જ્યારે દત્તક લેવાયેલા 1104 બાળકો ફરી અનાથ થયાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથૉરિટી દ્વારા અપાયેલી માહિતી અનુસાર છેલ્લાં 5 વર્ષમાં સમગ્ર ભારતમાં દત્તક લેવાયેલાં બાળકોને પાછા અનાથાલય મોકલી દેવાના 1104 કિસ્સા નોંધાયા છે.
નોંધનીય છે કે છેલ્લાં 5 વર્ષમાં ભારતમાં કુલ 19,781 બાળકો દત્તક લેવાયાં છે. જે પૈકી 5.58% બાળકોને કોઈને કોઈ કારણોસર દત્તક લેનારાં માતા-પિતા પાછા અનાથાલયમાં મૂકી ગયાં હોવાનું જાણવા મળ્યું છે.
નિષ્ણાતોના મતે બાળક દત્તક લેવાં ઇચ્છુક માતા-પિતાને યોગ્ય કાઉન્સેલિંગના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે.
એક વાર પોતાનાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકના કુમળા મન પર આ વાતની કેવી અસર થઈ શકે છે, એ વાતનો અંદાજ લગાવવો અઘરો છે.
માહિતી અધિકારની અરજી અંતર્ગત મેળવેલ માહિતી અનુસાર દત્તક લેવાયાં બાદ પાછાં અનાથાલયમાં મૂકી દેવાયેલાં આ 1104 બાળકો પૈકી 0-6 વર્ષની ઉંમરનાં બાળકોની સંખ્યા 841 હતી.
અહીં એ નોંધનીય છે કે ગુજરાતમાંથી છેલ્લાં 5 વર્ષમાં દત્તક લેવાયેલાં કુલ બાળકો પૈકી 52 બાળકો દત્તક લેવાયેલા પરિવારો તરફથી પાછા અનાથાલયમાં મોકલી દેવાયાં છે.
જ્યારે 6-18 વર્ષનાં બાળકોની સંખ્યા 263 હતી. હવે અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આખરે દત્તક બાળકોને તરછોડવાં પાછળ કયાં કારણો જવાબદાર છે?

બાળકો દત્તક લેવાનું ચલણ

ઇમેજ સ્રોત, Getty Images
ઉપલબ્ધ માહિતી અનુસાર છેલ્લાં 5 વર્ષમાં કુલ 19,781 બાળકો દત્તક લેવાયાં છે. જે પૈકી વર્ષ 2014-15માં 4362, 2015-16માં 3677, 2016-17માં 3788, 2017-18માં 3927 અને વર્ષ 2018-19માં 4027 બાળકો દત્તક લેવાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં એ નોંધવું ઘટે કે જેટલું તરછોડાયેલાં બાળકોને દત્તક લેવાનું વલણ સરાહનીય છે પણ તેનાથી ઘણું વધારે ચિંતાજનક દત્તક લેવાયેલાં બાળકોને ફરી પાછું અનાથ બનાવવાનું ચલણ છે.

ચિંતાજનક આંકડા

શું કહે છે નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, Getty Images
દેશના લગભગ તમામ અડૉપ્શન સેન્ટર સાથે કામ કરી ચૂકેલાં અને CARAનાં પૂર્વ ચૅરપર્સન અલોમા લોબો દત્તક લેવાયેલાં બાળકોને તરછોડવાનાં કારણો વિશે વાત કરતાં જણાવે છે કે, "હું માનું છું કે બાળકોને દત્તક લેવા માટે બનાવાયેલા નવા નિયમો પ્રમાણે બાળક દત્તક લેવા માટેની ઇચ્છા ધરાવતાં માતા-પિતાનું સારું કાઉન્સેલિંગ કરાતું નથી."
"પ્રવર્તમાન માળખું એ બાળક દત્તક લેતાં પહેલાં માતા-પિતાને યોગ્ય કાઉન્સેલિંગ પૂરું પાડવાની તક આપતું નથી."
"મારા 30 વર્ષ લાંબા કરિયરમાં મેં દત્તક બાળકને માતા-પિતા દ્વારા પરત અનાથાલય મૂકી જવાના માત્ર 2-3 જ કેસો જોયા છે."
"તેનું કારણ એ હતું કે ભૂતકાળમાં જે માળખું હતું તે પ્રમાણે બાળકને દત્તક લેવાનાં ઇચ્છુક માતા-પિતાનું યોગ્ય અને ઇન-ડિટેઇલ કાઉન્સેલિંગ કરવામાં આવતું."
"આ વિશિષ્ટતા હાલના માળખામાં દેખાતી નથી. જૂના માળખામાં તો બાળકને દત્તક આપ્યા બાદ પણ મહિનાઓ સુધી માતા-પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવતું."
"આ સિવાય જૂના માળખામાં બાળકને દત્તક આપનાર એજન્સી અને માતા-પિતા વચ્ચે ગાઢ સંપર્ક સ્થાપવામાં આવતો હતો. જે કારણે એજન્સીના અધિકારીઓ માતા-પિતા વિશે વધુ માહિતી મેળવી શકતા. બીજી તરફ માતા-પિતાને પણ જે-તે બાળકને સારી રીતે જાણવાની તક મળતી."
"આ પ્રક્રિયા દરમિયાન એજન્સીના અધિકારીઓ જે-તે પરિવાર જે-તે બાળક માટે યોગ્ય છે કે નહીં તે સરળતાથી મૂલવી શકતા."
"જ્યારે બાળક દત્તક આપવાની વાત આવે છે ત્યારે આ બધી તકેદારીઓ રાખવી જરૂરી છે, કારણ કે આખરે આપણે એક બાળક માટે એક પરિવાર શોધી રહ્યા છીએ, ના કે એક પરિવાર માટે એક બાળક."
"પરંતુ પ્રવર્તમાન સંજોગો એવું સૂચવી રહ્યા છે કે જે-તે એજન્સીઓ એક પરિવાર માટે બાળક શોધી રહી હોય એવું ચિંતાજનક વલણ જોવા મળી રહ્યું છે."
"બાળકો દત્તક મેળવવા માટેની વેઇટિંગ લિસ્ટ લાંબી હોવાના કારણે ઘણાં માતા-પિતા 'ઇમિડિયેટ પ્લેસમેન્ટ'ની યાદીમાંથી બાળકો પસંદ કરવા માટે તૈયાર થઈ જાય છે."
"અહીં એ જાણવા જેવું છે કે આ યાદીમાં એવાં જ બાળકોને સામેલ કરવામાં આવે છે, જેઓ દિવ્યાંગ હોય, જેમની ઉંમર થોડી વધુ હોય કે જેમને 15 વખત બાળક દત્તક લેવા માટે આતુર પરિવાર સાથે મૅચ કર્યા બાદ હજુ સુધી તેઓ દત્તક ન લેવાયાં હોય."
"વેઇટિંગ લિસ્ટમાં રહીને પોતાના વારાની રાહ જોવાના સ્થાને ઘણા પરિવારો આ 'ઇમિડિયેટ પ્લેસમેન્ટ'ની યાદીમાંથી બાળકો પસંદ કરી લેતા હોય છે."
"તેમજ આ પરિવાર તેમના નિર્ણયને લઈને કેટલો ગંભીર છે એ વાત જાણવા માટે હાલના માળખા પ્રમાણે અધિકારીઓને પૂરતો સમય મળતો નથી. જેથી આ યાદીમાંથી દત્તક લેવાયેલાં બાળકો પરત આવવાની સંભાવના વધી જાય છે."
"આ સિવાય જે પરિવાર બાળકને દત્તક લેવા ઇચ્છતો હોય છે, તેઓ ઘણા બધા ગ્રૂપમાં પણ હોય છે."
તેમને આ ગ્રૂપમાં સલાહ આપનારી વ્યક્તિઓ અને અન્ય પરિવારો એવી વેઇટિંગ લિસ્ટમાં રાહ જોવા કરતાં 'ઇમિડિયેટ પ્લેસમેન્ટ'ની યાદીમાંથી બાળક દત્તક લેવા પ્રેરે છે. જે કારણે પણ આ દત્તક બાળકોને પરત મોકલવાનું આ ચલણ જોવા મળી રહ્યું છે."
"આવા પ્રકારની પરિસ્થિતિના નિરાકરણ માટે એજન્સીએ 3 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો અને પરિવારનું યોગ્ય કાઉન્સેલિંગ કરવાનું જરૂરી બનાવી દેવું પડે. તો કદાચ આ પ્રકારના કેસોમાં ઘટાડો થઈ શકે."

બાળકોનાં માનસ પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી સ્થિત ક્લિનિકલ સાયકોલોજિસ્ટ રિપન સિપ્પી બાળકોને દત્તક લીધા બાદ ફરી પાછાં અનાથાલયમાં મૂકી જવાના આ વલણ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવે છે, "એક વખત દત્તક લેવાયા બાદ આવાં બાળકોને જ્યારે પાછા અનાથાલયમાં મૂકી જવામાં આવે છે ત્યારે આવાં બાળકોને તેમનાં કુમળાં મન પર પહેલાંથી પડેલા ઘા પર ઘસરકો પડ્યા જેવી વેદના વેઠવી પડે છે. ખાસ કરીને 6 વર્ષ સુધીનાં બાળકો પર તો આ બનાવની ખૂબ જ ખરાબ અસર પડે છે."
"મનોવિજ્ઞાનની અટૅચમેન્ટ થિયરી પ્રમાણે પણ 0-6 વર્ષમાં બાળકનું ચરિત્ર ઘડાઈ જતું હોવાનું માનવામાં આવે છે. તેથી જ્યારે આ ઉંમરે કોઈ બાળકે રિજેક્શનનો સામનો કરવો પડે છે ત્યારે તેના માનસ પર આ ઘટનાની ખૂબ જ નકારાત્મક અસર થતી હોય છે."
તેઓ કહે છે કે "જ્યારે બાળક અનાથાલયમાં હોય છે ત્યારે પણ તેમને તેમનો પ્રાથમિક કેર ટેકર મળવો મુશ્કેલ હોય છે. જ્યારે તેઓ અનાથાલયમાં હોય છે ત્યારે પણ તેઓ અન્ય લોકો સાથે એટલાં ભળી શકતાં નથી."
"આવી પરિસ્થિતિનો સામનો કર્યા બાદ જ્યારે બાળક પ્રેમની આશામાં તેને દત્તક લેનારાં માતા-પિતા પાસે જાય છે, પરંતુ જ્યારે તેને દત્તક લેનારાં માતા-પિતા ફરીથી તેને અનાથાલયમાં મૂકી આવે ત્યારે નાનકડા બાળકને ખૂબ જ ખરાબ એવી 'રિજેક્શન'ની લાગણીનો સામનો કરવો પડે છે."
આવાં બાળકોમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારનું વર્તન જોવા મળે છે. જેમાં એક અવિશ્વાસની લાગણી, બીજું રિજેક્શનનો ભય અને ત્રીજું તરછોડી દેવાનો ભય સામેલ હોય છે.
જ્યારે ખૂબ જ નાની ઉંમરે બાળકોને બીજી વખત તરછોડી દેવામાં આવે છે. ત્યારે તેમનું મન બીજી વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ મૂકી શકતું નથી.
રિપન સિપ્પી કહે છે કે "બાળક દરેક વ્યક્તિ સાથે ગાઢ સંબંધો બનાવવાનું ટાળવા લાગ છે, કારણ કે તેમના મનના અંદરના ખૂણે ક્યાંક એ ભય હોય છે કે ક્યાંક એ વ્યક્તિ પણ તેમને અધવચ્ચે છોડીને જતી રહેશે તો?"
"જે બાળકોને નાની ઉંમરે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેમની અંદર રિજેક્શનનો અને સામેની વ્યક્તિ પોતાને ગમે ત્યારે છોડીને જતી રહેશે એવો ભય જોવા મળે છે."
"રિજેક્શનના ભયના કારણે તેમની અંદર એવી લાગણી ઉત્પન્ન થવા લાગે છે કે તેઓ ગમે એ કાર્ય કરશે, તેમાં એ બીજા લોકોથી ક્યારેય સારું પ્રદર્શન નહીં કરી શકે. આમ આ ભયના કારણે તેમની અંદર આત્મવિશ્વાસનો અભાવ દેખાવા લાગે છે."
અહીં સૌથી વધારે ચિંતાની વાત તો એ છે કે બાળકોનાં મનમાં આ ભય ઘર કરીને બેસી ગયો હોવા છતાં અન્ય લોકો સમક્ષ ક્યારેય તેની મનોદશા છતી થતી નથી.
આવાં બાળકો સમય પસાર થતાં તેમની મનપસંદ કોઈ એક પ્રવૃતિ પ્રત્યે વધારે આકર્ષણ અનુભવવા લાગે છે.
નાની ઉંમરે જ્યારે બાળકને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે બાળકના વ્યક્તિત્વનો વિકાસ એક પ્રકારે રૂંધાઈ જાય છે.
"આવાં બાળકો સામાન્ય સંબંધો તો સરળતાથી સ્થાપિત કરી શકતાં હોય છે, પરંતુ પોતાના જીવનમાં ક્યારેય તેઓ ગાઢ સંબંધો વિકસાવી શકવા માટે અસમર્થ બની જાય છે, કારણ કે તેમને ભય હોય છે કે જો આ સંબંધ પ્રસ્થાપિત થયા બાદ એ વ્યક્તિ તેને ત્યાગી દેશે તો એ દુ:ખ પોતે સહન નહીં કરી શકે."
"જીવનનાં શરૂઆતનાં છ વર્ષો વ્યક્તિના જીવનની ઇમારત માટે પાયારૂપ હોય છે. તેના આધારે જ જે-તે વ્યક્તિના વ્યક્તિત્વની ઇમારત ઊભી થતી હોય છે, પરંતુ જો શરૂઆતનાં વર્ષોમાં જ બાળકોને આવાં દુ:ખનો સામનો કરવો પડે તો તેમનું જીવન સામાન્ય લોકો કરતાં સાવ જૂદું જ બની જતું હોય છે."
તરછોડાયેલાં બાળકો સામાન્ય જીવન પસાર કરી શકે એ માટે સરકારે કયાં પગલાં લેવાં જોઈએ એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, "આવાં બાળકોનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવે એ જરૂરી છે. આવાં બાળકોને નિષ્ણાત મનોવૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ રાખવાં આવશ્યક બની જાય છે."
"બાળકો સાથે વાત કરીને તેમની મનોદશા સમજીને યોગ્ય ચિકિત્સકીય પગલાં લેવાં જોઈએ. આમ છતાંય એ શક્યતા ઘણી પ્રબળ છે કે તેમના માનસ પર થયેલી નકારાત્મક અસરને સંપૂર્ણપણે દૂર કરવું શક્ય નહીં બને. તેમ છતાં બાળકોને આ દુ:ખમાંથી બહાર લાવવા સરકારે પ્રયત્નો તો કરવા જ જોઈએ."

નિરાશાસભર જીવન ગાળતાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images
દત્તક લેનાર પરિવાર જ્યારે બાળકને પરત અનાથાલયમાં મૂકી જાય છે ત્યારે એ બાળકના માનસ પર થતી અસરને સમજાવતા એલોમા લોબો જણાવે છે કે, "આવાં બાળકોને વારંવાર રિજેક્શનનો સામનો કરવો પડે છે. પહેલાં પોતાનાં જૈવિક માતા-પિતા તરફથી, બીજી વખત તેમના અનાથાલયમાંથી અને ત્રીજી વખત જ્યારે તેમને દત્તક લેનાર પરિવાર તેમને પરત અનાથાલયમાં મૂકી જાય છે ત્યારે."
"આ પરિસ્થિતિમાં બાળકના મનમાં નિરાશા ઘર કરી જાય છે. બાળકો ક્યારેય આ નિરાશામાંથી બહાર આવી શકે છે કે નહીં એ પણ એક સવાલ છે. કોઈ પણ બાળકને આવા રિજેક્શનનો સામનો કરવો પડે એ બિલકુલ ખોટું કહેવાય."

તંત્રએ વધુ તકેદારી રાખવાની જરૂર

ઇમેજ સ્રોત, Getty Images
બાળ અધિકારોના નિષ્ણાત સુખદેવ પટેલ આ મામલે કહે છે, "જ્યારે બાળકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, ત્યારે વારંવાર અલગ-અલગ વાતાવરણમાં જવાના કારણે બાળકોનાં મન પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે."
"તમામ એજન્સીઓએ CARAની ગાઇડલાઇનને સંપૂર્ણપણે અનુસરવું જોઈએ. તેની તમામ જોગવાઈઓનું પાલન થવું જોઈએ."
"એજન્સીઓએ અને CARAએ માત્ર પોતાની કામગીરી બતાવવા માટે ગેરજવાબદાર માતા-પિતાને બાળકો દત્તક આપવાનું ટાળવું જોઈએ. બાળકો તેમની સફળતા સિદ્ધ કરવા માટેનું માપદંડ નથી."
"બાળકો દત્તક લેવા માટે ઇચ્છુક પરિવારોને યોગ્ય સમજાવટ બાદ જ 'ઇમિડિયેટ પ્લેસમેન્ટ' યાદીમાંથી બાળક દત્તક લેવાની પરવાનગી મળવી જોઈએ. આ બાબતે કોઈ પણ પ્રકારની નિષ્કાળજી કે ગેરજવાબદારી ચલાવી લેવી ન જોઈએ."
અમદાવાદ સ્થિત સિંગલ મધર નૂપુર જણાવે છે કે, "કોઈ માતા-પિતા વિચાર્યાં વગર બાળકને દત્તક લેવાનો નિર્ણય લેતાં હોય એવું મને નથી લાગતું."
"તેમ છતાં ઘણી વાર જ્યારે બાળકો મોટી ઉંમરનાં હોય છે ત્યારે ઘણી વખત પરિવારની સાથે બાળકને ના ફાવે તેવું બને છે. એ કારણે પણ આ પ્રકારનું ચલણ જોવા મળી શકે."
નૂપુર કહે છે કે "દરેક પરિવાર ભવિષ્યનો વિચાર કરીને જ બાળક દત્તક લેવાનો નિર્ણય લેતો હોય છે. તેથી હું નથી માનતી કે કોઈ પણ માતા-પિતા પોતાના દત્તક લીધેલા બાળકને જાણીજોઈને છોડી દેતાં હોય, તેની પાછળ ઘણાં અન્ય કારણો જવાબદાર હોઈ શકે."

નવી સિસ્ટમના કારણે મુશ્કેલી

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોના જણાવ્યાનુસાર બાળકોને દત્તક આપવાની સિસ્ટમને કથિતપણે વધુ પ્રભાવશાળી બનાવવા માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસમંત્રાલય દ્વારા વર્ષ 2015માં ફેરફાર કરવામાં આવ્યા.
આ ફેરફારો બાદ બાળકોને દત્તક આપવાની પ્રક્રિયાના ડિજિટલાઇઝેશ અને સેન્ટ્રલાઇઝેશન કરવાની દિશામાં કામ થવાનું શરૂ થઈ ગયું છે.
ચાઇલ્ડ અડૉપ્શન્સ રિસોર્સ ઇન્ફોર્મેશન ઍન્ડ ગાઇડન્સ સિસ્ટમ નામક નવી સિસ્ટમ એટલે કે CARINGSની રચના અડૉપ્શન પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવાના ઉદ્દેશ સાથે થઈ હતી.
આ સિસ્ટમ મારફતે બાળક દત્તક લેવાના ઇચ્છુક પરિવારોને આખા દેશમાં અડૉપ્શન માટે ઉપલબ્ધ બાળકોની યાદી તૈયાર કરાઈ.
જેમાં રાજ્યવાર યાદીનો પણ સમાવેશ થાય છે. તેમજ આ સિસ્ટમ હેઠળ તૈયાર કરાતી નેશનલ વેઇટિંગ લિસ્ટમાં ગમે તે પરિવારને સામેલ થવાની તક પ્રાપ્ત થઈ હતી.
પરંતુ વર્ષ 2016માં CARA દ્વારા 'ઇમીડિએટ પ્લેસમેન્ટ'નું નવું મથાળું રચવામાં આવ્યું. આ યાદીને કારણે નેશનલ વેઇટિંગ લિસ્ટમાં રહેલા પરિવારો માટે તાત્કાલિક બાળક મેળવવાની તક ઊભી થઈ.
નિષ્ણાતોના મત પ્રમાણે આ ડિજિટલ યાદીના પોતાના લાભ અને ગેરલાભ પણ છે. ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારનાં બાળકો જેમનાં પર પહેલાં બાળક દત્તક લેવા ઇચ્છુક પરિવારની નજર નહોતી જતી તેઓ પણ હવે દત્તક લેવાવાં લાગ્યાં છે.
તેમ છતાં આ ડિજિટલ લિસ્ટના કારણે બાળક દત્તક લેવાનાં ઇચ્છુક માતા-પિતા અને એજન્સીના કાર્યકરોનો સીધો સંપર્ક રહેતો નથી.
જેથી પરિવારને યોગ્ય માર્ગદર્શન આપી શકાતું નથી. આ કારણે બાળક દત્તક લેવાનાં ઇચ્છુક માતા-પિતાને પૂરતું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મળી શકતું નથી.
કદાચ અનાથ બાળકોને ફરી વખત અનાથ બનાવવા માટેનું આ એક મુખ્ય કારણ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














