ટોક્યો ઑલિમ્પિકમાં ચીન : રાષ્ટ્રવાદના ઘેનમાં રાચતો એ દેશ જ્યાં મેડલ ગુમાવવો બની જાય છે ‘દેશદ્રોહ’

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વાઇયી યિપ
- પદ, બીબીસી સંવાદદાતા
ટોક્યો ઑલિમ્પિકમાં ચીનની મિક્સ્ડ ડબલ્સ ટીમે પાછલા અઠવાડિયે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવ્યા બાદ ભીની આંખે ચીનની જનતાની માફી માગી.
ચીનનાં મહિલા ટેબલ ટેનિસ ખેલાડી લિઉ શાઇવેને કહ્યું, "એવું લાગી રહ્યું છે કે મેં ટીમનું શીશ ઝુકાવ્યું છે... હું બધાની માફી માગું છું."
તેમના પાર્ટનર શૂ શિને કહ્યું, "સમગ્ર દેશની નજર આ ફાઇનલ પર હતી. મને લાગે છે કે ચીનની ટીમ આ પરિણામ સ્વીકાર નહીં કરી શકે."
ચીનની ટીમને ફાઇનલ મૅચમાં જાપાનની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ચીનના લોકોએ સોશિયલ મીડિયા પર ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરી.
ચીનમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર એક વ્યક્તિએ લખ્યું કે મિક્સ્ડ ડબલ્સની જોડીએ દેશનું શીશ ઝુકાવ્યું છે.

'મેડલ ગુમાવવાનો અર્થ દેશ સાથે દગો'

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકોએ આરોપ લગાવ્યો કે મૅચના રેફરી જાપાનની તરફેણ કરી રહ્યા હતા અને તેમણે જાપાનના પક્ષમાં નિર્ણય આપ્યા.
ઑલિમ્પિક દરમિયાન હાલ 'રાષ્ટ્રવાદની હવા' કંઈક વધુ જ તેજ બની ગઈ છે અને લોકો માટે મેડલ ટૅલી રમતની ઉપલબ્ધિ કરતાં ઘણી મોટી બની ગઈ છે.
વિશેષજ્ઞોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, 'અતિ રાષ્ટ્રવાદી' ચીનના લોકો માટે ઑલિમ્પિક મેડલ ગુમાવવાનો અર્થ એ છે કે 'મેડલ ગુમાવનાર રાષ્ટ્રભક્ત નથી.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૅધરલૅન્ડ્સના લીડેન એશિયા સેન્ટરના ડૉક્ટર ફ્લોરિયન શ્નાઇડર જણાવે છે કે, "ચીનની જનતાના એક સમૂહ માટે ઑલિમ્પિક મેડલ ટૅલી દેશની ક્ષમતા અને પ્રતિષ્ઠાનું રિયલ ટાઇમ ટ્રૅકર હોય છે."
તેઓ કહે છે કે, "આ સંદર્ભમાં જોઈએ તો જો કોઈ ખેલાડી બીજા દેશ સામે હારી જાય છે તો એવું માનવામાં આવે છે કે તેમણે પોતાના દેશનું શીશ ઝુકાવવા સમાન કામ કર્યું છે. અથવા તો તેમણે દેશ સાથે દગો કર્યો છે."

જાપાનને લઈને પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
ટેબલ ટેનિસ મૅચ જાપાન સામે હારવાને લઈને ચીનના લોકો વધુ ગુસ્સે એટલા માટે હતા કારણ કે બંને દેશો વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવવાળા રહે છે.
ઉત્તર ચીનના મંચૂરિયા પર વર્ષ 1931 પહેલાં જાપાનનું આધિપત્ય હતું અને આને લઈને મોટું યુદ્ધ થયું હતું. જેમાં ચીનના લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ યુદ્ધની કડવી યાદો આજે પણ બંને દેશોના સંબંધોમાં કડવાશ ઘોળે છે.
શ્નાઇડર અનુસાર આ જ કારણે ચીનના રાષ્ટ્રવાદીઓ માટે ટેબલ ટેનિસની આ મૅચ માત્ર એક મૅચ નહીં પરંતુ 'યુદ્ધ' હતું.
મૅચના પરિણામ બાદ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર જાપાનવિરોધી ભાવાનાઓનું જાણે પૂર આવી ગયું. લોકોએ બંને ખેલાડીઓની ઝાટકણી કાઢી.

તાઇવાન સામે હારનો ગુસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આ વાત માત્ર જાપાન સામેની મૅચ પૂરતી જ સીમિત નથી.
જાપાનના લી જુનહુઈ અને લિઉ યૂચેનને લોકોએ એટલા માટે નિશાન પર લીધા કારણ કે તેઓ બૅડમિન્ટન ડબલ્સની ફાઇનલમાં તાઇવાનના ખેલાડીઓ સામે હારી ગયા હતા.
વીબો પર એક શખ્સે લખ્યું, "શું તમે બંને ઊંઘમાં હતા? તમે થોડા પણ પ્રયાસ ન કર્યા. શું બકવાસ છે!"
ચીન અને તાઇવાન વચ્ચે હાલનાં વર્ષોમાં સંબંધ વધુ તણાવપૂર્ણ બન્યા છે.
ચીન તાઇવાનને પોતાનાથી છૂટો પડેલ એક ભાગ માત્ર માને છે જ્યારે તાઇવાનના લોકોનો મત આના કરતાં કંઈક જુદો છે.

ગોલ્ડ મેડલ જીતનારાં ખેલાડી પણ થયાં ટ્રોલ

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં જે ખેલાડીઓને નિશાન બનાવાયા છે તેઓ પૈકી એક શાર્પશૂટર યાંગ કિયાન પણ છે. ટોક્યો ઑલિમ્પિકમાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેમની ટીકા થઈ.
લોકોએ તેમની એક જૂની પોસ્ટને લઈને તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું જેમાં તેઓ પોતાનાં નાઇકીનાં જૂતાંનું કલેક્શન બતાવી રહ્યાં હતાં.
ચીનના લોકો નાઇકીથી નારાજ છે, કારણ કે નાઇકીએ શિનજિયાંગ પ્રાંતમાં વીગર મુસ્લિમોને બળજબરીપૂર્વક મજૂરી કરાવવાના આરોપસર ક્ષેત્રના કપાસનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું.
એક શખ્સે લખ્યું, "ચીનના એક ખેલાડી તરીકે તમે નાઇકીનાં જૂતાં કેમ ભેગાં કરી રહ્યાં છો? તમારે તો નાઇકીનો બહિષ્કાર કરનારની આગેવાની કરવી જોઈએ.'
આ બાદ યાંગે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
યાંગનાં સાથી લુયાઓ એટલા માટે લોકોના રોષનો ભોગ બન્યાં કારણ કે તેઓ મહિલાઓની દસ મિટર ઍર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા નહોતાં મેળવી શક્યાં.
એક શખ્સે કૉમેન્ટ કરી, "અમે તમને ઑલિમ્પિકમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યાં હતાં કે માત્ર કમજોર દેખાવા માટે?"

ચીનના 'લિટલ પિંક્સ'

ઇમેજ સ્રોત, PHOTO BY STEPH CHAMBERS/GETTY IMAGES
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર લુયાઓની લોકોએ એટલી ટીકા કરી કે વીબોએ 33 યુઝર્સના ઍકાઉન્ટ સસ્પેન્ડ કરવા પડ્યાં.
ચીનના લોકો ઑલિમ્પિકમાં ખેલાડીની હાર પર જેવી રીતે દુ:ખી અને નારાજ થઈ રહ્યા છે તે અનોખી વાત છે.
લોવા સ્ટેટ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉક્ટર જોનાથન આ વલણ માટે અમુક હદ સુધી 'લિટલ પિંક્સ'ને જવાબદાર માને છે.
લિટલ પિંક્સ એટલે ચીનના એવા યુવાનો જેઓ ઇન્ટરનેટ પર આક્રમક થઈને રાષ્ટ્રવાદી વાતો લખે-બોલે છે.
હાલનાં વર્ષોમાં ચીનમાં રાષ્ટ્રવાદની ભાવનામાં વધારો થયો છે કારણ કે વૈશ્વિક સ્તરે તેના પ્રભાવમાં વધારો થયો છે અને પશ્ચિમના દેશો પર તેના વિકાસના માર્ગમાં અવરોધ ઊભા કરવાના આરોપ લાગ્યા છે.
ટોક્યો ઑલિમ્પિક એવા સમયે યોજાયો છે જ્યારે આ જ વર્ષે જુલાઈ માસમાં ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીનાં 100 વર્ષ પૂરાં થયાં છે. આ પ્રસંગે ચીના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના ભાષણમાં કહ્યું હતું કે કોઈ પણ વિદેશી તાકાત ચીનને પરેશાન નહીં કરે શકે.

'અતિ રાષ્ટ્રવાદ એટલે વાઘની સવારી'

ઇમેજ સ્રોત, LAURENCE GRIFFITHS
ડૉક્ટર શ્નાડર કહે છે કે, "અધિકારીઓએ લોકોને વર્તમાન પ્રવાહને લગતા મુદ્દાઓને રાષ્ટ્રવાદ અને દેશભક્તિના દૃષ્ટિકોણથી જોવાની ટેવ પાડી છે. ચીનના લોકોને જણાવાયું છે કે દેશની સફળતા સર્વોપરી છે તેથી ખેલાડીઓએ ટોક્યોમાં સફળતા હાંસલ કરવી જ પડશે."
જોકે ડૉક્ટર શ્નાઇડર એ તરફ પણ ધ્યાન દોરે છે કે એવું જરૂરી નથી કે આ આક્રમણ વલણ ધરાવતા લોકો ચીનની સમગ્ર જનતાનું પ્રતિનિધિત્વ કરે છે.
સોશિયલ મીડિયા પર ખેલાડીઓની ટીકા અને ટ્રૉલિંગ વચ્ચે એવા પણ લોકો સામે આવ્યા જેમણે ચીનની ટીમો અને ખેલાડીઓનું સમર્થન કર્યું.
ચીનના સરકારી મીડિયાએ પણ લોકોને 'તર્કબદ્ધ' રીતે વિચારવાનું કહ્યું.
તેમ છતાં વિશેષજ્ઞોને બીક છે કે આ એક ખતરનાક સમયગાળો છે કારણ કે એવું લાગે છે કે રાષ્ટ્રવાદ કંઈક વધારે જ ઘેરો બનતો જઈ રહ્યો છે.
ડૉક્ટર જોનાથન કહે છે કે, "કૉમ્યુનિસ્ટ પાર્ટી પોતાના ફાયદા માટે ઇન્ટરનેટ પર રાષ્ટ્રવાદની ભાવનાનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હાલની સ્થિતિ જણાવે છે કે જ્યારે ચીનના લોકો પર આ ભાવના હાવી થઈ જાય છે તો સરકાર માટે પણ તેના પર કાબૂ મેળવવાનું કામ મુશ્કેલ થઈ શકે છે."
તેઓ કહે છે કે, "રાષ્ટ્રવાદી ભાવનાઓનો લાભ ઉઠાવવો એ વાઘની સવારી કરવા જેવું છે. એક વખત સવાર થઈ ગયા પછી તેના પરથી ઊતરવું અત્યંત મુશ્કેલ હોય છે."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












