ઈરાનમાં જયશંકરના નિશાને ઑઇલ છે કે તાલિબાનનો તોડ? ભારત અને ઈરાન વચ્ચે શું ચાલી રહ્યું છે?

વિદેશ મંત્રી એસ જયશંકર ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સાથે

ઇમેજ સ્રોત, @DRSJAISHANKAR

ઇમેજ કૅપ્શન, તેહરાનમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના સાથે, આ એક મહિનાની અંદર બીજી મુલાકાત છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ગુરુવારે તેહરાન પહોંચ્યા હતા. જયશંકરના પ્રવાસને બંને દેશોના સંબંધમાં આવેલી કડવાશને ઓછી કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કારણોથી બંને દેશો વચ્ચે અંતર વધતું રહ્યું હતું. ભારતે અમેરિકાના પ્રતિબંધોના કારણે ઈરાનથી ઑઇલની આયાત બંધ કરી દીધી હતી અને ચાબહાર પૉર્ટને લઈને પણ બંને દેશો વચ્ચે મતભેદ હતા.

આ સિવાય કાશ્મીર પર પણ ઈરાનના નિવેદનથી ભારત નાખુશ રહ્યું છે. જયશંકરના હાલના પ્રવાસથી કહેવાઈ રહ્યું છે કે ઈરાન, અમેરિકા, સાઉદી અરેબિયા અને ઇઝરાયેલના વચ્ચે સંબંધમાં ભારત સંતુલન રાખવા માગે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

2014માં ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ઇઝરાયેલ સાથે મિત્રતા મજબૂત થઈ હોવાનું માનવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલનો પ્રવાસ કરનારા પ્રથમ વડા પ્રધાન બન્યા. પરંતુ મોદી સરકારની વિદેશી નીતિમાં ઈરાનને લઈને એક પ્રકારનું દબાણ રહ્યું.

આ દબાણ અમેરિકાના પ્રતિબંધોના કારણે રહ્યું. ભારતે અમેરિકાના દબાણમાં ઈરાનથી ઑઇલની આયાત રોકવી પડી જ્યારે ઈરાન ભારતને ભારતીય ચલણથી જ ભારતને ઑઇલ આપવા તૈયાર હતું.

line

શપથગ્રહણમાં ભારતને આમંત્રણ

ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફ

ભારતીય વિદેશ મંત્રાલયે જયશંકરના ઈરાન પ્રવાસને લઈને કહ્યું છે કે, વિદેશ મંત્રી ઈરાન સરકારના આંમત્રણ પર મુલાકાતે ગયા છે. 5 અને 6 ઑગસ્ટે ઈરાનમાં તેમણે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે પણ મુલાકાત કરી હતી.

મુલાકાતની તસવીરને ટ્વીટ કરતા એસ જયશંકરે ટ્વિટર પર લખ્યું છે કે, "વડા પ્રધાનની ખુરશી સંભાળ્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે ઉષ્માભરી મુલાકાત થઈ. અમે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ રાષ્ટ્રપતિ રઈસી સુધી પહોંચાડી છે. અમે ઈરાન સાથે દ્વિપક્ષીય સંબંધમાં મજબૂતી માટે પ્રતિબદ્ધ છીએ. બંને દેશોના ક્ષેત્રીય હિત એકબીજા સાથે જોડાયેલા છે."

જયશંકર રાષ્ટ્રપતિ રઈસી સિવિય પણ ઈરાનમાં અનેક નેતાઓની મુલાકાત કરી. એક મહિનાની અંદર જયશંકરનો ઈરાનનો બીજો પ્રવાસ છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં પણ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીએ પ્રોટોકૉલ તોડી શપથ લેતા પહેલાં જ વિદેશી મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન તેમને શપથગ્રહણમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, આ પહેલાં પણ ઈરાનના રાષ્ટ્રપતિના શપથગ્રહણમાં ભારત સામેલ થતું રહ્યું છે. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને નીતિન ગડકરી હસન રુહાનીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થઈ ચૂક્યા છે.

પરંતુ જયશંકરનો આ પ્રવાસ જે સમયે થઈ રહ્યો છે, તેને ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

line

પ્રવાસનો સમય મહત્ત્વનો કેમ?

ઈરાન ભારત

ઇમેજ સ્રોત, Getty Images

જયશંકરનો આ પ્રવાસ ત્યારે થયો છે જ્યારે અફઘાનિસ્તાનની સરકારના અસ્તિત્વ પર તાલિબાનનું સંકટ ઘેરાયેલું છે. અમેરિકાના સૈનિક અફઘાનિસ્તાનમાંથી સરસામાન સમેટી ચૂક્યા છે. ઈરાન માટે પણ તાલિબાનનું આગળ વધવું ચિંતાનો વિષય છે.

ગત વર્ષે એપ્રિલમાં ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સુરક્ષાનું જોખમ ભારત, ઈરાન અને પાકિસ્તાન ત્રણેના હિતમાં નથી. તેમણે અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારને સમર્થન આપવાની વાત કરી હતી.

અફઘાનિસ્તાન શાંતિમંત્રણા માટે અમેરિકા-રશિયા-ચીન-પાકિસ્તાનના ટ્રૉઇકા પ્લસ સમૂહની બેઠક કતારના દોહામાં આગામી સપ્તાહ બુધવારે થવા જઈ રહી છે. પરંતુ આ બેઠકમાં ઈરાન અને ભારત સામેલ નથી.

આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાંથી ગયા બાદ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડને ઈરાન પરથી વધારાના પ્રતિબંધ હઠાવી લીધા છે. એવામાં ભારત માટે પણ આશા જાગી છે કે તે ઈરાન સાથે વ્યવસાયિક સંબંધ ફરીથી સ્થાપિત કરી શકે છે.

એસ જયશંકરનો ઈરાન પ્રવાસ ત્યારે થયો છે, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેન એક સપ્તાહ પહેલા જ નવી દિલ્હી આવ્યા હતા. ભારત સંકેત આપી રહ્યું છે કે ભલે અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધી રહી હોય પણ તે ઈરાન સાથે પોતાના સંબંધોને અટકાવશે નહીં.

line

ઈરાન - ભારત અને પારસી જોડાણ

ભારત અને ઈરાન

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાનનો મતલબ થાય છે લૅન્ડ ઑફ આર્યન. ભારતનું પણ એક નામ આર્યાવર્ત છે. ઈરાન ઇસ્લામિક દેશ બનતા પહેલા પારસી દેશ હતો. પરંતુ હવે અહીંયા પારસી માંડ બચ્યા છે.

ઇસ્લામના ઉદય સાથે જ ઈરાનમાંથી પારસીઓની હકાલપટ્ટી કરી દેવાઈ. ત્યારે મોટાભાગના પારસી કાં તો ભારતના ગુજરાત રાજ્યમાં આવ્યા અથવા પશ્ચિમી દેશોમાં ચાલ્યા ગયા.

ઈરાનમાં જ્યારે પારસી હતા ત્યારે પણ ભારત સાથે સાંસ્કૃતિક સંબંધ હતા અને જ્યારે ઇસ્લામિક દેશ બન્યો ત્યારે પણ ગાઢ સંબંધ રહ્યા.

ઈરાન શિયા ઇસ્લામિક દેશ છે અને ભારતમાં પણ ઈરાન બાદ સૌથી વધારે શિયા મુસલમાન છે. જો ભારતનું વિભાજન ન થયું હોત એટલે કે પાકિસ્તાન ન બન્યું હોત તો ઈરાન સાથે ભારતની સરહદ જોડાયેલી હોત. પાકિસ્તાન અને ઈરાન ભલે પડોશી છે પણ બંનેના સંબંધ વધારે સારા રહ્યા નથી.

મધ્ય-પૂર્વમાં ઈરાન એક મોટું ખેલાડી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યાં ભારતનો પ્રભાવ સતત ઓછો થઈ રહ્યો છે અને ચીનના પક્ષમાં સ્થિતિ મજબૂત બની રહી છે. ચીન અને ઈરાન વચ્ચે થનાર કૉમ્પ્રિહેન્સિવ સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટની રિપોર્ટ લીક થયાના થોડા દિવસ બાદ જ ચાબહાર પ્રોજેક્ટ માટે રેલવે લિંકને ઈરાને જાતે જ આગળ વધારવાનું શરૂ કરી દીધું હતું.

ઈરાનના પૂર્વ રાષ્ટપતિ સાથે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના પૂર્વ રાષ્ટપતિ સાથે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી

આ પહેલાં આમાં ભારત પણ સામેલ હતું. આ રેલ લાઇનને ઈરાનના ચાબહારથી અફઘાનિસ્તાનના ઝેરાંજ પ્રાન્ત સુધી લઈ જવાની યોજના છે. લીક થયેલા રિપોર્ટના અનુસાર, ચીન સાથે જે પ્રોજેક્ટ પર ઈરાનની વાત ચાલી રહી છે તે 400 અબજ ડૉલરની છે.

2019ના નવેમ્બર મહિનામાં ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફે ભારતની મહિલા પત્રકારોના એક જૂથને કહ્યું હતું કે, "ભારત અને ઈરાનના સંબંધ તાત્કાલિકક વૈશ્વિક કારણો અથવા રાજકીય આર્થિક ગઠબંધનોથી તૂટી શકતા નથી. ભારતે ઈરાન સામે પ્રતિબંધોને લઈને સ્વતંત્ર વલણ અપનાવ્યું છે, પરંતુ અમે અમારા મિત્રો પાસે આશા રાખીએ છે કે તેઓ નમે નહીં. તમારામાં દબાણને ફગાવવાની ક્ષમતા હોવી જોઈએ કારણ કે અમેરિકા ડરાવતું-ધમકાવતું રહે છે અને ભારત તેના દબાણમાં આવીને ઈરાન પાસેથી ઑઇલ ખરીદતું નથી. જો તમે અમારી પાસેથી ઑઇલ નહીં ખરીદો તો અમે તમારી પાસેથી ચોખા નહીં ખરીદીએ."

ઈરાનને લાગતું હતું કે ભારત સદ્દામ હુસૈનના ઇરાક સાથે વધુ નજીક છે. જો કે, ભારતના ત્યારે પણ ઇરાક સાથે સંબંધ સારા હતા અને લાંબા સમય સુધી ઇરાક ભારતમાં સૌથી મોટો ઑઇલ સપ્લાયર દેશ રહ્યો હતો.

ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલથી આર્થિક સંબંધ, ભારતીય કામદારો ઉપરાંત મૅનેજમૅન્ટના ક્ષેત્રમાં જોડાયેલી પ્રતિભાઓના કારણે અરબ દેશોમાં ભારતના સંબંધ મજબૂત બનેલા છે.

ભારતની જરુરિયાતની તુલનામાં ઈરાન પાસેથી ઑઇલનો પૂરતો જથ્થો મળ્યો નથી. એનાં મુખ્ય કારણોમાં ઇસ્લામિક ક્રાંતિ, ઇરાક-ઈરાન યુદ્ધ અને અમેરિકા છે.

line

ભારતનો કચવાટ

સુષ્મા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત પણ ઈરાન સાથેની મિત્રતાને નવા મુકામ સુધી લઈ જવામાં ખચકાતું જોવા મળ્યું છે.

1991માં શીતયુદ્ધ ખતમ થયું એ પછી સોવિયેત સંઘનું પતન થયું, એ સાથે દુનિયામાં ઘણો બદલાવ થયો.

ભારત-અમેરિકાના સંબંધો સ્થપાયા એ બાદ અમેરિકાએ ભારત અને ઈરાનને નજીક આવવા નથી દીધા.

ઇરાક સાથેના યુદ્ધ પછી ઈરાન સેનાને મજબૂત કરવામાં લાગી ગયું હતું. એ પછી ઈરાનની ઇચ્છા પરમાણુ બૉમ્બ બનાવવાની રહી અને તેમણે પરમાણુ કાર્યક્રમ શરૂ પણ કરી દીધો હતો. પરંતુ અમેરિકા કોઈ પણ રીતે ઇચ્છતું નથી કે ઈરાન પરમાણુ શક્તિ સંપન્ન બને અને મધ્ય-પૂર્વમાં તેનો દબદબો વધે.

2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈરાન ગયા હતા. નરેન્દ્ર મોદીના પ્રવાસને ચાબહાર પૉર્ટ સાથે જોડવામાં આવ્યો.

ભારત માટે આ પૉર્ટ ચીન અને પાકિસ્તાનની વધતી મિત્રતાના તોડ તરીકે જોવામાં આવે છે. 2016માં એક નવેમ્બરે ઇન્ડિયન બૅન્ક ઈરાનમાં બ્રાન્ચ ખોલનાર ત્રીજી વિદેશી બૅંક બની હતી. ઇન્ડિયન બૅન્ક સિવાય ઈરાનમાં ઓમાન અને દક્ષિણ કોરિયાની બૅન્ક છે. તેની સાથે ઍર ઇન્ડિયાએ નવી દિલ્હીથી તેહરાન માટે સીધી ફ્લાઇટની જાહેરાત કરી હતી.

માર્ચ 2017માં ભારત અને ઈરાન વચ્ચે મોટી ઊર્જા સમજૂતીઓ થઈ. ઈરાનની સાથે ભારતે ફરઝાદ બી સમજૂતી પણ કરી હતી. અરબની ખાડીમાં દરિયાઈ પ્રાકૃતિક ગેસની શોધ 2008માં એક ભારતીય ટીમે કરી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો