નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પર પુસ્તક લખનાર એ યુવાન જેને ‘આતંકવાદી’ ગણાવાયો

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC
- લેેખક, શાહબાઝ અનવર
- પદ, સહારનપુરથી બીબીસી ગુજરાતી માટે
લગભગ 32 વર્ષનો એક યુવક હાઇવે પર પગપાળા જઈ રહ્યો છે. તેના એક હાથમાં તિરંગો છે અને એક ટ્રૉલી બૅગ પણ છે. ઝાપટું પડે કે જોરદાર વરસાદ થાય, એ યુવાન અટક્યા વિના સતત આગળ વધતો રહે છે.
આ દૃશ્ય સહારનપુરથી મેરઠ અને દિલ્હી વચ્ચે ઘણા લોકોએ ગત દિવસોમાં અનેક ઠેકાણે જોયું છે. લોકો એ જાણવા ઉત્સુક પણ હતા કે આખરે એ યુવક આવું શા માટે કરી રહ્યો છે.
તેમને પછી ખબર પડી કે આ કથા સામાજિક સતામણીનો ભોગ બનેલા પ્રવીણકુમારની જિંદગી સાથે જોડાયેલી છે. આ એ જ પ્રવીણકુમાર છે, જેમની ઉત્તર પ્રદેશ પોલીસની ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડે (એટીએસ) ધર્માંતરણના મુદ્દે જૂનમાં પૂછપરછ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રવીણકુમારનું નામ દિલ્હીસ્થિત ઇસ્લામિક દાવા સેન્ટર નામની એક સંસ્થામાં ધર્મ પરિવર્તન કરી ચૂકેલા યુવક તરીકે સામેલ હતું. એ યુવક પ્રવીણકુમારમાંથી અબ્દુલ સમદ બન્યા હતા.
જોકે, એટીએસે લગભગ એક સપ્તાહ સુધી પૂછપરછ કર્યા બાદ પ્રવીણકુમારને ક્લીન ચિટ આપીને ઘરે પરત મોકલી દીધા હતા, પરંતુ એ પછી પ્રવીણકુમાર સાથે જે કંઈ થયું એ આશ્ચર્યજનક હતું.
પ્રવીણકુમાર કહે છેઃ "એટીએસે મને ક્લીન ચિટ આપી દીધી હતી. હું 30 જૂને મારા ઘરે પાછો ગયો હતો, પરંતુ ગામના ઘણા લોકો મારી સાથે વિચિત્ર વર્તન કરવા લાગ્યા હતા."
"મારા ઘરની દીવાલ પર કોઈએ હું આતંકવાદી હોવાનું લખ્યું હતું. એક વખત કોઈ ચિઠ્ઠી મારા ઘરમાં ફેંકીને ચાલ્યું ગયું હતું. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તું પાકિસ્તાની આતંકવાદી મુસલમાન છે, પાકિસ્તાન જતો રહે."
સહારનપુર પોલીસે પ્રવીણકુમારને ક્લીન ચિટ આપી હોવાની પુષ્ટિ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સહારનપુર જિલ્લાના નાગલ પોલીસ સ્ટેશનના પ્રભારી બીનુ સિંહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતુઃ "એટીએસના લોકો પ્રવીણકુમારને પૂછપરછ માટે લઈ ગયા હતા. તેમને ત્યાંથી ક્લીન ચિટ મળી છે. બીજી વિગતની પણ એટીએસને જ ખબર છે. મારી જાણકારી મુજબ તેમને ક્લીન ચિટ આપી દેવામાં આવી છે."

પ્રવીણકુમારની એટીએસે કરી હતી તપાસ

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC
વાસ્તવમાં દિલ્હીસ્થિત ઇસ્લામિક દાવા સેન્ટર સાથે સંકળાયેલા ઉમર ગૌતમ અને જહાંગીર આલમ ઉપર બળજબરીથી ધર્માંતરણ કરાવવાના આરોપ મૂકવામાં આવ્યો હતો.
એટીએસના જણાવ્યા મુજબ, તેમને ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંથી પ્રવીણકુમાર નામ લખેલું એક પ્રમાણપત્ર મળી આવ્યું હતું. એ પ્રમાણપત્રમાં પ્રવીણકુમારનો ફોટો હતો.
મીડિયા રિપોર્ટો મુજબ, એ પ્રમાણપત્રમાં પ્રવીણકુમારે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાનો અને તેઓ અબ્દુલ સમદ બન્યા હોવાનો ઉલ્લેખ હતો.
એ વિશે પ્રવીણકુમાર કહે છેઃ "એ પ્રમાણપત્ર મારું જ હતું. એ દિવસોમાં હું ડિપ્રેશનથી પીડાતો હતો. હું શાંતિ ઇચ્છતો હતો. તેથી 2019ની 19 નવેમ્બરે હું ઘર છોડીને નીકળી પડ્યો હતો. એ વખતે મેં મારાં માતા-પિતા કે પત્નીને કશું જણાવ્યું ન હતું. મેં મારો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો."
ઘરેથી નીકળીને ઇસ્લામિક દાવા સેન્ટર સુધીની સફર બાબતે પ્રવીણકુમાર કહે છેઃ "મેં ઇન્ટરનેટ મારફત એક કાર્ડ મેળવ્યું હતું. એ કાર્ડમાં ઇસ્લામિક દાવા સેન્ટરનું સરનામું હતું. હું ત્યાં પહોંચ્યો પછી કેટલાક દિવસ ત્યાં રહ્યો હતો."
"ઇસ્લામિક દાવા સેન્ટરમાં કુરાનથી માંડીને વેદ સુધીનાં પુસ્તકો હતાં. હું મારી મરજીથી ત્યાં ગયો હતો. બે દિવસ પછી મારી મુલાકાત ઉમર ગૌતમ તથા જહાંગીર આલમ સાથે થઈ હતી. મેં કેટલાંક પુસ્તકો વાંચ્યાં હતાં અને પ્રવીણમાંથી અબ્દુલ સમદ બની ગયો હતો."
બીબીસી સાથેની વાતચીત દરમિયાન પ્રવીણકુમાર વારંવાર ભારપૂર્વક જણાવતા રહ્યા હતા કે તેઓ તેમની મરજીથી ઇસ્લામિક દાવા સેન્ટર ગયા હતા. તેમને કોઈએ ત્યાં જવાનું કહ્યું ન હતું. એ સમયગાળામાં પોતે ડિપ્રેશનથી પીડાતા હતા, પોતાની ઇચ્છાથી ધર્મ પરિવર્તન કર્યું હતું અને કોઈએ તેમની સાથે બળજબરી કરી ન હતી કે કોઈએ એ માટે લાલચ પણ આપી ન હતી.

'મને ન્યાય જોઈએ છે'

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC
વ્યવસાયે શિક્ષક અને યુજીસીની નેટ પરીક્ષા પાસ કરી ચૂકેલા પ્રવીણકુમાર ન્યાયની માગ કરી રહ્યા છે. તેમણે ન્યાય માટે સહારનપુરથી 27 જુલાઈએ પદયાત્રા શરૂ કરી હતી, જે 1 ઑગસ્ટે તેઓ સુપ્રીમ કોર્ટ નજીક પહોંચ્યા પછી પૂર્ણ થઈ હતી.
એ પદયાત્રાને પ્રવીણકુમારે સામાજિક ન્યાય યાત્રા એવું નામ આપ્યું છે, પરંતુ પ્રવીણકુમાર સાથે શું અન્યાય થયો છે?
પ્રવીણકુમાર કહે છેઃ "એટીએસે સૌથી પહેલીવાર મારી મારા ઘરે જ 21 જૂને પૂછપરછ કરી હતી. અધિકારીઓ મારા ઘરે આવ્યા હતા. એ પછી 24 જૂન સુધી મારા ઘરે જ પૂછપરછ થતી રહી હતી. 29 જૂને મારી લખનઉમાં પૂછપરછ કરવામાં આવી હતી."
પ્રવીણકુમાર ઉમેરે છેઃ "અધિકારીઓએ મને વિદેશી ફંડિંગ અને આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીની શંકા બાબતે પૂછપરછ કરી હતી. મારી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ પછી મને ક્લીન ચિટ આપીને ઘરે પરત મોકલી આપવામાં આવ્યો હતો."
પ્રવીણકુમાર ઘરે પાછા આવ્યા પછી તેમની મુશ્કેલીઓ શરૂ થઈ હતી. પ્રવીણકુમારના જણાવ્યા મુજબ, તેમની પૂછપરછ કરવા એટીએસ 21 જૂને આવી એ પછી ગામના ઘણા લોકો તેમના વિશે અફવા ફેલાવવા લાગ્યા હતા.
પ્રવીણકુમાર કહે છેઃ "હું રાષ્ટ્રવાદી વિચારધારાવાળી વ્યક્તિ છું, કવિ છું, શિક્ષક છું અને લેખક પણ છું, પરંતુ 12 જુલાઈની રાતે મારા ઘરની દીવાલો પર આતંકવાદી લખવામાં આવ્યું, પાકિસ્તાન ચાલ્યા જવાનું સૂચન કરતી ચિઠ્ઠી મારા ઘરમાં ફેંકવામાં આવી ત્યારે હું બહુ રડ્યો હતો. આત્મહત્યાનો વિચાર આવ્યો હતો, પણ મેં ન્યાય મેળવવાનો વિચાર કર્યો હતો, સામાજિક સતામણી સામે ન્યાય. એ વિચારીને મેં 27 જુલાઈથી સામાજિક ન્યાય યાત્રા શરૂ કરી હતી. જિલ્લા અધિકારીની ઑફિસમાં બપોરે સાડાબાર વાગ્યે આવેદનપત્ર આપીને હું લગભગ 200 કિલોમિટર દૂર દિલ્હીમાં આવેલી સુપ્રીમ કોર્ટ જવા પગપાળા નીકળી પડ્યો હતો. રવિવારે હું દિલ્હી પહોંચી ગયો હતો."

"હું ડિપ્રેશનમાં હતો"

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC
પ્રવીણકુમાર 2019ની 19 નવેમ્બરે ઘરના લોકોને કશું કહ્યા વિના નીકળી પડ્યા હતા. તેમણે તેમનો મોબાઈલ ફોન સ્વિચ્ડ ઑફ કરી દીધો હતો.
એ વિશે વાત કરતાં તેઓ કહે છેઃ "ઘરેથી નીકળ્યો ત્યારે હું બહુ પરેશાન હતો. મને શાંતિ જોઈતી હતી. ઘરેથી નીકળીને હું ઇસ્લામિક દાવા સેન્ટર પહોંચ્યો હતો. થોડા દિવસ હું કાશીમાં પણ રહ્યો હતો. મારી ઇચ્છાથી અબ્દુલ સમદ પણ બન્યો હતો. ત્યાં કેટલાક લોકોએ મારો ઇલાજ કરાવ્યો તો મને સારું થઈ ગયું હતું. 2020ના જાન્યુઆરીમાં હું ઘરે પાછો આવ્યો ત્યારે મને જોઈને મારા પરિવારના લોકો રાજી થયા હતા. તેમણે મારા ગુમ થઈ જવા વિશે પૂછ્યું ત્યારે મેં તેમને સાચી વાત જણાવી દીધી હતી."
પ્રવીણકુમારમાંથી અબ્દુલ સમદ બનવાની વાત પરિવારજનોને ખબર પડી ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
તમે પ્રવીણકુમાર છો કે અબ્દુલ સમદ એવા સવાલના જવાબમાં પ્રવીણકુમાર કહે છેઃ "એ દિવસોમાં હું ડિપ્રેશનમાં હતો. હવે તક મળે ત્યારે હું ધ્યાન કરવા ચાલ્યો જાઉં છું. હવે હું બીજું શું કહું."
સ્પષ્ટ સવાલ કરવામાં આવે ત્યારે પણ તેનો જવાબ આપવાનું પ્રવીણકુમાર ટાળે છે.
વાતચીત દરમિયાન પ્રવીણ વારંવાર કહેતાં રહે છે કે તેઓ ડિપ્રેશનમાં હતા. તેમણે તેમના ડિપ્રેશનનું કારણ પણ જણાવ્યું હતું. તેમના ભાઈની ગામમાં રૅશનની દુકાન હતી. કેટલાક ગ્રામજનોને એવી શંકા પડી હતી કે એ ભાઈને કારણે અનેક લોકોનાં રૅશન કાર્ડ રદ થઈ ગયાં છે. અહીંથી દુશ્મનાવટ શરૂ થઈ હતી અને એ સંબંધે બાદમાં પ્રવીણકુમારના ભાઈ તથા પરિવારના અન્ય કેટલાક સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
એ બાબતે પ્રવીણકુમાર કહે છેઃ "2015ની વાત છે. મારા ભાઈને રૅશનની દુકાન હતી. અયોગ્ય લોકોનાં હોય તેવા લોકોનાં રૅશન કાર્ડ સરકાર રદ કરી રહી હતી. ગામનાં લોકોને મારા ભાઈ અને પરિવાર પર ખોટી શંકા થવા લાગી હતી. તેમણે મારા ભાઈ રૅશનના તોલમાં ગડબડ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેની તપાસ કરવા આવેલા એક અધિકારીની સામે જ ઝઘડો થયો હતો. એ સમયે હું એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હરિદ્વારમાં કરી રહ્યો હતો. એ ઘટનામાં હું ષડ્યંત્રનો શિકાર બન્યો હતો."
એ પછી પ્રવીણકુમારે નેટની પરીક્ષા પાસ કરી ત્યારે, તેમનું નામ રિપોર્ટમાં નોંધાયેલું હોવાથી કેટલાક લોકોએ કહ્યું હતું કે રિપોર્ટ નોંધાયેલો છે ત્યાં સુધી તેમને સરકારી નોકરી નહીં મળે.
પ્રવીણકુમાર કહે છેઃ "મેં 2020માં નેટની પરીક્ષા પાસ કરી હતી. લાંબા સમય સુધી મહેનત અને અભ્યાસ કર્યા પછી મને સફળતા મળી હતી, પરંતુ એટલી મહેનત કરવા છતાં હું સફળ થયો ન હતો, કારણ કે મારી વિરુદ્ધ કેસ ચાલતો હતો."
પ્રવીણકુમારના જણાવ્યા મુજબ, તેઓ ગામના કેટલાક લોકોને લઈને, જેમણે તેમની સામે કેસ કર્યો હતો એ લોકોની પાસે ગયા હતા, પરંતુ ફરિયાદી લોકોએ સમાધાનનો ઇનકાર કર્યો હતો.
પ્રવીણકુમાર અને તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યો સામે ગામના જ નરેન્દ્ર તારાચંદે 2015માં ફરિયાદ નોંધાવી હતી. આ વાત ખુદ નરેન્દ્ર ચારાચંદે બીબીસીને જણાવી હતી.
તેમણે કહ્યું હતુઃ "2015માં પ્રવીણના પરિવારજનો સાથે રૅશનના મામલામાં મારામારી થઈ હતી. એ સંબંધે પ્રવીણ સામે ફરિયાદ પણ નોંધાયેલી છે. એ કેસ હું હજુ સુધી લડી રહ્યો છું."
પ્રવીણકુમાર કહે છેઃ "એ દિવસથી હું ડિપ્રેશનમાં સરવા લાગ્યો હતો. મને એવું લાગવા માંડ્યું હતું કે ભલે ગમે તેટલી મહેનત કરું, પણ હું સફળ થઈશ નહીં. ત્યારથી હું શાંતિની શોધ કરવા લાગ્યો હતો."

યોગી અને મોદી વિશે લખ્યાં છે પુસ્તકો

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC
પ્રવીણકુમારના જણાવ્યા મુજબ, તેમણે 2003માં ઇસ્લામિયા સેન્ટર કૉલેજ, દેવબંદમાંથી દસમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. એ પછી બારમા ધોરણ સુધીનો અભ્યાસ જનતા ઇન્ટર કૉલેજ, નાગલ, સહારનપુરમાં અને સ્નાતક સુધીનો અભ્યાસ કલીરામ ડિગ્રી કૉલેજમાં કર્યો હતો.
એમ.એ. કર્યા બાદ તેમણે 2020માં નેટની પરીક્ષા પણ પાસ કરી હતી. હવે તેઓ પીએચ. ડી.ની તૈયારી કરી રહ્યા છે.
પ્રવીણ કહે છેઃ "મારી અંદર રાષ્ટ્રવાદ ભરપૂર છે. હું જે સમયે નેટની તૈયારી કરતો હતો ત્યારે ચૌધરી કલીરામ કૉલેજમાં શિક્ષણ કાર્ય પણ કરતો હતો. હું લેખક છું. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 2016માં 'નમો ગાથા મોદી' અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વિશેનાં અલગ-અલગ પુસ્તકોનું પ્રકાશન પણ કર્યું છે. બીજાં બે પુસ્તકો પણ લખ્યાં છે, પરંતુ તેમનાં નામ અત્યારે કહી શકું તેમ નથી."
પ્રવીણકુમાર હાલ એક સુગર મિલમાં કેન ડેવલપમૅન્ટ સુપરવાઇઝર તરીકે કામ કરે છે.

ગામનાં લોકો શું કહે છે?

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC
ગામમાં પ્રવીણકુમારના દોસ્તો અને સાથી શિક્ષકો પ્રવીણકુમાર પ્રત્યે ઘણો આદર ધરાવે છે.
તેમના એક સાથી હિંમાશુએ બીબીસીને કહ્યું હતું : "હું અને પ્રવીણ સાથે ભણ્યા છીએ. એ બહુ સારા સ્વભાવનો છોકરો છે. અમે નેટની પરીક્ષા પણ સાથે આપી હતી, પરંતુ પ્રવીણ પાસ થઈ ગયો અને હું રહી ગયો. પ્રવીણ થોડા સમય માટે ઘરે ગુમ થઈ ગયો હતો, પણ વાસ્તવમાં એ બીમાર હતો. એટીએસ પૂછપરછ માટે પહોંચી ત્યારે અમને આશ્ચર્ય થયું હતું, કારણ કે પ્રવીણ તો મારી સાથે હંમેશાં ભણવા-ગણવાની વાતો જ કરતો હતો."
એક અન્ય દોસ્ત જોની પણ માને છે કે પ્રવીણ સામાજિક સતામણીથી બહુ હેરાન થયો છે.
જોનીએ કહ્યું હતુઃ "છેલ્લા કેટલાક સમયથી હું પ્રવીણને બહુ ઓછો મળી શક્યો છું. અમે કૉલેજમાં આર્ટ્સનો અભ્યાસ સાથે કર્યો હતો. પ્રવીણે હંમેશાં ગામનું નામ રોશન કરવાનું કામ કર્યું છે. હું તેની પાડોશમાં જ રહું છું."
પ્રવીણકુમારની ન્યાય યાત્રાને જોનીએ યોગ્ય ગણાવી હતી.
સાથી શિક્ષક પૂરને કહ્યું હતુ : "અમે પ્રવીણની ન્યાય યાત્રા બાબતે સમાચારોમાંથી જ જાણ્યું છે. પ્રવીણ લગભગ બે વર્ષ પહેલાં અમારી સાથે શિક્ષણ કાર્ય કરી ચૂક્યા છે. તેમણે નેટ ક્વૉલિફાય કર્યું હતું. તેઓ બહુ હોશિયાર છે. તેઓ અનોખી વ્યક્તિ છે. તેમની અંગત બાબતો વિશે મારી તેમની સાથે ક્યારેય વાત થઈ નથી. નેટની પરીક્ષા પાસ કરવાનું તેમનું સપનું હતું."

'ન્યાય યાત્રાની ખબર મીડિયામાંથી પડી'

ઇમેજ સ્રોત, Getty Images
પ્રવીણકુમારના ગામના સરપંચ દાવો કરે છે કે પ્રવીણ સામે કોઈને કંઈ જ વાંધો નથી. પ્રવીણકુમારના ઘરની દીવાલ પર આતંકવાદી શબ્દ કોણે લખ્યો, કોણે તેમના ઘરમાં ચિઠ્ઠી ફેંકી એ બાબતે પોતે કશું નહીં જાણતા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. ગામમાં કોઈએ આવી વાત ન કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું : "કોઈએ દીવાલ પર કશું લખ્યું હોય એવું મેં ગામમાં કોઈ પાસેથી સાંભળ્યું નથી. ગામમાં કોઈને પ્રવીણ સાથે દુશ્મની પણ નથી. તેની સાથે આવું કંઈ થયું હોય તો તેણે સૌપ્રથમ ગામના જવાબદાર લોકો સામે વાત રજૂ કરવી જોઈતી હતી."
પ્રવીણકુમારના પરિવારજનો મીડિયાના સવાલોથી પરેશાન છે અને તેઓ કશું કહેવા ઇચ્છતા નથી.
પ્રવીણકુમારના જણાવ્યા મુજબ, એટીએસની પૂછપરછ પછી તેમના ગામમાં મીડિયાના લોકો પહોંચી જતાં તેમના પરિવારને લોકો પરેશાન થઈ ગયા હતા.
પ્રવીણકુમારના પિતા ખેડૂત છે, જ્યારે પ્રવીણકુમારના પરિવારમાં તેમનાં પત્ની, બે બાળકો, એક ભાઈ અને એક બહેન છે, જેમનાં લગ્ન થઈ ચૂક્યાં છે.
તેમના પિતા ગામના સરપંચ તરીકે કામ પણ કરી ચૂક્યા છે. તેમના પિતા પણ આ મામલે કશું બોલવા ઇચ્છતા નથી.
ઘરની દીવાલ પર લખવામાં આવેલો આતંકવાદી શબ્દ તેમણે ભૂંસાવી નાખ્યો છે.

હવે શું કરશે પ્રવીણકુમાર?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રવીણકુમારની ન્યાય યાત્રા રવિવાર એક ઑગસ્ટે નવી દિલ્હીની સુપ્રીમ કોર્ટે પહોંચવાની સાથે પૂર્ણ થઈ ગઈ છે.
પ્રવીણ કહે છેઃ "સામાજિક સતામણીથી તંગ આવી જઈને મેં આ યાત્રા શરૂ કરી હતી. હું વકીલ મારફત ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીશ, જેથી બીજું કોઈ આવી સતામણીથી પરેશાન ન થાય, તેમને અન્યાય ન થાય કે તેમની હેરાનગતિ ન થાય."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












