હર ઘર તિરંગા : એ ભારતીય જેમના કારણે દરેક નાગરિકને મળ્યો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હક

ભારતની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રની ભાજપ સરકારે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ભારતની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રની ભાજપ સરકારે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી
લાઇન
  • ભારત સરકારે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 13થી 15 ઑગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવા હાકલ કરી છે
  • જે અંતર્ગત નાગરિકોને પોતાનાં ઘરે આ દરમિયાન તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
  • પરંતુ આ અધિકાર અપાવનાર ભારતીયને આપ ઓળખો છો ખરા?
લાઇન

ભારતની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રની ભાજપ સરકારે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત આધિકારિક સૂત્રોના જણાવ્યાનુસાર સમગ્ર દેશમાં 20 કરોડ ઘરો પર તિરંગા ફરકાવવામાં આવશે.

અમુક દિવસ પહેલાં વડા પ્રધાન મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં પણ 13 ઑગસ્ટથી 15 ઑગસ્ટ સુધી બધા નાગરિકોએ પોતપોતાનાં ઘરમાં તિરંગો ફરકાવવો, તે વાત ભારપૂર્વક જણાવી હતી.

આ માટે જુદી-જુદી રાજ્ય સરકારો અને ખાનગી સંસ્થાઓ પણ તિરંગાનો પુરવઠો જાળવવા માટે આગળ આવી છે.

પરંતુ શું આપને ખ્યાલ છે કે ભારતમાં અમુક વર્ષો પહેલાં નાગરિકોને 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા ખાસ દિવસો સિવાય પોતાનાં ઘર, ઑફિસ કે પરિસરમાં તિરંગો ફરકાવવાની મનાઈ હતી.

ધ પ્રિન્ટના એક અહેવાલ પ્રમાણે ભારતને 15મી ઑગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા તો મળી પરંતુ ભારતના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ 'સરકારી ધ્વજ' તરીકે થવા લાગ્યો.

આખરે દસ વર્ષની કાનૂની લડત બાદ ભારતની સુપ્રીમ કોર્ટે તિરંગો ફરકાવવો એ નાગરિકનો મૂળભૂત અધિકાર હોવાની વાત પર મહોર મારી અને આમ ભારતના દરેક નાગરિકને પોતાના ઘરે, ઑફિસે કે અન્ય કોઈ સ્થળે રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળવાય તેવી રીતે તે ફરકાવવાનો હક પ્રાપ્ત થયો.

આ મુદ્દો ઉઠાવી, આ અધિકાર માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત આપનાર વ્યક્તિ હતી ઉદ્યોગકાર નવીન જિંદલ. જેઓ ભૂતપૂર્વ સાંસદ પણ છે.

કોર્ટના ચુકાદા બાદથી ઠરાવવામાં આવ્યું કે ભારતના બંધારણના અનુચ્છેદ 19 (1)(a) અંતર્ગત અપાયેલ વાણી અને અભિવ્યક્તિના બંધારણીય મૂળભૂત અધિકાર અંતર્ગત જ રાષ્ટ્રધ્વજને માન અને ગરિમા સાથે ફરકાવવાનો અધિકાર સમાવિષ્ટ છે.

line

કેમ જિંદલને તિરંગો ફરકાવવા મામલે જવું પડ્યું કોર્ટ?

તિંરગો ફરકાવવાના અધિકારનો મુદ્દો ઉઠાવી, આ અધિકાર માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત આપનાર વ્યક્તિ હતી ઉદ્યોગકાર નવીન જિંદલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તિંરગો ફરકાવવાના અધિકારનો મુદ્દો ઉઠાવી, આ અધિકાર માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત આપનાર વ્યક્તિ હતી ઉદ્યોગકાર નવીન જિંદલ

કૉલમ્બિયા યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકાયેલ કેસની હકીકતો અનુસાર આ મામલામાં અરજદાર નવીન જિંદલ ભારતમાં એક ફેકટરીના મૅનેજિંગ ડિરેક્ટર હતા, જેના પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હતો.

આ હકીકત જાણીને સરકારી અધિકારીઓએ તેમને આવું ન કરવા જણાવ્યું અને તેની પરવાનગી આપવાથી ઇનકાર કરી દીધો. તેઓ આવું કરવા પાછળ ભારતના ફ્લૅગ કોડની જોગવાઈઓ તરફ ધ્યાન દોરી રહ્યા હતા.

જિંદલે આ મામલે 22 સપ્ટેમ્બર, 1995ના રોજ દિલ્હી હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી.

રિટ અરજીના નિકાલમાં હાઇકોર્ટે જણાવ્યું કે , "નાગરિક દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવા મામલે ભારતીય ફ્લૅગ કોડનો કોઈ પણ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ ન કરી શકાય જ્યાં સુધી તે પ્રતિબંધનો ભંગ લાગુ કરાયેલ કોઈ કાયદામાં સમાવિષ્ટ ન હોય."

આ મામલે હાઇકોર્ટે ભારત સરકારને પરમાદેશ આપ્યો, જે અંતર્ગત તેને અરજદાર દ્વારા તેમના પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારનો ઉપયોગ કરવામાં અડચણરૂપ ન બનાવા કહેવામાં આવ્યું.

આ ચુકાદા સામે ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં તેમણે દલીલ કરી હતી કે નાગરિક રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સ્વતંત્ર છે કે કેમ તે એક નીતિવિષયક નિર્ણય છે, જેમાં દખલ ન કરી શકાય.

અંતે 23 જાન્યુઆરી 2004ના રોજ સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ વી. એન. ખરે, જસ્ટિસ બ્રિજેશકુમાર અને જસ્ટિસ એસ. બી. સિંહાની ખંડપીઠે નાગરિક દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારને મૂળભૂત અધિકારનો ભાગ ગણાવાયો, જેના કારણે આજે ભારતના તમામ નાગરિકો પાસે રાષ્ટ્રધ્વજને માન અને ગૌરવભેર પોતાનાં ઘરે - ઑફિસે ફરકાવી શકે છે.

line

હર ઘર તિરંગા અભિયાન

સરકાર પ્રમાણે આ અભિયાન સાથે નાગરિકોનો તિરંગા સાથે સંબંધ વધુ ઊંડો થશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકાર પ્રમાણે આ અભિયાન સાથે નાગરિકોનો તિરંગા સાથે સંબંધ વધુ ઊંડો થશે

જ્યારે હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સરકાર પ્રમાણે આ અભિયાન સાથે નાગરિકોનો તિરંગા સાથે સંબંધ વધુ ઊંડો થશે. નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધારે પ્રબળ થશે.

હાલ રાષ્ટ્રધ્વજ સાથે ભારતના નાગરિકોનો વ્યક્તિગત કરતાં વધારે ઔપચારિક અને સંસ્થાગત સંબંધ છે.

ભારત સરકારને લાગે છે કે 'હર ઘર તિરંગા' અભિયાન બાદ આ સંબંધ વધારે વ્યક્તિગત બની શકશે.

કેન્દ્ર સરકારે આ અભિયાન અંતર્ગત આશરે 20 કરોડ ઘરોમાં ઝંડો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

ફૅડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના પ્રમાણે, ભારતમાં હાલ ચાર કરોડ ઝંડા જ ઉપલબ્ધ છે. એટલે કે બાકીના ઝંડાના ઑર્ડર રાજ્ય કે કેન્દ્ર સરકારે પોતાના સ્તરે બનાવડાવીને વેચાણની જગ્યાએ પહોંચાડવા પડશે.

રાજ્ય સરકાર ઇચ્છે તો કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારની જરૂરિયાતના હિસાબે કુલ ઝંડાની માગ કરી શકે છે અથવા પોતાની તરફથી ઝંડાની વ્યવસ્થા કરી શકે છે.

કેન્દ્ર સરકાર પ્રમાણે, ઝંડા ત્રણ સાઇઝમાં ઉપલબ્ધ હશે અને ત્રણેયની કિંમત પણ અલગ-અલગ હશે. નવ રૂપિયા, 18 રૂપિયા અને 25 રૂપિયાના ઝંડા.

ઝંડો બનાવતી કંપનીઓ શરૂઆતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને ઉધાર આ ઝંડા ઉપલબ્ધ કરાવશે.

નાગરિકોએ પોતાના પૈસે ઝંડા ખરીદવાના રહેશે.

લોકો ઇચ્છે તો એકસાથે ઝંડા લઈને બીજા લોકોને ભેટમાં પણ આપી શકે છે. કૉર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત એવું કરી શકાય છે.

પંચાયતો, દુકાનદારો, સ્કૂલ, કૉલેજોને આ અભિયાન સાથે જોડાવવા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. પહેલી ઑગસ્ટથી પોસ્ટ ઑફિસ પર પણ ઝંડા મળવા લાગશે.

line

ઝંડો, આરએસએસ અને ભાજપનો વિરોધાભાસ

વિવાદ એ વાત પર પણ છે કે જ્યારે આરએસએસએ પોતાની ઑફિસમાં ક્યારેય ઝંડો નથી ફરકાવ્યો, તો અચાનક આ ફરમાન કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિવાદ એ વાત પર પણ છે કે જ્યારે આરએસએસએ પોતાની ઑફિસમાં ક્યારેય ઝંડો નથી ફરકાવ્યો, તો અચાનક આ ફરમાન કેમ?

વિવાદ એ વાત પર પણ છે કે જ્યારે આરએસએસએ પોતાની ઑફિસમાં ક્યારેય ઝંડો નથી ફરકાવ્યો, તો અચાનક આ ફરમાન કેમ?

આસામના એઆઈયૂડીએફ નેતા અમિનુલ ઇસ્લામ આ કારણોસર મોદી સરકારના આ અભિયાનને તેમનો 'વિરોધાભાસ' ગણાવી રહ્યા છે.

અમિનુલ ઇસ્લામે કહ્યું છે કે આખું અભિયાન જનતાના પૉકેટમાંથી 16 રૂપિયા કઢાવવા માટે છે. અમિનુલ ઇસ્લામને નથી લાગતું કે 16 રૂપિયા ખર્ચ કરીને કોઈ પરિવાર પોતાની દેશભક્તિ સાબિત કરી શકે છે.

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે પણ અભિયાનને હિપૉક્રસી ગણાવતા ટ્વીટ કર્યું, "આ અભિયાન ખાદીમાંથી રાષ્ટ્રધ્વજ બનાવતા લોકોની આજીવિકા નષ્ટ કરે છે, જેને નહેરુએ ભારતની સ્વતંત્રતાનો પોશાક ગણાવ્યો હતો."

ધ ન્યૂ ઇન્ડિયન ઍક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ફ્લૅગ કોડમાં પરિવર્તન બાદ હુબલીમાં ખાદીના ઝંડા બનાવનારા યુનિટને ગત વર્ષે જુલાઈમાં 90 લાખ ઝંડાનો ઑર્ડર મળ્યો હતો. આ વર્ષે માત્ર 14 લાખ ઝંડાનો ઑર્ડર મળ્યો છે.

ખાદીના ઝંડાની આ હાલત ભારતમાં ત્યારે છે જ્યારે વડા પ્રધાન મોદી ખાદીને પ્રોત્સાહન આપવા માટે ઓછામાં ઓછો ખાદીનો રૂમાલ રાખવાની સલાહ આપી ચૂક્યા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ