જ્યારે ગુજરાતમાં સરકારો ઊથલી અને રાષ્ટ્રપતિશાસન લદાયાં

ગુજરાત વિધાનસભા
ઇમેજ કૅપ્શન, ગુજરાત વિધાનસભા
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ વિશે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી અહીં રાષ્ટ્રપતિશાસન લાદવાનો વારો આવ્યો છે.

ભાજપ-શિવસેના કે કૉંગ્રેસ-એનસીપી તમામને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ એક પણ પક્ષ સરકાર ન બનાવી શક્યો. આથી આખરે રાષ્ટ્રપતિશાસન લગાવવાનો વારો આવ્યો છે.

દેશનાં અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધી કુલ 125 વખત રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યું છે.

જ્યારે મહારાષ્ટ્રમાં આ પહેલાં બે વાર રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યું છે. આ ત્રીજી વખત એવું બન્યું છે કે મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિશાસન હેઠળ આવ્યું હોય.

રાષ્ટ્રપતિશાસનની વાત ચાલી રહી છે ત્યારે આ મામલે ગુજરાતના રાજકીય ઇતિહાસ વિશે વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી પાંચ વખત રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યું છે.

વર્ષ 1971-72, 1974-75, 1976, 1980, 1996 એમ પાંચ વખત રાષ્ટ્રપતિશાસન લગાવાયું હતું.

જેમાં સૌથી લાંબો સમય 400થી વધુ દિવસ સુધી ચીમનભાઈ પટેલની સરકાર વખતે નવ નિર્માણ આંદોલન વેળા રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યું હતું.

line

ગુજરાતમાં પહેલું રાષ્ટ્રપતિશાસન ક્યારે?

રાષ્ટ્રપતિ ભવન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ ભવન

ભારત એક લોકશાહી દેશ છે અને વિવિધ રાજ્યોના સંઘથી બનેલું માળખું અને સત્તાઓની કેન્દ્ર-રાજ્ય વચ્ચેની વહેંચણી બંધારણના મૂળ સ્વભાવની પ્રતીતિ કરાવે છે.

આથી કેન્દ્રમાં એક મુખ્ય (કેન્દ્ર) સરકાર હોય અને વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિના બંધારણીય પદની વ્યવસ્થા છે.

ત્યારબાદ સંઘીય માળખા હેઠળ રાજ્યમાં સરકાર (વિધાનસભા) અને મુખ્ય મંત્રી પદની વ્યવસ્થા કરાયેલી છે.

કેટલાક સંજોગોમાં જ્યારે જરૂર ઊભી થાય ત્યારે રાજ્ય કે ઉપ-રાજ્યપાલ રાષ્ટ્રપતિ-કેન્દ્રને રાષ્ટ્રપતિશાસન લાદવા માટે ભલામણ કરે છે અને રાજ્ય-સંઘ પ્રદેશની કમાન કેન્દ્ર (સંસદ)ના હાથમાં જતી હોય છે.

જેને સરળ ભાષામાં રાષ્ટ્રપતિશાસન કહેવાય છે. આ શાસન દરમિયાન રાજ્યની વિધાનસભાની સત્તાઓ છીનવાય જાય છે અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યાપલ કે ઉપ-રાજ્યપાલ દ્વારા રોજબરોજનું કામકાજ ચલાવવામાં આવે છે.

ગુજરાત વિધાનસભા

ઇમેજ સ્રોત, WWW.GUJARATASSEMBLY.GOV.IN

ઇમેજ કૅપ્શન, ગુજરાત વિધાનસભા

ગુજરાતના સંદર્ભમાં રાષ્ટ્રપતિશાસન વિશે વાત કરીએ તો અહીં પાંચ વખત રાજ્યની વિધાનસભાને 'સસ્પેન્ડેડ એનિમેસન' રાખવામાં આવી હતી.

જોકે, છેલ્લા લગભગ બે દાયકાથી ગુજરાતમાં રાજકીય સ્થિરતા જળવાય રહી છે, જેના કારણે રાષ્ટ્રપતિશાસન લાદવવાની જરૂર ઊભી નથી થઈ.

ગુજરાતમાં સૌપ્રથમ 1971-72 દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.

ગજરાતમાં ત્રીજી વિધાનસભા દરમિયાન 13મી મે 1971 થી 17 માર્ચ 1972 દરમિયાન આ શાસન લાદવામાં આવ્યું હતું.

line

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અને રાષ્ટ્રપતિશાસન

યુગોસ્લેવિયાના પ્રમુખ જોસીપ ટિટો અને તેમના પત્ની મદામ ટિટો સાથે તત્કાલીન રાષ્ટ્રપતિ વી. વી ગીરી અને તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની વર્ષ 1997ની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુગોસ્લેવિયાના પ્રમુખ જોસીપ ટિટો અને તેમના પત્ની મદામ ટિટો સાથે તત્કાલીન રાષ્ટ્રપતિ વી. વી. ગીરી અને તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની વર્ષ 1997ની તસવીર

અત્રે નોંધવું કે 1969માં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે કૉંગ્રેસ પાર્ટીમાં ઊભી ફાટ પડી હતી.

1966માં લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બાદ ઇંદિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં હતાં.

તેમણે આ મામલે પાર્ટીમાં મોરારજી દેસાઈ સામે મજબૂત મુકાબલો કરવો પડ્યો હતો. કેમ કે પાર્ટીનો એક ભાગ મોરારજી દેસાઈને વડા પ્રધાન બનાવવા ઇચ્છતો હતો.

જોકે તેમ છતાં ઇંદિરા ગાંધીએ મોરારજી દેસાઈને નાયબ વડા પ્રધાન તરીકે સ્વિકારવા જ પડ્યા હતા.

પરંતુ આગળ જતાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મામલે પાર્ટીમાં વધુ ફાટ ઊભી થઈ હતી.

દરમિયાન મે-1969માં રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનનું મૃત્યુ થતાં વી. વી. ગીરીએ તેમનો ચાર્જ સંભાળ્યો હતો.

1969 પહેલાં ઉપ-રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ તરીકે બઢતી આપવાની પ્રથા પર સહમતિ જોવા મળી હતી.

પરંતુ સિન્ડિકેટ (કૉંગ્રેસના કેટલાક નેતાઓ) ગીરીને પ્રમોટ કરવાના વિરોધમાં હતા. તેઓ એન. એસ. રેડ્ડીને ચૂંટવા માગતા હતા. ત્યારે રેડ્ડી લોકસભા અધ્યક્ષ હતા.

ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી

સમગ્ર વિવાદ ચાલી રહ્યો હતો તેવામાં કૉંગ્રેસની સંસદીય બોર્ડની બેઠકમાં ઇંદિરા ગાંધીએ રાષ્ટ્રપતિ પદના કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ત્રીજ જ વ્યક્તિ જગજીવન રામનું નામ સૂચવ્યું પણ તેમના નામને પાર્ટીના સભ્યોએ ખારિજ કરી રેડ્ડી પર પસંદગી ઉતારી.

વળી બીજી તરફ ગીરીએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આમ કૉંગ્રેસ પક્ષમાં આંતરિક વિરોધને પગલે ઇંદિરા ગાંધીએ પોતાનો નવો પક્ષ રચ્યો હતો.

જેમાં ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ-આઈની સ્થાપના કરવામાં આવી, જેમાં આઈનો મતલબ ઇંદિરા હતો. જ્યારે કૉંગ્રેસ-આર એટલે કે રેક્વિઝેશન હતું, જેની સાથે જૂના કૉંગ્રેસીઓ જોડાયેલા હતા.

આમ કૉંગ્રેસ પાર્ટીની આંતરિક લડાઈની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી, જ્યાં સત્તારુઢ પાર્ટીએ બહુમતી ગુમાવી દીધી અને 310 દિવસ માટે રાષ્ટ્રપતિશાસન લાદવાની જરૂર પડી હતી.

13મી મે 1971 થી 17 માર્ચ 1972 દરમિયાન રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું.

ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રપતિશાસન લાગુ પાડવામાં આવ્યું તે દરમિયાન ગુજરાતના મુખ્ય મંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા.

line

નવ નિર્માણ આંદોલન વેળાનું રાષ્ટ્રપતિશાસન

નવનિર્માણ આંદોલન દરમિયાન અમદાવાદના કોટ વિસ્તારમાં રસ્તા રોકો અને બસ રોકો ઝુંબેશ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, નવનિર્માણ આંદોલન દરમિયાન અમદાવાદના કોટ વિસ્તારમાં રસ્તા રોકો અને બસ રોકો ઝુંબેશ

ત્યાર બાદ ચોથી વિધાનસભા ચૂંટણી પછી નવી સરકાર બની હતી અને ઘનશ્યામ ઓઝા મુખ્ય મંત્રી બન્યા હતા. પરંતુ ત્યાર પછી ઘનશ્યામ ઓઝાએ રાજીનામું આપી દીધું હતું અને વર્ષ 1973માં તેમની જગ્યાએ ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા હતા.

કહેવાય છે કે મુખ્ય મંત્રી બનતા પહેલાં ચીમનભાઈ પટેલે વડા પ્રધાન ઇંદિરા ગાંધી સાથે એક બેઠક પણ કરી હતી.

રાજકીય નિષ્ણાતો કહે છે કે એ સમયે વિધાનસભા દળના નેતા ચૂંટવા માટે ગુપ્ત મતદાન કરાયું હતું અને સ્વર્ણ સિંઘ તે તમામ મતોનું બૅલેટબૉક્સ દિલ્હી લઈને આવ્યા હતા.

જેમાં ચીમનભાઈને વધુ મત મળ્યા હોવાનું જાહેર થયું અને તેમને મુખ્ય મંત્રી બનવાયા હતા.

વર્ષ 1973માં જુલાઈમાં તેમણે મુખ્ય મંત્રીપદના શપથ લીધા હતા. જોકે, ચોથી વિધાનસભા પણ તેનો કાર્યકાળ પૂર્ણ ન કરી શકી.

ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું. વિદ્યાર્થી હૉસ્ટેલમાં ભોજનના ભાવવધારાથી શરૂ થયેલા આંદોલને જોતજોતામાં સમગ્ર રાજ્યને ભરડામાં લઈ લીધું. લોકોએ બળજબરીપૂર્વક ધારાસભ્યોને રાજીનામાં અપાવ્યાં.

ચીમનભાઈ પટેલે મુખ્ય મંત્રીપદ ઉપરથી રાજીનામું આપી દેવું પડ્યું અને વિધાનસભાને ભંગ કરી દેવામાં આવી હતી.

line

માત્ર 5 વર્ષમાં બે વખત રાષ્ટ્રપતિશાસન

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઉપરાંત ગુજરાતમાં પાંચમી વિધાનસભા એવી રહી કે જેમાં એક જ કાર્યકાળ દરમિયાન બે વખત રાષ્ટ્રપતિશાસન લાદવાની જરૂર ઊભી થઈ હતી.

ફેબ્રુઆરી-1974થી જૂન-1975 દરમિયાન એક વર્ષ અને 129 દિવસ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન હતું.

અત્રે નોંધવું કે 1975ના જૂન મહિનાથી દેશમાં કટોકટી લાદવામાં આવી હતી.

એ પૂર્વે ગુજરાતમાં પાંચમી વિધાનસભાની ચૂંટણી થઈ હતી જેમાં પહેલી વખત બિન-કૉંગ્રેસી પક્ષના મુખ્ય મંત્રી બાબુભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર બની હતી. જનતા મોર્ચાના બેનર તળે આ સરકાર બની હતી.

જોકે બાદમાં દેશમાં કટોકટી લાગુ કરી દેવાઈ હતી. તેઓ માર્ચ-1976 સુધી મુખ્ય મંત્રી રહ્યા. જોકે ધારાસભ્યોના પક્ષાંતરને પગલે તેમની સરકાર પડી ભાંગી હતી.

એ સમય વિશે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી કહે છે, "કટોકટી વખતે બાબુભાઈની ધરપકડ થતાં 18 મહિના તેમણે જેલમાં પણ રહેવું પડ્યું હતું."

ફેબ્રુઆરી-1976થી ડિસેમ્બર 1976 સુધી 287 દિવસ માટે રાષ્ટ્રપતિશાસન લાગુ રહ્યું હતું.

ગઠબંધન સરકાર હોવાથી પાતળી બહુમતીને પગલે તત્કાલીન સરકાર નિર્ધારિત સમયમર્યાદામાં બજેટ પસાર કરાવવાની બંધારણીય ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે રાષ્ટ્રપતિશાસન લાદવાની નોબત આવી હતી. આથી ફરીથી રાષ્ટ્રપતિશાસનની લાગ્યું હતું.

પછી કૉંગ્રેસના માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી તેઓ મુખ્ય મંત્રી બન્યા હતા. 24 ડિસેમ્બર 1976થી 10 એપ્રિલ 1977 દરમિયાન મુખ્ય મંત્રી પદ પર રહ્યા. જોકે તેમની પાસે પણ પાતળી બહુમતી હતી. જેને પગલે એ સરકાર પણ પડી ગઈ હતી.

આથી વર્ષ 1977માં બાબુભાઈ પટેલે ફરીથી જનતા પાર્ટીનું નેતૃત્વ કર્યું અને તેઓ મુખ્ય મંત્રી બન્યા હતા. બાબુભાઈ પટેલ 1977થી 1980 સુધી મુખ્ય મંત્રી રહ્યા હતા.

અત્રે નોંધવું કે તેમણે મોરબીમાં 1979માં મચ્છુ ડૅમ હોનારતને પગલે કૅબિનેટને છ મહિના સુધી મોરબી સ્થળાંતર કર્યું હતું.

ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

વધુમાં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકીયા અનુસાર 1980માં ઇંદિરા ગાંધી ફરીથી ચૂંટાઈને આવતા તેમણે ઘણાં રાજ્યોમાં જનતા પાર્ટીની સરકારોને બરખાસ્ત કરી દીધી હતી.

આમ ગુજરાતમાં પણ બાબુભાઈ પટેલની સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી હતી અને ફરીથી રાજ્યમાં ફેબ્રુઆરી-1980થી જૂન-1980 દરમિયાન રાષ્ટ્રપતિશાસન લાગી ગયું હતું.

આમ એંશીના દાયકામાં ગુજરાતમાં ચાર વખત રાષ્ટ્રપતિશાસન લદાયાં હતાં.

જોકે, બાદમાં છઠ્ઠી વિધાનસભા ચૂંટણી મારફતે ફરીથી કૉંગ્રેસની સરકાર બની હતી અને માધવસિંહ સોલંકી મુખ્ય મંત્રી બન્યા હતા.

ત્યારપછી 15 વર્ષ સુધી ગુજરાતમાં રાજકીય સ્થિરતા જળવાઈ રહી. છઠ્ઠી, સાતમી અને આઠમી વિધાનસભાએ રાજકીય સ્થિરતા સાથે તેના કાર્યકાળ પૂર્ણ કર્યાં હતા.

line

ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન ક્યારે લાગ્યું?

રાષ્ટ્રપતિ ભવન

ઇમેજ સ્રોત, Getty Images

ત્યારબાદ વર્ષ 1995માં ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર બની હતી.

શંકરસિંહ વાઘેલાને કેશુભાઈ પટેલ સામે વાંધો પડતા તેઓ (શંકરસિંહ વાઘેલા) કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને મધ્ય પ્રદેશના ખજુરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો.

આ બળવાને 'ખજુરિયા-હજુરિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે કેશુભાઈ પટેલની સરકાર ભાંગી પડી.

શંકરસિંહ વાઘેલાની ત્રણ મુખ્ય માગો હતી જેમાંની એક હતી કે કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી પદ પરથી હટાવવામાં આવે.

બીજું કે તેમના સાથી ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા છ લોકોને મંત્રીપદ આપવામાં આવે અને ત્રીજું કે નરેન્દ્ર મોદીને સ્થાનિક રાજકારણમાંથી હટાવીને કેન્દ્રમાં મોકલી આપવામાં આવે.

શંકરસિંહ વાઘેલાની આ ત્રણેય માગો સંતોષાઈ ગઈ અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સુરેશ મહેતાને પદભાર સોંપવામાં આવ્યો.

સરકાર સામે બળવો અને ત્યારબાદ સમાધાનનો સમય તો આવ્યો પરંતુ શંકરસિંહ વાઘેલા આ નવી સરકારથી ખુશ નહોતા.

વર્ષ 1995માં સુરેશ મહેતાની સરકાર સામે વાઘેલાએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમની સરકાર ભાંગી પડી.

આથી સપ્ટેમ્બર-1996થી ઑક્ટોબર 1996 દરમિયાન રાષ્ટ્રપતિશાસન રહ્યું હતું. ગુજરાતમાં આ છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન લાગ્યું હતું.

વર્ષ 1996માં વાઘેલાએ તેમના 47 વિદ્રોહી ધારાસભ્યો સાથે મળીને પોતાની પાર્ટી બનાવી જેનું નામ રાખ્યું 'રાષ્ટ્રીય જનતા પાર્ટી'. અને મુખ્ય મંત્રી બન્યા.

ત્યારબાદ વાઘેલા 1997-98 સુધી કૉંગ્રેસના ટેકાથી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા હતા.

line

રાષ્ટ્રપતિ શાસનનો અર્થ શો?

વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી આ અંગે કહે છે કે રાષ્ટ્રપતિશાસન એટલે કે રાજ્ય કે સંઘપ્રદેશના કાયદાકીય કામકાજ કેન્દ્ર સરકાર (સંસદ) હસ્તગત જતાં રહે છે.

સંઘપ્રદેશના કિસ્સામાં ઉપ-રાજ્યપાલ અથવા રાજ્યના કિસ્સામાં રાજ્યપાલ તેનો વડો બની જાય છે. તેમાં વહીવટીતંત્ર ચલાવવા માટે સલાહકારોની નિમણૂકો કરવામાં આવે છે.

તેઓ કહે છે, "બંધારણના આર્ટિકલ 356ની સત્તા હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યની સત્તા અને કામગીરીનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકે છે."

"જ્યારે રાજ્ય સરકાર કે વિધાનસભા તેની બંધારણીય જોગવાઈ હેઠળની કામગીરી કરવામાં અસક્ષમ પુરવાર થાય ત્યારે કેન્દ્ર સરકાર આ રીતે કંટ્રોલ લઈ શકે છે."

"રાજ્યપાલ રાષ્ટ્રપતિ-કેન્દ્રને આ મામલે ભલામણ કરે છે. રાષ્ટ્રપતિ તેમને પ્રાપ્ત થયેલી રિપોર્ટના મટિરિયલથી સંતુષ્ટ હોય તો તેઓ રાષ્ટ્રપતિશાસન લાદવાને મંજૂરી આપી દે છે."

જોકે રામદત્ત ત્રિપાઠીનું એવું પણ કહેવું છે કે બે મહિનાની અંદર રાષ્ટ્રપતિશાસન મામલે સંસદ પાસેથી પણ મંજૂરી લેવી પડે છે. વળી વધુમાં વધુ બે વર્ષ સુધી આ રીતે રાષ્ટ્રપતિશાસન લાગુ કરી શકાય છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો