નીતીશકુમાર આઠમી વખત બન્યા બિહારના મુખ્ય મંત્રી, તેજસ્વી યાદવ ઉપમુખ્ય મંત્રી - પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, ANI
નીતીશકુમારે 8મી વાર બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા, આ અગાઉ સાતમાંથી જેમાં ચાર વખત તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
તેજસ્વી યાદવે ડેપ્યુટી મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. તેજસ્વી બીજી વાર ડેપ્યુટી મુખ્ય મંત્રી બન્યા છે. 71 વર્ષીય નીતીશકુમારે પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
શપથ લીધા બાદ નીતીશકુમારે ભાજપ પર પ્રહાર કર્યો હતો.
તેમણે કહ્યું, "છેલ્લે દોઢ-બે વર્ષથી શું થઈ રહ્યું હતું તે તમે જાણો છો. હું દોઢ-બે મહિનાથી કોઈને મળ્યો પણ નહોતા. અમે 2015માં કેટલી સીટો જીત્યા હતા અને 2020મા અમારી સાથે કેવો વ્યવહાર થયો."
બીજી તરફ બિહારમાં નીતીશકુમારના એનડીએ ગઠબંધન છોડવાના વિરોધમાં પટનામાં ભાજપ કાર્યાલયની સામે ભાજપના કાર્યકરો અને નેતાઓ વિરોધપ્રદર્શન કર્યું હતું.
ભાજપના કાર્યકરો હાથમાં પોસ્ટર લઈને નીતીશકુમાર વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા. પોસ્ટરો પર 'દેશદ્રોહી નીતીશકુમાર, જનતાનું અપમાન' જેવાં સૂત્રો લખવામાં આવ્યાં હતાં. ભાજપના કાર્યકરોનું કહેવું છે કે તેઓ માની શકતા નથી કે નીતીશકુમાર તેમની સાથે આ રીતે દગો કરશે.

ભીમા કોરેગાંવ કેસમાં આરોપી કવિ અને કર્મશીલ વરવરા રાવને જામીન મળ્યા

ઇમેજ સ્રોત, ANI
2018ના ભીમા કોરેગાંવ કેસમાં આરોપી વરવરા રાવને સુપ્રીમ કોર્ટે સ્વાસ્થ્ય કારણોના આધારે જામીન આપ્યા છે.
ડાબેરી કવિ અને કાર્યકર વરવરા રાવની ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે વરવરા રાવ ટ્રાયલ કોર્ટની પરવાનગી વગર સંબંધિત અદાલતના અધિકારક્ષેત્રની બહાર નહીં જઈ શકે, તેઓ પોતાની આઝાદીનો દુરુપયોગ નહીં કરે અને કોઈ પણ સાક્ષી સાથે સંપર્ક નહીં કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે વરવરા રાવ પોતાની ઇચ્છા મુજબ સારવાર મેળવી શકે છે અને એનઆઈએને તેમની મળતી સારવાર વિશે માહિતી આપતા રહે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે વરવરા રાવને માત્ર મેડિકલ આધાર પર જામીન આપવામાં આવી રહ્યા છે. કોર્ટના નિર્દેશ અનુસાર વરવરા રાવને મળેલા જામીનની અન્ય આરોપીઓના કેસ પર કોઈ અસર નહીં થાય.
વરવરા રાવ પર પ્રતિબંધિત માઓવાદી સંગઠન સાથે કથિત સંબંધ માટે ભીમા કોરેગાંવ કેસમાં યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે વરવરા રાવ બંધારણીય આધાર પર જામીન મેળવવાને પાત્ર નથી કારણે તેમનાં કૃત્યો સમાજ અને રાજ્યના હિતની વિરુદ્ધ છે.
કોર્ટે કહ્યું કે અરજીકર્તાની મેડિકલ સ્થિતિમાં આટલા સમયથી કોઈ સુધાર નથી આવ્યો કે જામીનની સુવિધા જે પહેલાં આપવામાં આવી હતી તે ખતમ કરવામાં આવે. પરિસ્થિતિઓની સમગ્રતાને જોતાં અરજીકર્તા મેડિકલ આધાર પર જામીનનો અધિકાર ધરાવે છે.
વરવરા રાવ લાંબા સમયથી મેડિકલ આધાર પર જામીનની માગ કરી રહ્યા હતા. તેની પહેલાં બૉમ્બે હાઈકોર્ટે મેડિકલ આધાર પર તેમને જામીન આપવાની અરજી ફગાવી હતી.

વરવરા રાવ પર શું આરોપ છે?
એક જાન્યુઆરી 2018ના મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં પેશવા બાજીરાવ પર બ્રિટિશ સૈનિકોની જીતની ઉજવણી થઈ રહી હતી. આ કાર્યક્રમમાં હિંસા ભડકી ઊઠી અને એક વ્યક્તિનો જીવ લેવાયો.
દર વર્ષે એક જાન્યુઆરીએ ભીમા કોરેગાંવમાં દલિત સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને એ દલિતોને શ્રદ્ધાંજલિ આપે છે જેમણે 1818માં પેશવા સેના સામે લડાઈમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
વરવરા રાવ અને કેટલાક અન્ય લોકો પર હિંસા પ્રાયોજિત કરવાનો આરોપ હતો જ્યાર બાદ વરવરા રાવની યુએપીએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
લાઇવ લૉ અનુસાર આ વર્ષે 13 એપ્રિલના બૉમ્બે હાઈકોર્ટે 82 વર્ષના વરવરા રાવને આંખમાં મોતિયાનું ઑપરેશન કરાવવા માટે અસ્થાઈ જામીનનો ગાળો ત્રણ મહિના માટે વધાર્યો હતો.
ત્યાર બાદ 19 જુલાઈ 2022ના એક વખત ફરી સુપ્રીમ કોર્ટે જામીન અરજીને 10 ઑગસ્ટ સુધી મોકૂફ રાખવાનો આદેશ આપ્યો હતો.

ગુજરાતના 23 જિલ્લામાં લમ્પી વાઇરસ, સરકારી આંકડા પ્રમાણે 2782 પશુઓનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં લાખો પશુઓ લમ્પી વાઇરસની ચપેટમાં આવ્યા છે અને માલધારીઓના દાવા પ્રમાણે મોતનો આંકડો સરકારી આંક કરતાં ઘણો મોટો છે. જોકે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં લમ્પી વાઇરસથી 2782 પશુઓનાં મૃત્યુ થયાં છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ખેડા જિલ્લામાં પણ લમ્પી વાઇરસે દેખા દીદી છે, જેથી હવે ગુજરાતના 33 પૈકી 23 જિલ્લામાં લમ્પી વાઇરસના કેસો નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં 149 પશુઓનાં મૃત્યુ થતાં સરકારી મૃત્યુઆંક 2782 પર પહોંચ્યો છે.
અહેવાલ મુજબ, શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કચ્છ એ લમ્પી વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. મંગળવારે કચ્છમાં 67 પશુઓનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે ભાવનગરમાં 20, રાજકોટમાં 19, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં 11 પશુઓનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં મંગળવારે લમ્પી વાઇરસના 2517 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ દુધાળાં પશુઓ ધરાવતા જિલ્લાઓમાંથી એક બનાસકાંઠામાં સૌથી વધારે 1,076 કેસ નોંધાયા હતા.
રાજ્ય સરકારના આંકડા મુજબ અત્યાર સુધી લમ્પી વાઇરસ ગુજરાતનાં 134 ગામોમાં પ્રસરી ચૂક્યો છે. તેનાથી 74,400 પશુઓ સંક્રમિત થયાં છે અને તેમાંથી 53,453 પશુઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે.
સરકારના કહેવા પ્રમાણે, તેમણે મંગળવારે રાજ્યમાં 2.27 લાખ પશુઓને લમ્પી વાઇરસ પ્રતિરોધક રસી આપી છે. અત્યાર સુધી સરકારે 30.61 લાખ પશુઓને રસી આપી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું કૅબિનેટ વિસ્તરણ, એક પણ મહિલાને સ્થાન નહીં

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્રમાં થોડા સમય પહેલાં જ આવેલા રાજકીય ભૂકંપ બાદ મુખ્ય મંત્રી બનેલા એકનાથ શિંદેની સરકારમાં મંગળવારે કૅબિનેટનું વિસ્તરણ થયું હતું. જે 18 નવા મંત્રીઓએ શપથ લીધા તેમાં એક પણ મહિલાનો સમાવેશ થતો ન હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, એકનાથ શિંદે સરકારે કૅબિનેટમાં નવા 18 મંત્રીઓની નિમણૂક કરી હતી. આ તમામ નવા મંત્રીઓએ મંગળવારે બપોરે મહારાષ્ટ્રના રાજભવન ખાતે શપથ લીધા હતા.
નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ નાયબમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગવર્નર ભગતસિંહ કોશયારીની હાજરીમાં યોજાયો હતો.
શપથગ્રહણ સમારોહ પહેલાં સીએમ એકનાથ શિંદે મુંબઈના સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં શિવસેનાના ધારાસભ્યોને મળ્યા હતા અને જે ધારાસભ્યોને મંત્રીપદ મળ્યાં નથી, તેમને આશ્વાસન આપ્યું હતું.
જોકે આ શપથગ્રહણ સમારોહમાં નોંધનીય બાબત એ હતી કે એકનાથ શિંદે સરકારમાં જે નવા 18 મંત્રીઓની પસંદગી થઈ છે. તેમાં એક પણ મહિલાનો સમાવેશ કરાયો નથી. જેને લઈને એનસીપી નેતા અને સાંસદ સુપ્રિયા સુળેએ દુખ વ્યક્ત કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમણે ટ્વીટ કર્યું, "કાશ, મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમ માનનીય વડા પ્રધાનને અનુસર્યા હોત. આ અત્યંત દુખદ છે કે શપથ લેનારા 18 મંત્રીઓમાં એક પણ મહિલા નથી."
શપથગ્રહણ બાદ પત્રકારો સાથે વાત કરતાં મુખ્ય મંત્રી શિંદેએ કહ્યું હતું કે વિસ્તરણનો બીજો તબક્કો સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ શકે છે.

આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, 10 દિવસમાં ત્રીજી મુલાકાત

ઇમેજ સ્રોત, TWITTER@AAMADMIPARTY
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આજે બુધવારે ગુજરાતની મુલાકાતે છે. છેલ્લા 10 દિવસમાં ગુજરાતની ત્રીજી મુલાકાત દરમિયાન કેજરીવાલ અન્ય એક ગૅરંટીની જાહેરાત કરે તેવી શક્યતા છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ જનરલ સૅક્રેટરી ઈસુદાન ગઢવીએ મંગળવારે પત્રકારપરિષદ યોજીને આ અંગે માહિતી આપી હતી.
ઈસુદાને પત્રકારોને સંબોધતાં કહ્યું, "કેજરીવાલજી આવતીકાલે (બુધવારે) ગુજરાત આવી રહ્યા છે અને તેઓ એક નવી ગૅરંટીની જાહેરાત કરશે."
આ ગૅરંટી વિશે વાત કરતાં તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે રક્ષાબંધનના એક દિવસ પહેલાં જાહેર થનારી આ ગૅરંટીનો ફાયદો ગુજરાતના 2.5 કરોડ લોકોને થશે.
અરવિંદ કેજરીવાલે સૌથી પહેલાં મફત વીજળીની ગૅરંટી આપી હતી. ત્યાર બાદ રવિવારે ગુજરાતના આદિવાસીઓ માટે ગૅરંટીની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત બેરોજગાર યુવાનોને નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા ભથ્થું આપવાની પણ કેજરીવાલે જાહેરાત કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













