ટોક્યો ઑલિમ્પિકને લીધે જાપાનને 'જંગી' આર્થિક નુકસાન કઈ રીતે થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સેસિલિયા બેરિઆ
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
ખાલીખમ સ્ટેડિયમો, વિદેશી પ્રવાસીઓ વગરનાં હોટલો તથા રેસ્ટોરાં અને દુકાનોમાં જૂજ ગ્રાહકો.
ઑલિમ્પિકમાં જોરદાર ધંધો કરી શકાશે એવી આશાએ જેમણે મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું એ લોકોને જબરી નિરાશા સાંપડી છે.
ગયા વર્ષે કોવિડ-19ને કારણે ટોક્યોમાં ઑલિમ્પિકનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું, પરંતુ હાલ દર્શકોની ગેરહાજરીમાં અને કટોકટીની પરિસ્થિતિમાં ટોક્યોમાં ઑલિમ્પિક રમતો ચાલી રહી છે.
ઑલિમ્પિકનું આયોજન રોગચાળાના "વ્યાપક ફેલાવવાનું" કારણ બનશે તેવું માનતા કુલ પૈકીના બે-તૃતીયાંશ જાપાનીઓના સતત વિરોધ વચ્ચે પણ ઑલિમ્પિક્સ ચાલુ છે.
પ્રસ્તુત વિવાદ વચ્ચે આ સ્પર્ધાના મોટા સ્પોન્સર્સ પૈકીની એક જાપાનની વાહનનિર્માતા કંપની ટોયોટાએ થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે દેશમાં પ્રવર્તતી મહામારી સંબંધિત ભયને કારણે અમે ટોક્યો ઑલિમ્પિકનો વ્યાપારી સંદર્ભમાં ઉપયોગ કરીશું નહીં.
સનટોરી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તાકેશી નિનામી જેવા કેટલાક અગ્રણી બિઝનેસમૅને એવી જાહેરાત કરી હતી કે ઑલિમ્પિક ગેઇમ્સ તેનું વ્યાપારી મૂલ્ય ગુમાવી રહી છે અને તેમાં સ્પોન્સર તરીકે સહભાગી બનવાનું "બહુ ખર્ચાળ" હોવાથી અમારી કંપનીએ તેનો હિસ્સો નહીં બનવાનો નિર્ણય કર્યો છે.
આવી સંભાવનાની ચેતવણી નોમુરા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત્ અર્થશાસ્ત્રી તાકાહાઈડ કિઉચી જેવા નિષ્ણાતો અગાઉ આપી ચૂક્યા છે.
તાકાહાઈડ કિઉચીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે "વિદેશી પ્રવાસીઓના જાપાનમાં પ્રવાસ પર માર્ચમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારથી જ ટોક્યો ઑલિમ્પિક મોટા ભાગના અપેક્ષિત લાભ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાઈવા સિક્યૉરિટીઝ નામની ઇન્વેસ્ટમેન્ટ બૅંકના સ્યુહિરો ટોરુએ કહ્યું હતું કે "ઑલિમ્પિકનું આયોજન નહીં કરવામાં જ સમજદારી હતી."
બિઝનેસ આઉટલૂક એકદમ ઝાંખો છે. જોકે, તેનું એકમાત્ર કારણ મહામારીને કારણે સર્જાયેલો કેર જ નથી.

"ખરાબ સોદો"

ઇમેજ સ્રોત, Getty Images
ઑલિમ્પિક ગેઇમ્સ તેનાં યજમાન શહેરો તથા દેશો માટે કઈ રીતે "ખોટનો સોદો" પુરવાર થાય છે એ દર્શાવતા અનેક રિસર્ચ રિપોર્ટ્સ સંખ્યાબંધ અર્થશાસ્ત્રીઓ વર્ષોથી પ્રકાશિત કરતા રહ્યા છે.
એ પૈકીના મોટા ભાગના રિપોર્ટ્સમાં એવી સમાન દલીલ કરવામાં આવે છે કે વપરાશ, પ્રવાસન તથા પ્રતિષ્ઠામાં વધારાને બદલે આવું આયોજન કરોડોનું દેણું અને "સફેદ હાથી" જેવી પુરવાર થતી સદંતર નકામી માળખાકીય વ્યવસ્થા છોડી જાય છે.
ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ સ્પૉર્ટ્સ ઇકૉનૉમિસ્ટ્સના ભૂતપૂર્વ પ્રમુખ અને અમેરિકાની લેક ફૉરેસ્ટ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત્ રૉબર્ટ બાડેએ કહ્યું હતું કે "નુકસાનનું પ્રમાણ જંગી હોય છે."
તેમના જણાવ્યા મુજબ, જાપાનને થનારા આર્થિક નુકસાનના ખરા આંકડા એકત્ર કરવાનું મુશ્કેલ હશે, પણ ઑલિમ્પિકને લીધે સર્જાયેલો "લાભ" અન્ય સંજોગોમાં કેટલો હોય એ સંદર્ભમાં અંદાજે મૂલ્યની ગણતરી થતી હોવાથી લાભનું ઇચ્છો તેવું ચિત્ર રજૂ કરી શકાય છે.
રૉબર્ટ બાડેના અંદાજ મુજબ, આ વખતે નુકસાનીનું પ્રમાણ 15 અબજ ડૉલર જેટલું જંગી હશે.
ટિકિટના વેચાણમાંથી થનારી 80 કરોડ ડૉલરની સંભવિત આવક અદૃશ્ય થઈ ગઈ છે એ તો પાકું જ છે, પરંતુ ટૂરિઝમ સૅક્ટર અને તેની સાથે સંકળાયેલા અન્ય બિઝનેસ તેમજ ઑલિમ્પિક ગેઇમ્સ પર પોતાના આર્થિક પુનરોદ્ધારની આશા રાખીને બેઠેલાં અન્ય સૅક્ટરના સંભવિત નુકસાનનો તાગ મેળવવો અનિવાર્ય બને ત્યારે વાત વધારે ગંભીર બનતી હોય છે.

સરકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઊગતા સૂર્યના દેશ માટે ઑલિમ્પિક ગેઇમ્સનું આયોજન પડકારરૂપ બની રહ્યું છે.
ઑલિમ્પિક કવર કરવા ટોક્યો ગયેલા બીબીસી મુંડોના વિશેષ પ્રતિનિધિ તમારા ગિલે કહ્યું હતું કે "જાપાનને ઑલિમ્પિકના આયોજનની તક મળી ત્યારે મને એમ હતું કે આ બાબત 2011નાં ત્રણ સંકટ પછી દેશના પુનર્જન્મનું નિમિત્ત બનશે અને 2022માં બીજિંગમાં યોજાનારી શિયાળુ ઑલિમ્પિક્સના સંદર્ભમાં જાપાનને મોખરાની હરોળમાં સ્થાન અપાવશે."
વિરોધના વાવાઝોડા વચ્ચે જાપાનની સરકાર ઉછળતા પાણીને શાંત કરવાના પ્રયાસ કરી રહી છે.
વડા પ્રધાન યોશીહિદે સુગાએ જણાવ્યું હતું કે દર્શકોને ગેઇમ્સથી દૂર રાખવાના નિર્ણયથી મહામારીનો પ્રસાર અટકાવી શકાશે અને વધુ ટેલિવિઝન ઑડિયન્સને કારણે જાપાનને લાભ થશે તેની તેમને ખાતરી છે.
યોશિહિદે સુગાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "જાપાનના નાગરિકોની સલામતી સાથે સમાધાન કર્યા વિના ઑલિમ્પિક ગેઇમ્સના આયોજનમાં આગળ વધવાનો નિર્ણય મેં કર્યો હતો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે ઉમેર્યું હતું કે "મુખ્ય વાત પ્રસાર રોકવાની છે અને સરકારનું કામ પડકારોનો સામનો કરવાનું છે."
યોશીહિદે સુગાનું એપ્રૂવલ રેટિંગ ઘટ્યું છે અને આ વર્ષના અંતે તેમણે ચૂંટણી લડવાની છે તેને ધ્યાનમાં લેતાં અત્યારે તેમની હાલત બહુ સારી નથી.
બીજી તરફ, ઑલિમ્પિક ગેઇમ્સના યજમાન દેશ બનવાનો નિર્ણય તેમના પુરોગામી અને રાજકીય સાથીદાર શિન્ઝોએ આબેએ લગભગ એક દાયકા અગાઉ કર્યો હતો અને યોશીહિદે સુગાને આ મોટો પડકાર વારસામાં મળ્યો હતો.
સમસ્યા એ છે કે ગેઇમ્સના આયોજનના સંદર્ભમાં સરકારના પક્ષે ઓછામાં ઓછો રસ દર્શાવવામાં આવી રહ્યો છે. તેનું દેખીતું કારણ ગેઇમ્સના આયોજનમાંથી મળનારા સંભવિત લાભો વિશેની શંકા છે.
ટોક્યો પછી ઑલિમ્પિક ગેઇમ્સના આયોજનમાં માત્ર બીજિંગ તથા અલ્માટી, કઝાખસ્તાને જ રસ દેખાડ્યો હતો અને યજમાન બનાવાની હોડ ચીન જીતી ગયું હતું.

ઑલિમ્પિકનું આયોજન કેટલું ખર્ચાળ હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઑલિમ્પિક ગેઇમ્સના આયોજનમાં હંમેશાં બનતું રહ્યું છે તેમ આ ઇવેન્ટના પ્લાન્ડ બજેટમાં પણ તેના પ્રારંભિક અનુમાન કરતાં પણ મોટો વધારો થયો છે.
2013માં આ ઇવેન્ટના આયોજનનો સત્તાવાર ખર્ચનો અંદાજ 7.3 અબજ ડૉલર મૂકવામાં આવ્યો હતો. 2019ના અંતે એ ખર્ચનું પ્રમાણ વધીને 12.6 અબજ ડૉલર અને બાદમાં 15.4 અબજ ડૉલર થઈ ગયું હતું.
એ પછી જાપાનના નેશનલ ઑડિટ બોર્ડે જણાવ્યું હતું કે ઑલિમ્પિક ગેઇમ્સના આયોજનમાં કુલ 22 અબજ ડૉલરનો ખર્ચ થશે.
જાપાનના સ્થાનિક મીડિયા નિક્કેઈ તથા અસહાઈએ રિસર્ચ કર્યું હતું અને કુલ 28 અબજ ડૉલરનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આમાંથી ભલે ગમે તેની ગણતરી વધારે ચોક્કસ સાબિત થાય, પણ આયોજન-ખર્ચમાં પ્રારંભિક અંદાજ કરતાં અનેક ગણો વધારો થયો છે તેમાં કોઈ શંકા નથી.
રૉબર્ટ બાડેએ કહ્યું હતું કે "ઇતિહાસ દર્શાવે છે તેમ ઑલિમ્પિક ગેઇમ્સ તેના યજમાન દેશ માટે હંમેશાં ખોટ સર્જાતી રહી છે. જાપાનમાં જે થઈ રહ્યું છે એ તો મહામારીના લાંબા સમય પહેલાં શરૂ થયું હતું."
ઑલિમ્પિક ગેઇમ્સના આયોજનમાં આશરે 3.3 અબજ ડૉલરનું યોગદાન આપી ચૂકેલી જાપાની સ્પોન્સર કંપનીઓ જે રીતે રમતોત્સવ આગળ વધી રહ્યો છે તેનાથી ચિંતિત છે.
કેટલાકને ભય છે તેમ ઑલિમ્પિક ગેઇમ્સ "સુપર-સ્પ્રેડર ઘટના" બનશે તો આર્થિક નુકસાનમાં મોટો વધારો થશે.
રૉબર્ટ બાડેએ કહ્યું હતું કે "એ મોટી દુર્ઘટના હશે અને તેનાથી વર્તમાન નુકસાનમાં ઉમેરો થશે. એવું ન થાય તેવી આશા અત્યારે રાખવી જોઈએ."

સૌથી વધુ નુકસાન કોને?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના મેસેચ્યૂસેટ્સ ખાતેની હોલી ક્રોસ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત્ વિક્ટર મેથેસનના જણાવ્યા મુજબ, ઑલિમ્પિક ગેઇમ્સના આયોજનના ખર્ચનો બિનસત્તાવાર આંકડો 25 અબજ ડૉલર સુધી પહોંચી ગયો હશે. તેમાં મહામારીનો પ્રસાર રોકવાનાં પગલાંને કારણે થયેલા વધારાના ખર્ચનો સમાવેશ થતો નથી.
વિક્ટર મેથેસને બીબીસી મુંડોને જણાવ્યું હતું કે જાપાનને ટિકિટનાં વેચાણ, સ્પોન્સર્સ અથવા ટૂરિઝમ દ્વારા થનારી કરોડોની આવકમાં મોટો ઘટાડો થયો છે.
વિક્ટર મેથેસનના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિમાં પણ ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (આઈઓસી)ને જરાય આર્થિક નુકસાન થવાનું નથી.
તેમણે કહ્યું હતું કે "ગેઇમ્સનું ટેલિવિઝન પર પ્રસારણ થાય છે ત્યાં સુધી આઈઓસીની આવક યથાવત્ રહેશે."

"હજુ પણ તક છે"

ઇમેજ સ્રોત, Getty Images
ઑલિમ્પિક ગેઇમ્સના આયોજનમાં નાણાકીય રોકાણ કરી ચૂકેલી 60થી વધુ કંપનીઓ પૈકીની મોટા ભાગની કંપનીઓને નફાની ચિંતા છે.
આઈઓસીના માર્કેટિંગ વિભાગના ભૂતપૂર્વ વડા માઈકલ પાઈનેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "હાલની પરિસ્થિતિ આદર્શ નથી."
જોકે, તેમનું પૂર્વાનુમાન આશાસ્પદ છે.
તેમણે કહ્યું હતું કે કંપનીઓ "આ ગેઇમ્સના મુશ્કેલીભર્યા આયોજનમાંથી મળનારા સંભવિત લાભથી આશ્ચર્યચકિત થઈ શકે છે. હજુ પણ નોંધપાત્ર પ્રમાણમાં તક છે."

એક આમૂલ ઉકેલ

ઇમેજ સ્રોત, Getty Images
ઑલિમ્પિક ગેઇમ્સના અર્થશાસ્ત્ર વિશેનાં ત્રણ પુસ્તકોનું પ્રકાશન કરી ચૂકેલા એન્ડ્ર્યુ ઝિમ્બાલિસ્ટે, ઑલિમ્પિક ગેઇમ્સનાં યજમાન શહેરોને થતા લાભની ટીકા કરી હતી.
ટોક્યોના સંદર્ભમાં તેમણે એવી દલીલ કરી હતી કે જાપાન સરકારે આશરે 35 અબજ ડૉલરનો ખર્ચ કર્યો છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
તેઓ માને છે કે ગેઇમ્સના આયોજનના હેતુસર સ્ટેડિયમો તથા ઑલિમ્પિક વિલેજના નિર્માણ અથવા ઉપલબ્ધ માળખાના નવીનીકરણ વગેરે જેવી માળખાકીય વ્યવસ્થા પાછળ કરવામાં આવેલા તોતિંગ રોકાણથી સ્થાનિક અર્થતંત્રની સરખામણીએ કન્સ્ટ્રક્શન કંપનીઓને વધારે ફાયદો થતો હોય છે.
ન્યૂ યૉર્ક ટાઇમ્સ અખબારને આપેલી એક મુલાકાતમાં તેમણે એવું સૂચન કર્યું હતું કે "આપણે તર્કબદ્ધ રીતે વિચારીએ તો દર બે વર્ષે સમાન યજમાન શહેરમાં ઑલિમ્પિક ગેઇમ્સનું આયોજન કરી શકીએ. દર ચાર વર્ષે નવી માળખાકીય સુવિધાના નિર્માણનું કોઈ કારણ નથી. શહેરો માટે તે અર્થહીન છે."
એન્ડ્ર્યુ ઝિમ્બાલિસ્ટે કહ્યું હતું કે "1896માં આધુનિક ઑલિમ્પિક ગેઇમ્સનું સર્જન થયું ત્યારે આપણી પાસે આંતરરાષ્ટ્રીય ટેલિકૉમ્યુનિકેશન અથવા પ્લેન મારફત આંતરરાષ્ટ્રીય પ્રવાસની સુવિધા ન હતી. તેથી દુનિયા ઑલિમ્પિક ગેઇમ્સમાં ભાગ લે અને તેનો આનંદ માણે એટલે વિશેષ વ્યવસ્થા કરવી પડી હતી. આપણે હવે એવું કરવાની જરૂર નથી."
એન્ડ્ર્યુ ઝિમ્બાલિસ્ટની આ દરખાસ્તનું ઓછામાં ઓછું જાહેર ચર્ચામાં કોઈએ સમર્થન કર્યું નથી, પરંતુ ટોક્યો ગેઇમ્સના આયોજન અને કોવિડ-19 મહામારીની વિશ્વમાં થયેલી ભયાનક અસરને પગલે આ મુદ્દે વિચારણા શરૂ થાય એ શક્ય છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














