ સૌપ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે રસિક આઝાદનું નામ આપ્યું હતું."

line

ક્રાંતિકારીઓ તૈયાર કરવામાં મહર્ષિ અરવિંદની ભૂમિકા?

અરવિંદ ઘોષ

ઇમેજ સ્રોત, http://www.sriaurobindoashram.org

વડોદરાની હાલની એમ. એસ. યુનિવર્સિટી જ્યારે બરોડા કૉલેજ હતી ત્યારે મહર્ષિ અરવિંદ તેમાં ફિલસૂફીના અધ્યાપક હતા. વડોદરા જિલ્લાના ક્રાંતિકારીઓ મહર્ષિ અરવિંદથી પ્રભાવિત હતા.

વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ આ વાતને સમર્થન આપ્યું હતું.

તેઓ કહે છે, "1905ની આસપાસ મહર્ષિ અરવિંદ વડોદરામાં હતા ત્યારે મધ્ય ગુજરાતમાં તેમનો પ્રભાવ હતો."

"પુરાણી બંધુઓ (છોટુભાઈ પુરાણી અને અંબાલાલ પુરાણી) સાથે મળીને અખાડા પ્રવૃત્તિ કરી હતી. બૉમ્બ બનાવતાં પણ શીખવ્યું હતું."

એ પછી બૉમ્બ બનાવવાની રીતનાં પુસ્તકો વડોદરાથી પ્રકાશિત થયાં હતાં.

અંગ્રેજોને છેતરવા માટે આ પુસ્તિકા પર 'દેશી દવાઓ બનાવવાની ચોપડી' એવું ટાઇટલ છાપવામાં આવ્યું હોવાની નોંધ 'અંબાલાલ ગાંધી અને રસિકભાઈ આઝાદ' પુસ્તકમાં છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો