ઝીણા અને ગાંધી: ભારત-પાકના લોહિયાળ વિભાજન છતાં એકબીજા પ્રત્યે 'નરમ દિલ' રાખનારા નેતા

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક, લાહોર

- વિભાજન થવા પર ઝીણાએ નવી દિલ્હીમાં પોતાનું ઘર વેચી દીધું પરંતુ સાઉથ બૉમ્બે (મુંબઈ)માં અઢી એકરની હવેલી પોતાની પાસે જ રાખી. વિભાજનના એક અઠવાડિયા પહેલાં 7 ઑગસ્ટ 1947ના રોજ આ ઘર છોડતા ઝીણાએ બૉમ્બેના તત્કાલીન વડા પ્રધાન બીજી ખૈરને એમ કહીને પોતાના ઘરની દેખરેખ રાખવાની ભલામણ કરી કે તેઓ જલદી જ પાકિસ્તાનથી રજા પર પરત આવશે.
- રાજમોહન ગાંધી પ્રમાણે 'ઑગસ્ટ 1947થી જ ગાંધી પાકિસ્તાનની યાત્રા કરવા માગતા હતા. 23 સપ્ટેમ્બરના રોજ તેમણે કહ્યું કે હું લાહોર જવા માગુ છું, હું રાવલપિંડી જવા માગુ છું.' તેમણે આ ઇચ્છા વિશે ઝીણાને લખ્યું. 27 જાન્યુઆરીના રોજ એ નક્કી થયું કે ગાંધી 8 કે 9 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન પહોંચશે.
- ગાંધી અને ઝીણા વચ્ચે એક તબક્કા વાર વાતચીત બાદ, 'ગાંધીએ ભારતના ઉત્તર-પશ્ચિમી અને પૂર્વી ભાગોમાં મુસ્લિમ બહુમતી ધરાવતા ક્ષેત્રોમાં આત્મનિર્ણય પર આધારિત સ્વતંત્ર રાજ્યોના સિદ્ધાંતને સમર્થન આપ્યું. તેમણે ઝીણાને કહ્યું કે "જો તમે ઇચ્છો તો તેને પાકિસ્તાન કહી શકો છો" આ હદ સુધી તેમણે લાહોરના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો.
- ઝીણા અને ગાંધીના ભારત અને પાકિસ્તાન વિશેના વિચારો વિગતે જાણવા વાંચો આ અહેવાલ...

બ્રિટન પાસેથી સ્વતંત્રતા મળ્યા બાદ ઉપમહાદ્વીપના બે દેશો ભારત અને પાકિસ્તાન વિભાજિત થયા તેને હજુ થોડા મહિના જ થયા હતા. બંને દેશ લોહિયાળ પલાયનથી આઘાતમાં હતા, પરંતુ કોઈ પણ દેશના નેતાઓની વાણીમાં કડવાશ ન હતી.
તે સમયે પાકિસ્તાનની રાજધાની કરાચી હતી. આ જ સમુદ્રના કિનારે ચાલતા પાકિસ્તાનના સંસ્થાપક અને ગવર્નર-જનરલ મહમદઅલી ઝીણાએ અમેરિકી રાજદૂત પૉલ આલિંગને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે પાકિસ્તાન અને ભારતના સંબંધ 'અમેરિકા અને કૅનેડા' જેવા હોય.
આ સંકેત આશરે 9 હજાર કિલોમીટરની સરહદ શૅર કરતાં આ દેશો વચ્ચે માલસામાન અને લોકોની અવરજવરમાં સહયોગ માટે હતો, જેથી બંને દેશોમાં ખુશહાલી રહે.
દક્ષિણ એશિયાના નિષ્ણાત ડેનિસ કુક્સે અમેરિકાના વિદેશ વિભાગમાં 20 વર્ષ કામ કર્યું અને ચાર વર્ષ પાકિસ્તાનમાં વિતાવ્યા.
કુક્સ પોતાના પુસ્તક 'ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઍન્ડ પાકિસ્તાન (1947 - 2000) : ડિસઇન્ચેંટેડ એલાયન્સ'માં માર્ચ 1948ની એક ખાનગી મુલાકાતને યાદ કરે છે. એ મુલાકાત આલિંગે ઝીણાના સમુદ્ર કિનારે સ્થિત નિવાસ પર કરી હતી.
આલિંગે ઝીણાને કહ્યું કે 'અમેરિકા ભારત-પાકિસ્તાનને મિત્ર પાડોશીઓના રૂપમાં જોવા માગે છે.'
આંતરિક સંસ્મરણો પર આધારિત આ પુસ્તકમાં કુક્સે લખ્યું છે કે તેના જવાબમાં ઝીણાએ કહ્યું કે તેનાથી વિશેષ તેઓ 'કંઈ ઇચ્છતા નથી' અને આ વાત તેઓ ખરા દિલથી કહી રહ્યા છે.
ભારતના વિભાજનના ત્રણ મહિના પહેલાં મહમદઅલી ઝીણાએ ન્યૂઝ એજન્સી રૉયટર્સના સંવાદદાતા ડૉન કૈંબલને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
22 મે 1947ના રોજ ડૉનમાં પ્રકાશિત આ ઇન્ટરવ્યૂ પ્રમાણે, "ઝીણા પાકિસ્તાન અને ભારત વચ્ચે મૈત્રીપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ સંબંધ ઇચ્છતા હતા. તેમના મત પ્રમાણે ભારતનું વિભાજન સ્થાયી દુશ્મની અને તણાવનો આધાર ન હતું, પરંતુ પરસ્પર તણાવનો અંત હતું."
વિભાજન થવા પર ઝીણાએ નવી દિલ્હીમાં પોતાનું ઘર વેચી દીધું પરંતુ સાઉથ બૉમ્બે (મુંબઈ)માં અઢી એકરની હવેલી પોતાની પાસે જ રાખી. ઇટાલિયન મારબલ અને અખરોટના લાકડા પરના કોતરકામને લઈને પ્રસિદ્ધ આ ઘર સાથે ઝીણાને ખૂબ જ લગાવ હતો.
વિભાજનના એક અઠવાડિયા પહેલાં 7 ઑગસ્ટ 1947ના રોજ આ ઘર છોડતા ઝીણાએ બૉમ્બેના તત્કાલીન વડા પ્રધાન બીજી ખૈરને એમ કહીને પોતાના ઘરની દેખરેખ રાખવાની ભલામણ કરી કે તેઓ જલદી જ પાકિસ્તાનથી રજા પર પરત આવશે.

'ગાંધી તો ખરેખર પાકિસ્તાનના બાપુ હતા'

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ ભારતના સંસ્થાપક મોહનદાસ કરમચંદ ગાંધીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સદ્ભાવ માટે પાકિસ્તાન જવાની યોજના બનાવી હતી.
મહાત્મા ગાંધીના પૌત્ર અને 'ધ ગુડ બોટમૅન : એ પોર્ટ્રેટ ઑફ ગાંધી ઍન્ડ અંડરસ્ટેન્ડિંગ ધ મુસ્લિમ માઇન્ડ'ના લેખક રાજમોહન ગાંધી પ્રમાણે 'ઑગસ્ટ 1947થી જ ગાંધી પાકિસ્તાનની યાત્રા કરવા માગતા હતા. 23 સપ્ટેમ્બરના રોજ તેમણે કહ્યું કે હું લાહોર જવા માગું છું, હું રાવલપિંડી જવા માગું છું.'
તેમણે આ ઇચ્છા વિશે ઝીણાને લખ્યું. 27 જાન્યુઆરીના રોજ એ નક્કી થયું કે ગાંધી 8 કે 9 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન પહોંચશે.
આઉટલુક પત્રિકા માટે લખેલા પોતાના લેખમાં રાજમોહન ગાંધીએ લખ્યું છે કે 'જો ગાંધી 40ના દાયકાના અંત અને 50ના દાયકાની શરૂઆતમાં હયાત હોત તો ભારત અને પાકિસ્તાનના સંબંધને સુધારી શક્યા હોત.'
ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નજીકના સહયોગી સુધીન્દ્ર કુલકર્ણી 'મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ'ના લેખક છે.
તેમના પ્રમાણે, ગાંધીજીનું કહેવું હતું કે 'જ્યારે પશ્ચિમ એક ભયાનક અંધકારમાં હતું ત્યારે પૂર્વમાં ઇસ્લામનો ચમકતો તારો મુશ્કેલીઓથી ઘેરાયેલી દુનિયા માટે પ્રકાશ, શાંતિ અને રાહત લઈને આવ્યો. ઇસ્લામ કોઈ ઝઘડો ફેલાવનારો ધર્મ નથી.'
"હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે ઇસ્લામનો ઝડપથી પ્રસાર તલવારથી થયો નથી. તેનાથી વિપરીત, આ ધર્મ મુખ્યરૂપે તેની સાદગી, તર્કપૂર્ણ સંદેશ, તેના પયગંબરની ઉચ્ચ નૈતિકતાના કારણે ઘણા લોકોએ ખુશી-ખુશી ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો."

ઇમેજ સ્રોત, Getty Images
કુલકર્ણી અનુસાર, ગાંધી અને ઝીણા વચ્ચે એક તબક્કા વાર વાતચીત બાદ, 'ગાંધીએ ભારતના ઉત્તર-પશ્ચિમી અને પૂર્વીય ભાગોમાં મુસ્લિમ બહુમતી ધરાવતા ક્ષેત્રોમાં આત્મનિર્ણય પર આધારિત સ્વતંત્ર રાજ્યોના સિદ્ધાંતને સમર્થન આપ્યું. તેમણે ઝીણાને કહ્યું કે "જો તમે ઇચ્છો તો તેને પાકિસ્તાન કહી શકો છો" આ હદ સુધી તેમણે લાહોરના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે 'એટલે મેં એક સૂચન આપ્યું છે, જો વિભાજન કરવું જરૂરી છે તો બે ભાઈઓ વચ્ચે વિભાજન થવા દો.'
કુલકર્ણી લખે છે કે પોતાની હત્યાના થોડા દિવસ પહેલાં ગાંધીએ પોતાની પ્રાર્થના સભાઓમાં એ ઘોષણા કરવાનું સાહસ કર્યું હતું કે 'ભારત અને પાકિસ્તાન બંને મારા દેશ છે. હું પાકિસ્તાન જવા માટે પાસપૉર્ટ લઈને નહીં જઉં. જોકે, ભૌગોલિક અને રાજકીય રૂપે ભારત બે ભાગમાં વિભાજિત છે. પરંતુ દિલથી આપણે મિત્ર અને ભાઈ હોઈશું. એકબીજાની મદદ અને સન્માન કરનારા લોકો હોઈશું અને બહારની દુનિયા માટે એક હોઈશું.'
જ્યારે ભારત સરકારે પાકિસ્તાનને તેના ભાગના 55 કરોડ રૂપિયા આપ્યા અને સૈન્ય ઉપકરણ આપવાનો ઇનકાર કર્યો તો ગાંધીજીએ પાકિસ્તાનના પક્ષમાં ભૂખ હડતાળ કરી દીધી હતી.
તેના પર ભારત સરકાર 16 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવા મજબૂર થઈ ગઈ. આ 'અપરાધ' બદલ 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ ગોળી મારીને ગાંધીજીની હત્યા કરી નાખી.
ગોડસેએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે ગાંધીને બાપુ કહેવામાં આવે છે... તે તો ખરેખર પાકિસ્તાનના બાપુ હતા. તેમનો આંતરિક અવાજ, તેમની આધ્યાત્મિક શક્તિ, તેમના દર્શન, બધું જ ઝીણાની સામે ઘૂંટણીયે પડી ગયા હતા.

ગાંધીની હત્યા પર પાકિસ્તાનમાં પણ માતમ

ઇમેજ સ્રોત, KEYSTONE/GETTY IMAGES
લેખક અને સંશોધક અમઝદ સલીમ અલ્વીનું કહેવું છે કે તેની સાથે જોડાયેલી વધુ એક ઘટના પણ ગાંધીજીની હત્યાના કારણે ઘટી હતી.
વિભાજનના સમયે (પૂર્વીય બંગાળના મુખ્ય મંત્રી) હુસૈન શહીદ સુહરાવર્દી ગાંધીને બંગાળ લઈ ગયા હતા, જેથી બંગાળી મુસ્લિમોને હિંદુઓની નફરતથી બચાવી શકાય.
"આ જ કારણ છે કે બંગાળ નરસંહારથી બચી ગયું. ગાંધીજીએ દિલ્હીમાં પણ રક્તપાત રોક્યો. ગાંધીજી એ યોજના બનાવી રહ્યા હતા કે ભારતથી હિંદુઓનું એક ગ્રૂપ લાવીને મૉડલ ટાઉન લાહોરમાં વસાવવામાં આવે અને અહીંથી મુસ્લિમોના એક ગ્રૂપને લઈ જઈને તેમને તેમના વડવાઓનાં ઘરોમાં પહોંચાડવામાં આવે."
તેઓ જણાવે છે કે, "ગાંધીજીની યાત્રાની વ્યવસ્થા કરવા માટે સુહરાવર્દી જાન્યુઆરી 1948ના અંતમાં લાહોર આવ્યા અને બે દિવસ અહીં જ રોકાયા. આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી અને સભાને સંબોધિત કરી. તેમના પરત ફરવાના બે કે ત્રણ દિવસ બાદ ગાંધીજીની હત્યા કરી દેવામાં આવી."
ગાંધીજીના મૃત્યુ પર પાકિસ્તાનમાં પણ ઔપચારિકરૂપે શોક મનાવવામાં આવ્યો હતો. 31 જાન્યુઆરી 1948ના રોજ બધી સરકારી કચેરીઓ બંધ રહી. અંગ્રેજી દૈનિક પાકિસ્તાન ટાઇમ્સની એ દિવસની આવૃત્તિમાં સમાચારપત્રના કાર્યાલયોના બંધ રહેવાની ઘોષણા પ્રકાશિત થઈ હતી.
પાકિસ્તાન ટાઇમ્સના તંત્રી ફૈઝ અહમદ ફૈઝે ગાંધીના મૃત્યુ પર તંત્રીલેખમાં લખ્યું કે, "આ સદીમાં ખૂબ ઓછા લોકો ઊંચાઈ સુધી પહોંચ્યા છે જેને દબાયેલા કચડાયેલા લોકોના આ નેતાએ સ્પર્શ્યા છે. અમે સરહદ પાર અમારા મિત્રોને જણાવવા માગીએ છીએ કે ગાંધીજીનું મૃત્યુ સહિયારું નુકસાન છે."
લાહોરના રસ્તાઓ પર ઊતરેલા ચહેરા અને શોકના કારણે બંધ પડેલા કારોબાર તેનું પ્રમાણ છે. ગાંધીજીના આત્માને શાંતિ ત્યારે જ મળી શકે જ્યારે ભારતીય મુસ્લિમો સાથે ન્યાય અને સહિષ્ણુતાનો વ્યવ્હાર કરવામાં આવે. આ ઉદ્દેશ માટે ગાંધીજીનો જીવ ગયો હતો.
ગાંધીજીની હત્યાના સમાચાર સાંભળીને ઝીણાએ એ જ દિવસે પોતાના શોકસંદેશમાં કહ્યું કે, "હું ગાંધી પર હુમલા અને તેના કારણે થયેલા તેમના મૃત્યુ વિશે જાણીને સ્તબ્ધ છું. આપણા મતભેદ પોતાની જગ્યાએ છે પરંતુ તેઓ હિંદુઓમાં જન્મેલા મહાપુરુષોમાંથી એક હતા. તેમને તેમના લોકોનું સન્માન અને વિશ્વાસ મળેલા હતા. આ ભારત માટે ખૂબ મોટી ક્ષતિ છે. તેમના નિધનથી જે સ્થાન ખાલી થયું છે તેને ભરવું ખૂબ મુશ્કેલ છે."

પાકિસ્તાનની સંસદમાં ગાંધીને શ્રદ્ધાંજલિ

ઇમેજ સ્રોત, COURTESY THE PARTITION MUSEUM, TOWN HALL, AMRITSAR
4 ફેબ્રુઆરી 1948ના સત્રમાં ગૃહના નેતા લિયાકતઅલી ખાને કહ્યું કે, "હું ભારે દુખ સાથે ગાંધીજીના દુખદ મૃત્યુ વિશે વાત કરવા માટે ઊભો થયો છું. તેઓ આપણા સમયના મહાપુરુષોમાંથી એક હતા."
તેમણે એમ કહેતા પોતાનું ભાષણ પૂરું કર્યું કે, "અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ગાંધીજી પોતાના જીવનકાળમાં જે કંઈ પ્રાપ્ત ન કરી શક્યા, તે તેમના મૃત્યુ બાદ પૂર્ણ થઈ જાય એટલે આ ઉપમહાદ્વીપમાં રહેતા વિભિન્ન રાષ્ટ્રો વચ્ચે શાંતિ અને સદ્ભાવ સ્થાપિત થઈ જાય."
ઝીણા ન હિંદુવિરોધી કે ન ભારતવિરોધી
મહમદઅલી ઝીણાનું નિધન 11 સપ્ટેમ્બર 1948ના રોજ થયું હતું. 13 સપ્ટેમ્બર 1948ના રોજ સમાચારપત્ર ધ હિંદુનું સંપાદકીય 'મિસ્ટર ઝીણા' શીર્ષકથી છપાયું હતું.
તેમને 'ગાંધીજી બાદ અવિભાજિત ભારતના સૌથી શક્તિશાળી નેતા'ના રૂપમાં યાદ કરવામાં આવ્યા.
સંપાદકીયમાં કહેવામાં આવ્યું કે, "મિસ્ટર ઝીણા પોતાની કટુતા છતાં એ ક્યારેય ન ભૂલ્યા કે બંને દેશો (પાકિસ્તાન અને ભારત) વચ્ચે મજબૂત મિત્રતા શક્ય હતી અને જરૂરી પણ હતી."
કુલકર્ણીનું કહેવું છે કે ઝીણા ન તો હિંદુવિરોધી હતા કે ન ભારતવિરોધી. વર્ષ 1948માં તે સમયના પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકાની પોતાની યાત્રા દરમિયાન તેમણે હિંદુ સમાજને આશ્વાસન આપ્યું હતું કે 'ડરો નહીં, પાકિસ્તાન ન છોડો, કેમ કે પાકિસ્તાન એક લોકતાંત્રિક દેશ બનશે અને જે મુસ્લિમોને મળશે એ જ અધિકાર હિંદુઓને પણ મળશે.

"દુશ્મની દૂર ન થઈ પણ ઔપચારિકતા આવી ગઈ"

ઇમેજ સ્રોત, KEYSTONE/HULTON ARCHIVE
પલ્લવી રાઘવનની શોધ જણાવે છે કે સ્વતંત્રતા બાદના શરૂઆતનાં વર્ષોમાં ન માત્ર નેતાઓના સંબંધ સારા હતા, પરંતુ નોકરશાહીના સંબંધ પણ સારા હતા, કેમ કે તેઓ એકસાથે કામ કરી ચૂક્યા હતા.
રાઘવને પોતાના પુસ્તક 'એનિમોસિટી એટ બેઃ એન અલ્ટરનેટિવ હિસ્ટ્રી ઑફ ધ ઇન્ડિયા-પાકિસ્તાન રિલેશનશિપ 1947-1952'માં બંને દેશ વચ્ચેના સંબંધોના પહેલા પાંચ વર્ષ પર શોધ કરી છે.
તેમનું પુસ્તક આ સમયગાળા દરમિયાન શાંતિ માટે કરવામાં આવેલી લિયાકત-નહેરુ સમજૂતી જેવા પ્રયાસોની સમીક્ષા કરે છે.
પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે 'વિભાજનથી જન્મતી સમસ્યાઓ, જેવી કે વિસ્થાપન કે અલ્પસંખ્યકોના અધિકાર કે વિસ્થાપન બાદ પાછળ છૂટી જનારી સંપત્તિ, આ બધાનું સમાધાન શોધવા માટે બંને દેશો વચ્ચે એક ખૂબ જ અલગ પ્રકારની નિકટતા અને અવિશ્વસનીયરૂપે ગંભીર પ્રયાસ જોવા મળ્યો. દક્ષિણ એશિયામાં આ પ્રકારની સંમતિ ચોંકાવનારી હતી.'
જોકે, ઇતિહાસકાર મેરાજ હસન પ્રમાણે આ માત્ર ઔપચારિકતા હતી.
"શરૂઆતમાં કાશ્મીર મુદ્દે યુદ્ધ થયું અને ભારતીય નેતા એમ કહી રહ્યા હતા કે પાકિસ્તાન જલદી ભારતમાં આવી જશે. યુદ્ધ સમાપ્ત થયા બાદ નહેરુ-લિયાકત સમજૂતીએ માર્ગ પ્રશસ્ત કર્યો."
મેરાજ હસનનું માનવું છે કે આ માત્ર ઔપચારિકતા હતી, જે આજે પણ છે. નહીં તો બ્રિટિશ શાસનના અંતિમ મહિનાઓમાં ભારતીય નોકરશાહીએ ઘણી જગ્યાઓ પર મુસ્લિમ અધિકારીઓનો સામાન ઑફિસોમાંથી બહાર કાઢી નાખ્યો હતો.
"એક મિટિંગમાં લિયાકત અને નહેરુ વચ્ચે ઝઘડો થવાનો હતો. નારાજગી દૂર ન થઈ પરંતુ ઔપચારિકતા આવી ગઈ."
સુધીન્દ્ર કુલકર્ણીનું કહેવું છે કે વિભાજનને રોકી શકાય તેમ ન હતું.
"પાકિસ્તાન એક અલગ અને સ્વતંત્ર દેશ છે અને રહેશે. ભારતમાં રહેનારા લોકોએ ન માત્ર આ સત્યતાનો સ્વીકાર કરવો જોઈએ, પરંતુ ઇમાનદારીથી એ કામના પણ કરવી જોઈએ કે પાકિસ્તાન એકજૂથ રહે અને વધારે સ્થિર, એકિકૃત, લોકતાંત્રિક અને સમૃદ્ધ બને."
કુલકર્ણીએ પોતાના તર્કની એમ કહીને પૂર્તિ કરતાં કહ્યું કે, "આપણે ઇતિહાસમાંથી સાચો પાઠ શીખવો જોઈએ અને ગાંધી અને ઝીણાનાં સપનાંનું પાલન કરતાં સારા પાડોશીઓની જેમ રહેવાનું શરૂ કરી દેવું જોઈએ?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















