નીતીશકુમાર જ્યારે માત્ર સાત દિવસ માટે મુખ્ય મંત્રી બન્યા અને લાલુપ્રસાદ યાદવને પાછળ છોડી દીધા

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
બિહારના રાજકારણમાં ફરી એક વાર નીતીશકુમારે ગઠબંધન તોડી નાખ્યું છે અને તેમણે બિહારના મુખ્ય મંત્રીપદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર તેમણે કહ્યું કે, "બધા સાંસદો અને ધારાસભ્યો એ નિર્ણય પર પહોંચ્યા છે કે એનડીએ છોડી દેવું જોઈએ."
તેમણે કહ્યું કે પાર્ટીના બધા ધારાસભ્યો અને સાંસદો એનડીએથી અલગ થવા માગતા હતા. ગઠબંધનમાં સામેલ ભાજપ સાથે મતભેદો વચ્ચે જનતા દળ-યુએ મંગળવારે ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી.
નીતીશકુમારે કહ્યું કે, લોકસભા-રાજ્યસભાના સાંસદો અને તમામ ધારાસભ્યોની સાથે બેઠક થઈ. બધાની ઇચ્છા એ જ હતી કે અમારે એનડીએ છોડી દેવું જોઈએ. અમે એ માગ સ્વીકારી છે.
હવે માનવામાં આવે છે કે નીતીશકુમાર ફરી એક વાર આરજેડી સાથે મળીને નવી સરકાર બનાવી શકે છે.
આ પહેલી વખત નથી કે નીતીશ કુમારે ગઠબંધન તોડ્યું હોય. તેમના છેલ્લાં કેટલાંક વર્ષોની રાજકીય સફરની વાત કરીએ તો, નીતીશકુમાર 2005થી 2020 સુધી બિહારના મુખ્ય મંત્રી રહ્યા છે. આ દરમિયાન તેમણે અલગ-અલગ પક્ષો સાતે ગઠબંધન કર્યાં, તોડ્યાં અને ફરી ગઠબંધન કર્યાં.
તેમાંથી મે 2014 પછીના નવ મહિના બાકાત છે જે સમયે તેમણે જીતનરામ માંઝીને મુખ્ય મંત્રીપદે બેસાડ્યા હતા.

રાજકારણના ખેલાડી નીતીશકુમાર

ઇમેજ સ્રોત, The India Today Group/Getty
નીતીશકુમારની રાજકીય કારકિર્દી પર નજર કરવામાં આવે તો તેઓ અલગઅલગ પાર્ટી સાથે ગઠબંધન રચીને સરકાર બનાવામાં માહેર છે. તેઓ અત્યાર સુધીમાં સાત વાર બિહારના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે 1995માં સમતા પાર્ટીને માત્ર સાત બેઠકો મળી હતી તો નીતીશકુમારે સમજી લીધું હતું કે રાજ્યમાં ત્રણ પાર્ટી અલગ-અલગ લડત નહીં લડી શકે. આ રીતે 1996માં નીતીશકુમારે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.
એ સમયે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીના હાથમાં નેતૃત્વ હતું.

ઇમેજ સ્રોત, Ani
આ ગઠબંધનનો નીતીશકુમારને લાભ થયો અને વર્ષ 2000માં તેઓ પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા. જોકે આ પદ તેમને માત્ર સાત દિવસ માટે મળ્યું, પણ તેઓ પોતાને લાલુ યાદવની વિરુદ્ધ એક મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત કરી શક્યા.
ત્યાર બાદ તેઓ 2005થી 2010 વચ્ચે પણ મુખ્ય મંત્રી રહ્યા.
એવું પણ માનવમાં આવે છે કે વર્ષ 2010થી 2015ના ગાળા દરમિયાન નીતીશકુમારને રાષ્ટ્રીય રાજકારણની મહત્ત્વાકાંક્ષા જાગી ગઈ હતી અને તેઓ વડા પ્રધાનપદનાં સપનાં જોવા લાગ્યા હતા.
તેમને નરેન્દ્ર મોદીની ટક્કરના નેતા તરીકે જોવામાં આવ્યા હતા અને બિહારમાં પૂર બાદ ગુજરાતે જાહેર કરેલી સહાય પરત કરવાની તેમણે જાહેરાત કરી દીધી હતી.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે ગઠબંધન તોડીને નીતીશકુમાર લોકસભા ચૂંટણી એકલા લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો.

સંક્ષિપ્તમાં :રાજકીય સાથી છોડવામાં માહેર નીતીશકુમાર

- 1995ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં આરજેડી કે જેડીયુ નહોતા. 1994માં નીતીશકુમારે તત્કાલીન જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટી બનાવી હતી. પછી તેઓ ભાજપના વફાદાર બન્યા અને અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં મંત્રી બન્યા હતા.
- 2003માં જનતા દળના શરદ યાદવ જૂથ, લોકશક્તિ પાર્ટી અને જ્યોર્જ ફર્નાન્ડીઝ અને નીતીશકુમારની સમતા પાર્ટીએ મળીને જનતા દળ (યુનાઇટેડ)ની રચના કરી હતી.
- જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે 17 વર્ષના ગઠબંધન બાદ 2013માં નીતીશકુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો.
- 2015માં સત્તાધારી જનતા દળ (યુનાઇટેડ), રાષ્ટ્રીય જનતા દળ (RJD), કૉંગ્રેસ, જનતા દળ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, ઇન્ડિયન નેશનલ લોકદળ અને સમાજવાદી જનતા પાર્ટી (નેશનલ)એ મહાગઠબંધન કરીને ચૂંટણી લડી હતી.
- તો 2017માં જેડીયુ મહાગઠબંધનથી અલગ થઈ ગઈ અને નીતીશકુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. તો છેલ્લી ચૂંટણીમાં પણ નીતીશકુમારે ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેઓ મુખ્ય મંત્રી બન્યા હતા.
- જ્યારે હવે 2022માં નીતીશકુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો છે અને કહેવાય છે કે તેઓ આરજેડી અને અન્ય સાથે મળીને સરકાર રચવાનો દાવો કરી શકે છે.
મે 2014માં મુખ્ય મંત્રીપદ છોડનાર નીતીશકુમારે ફેબ્રુઆરી 2015માં જીતનરામ માંઝીને પાર્ટીમાંથી બહાર કરીને પોતે 130 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.
એ પછી વિધાનસભા ચૂંટણીમાં લાલુનાં 15 વર્ષના શાસનની વિરુદ્ધ લડત આપીને નીતીશકુમારે સમજી લીધું કે ગઠબંધન વગર બિહારમાં સરકાર રચવી શક્ય નથી અને પછી જેપી નારાયણ અને કર્પૂરી ઠાકુરની છાયામાં રાજકારણનો કક્કો શીખવાવાળા લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર એકસાથે આવ્યા હતા.

બિહારમાં સીટોનું સમીકરણ શું કહે છે?

બિહારમાં કુલ 243 વિધાનસભા સીટ છે.
સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 122 ધારાસભ્યોની જરૂર પડે છે.
આરજેડી- 79 ધારાસભ્યો
ભાજપ- 77
જેડીયુ - 45
કૉંગ્રેસ - 19
લેફ્ટ - 16

એન્જિનિયરથી રાજકારણી

ઇમેજ સ્રોત, ANI
પટણા શહેરની નજીક આવેલા બખ્યિતારપુરમાં એક માર્ચ 1951ના નીતીશકુમારનો જન્મ થયો હતો.
નીતીશકુમારે બિહાર એન્જિનિયરિંગ કૉલેજથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને આ દરમિયાન તેઓ ઇજનેર બાબુ તરીકે ઓળખાતા હતા.
નીતીશકુમાર જય પ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાંથી બહાર આવેલા નેતા છે.
એન્જિનિયરિંગ કૉલેજમાં તેમના મિત્ર અને સહપાઠી અરુણ સિંહાએ પુસ્તક 'નીતીશકુમાર : ધ રાઇઝ ઑફ બિહાર'માં લખ્યું છે કે કૉલેજના દિવસોમાં નીતીશકુમાર રાજ કપૂરની ફિલ્મોના દીવાના હતા, તેઓ રાજ કપૂરના ફિલ્મોને એટલી પસંદ કરતાં કે તેના વિશે કોઈ હસી-ઠઠ્ઠો પણ સહન કરી શકતા નહોતા.
નીતીશકુમારને 150 રૂપિયાની સ્કૉલરશિપ મળતી હતી, જેનાથી તેઓ દર મહિને પુસ્તકો- મૅગેઝિન ખરીદતા હતા. એ સમયમાં આ ચીજો બિહારના વિદ્યાર્થીઓ માટે સ્વપ્ન જેવી હતી પણ સ્વતંત્રતાસેનાનીના પુત્ર નીતીશકુમારનો રસ હંમેશાં રાજકારણમાં હતો.
નીતીશકુમારે લાલુ પ્રસાદ યાદવ અને જ્યૉર્જ ફર્નાન્ડિઝની છાયામાં રાજકારણની શરૂઆત કરી હતી.

મહાદલિતોનું રાજકારણ અને નીતીશકુમાર

ઇમેજ સ્રોત, ANI
2007માં નીતીશકુમારે દલિતોમાં પણ સૌથી વધારે પછાત જ્ઞાતિઓ માટે 'મહાદલિત' કૅટેગરી બનાવી. આના માટે સરકારી યોજનાઓ લાવવામાં આવી. 2010માં ઘર, ભણતર માટે લોન, સ્કૂલના પોશાકની યોજના લાવવામાં આવી.
બિહારમાં બધી દલિત જ્ઞાતિઓને મહાદલિતની કૅટેગરીમાં મૂકવામાં આવી. વર્ષ 2018માં પાસવાનોને પણ મહાદલિતોનો દરજ્જો આપવામાં આવ્યો.
આમ તો બિહારમાં દલિતોના સૌથી મોટા નેતા રામવિલાસ પાસવાન કહેવાતા, પરંતુ જાણકારો કહે છે કે દલિતો માટે ઠોસ કામ નીતીશકુમારે કર્યાં છે.
નીતીશ પોતે ચાર ટકા વસતિવાળી કુર્મી જ્ઞાતિમાંથી આવે છે પરંતુ સત્તામાં રહીને તેમણે હંમેશાં એ પાર્ટી સાથે ગઠબંધનમાં જ ચૂંટણી લડી, જેની પાસે ઠોસ જ્ઞાતિ-વર્ગના મતદારો રહ્યા હોય.
ભલે પછી તેમણે ભાજપ સાથે ચૂંટણી લડી હોય (જ્યાં ભાજપ સમર્થકો મનાતા સવર્ણ મતદારોનો સાથે તેમને મળ્યો) અથવા 2015માં યાદવ-મુસ્લિમ આધારવાળી આરજેડીની સાથે હાથ મિલાવ્યો હોય.
2015ની ચૂંટણીમાં નીતીશે આરજેડી સાથે ગઠબંધન કર્યું હતું અને ફરી એક વખત બિહારમાં સત્તા મેળવી હતી. પણ આ ગઠબંધન લાંબું ન ચાલ્યું.
રાજકારણ એ સમીકરણ અને સંભાવનાઓનો ખેલ છે અને આ તથ્યને નીતીશકુમાર વળગી રહ્યા છે.
જે નીતીશકુમાર એક સમયે નરેન્દ્ર મોદીની 'સાંપ્રદાયિક છબિ'થી દૂર રહેતા હતા, એ જ નીતીશકુમારે 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે વોટ માગ્યા અને વર્ષ 2020ની વિધાનસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશકુમાર માટે વોટ માગ્યા હતા.
છેલ્લી ચૂંટણી બાદ નીતીશકુમારે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી, હવે તેમણે એનડીએનો સાથ છોડવાનો નિર્ણય લીધો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













