જસ્ટિસ યુયુ લલિત : યાકૂબ મેમણ અને અયોધ્યા મામલાની સુનાવણીથી દૂર રહેનારા જજ જેઓ બન્યા ભારતના 49મા ચીફ જસ્ટિસ

જસ્ટિસ લલિત 27 ઑગસ્ટ 2022ના રોજ હાલના ચીફ જસ્ટિસ એનવી રમન્નાની જગ્યાએ દેશના 49મા ન્યાયાધીશ બન્યા

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ લલિત 27 ઑગસ્ટ 2022ના રોજ હાલના ચીફ જસ્ટિસ એનવી રમન્નાની જગ્યાએ દેશના 49મા ન્યાયાધીશ બન્યા
    • લેેખક, સુચિત્ર મોહંતી
    • પદ, બીબીસી હિંદી માટે
લાઇન
  • જસ્ટિસ યુયુ લલિત બન્યા ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ
  • સર્વોચ્ચ અદાલતમાં વકીલ તરીકે સીધા જ જજ તરીકે નિમણૂક પામેલ લલિત બીજા મુખ્ય ન્યાયધીશ બન્યા છે
  • તેમનો કાર્યકાળ 74 દિવસનો જ રહેવાનો છે

જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે શનિવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ અપાવ્યા.

સુપ્રીમ કોર્ટના 49મા મુખ્ય ન્યાયાધીસ બનેલા જસ્ટિસ લલિત આ પદ પર 8 નવેમ્બર 2022 સુધી રહેશે.

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ભારતના બીજા એવા ચીફ જસ્ટિસ રહેશે જેઓ સીધા જ સુપ્રીમો કોર્ટના જજપદે નિયુક્ત થયા હતા.

તેમના અગાઉ દિવંગત એસ એમ સિકરી પ્રૅક્ટિસની દુનિયાથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બન્યા અને બાદમાં ચીફ જસ્ટિસના હોદ્દા સુધી પહોંચ્યા હતા.

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ જસ્ટિસ યુયુ લલિતને આગલા ચીફ જસ્ટિસ તરીકે તેમની નિયુક્તિ પર શુભકામનાઓ પાઠવી હતી.

જોકે જસ્ટિસ યુયુ લલિતનો કાર્યકાળ માત્ર 74 દિવસનો હશે કારણ કે આ વર્ષે આઠ નવેમ્બરના તેઓ રિટાયર થઈ રહ્યા છે.

જસ્ટિસ સીકરી પહેલાં બારમાં પ્રૅક્ટિસ કરનારા કોઈ વકીલને ના તો સીધા સુપ્રીમ કોર્ટમાં જજ કે ના ચીફ જસ્ટિસના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જસ્ટિસ સિકરી ભારતના 13મા મુખ્ય ન્યાયાધીશ હતા અને તેઓ આ પદ પર જાન્યુઆરી 1971થી એપ્રિલ, 1973 સુધી રહ્યા હતા. તેમને ફેબ્રુઆરી, 1964માં સુપ્રીમ કોર્ટના જજના પદ પર નિયુક્ત કરાયા હતા.

જસ્ટિસ યુયુ લલિત 13 ઑગસ્ટ, 2014ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા અને તેઓ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એનવી રમન્નાની જગ્યાએ દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ બની ચૂક્યા છે..

line

એવા કેસો જેની સુનાવણીથી જસ્ટિસ લલિત અલગ થયા

આ કેસોની યાદી લાંબી છે.

જસ્ટિસ લલિતને ઘણા મામલાની સુનાવણીમાંથી પોતાની જાતને અલગ કર્યા છે અને તેનું કારણ 'કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ' જણાવાયું.

અમુક જજ માટે 'કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ'નો અર્થ હોય છે તેમને કેસની કોઈ એક પાર્ટી સાથે જૂનો સંબંધ છે.

તેમાં અયોધ્યા વિવાદ, મુંબઈ બ્લાસ્ટ કેસ, મૃત્યુદંડની સજાને પડકારનારી યાકૂબ મેમણની પુનર્વિચાર અરજી, શિક્ષક ભરતી ગોટાળામાં ઓમ પ્રકાશ ચૌટાલાની અરજી અને સૂર્યાનેલ્લી રેપ કેસની અપીલ અરજી પર સુનાવણી જેવા મામલા પ્રમુખ છે.

line

યાકૂબ મેમનથી માંડીને અયોધ્યા કેસ સુધી

જસ્ટિસ યુયુ લલિત અને શ્રીમતી અમીતા ઉદય લલિત તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, DPL.PRESIDENTOFINDIA.NIC.IN

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ યુયુ લલિત અને શ્રીમતી અમીતા ઉદય લલિત તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે (ફાઇલ ફોટો)
  • વર્ષ 2014માં જસ્ટિસ લલિત યાકૂબ મેમણની પુનર્વિચાર અરજીની સુનાવણીથી અલગ થઈ ગયા હતા. મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મૃત્યુદંડની સજા જાળવી રાખવાના નિર્ણય વિરુદ્ધ યાકૂબ મેમને આ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.
  • વર્ષ 2015માં માલેગાંવ બ્લાસ્ટ કેસ સાથે જોડાયેલી એક અરજીની સુનાવણીમાંથી તેમણે પોતાની જાતને અલગ કરી લીધા હતા, કારણ કે તેઓ જજ બન્યા પહેલાં આ કેસમાં એક આરોપી માટે રજૂ થયા હતા.
  • વર્ષ 2016માં તેમણે શિક્ષકભરતી ગોટાળાના આરોપી હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઓમપ્રકાશ ચોટાલાની અરજીની સુનાવણીથી પણ પોતાની જાતને અલગ કરી લીધા હતા.
  • વર્ષ 2016મા વધુ એક મામલાથી તેમણે પોતાની જાતને અલગ કરી લીધા હતા. એ મામલો આસારામ બાપુ પર લાગેલા આરોપોની તપાસ મામલે એક મહત્ત્વપૂર્ણ સાક્ષીના ગાયબ થવાને લગતો મામલો હતો.
  • વર્ષ 2017માં તેમણે સૂર્યનેલી રેપ કેસની પણ સુનાવણીથી પોતાની જાતને અલગ કરી લીધા હતા. તેમણે એ મામલામાં પણ અગાઉ એક આરોપી માટે રજૂ થઈ ચૂક્યા હતા.
  • વર્ષ 2018માં તેમણે માલેગાંવ બ્લાસ્ટ કેસના એક આરોપીની એક અરજી જેમાં, કાયદાને લાગુ કરનારા એજન્સીઓ દ્વારા કરાયેલ કથિત ઉત્પીડનની તપાસની માગ કરી હતી,ની સુનાવણીથી પણ પોતાની જાતને અલગ કરી લીધા હતા.
  • વર્ષ 2019માં અયોધ્યા મામલે બનેલ બંધારણીય પીઠમાંથી પણ તેમણે પોતાની જાતને અલગ કરી લીધા હતા.
line

હાઇકોર્ટમાં વકીલાત

વર્ષ 1957માં પેદા થયેલા જસ્ટિસ લલિતે 1983માં બૉમ્બે હાઇકોર્ટમાં પોતાની વકીલાતની પ્રૅક્ટિસ શરૂ કરી હતી

ઇમેજ સ્રોત, HIMACHAL.NIC.IN

ઇમેજ કૅપ્શન, વર્ષ 1957માં પેદા થયેલા જસ્ટિસ લલિતે 1983માં બૉમ્બે હાઇકોર્ટમાં પોતાની વકીલાતની પ્રૅક્ટિસ શરૂ કરી હતી

વર્ષ 1957માં પેદા થયેલા જસ્ટિસ લલિતે 1983માં બૉમ્બે હાઇકોર્ટમાં પોતાની વકીલાતની પ્રૅક્ટિસ શરૂ કરી હતી. ત્યાં તેમણે ડિસેમ્બર 1985 સુધી વકીલાત કરી હતી.

1986થી 1992 દરમિયાન તેઓ ભૂતપૂર્વ સૉલિસિટર જનરલ સોલી સોરાબજી સાથે કામ કરતા હતા. તે બાદ એપ્રિલ 2004માં તેમને સુપ્રીમ કોર્ટમાં સિનિયર ઍડ્વોકેટ નિયુક્ત કરાયા.

બહુચર્ચિત 2જી ગોટાળામાં તમામ મામલામાં ટ્રાયલ ચલાવવા માટે કેન્દ્રીય તપાસ બ્યૂરોની મદદ માટે સુપ્રીમ કોર્ટે તેમને સ્પેશિયલ પબ્લિક પ્રૉસીક્યૂટર નિયુક્ત કર્યા હતા.

વકીલ સ્વરૂપે જસ્ટિસ લલિત ક્રિમિનલ લૉના વિશેષજ્ઞ રહ્યા છે. તેમણે રાષ્ટ્રીય ન્યાયિક સેવા પ્રાધિકરણ એટલે કે નાલસાના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા.

line

જજ તરીકે યુયુ લલિતે આપેલા નિર્ણયો

ત્રણ તલાકના કાયદેસરપણા પર સુનાવણી કરનારી બંધારણીય પીઠનો પણ તેઓ એક ભાગ હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ત્રણ તલાકના કાયદેસરપણા પર સુનાવણી કરનારી બંધારણીય પીઠનો પણ તેઓ એક ભાગ હતા

ત્રણ તલાકના કાયદેસર હોવા પર સુનાવણી કરનારી બંધારણીય પીઠનો પણ તેઓ એક ભાગ હતા. તેમણે તેને ખારિજ કરતા કહ્યું હતું કે આ પ્રથા બંધારણના અનુચ્છેદ 14 અંતર્ગત અપાયેલ મૂળભૂત અધિકારનું હનન કરે છે.

જસ્ટિસ લલિતે અનુસૂચિત જાતિ અને જનજાતિઓનું ઉત્પીડન અટકાવવા માટેના 1989ના કાયદાનો દુરુપયોગ રોકવા માટે ઘણા ઉપાયોની વ્યવસ્થા કરી. કાશીનાથ મહાજન વિરુદ્ધ મહારાષ્ટ્રમાં જસ્ટિસ આદર્શન ગોયલ સાથે મળીને તેમણે આ મામલામાં થનારી એફઆઈઆર પહેલાં થનારી તપાસની પ્રક્રિયા નક્કી કરી.

ભૂતપૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ અને જસ્ટિસ કુરિયન જોસેફ સાથે મળીને રંજનાકુમારી વિરુદ્ધ ઉત્તરાખંડ સરકાર મામલામાં તેમણે કહ્યું કે બીજાં રાજ્યોમાંથી આવનારા પ્રવાસીઓ નવા રાજ્યમાં માત્ર એટલા માટે એસસી તરીકે ન ઓળખાઈ શકે કે પ્રથમ રાજ્યમાં તેમની જાતિ એસસી સ્વરૂપે માન્યતા મળેલી હતી.

તેમજ પ્રદ્યુમ્ન બિષ્ટ કેસમાં જસ્ટિસ આદર્શન ગોયલ સાથે મળીને દરેક જિલ્લાની અદાલતો અંદર અને અદાલત પરિસરની મહત્ત્વપૂર્ણ જગ્યાઓએ કોઈ પણ ઑડિયો રેકર્ડિંગવાળા સીસીટીવી કૅમેરા લગાવવાના નિર્દેશ આપ્યા.

સુપ્રીમ કોર્ટની બે સભ્યોવાળી પીઠે એક સભ્ય તરીકે જસ્ટિસ લલિતે હિંદુ વિવાહ કાયદા અંતર્ગત એકમેકની સંમતિથી તલાક લેવા માટે છ મહિનાની પ્રતીક્ષા અનિવાર્ય ન હોવાનું ઠેરવ્યું

ઇમેજ સ્રોત, HIMACHAL.NIC.IN

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટની બે સભ્યોવાળી પીઠે એક સભ્ય તરીકે જસ્ટિસ લલિતે હિંદુ વિવાહ કાયદા અંતર્ગત એકમેકની સંમતિથી તલાક લેવા માટે છ મહિનાની પ્રતીક્ષા અનિવાર્ય ન હોવાનું ઠેરવ્યું

જોકે તેમણે આદેશ આપ્યો કે આવી રેકર્ડિંગને માહિતી અધિકારના કાયદા અંતર્ગત માગણી ન કરી શકાય.

સુપ્રીમ કોર્ટની બે સભ્યોવાળી પીઠે એક સભ્ય તરીકે જસ્ટિસ લલિતે હિંદુ વિવાહ કાયદા અંતર્ગત એકમેકની સંમતિથી તલાક લેવા માટે છ મહિનાની પ્રતીક્ષા અનિવાર્ય ન હોવાનું ઠેરવ્યું. અમરદીપસિંહ વિરુદ્ધ હરવીનકોર મામલામાં આ પીઠે એવો નિર્ણય આપ્યો કે ઘણા મામલામાં છ મહિનાની આ અવધિ ખતમ કરી શકાય છે.

જસ્ટિસ લલિતે કોર્ટની અવમાનના મામલે ભાગેડુ શરાબનિર્માતા વિજય માલ્યાને ચાર મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ કરવાનો પણ આદેશ આપ્યો.

થોડાં અઠવાડિયાં પહેલાં જસ્ટિસ લલિતે અદાલતની કાર્યવાહી જલદી શરૂ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સવારે 9.30થી 11.30 વાગ્યા સુધી થવી જોઈએ પછી અડધા કલાકની બ્રેક હોવી જોઈએ. તેમના અનુસાર, તે પછી 12 વાગ્યથી માંડીને બપોરના બે વાગ્યા સુધી સુનાવણી થવી જોઈએ. તેમણે કહ્યું કે આનાથી સાંજે વધુ વસ્તુઓ કરવાનો સમય મળશે.

પાછલા મહિના એક સુનાવણી દરમિયાન જસ્ટિસ લલિતે કહ્યું હતું કે જો બાળકો સવારે સાત વાગ્યે સ્કૂલે જઈ શકે છે, તો જજ અને વકીલ નવ વાગ્યે પોતાના કામની શરૂઆત કેમ ન કરી શકે?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ